શા માટે ભાજપ સરકારે બે મંત્રીઓના મંત્રાલય છીનવ્યા?- કોગ્રેસ

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

ભાજપ સરકારના મંત્રીમંડળમાંથી મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી પાસેથી ખાતાઓ રાતોરાત આંચકી લેવાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૭માં જુદા જુદા વાયદાઓ આપીને સત્તા મેળવનાર ભાજપ ભ્રષ્ટાચાર અને આંતરીક ખેંચતાણમાં ગળાડૂબ છે, તેના કારણે થોડા સમય પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલી નાંખવાની ફરજ પડી હતી, ત્યારબાદ પણ નવા મંત્રીઓએ ભાજપના ભ્રષ્ટાચારનો સિલસિલો ચાલુ જ રાખ્યો હોય તેમ રાતોરાત મહેસુલ અને માર્ગ-મકાનનો હવાલો સંભાળતા બે સીનીયર મંત્રીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ભાજપ જે મંત્રીઓના વખાણ કરતું હતું અને જેને નાયક તરીકેનું ઉપનામ આપેલ, જેઓ રેડ કરતા હતા, ભ્રષ્ટાચારીઓને પકડતા હતા તો પછી કેમ આવા મંત્રીશ્રીને પડતા મુકવામાં આવ્યા ? તેના કારણો સહિત જનતાને જણાવવું જોઈએ.

અગાઉ મુખ્યમંત્રીશ્રી તરીકે વિજયભાઈ રૂપાણી સ્વીકારી ચુકયા હતા કે ”મહેસુલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારી છે” અને હાલની મંત્રીઓની હકાલપટ્ટી મુજબ પણ મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. કેમ કે મહેસુલ મંત્રીનાં કયા કાચા ચિઠ્ઠાં હાથે લાગ્યા કે એમને હટાવવા પડ્યા તેવો આક્ષેપ શ્રી મનીષ દોશીએ કર્યો હતો અને કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે શ્રી પૂર્ણેશભાઈ મોદીએ કેવા અને કોના ખાડા પૂર્યા તો કેમ હટાવવા પડ્યા કે રોડ એન્ડ બિલ્ડિંગનાં કોન્ટ્રાક્ટ આપવામાં પૂર્ણેશભાઈએ પોતાના માનીતાને ગોઠવ્યા અને સુરતમાં ચાલતી હરીફાઈનો ભોગ પૂર્ણેશભાઈ બન્યા શું ?

શ્રી મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે 30 હજાર ચોરસ મીટર જમીન બારોબાર કોના ખાતે ચઢાવી દેવાઈ ? દલિત સમાજની જમીન કોના નામે ચઢાવી ? કયાં ખેડૂતની જમીન કોના નામે થઈ ગઈ ?

મહેસુલ મંત્રીશ્રીને હટાવવા માટેના કારણોમાં જે-જે સર્વે નંબરો હોઈ તેની યાદી જાહેર કરીને જનતાને વાકેફ કરવી જોઈએ. અમદાવાદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં અનેક સર્વે નંબર ખુલ્લા પડ્યા હતા અને
શ્રી રાજેન્દ્રભાઈના કામ સાથે સરકાર અને દિલ્હીમાં બેઠેલા કયા નેતાઓને ચિંતા થઈ કે શ્રી રાજેન્દ્રભાઈને હટાવી દેવાયા.

ભાજપ સરકારનું સમગ્ર મંત્રીમંડળ બદલાયું પરંતુ ભ્રષ્ટાચારી લુંટનું ચરિત્ર નથી બદલાયું. હાલમાં પણ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, સમગ્ર મંત્રીમંડળ બદલવાથી ભ્રષ્ટાચાર અટકી ના શકયો તે બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાથી કેવી રીતે અટકી શકશે તેવો વેધક પ્રશ્ન કર્યો હતો અને રાજ્ય સરકારની છબી સાફ હોય તો બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાયા તે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને શ્રી પુર્ણેશભાઈ મોદી કઈ બાબતમાં ફેલ ગયા તે જાહેર કરવું જોઈએ.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *