ભાખરા ગામની બહેનોએ મહુડાના લાડુ બનાવી આત્મનિર્ભય ગામ રજૂ કર્યું
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
- નારી વંદના ઉત્સવ
- વિજયનગરના ભાખરા ગામના અંબિકા સ્વ સહાય જૂથ દ્વારા મહુડાના લાડુ બનાવી રોજગારી ઊભી કરાઈ
- મહુડાના લાડુ શારીરિક સ્વાસ્થ્ય માટે તેમજ સાંધાના દુખાવામાં ખૂબ જ લાભદાયી છે
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના ભાખરા ગામના અંબિકા સ્વ સહાય જૂથની બહેનો દ્વારા મહુડાના લાડુ બનાવી વેચાણ કરવામાં આવે છે. પછાત અને અલ્પ શિક્ષિત આદિજાતી વિસ્તારની આ મહિલાઓ મહુડાના ફૂલના લાડુ બનાવી આર્થિક રીતે સધ્ધર બની રહી છે.
કુદરતના ખોળે રહેતા આદિજાતિ વિસ્તાર ગણાતા વિજયનગર તાલુકાના ભાખરા ગામની મહિલાઓ દ્વારા સ્થાનિક વસ્તુઓનું મૂલ્ય વર્ધન કરી તેમાંથી રોજગારી કમાવાની શરૂઆત કરી છે. અંબિકા સ્વ સહાય જૂથના સુશીલાબેન અસારી જણાવે છે કે, ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અમને તાલીમ મળી જે બાદ અમે મહુડાના લાડુ બનાવવાની શરૂઆત કરી હતી. આ લાડુ અમે ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ. મહુડાના લાડુ ખૂબ જ ગુણકારી હોવાની સાથે સાંધાના દુખાવાઓમાં ફાયદાકારક છે. શરીર સ્વાસ્થ્ય માટે લાભદાય એવા આ મહોડાના લાડુ ૬00 રૂ. કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે.જેમાં તેમણે સીઝનમાં સારો એવો ફાયદો થાય છે. બીન સીઝનમાં પણ તેમને વત્તા ઓછા પ્રમાણમાં ઓર્ડર મળે છે. ઓર્ડર મળે ત્યાર બાદ જ તેઓ લાડુ બનાવે છે જેથી ગ્રાહકને તાજા લાડુ આપી શકાય. એક થી દોઢ મહિના સુધી સારા રહે છે.
અંબિકા સ્વ સહાય જૂથ થકી 10 જેટલી બહેનો હાલમાં ઘરે બેઠા આજીવિકા મેળવી રહી છે. મહુડાના ઝાડ આ વિસ્તારમાં હોવાથી નવરાશના સમય મહુડાના ફૂલ વીણી લાવી તેને ધોઈ સાફ કરી સુકવીને તેણે દળીને લાડુ બનાવવામાં આવે છે. આ લાડુ બનાવવા માટે તમામ વસ્તુ ત્યાંની સ્થાનિક હોય છે. ઓર્ડર પ્રમાણે મહિલાઓ લાડુ બનાવે છે. સાફ સફાઇનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
વધુમાં સુશીલાબેન જણાવે છે કે તેમના મહિલા મંડળ દ્રારા પ્રાકૃતિક હળદરનો પાવડર બનાવી વેચાણ કરવામાં આવે છે.
મહુડાના આયુર્વેદિક ગુણોને કારણે આ લાડુ ખૂબ જ ગુણકારી શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે મહુડા આ વિસ્તારની વિશેષતા છે જેથી અહીંની મહિલાઓને આજીવિકા નું સાધન મળવાની સાથે અન્ય વિસ્તારના લોકોને સ્વાસ્થ્યપ્રદ મીઠા લાડુ મળી રહ્યા છે.