જાણો દેશી ગુલાબી ગુલાબ કેવી રીતે જતનથી વાવશો

 જાણો દેશી ગુલાબી ગુલાબ કેવી રીતે જતનથી વાવશો

Avspost.com બ્યુરો અમદાવાદ

હાલમાં ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં વર્ષાઋતુ બરોબર જામી છે ત્યારે ઘણા ગાર્ડનિંગના શોખીન લોકો નર્સરી માંથી તૈયાર ફુલછોડ લાવીને ઉછેરે છે . પરંતુ આજે આપણે એ પ્રકારના ફૂલની વાત કરવી છે જે કોઈના બગીચા માંથી કલમ લાવીને કરીએ તો પણ ઉગી જાય અને આપણો નર્સરી માંથી છોડવાનો ખર્ચો પણ બચી જાય ! ખાસ કરીને દેશી ગુલાબની કે જેની કલમ કોઈ જગ્યાથી કાપીને લાવીએ તો પણ સરસ રીતે તૈયાર થઈ જાય છે!

તો આવો જાણીએ આ દેશી ગુલાબ ઉછેરવાની એક અનોખી ટેકનીક અને તેનું મહત્વ.

કેટલાક ફુલોને કુદરતે આહલાદક સુગંધ આપી છે કેટલાકને અપ્રતિમ સુંદરતા આપી છે. તો વળી કેટલાકને મનમોહક સુગંધ અને સુંદરતા બન્ને સાથે મળ્યા છે.


મનમોહક સુગંધ અને સુંદરતાનું શ્રેષ્ઠ મિશ્રણ કદાચ દેશી ગુલાબમાં છે. એટલે જ ફુલોનો રાજા પણ કહી શકાય. સંગંધિત ફુલો તો ઘણા હોય છે પણ દેશી ગુલાબમાં કુદરતે એવી માફકસરની સુગંધ મૂકી છે કે તે સુગંધ તમારી આસપાસ સતત વહ્યા કરે તો ભાગ્યે જ કોઈને અકળામણ થાય. અન્યથા તીવ્ર સુગંધ મોટાભાગે થોડા સમયબાદ અકળાવનારી હોય. વળી ગુલાબને સુંદરતા આપવામાં તો કુદરતે થોડી પણ કચાશ છોડી જ ક્યાં છે.

ગુલાબી દેશી ગુલાબ એ વગર મહેનતે અને ખાસ કાળજી વગર ઉગતો છોડ હોય કુદરતની લાજવાબ ભેટ કહી શકાય.

દેશી સુગંધીદાર ગુલાબની કલમ કરીને કેવી રીતે વાવશો એ જાણો

ચોમાસાની ઋતુમાં દાંતણ જેવી જાડાઇ અને સાઇઝની ડાળી જમીનમાં કે બાગાયત માટી ભરેલ કુંડામાં ખોસી દો એટલે ઉગ્યું જ સમજો. વધુ પડતું પાણી કે પાણીની અછત બન્ને સ્થિતિથી બચાવવાની કાળજી લો એટલે પત્યું. જો શક્ય હોય તો જમીનમાં જતાં ભાગને કુંવારપાઠા (એલોવેરા)નાં તાજા પાનનો રસ લગાવી વાવવું. તે ગુલાબ ડાળીનું ફૂગથી રક્ષણ કરી મૂળ ફુટવામાં મદદ કરશે. પરિણામ ઝડપી અને સારૂં મળે. ધંધાદારીઓ રૂટ હોરમોન પાવડર વાપરતા હોય છે પણ ઘરઘથ્થું શોખીનો માટે એની ખાસ જરૂર નથી.

થોડા એડવાન્સ શોખીન લોકો દેશી ગુલાબની ડાળી ઉગ્યા બાદ નવી ફુટ પર ગ્રાફ્ટિંગ કરી વિવિધ ગુલાબ ઉગાડી શકે છે. પણ સર્વાંગ સુંદર ગુલાબી ગુલાબ માટે ગ્રાફ્ટીંગની જરૂર નથી. વધુ ફુલો મેળવવા માટે પોષક વ્યવસ્થા જાળવવી જરૂરી. જો કે હું એવા પણ કોઈ ખાસ પ્રયતનો કરતો નથી. ફુલો આવતા ઓછા થાય કે બંધ થાય એટલે છટણી કરીએ સારૂ કમ્પોસ્ટ આપીએ. પાછી નવી ફુટ અને નવા ફુલો ચાલું. તમને વધુ ફુલ લેવાનો શોખ હોય તો કમ્પોસ્ટ સાથે લાકડાની રાખ / ફીશ બોનમીલ વગેરે આપી શકો. પૂરતા ફોસ્ફરસ અને પોટાશ મળે તો ફુલો સામાન્ય કરતા વધુ મળે.

દેશી ગુલાબી ગુલાબનો છોડ ઝડપથી મોટો અને વિશાળ થવાનું લક્ષણ ધરાવે છે. જંગલી જાતમાંથી સીધો ઉતરી આવેલ હોય કાંટા ખૂબ હોય ઉપરાંત યોગ્ય વાતાવરણમાં આડેઘડ વધતો હોય બાલ્કની જેવી સાંકડી જગ્યામાં કદાચ અનુકુળ ન પડે પણ મોટા વરંડા કે ખુલ્લી જગ્યામાં સરળ પડે. રસ પડ્યો હોય તો હજી સમય છે. ઉગાડી લો ક્યાંકથી દેશી ગુલાબની ડાળખી મેળવી. મોટા છોડમાં તો મારે કેટલીક વાર 50 – 60 ગુલાબ પણ એક સાથે ખીલી જાય.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *