અંબાજીમાં પૂજન કરેલું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે

 અંબાજીમાં પૂજન કરેલું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે

અયોધ્યામાં અજયબાણ

*શક્તિપીઠ અંબાજી – ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં “અજયબાણ”ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ*
———————————-
*રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક “અજયબાણ”ની પ્રતિકૃતિ મુકાશે*
————————————-
*જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચ ધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે*
————————————–

 

જગતજનની મા અંબામાં અતૂટ અડગ આસ્થા ધરાવતા માઇભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ – અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

 

આ અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજરોજ શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે “અજયબાણ” ની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં જયભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલે જયભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતાં અયોધ્યા યાત્રા માટે શુભાશિષ પાઠવ્યા હતા.

પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે. ત્રેતાયુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિ મા જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું. ભગવાનશ્રી રામે મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું. આથી આદ્યશક્તિ મા અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું. આ બાણ એજ “અજય બાણ” જેના થકી પ્રભુ શ્રી રામે દશાનન રાવણનો સંહાર કર્યો. આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો ‘રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા, ઓમ જયો જયો મા જગદંબે.’ માં પણ જોવા મળે છે.

જય ભોલે ગ્રુપ અમદવાદના ફાઉન્ડર દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદથી જ બધુ થઈ રહ્યું છે. ત્રેતા યુગમાં મા અંબાએ ભગવાન રામને અજયબાણ આપી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો. અત્યારે કળીયુગમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમને આ પૌરાણિક કથા ઉપરથી અજયબાણ બનાવવાની પ્રેરણા થઈ જેથી અમે પંચધાતુમાંથી 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજનનું અજયબાણ બનાવ્યું છે. જે આગામી 10 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુશ્રી રામના મંદિરમાં અર્પણ કરીશું.

વધુમાં તેમણે જણાવ્યું કે અમે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાને રાખી જય ભોલે ગ્રુપ તમામ ભક્તોને અજયબાણના દર્શન માટે આમંત્રણ પાઠવે છે. દરેક રામભક્ત અજયબાણ નિહાળી તેના દર્શન કરી શકે એ માટે 1લી જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી અમદાવાદ એન્જિનિયર્સ, સી-1, બી 4318, રોડ નં.4યુ, ફેજ- 4 જી.આઈ.ડી.સી. વટવા, અમદાવાદ ખાતે સાંજે 4 થી રાતના 8 વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જય ભોલે ગ્રુપ 8 મી જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થશે અને 10 મી જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં આ અજયબાણ પ્રભુશ્રી રામને અર્પણ કરશે.

*”અજયબાણ” ની અનોખી વાત”*
દીપેશભાઈ પટેલની વટવા, અમદાવાદની ફેકટરીમાં નિર્મિત અજયબાણના નિર્માણમાં 5 દિવસનો સમય લાગ્યો છે. 15 કારીગરોએ દિવસ રાત 24 કલાકની મહેનતને અંતે અજયબાણનું નિર્માણ કર્યું છે. 5 ફૂટ ની લંબાઈ અને 11.5 કિલોગ્રામ વજન ધરાવતું પંચધાતુમાંથી નિર્મિત આ અજયબાણ બનાવવામાં  અંદાજીત 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જય ભોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલું અજયબાણ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરમાં અર્પણ કરવામાં આવશે.

ધનુર્વેદ નામના ગ્રંથમાં બાણની વિશેષતાઓ સાથે બાણ કઇ રીતે ચલાવાય એનો ઉલ્લેખ મળે છે. જેમાં જણાવ્યા મુજબ તીર બે હાથ કરતાં લાંબુ અને નાની આંગળી કરતાં જાડુ ન હોવું જોઈએ. તીર ત્રણ પ્રકારના હોય છે, જેનો આગળનો ભાગ જાડો હોય તેને નારી કહેવાય, જેનો પાછળનો ભાગ જાડો હોય તેને પુરુષ કહેવાય અને જે સર્વત્ર સમાન હોય તેને નપુંસક કહેવાય. નારીજાતીના તીર ખૂબ આગળ જાય છે. પુરૂષ જાતિના તીર બહુ અંદર જાય છે અને નપુંસક જાતિના તીર ઉત્તમ નિશાન સાધે છે. તીરને ઘણા પ્રકારનાં ફળ (આગળનો ભાગ) હોય છે. જેમ કે, અરામુખ, ક્ષુરપ્ર, ગોપુચ્છ, અર્ધચંદ્ર, સૂચીમુખ, ભલ્લ, વત્સદન્ત, દ્વિભલ્લ, કાણિક, કાકતુંડ, વગેરે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *