ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
જમાલકુડુ: જાણો એનિમલ ફિલ્મના અતિ લોકપ્રિય થયેલા સંગીતના ધૂનની રહસ્યમય વાત
સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814640)
જમાલકુડુ: Music Always connects!😃
સૂકા દુષ્કાળ જેવી સ્થિતિમાંથી બોલીવુડને બેઠું કરનાર પઠાણે કમાણીમાં છોતરા ફાડી નાખ્યાં. એ પછી જવાને સિસ્ટમ સામે બાંયો ચડાવીને એક વેઇકપ કોલ જેવું કામ કર્યું. વચ્ચે તું જુઠ્ઠી મે મકકાર નામની ફિલ્મ આવી પણ એ ઠીક ઠીક રહી. પણ પૈસાના ખોખા તો એને પણ ભરી લીધા. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા ખરાબ સમયમાંથી પસાર થઈ કે કલાકારો તો ઠીક એને કાયમ . માણનારા દર્શકો એક કપરો દાયકો કોઈ દિવસ ભૂલી નહીં શકે. વિષય સારો હોઈ તો સ્ક્રીપ્ટમાં ઠેકાણા ના હોય, પ્રેઝન્ટેશન સારું હોય તો ગીતમાં ઠેકાણા ના હોય. ગીતની વાત આવી એટલે એક વાત પર એ પણ પ્રકાશ પાડું કે, મ્યુઝિક વીડિયોથી આખા સંગીત અને વિડીયોની ફ્લેવર્સ બદલી ગઈ. 90 ના દાશકમાં આ કામ પોપ મ્યુઝિકથી થયું. એની પણ પહેલા બપ્પી દા એ ડાન્સ મ્યુઝિક પીરસીને દરેકના પગને થીરકતા કરી દીધા.
કોરોનાના કાળ બાદ જાણે યુગ પરિવર્તન થયું હોય એવો અહેસાસ થયો. ખાસ કરીને સંગીતના સેક્ટરમાં એવી નવી ટેકનોલોજી આવી કે ઘરબેઠા પણ અમુક વસ્તુનું કંપોઝિશ શક્ય બન્યું પણ એમાં પણ સ્ટુડિયોની ફીલ અને એક્સપર્ટની ઇફેક્ટ તો મિસીંગ જ હતી. ટાઇગર 3 ફિલ્મથી અરિજિત અને સલમાનનો મેળ પડી ગયો. એટલે સ્વેગ સે સ્વાગત ચાલ્યું એટલું લેકે પ્રભૂકા નામ ના ઉપડ્યું. સલમાનને પણ પ્રભુનું નામ લેવું પડ્યું હશે ત્યારે ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લેવામાં રીતસરની હાફી ગઈ. વચ્ચે પાછો વર્લ્ડકપ આવ્યો પણ ઓસ્ટ્રેલિયા એને ખેચી ગયું. એ પછી બાદશાહના ધૂમધડાકા વાળા પાર્ટી સોંગ રિચાર્જની વેલીડિટીની જેમ આવ્યા. જે ક્યારે ફેંકાઈ ગયા એની ખબર જ ન પડી. વેલ, એનિમલ ફિલ્મે રણબીર કપૂરના સાતેય રંગ ખીલવી દીધા. ઈમોશન, લવ અને લોહીના ફુવારા કરતાં એક્શન સીન એવા રહ્યા કે કબીરસિંહ ટૂંકા પડે. એમાં પણ 500 ટન વજનવાળી ઓરીજીનલ ગનથી રીતસરનો શોક લાગ્યો. જોકે આની પાછળ સુરેશ સેલવર્જન નું ભેજું છે. ઠેકન્સ ટુ હીસ ટીમ. (કાઠિયાવાડી થેંક્યું ને ઠેંક્યું બોલે….હા હા). રણબીરએ આ ફિલ્મથી એક્શનનો નવો માઇલસ્ટોન ઉભો કરી દિધો. પણ આ રેઇનબો કપૂર કરતા પણ વધુ ચર્ચા એ ફિલ્મના વિલનની છે.
આશ્રમ વેબ સિરીઝથી વિલનના રોલમાં કમબેક કરનાર બોબી આખી ફિલ્મમાં એક શબ્દ બોલ્યો નથી. પણ આ ધરમપુત્ર એ ફેસ એક્સ્પ્રેસમાં કાયદેસર પાડી દીધાં. હવે એની એન્ટ્રી વખતે એ જે ગીત વાગે છે એના મૂળ ઈરાનના છે. ઈરાનની એક સમયની કવિતા હતી આ જમાલકુડુ. અસ્સલમાં હર્ષવર્ધન રામેશ્વરમ એ આ ગીત કંપોઝ કર્યું છે. વર્ષો પછી આ ધૂન ડીજેની જુદી જુદી બીટ પર વાગે છે. ઈરાનના ખત્રેહ ગ્રૂપ આને સૌથી પહેલા કમ્પોઝ કરેલું. એ વખતેની આબેહૂબ ધૂન ફિલ્મમાં લેવાઈ છે. વર્ષ 1950માં ઈરાનમાં આવેલી ખરાઝેમી ગર્લ્સ હાઈ સ્કૂલમાં કવિતા રૂપે પ્લે થયું. બીજાન સમાંદર નામના સર્જકે આના શબ્દો લખ્યા છે. ભલે આપણા દિમાગમાં એ સમજાય નહિ પણ ઈરાનની ભાષામાં એનો એક અર્થ થાય છે. એમ તો કોલાવેરી ડી માં પણ કોઈને કંઈ ટપ્પો પડ્યો ન હતો, પણ મજા બધાને ખુબ આવી.
પહેલી વખત આ ગીત શિરાઝી ચોઇરે ગાયું. પછી ઈરાનના કોઈ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ગવાતું. સંદીપ વાંગા રેડ્ડીના એક્શન સીન માટે જેટલી ગાળો દેનારા છે તો એકવાર એની આવી ધી બેસ્ટ કહી શકાય એવી મ્યુઝિક સેન્સ માટે પણ એક તાલી તો બનતી હૈ…હવે કરીએ ગીતની અંદરની વાત. હવે જેને ધ્યાન આ ગીત સાંભળ્યું હશે એને ખ્યાલ હશે કે આ ગીતમાં કોઈ જ સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેંટ પાછળ નથી વાગતા. કોઈ જ લીડ પ્લેઈંગ થતું નથી. આખું ગીત કોરસ (ગાયકોનું એક ગ્રુપ જે લીડ સિંગરની પાછળ ગાતું હોય) થી શરૂ થાય છે અને કોરસમાં જ એન્ડ થાય છે. બીજી એક ખાસ વાત આખું ગીત કલેપ બિટ પર છે. વીડિયોમાં પણ એક ગ્રુપ તાલીના સહારે ગીત ગાય છે. બેગ્રાઉંડમાં વાગતું વાજુ એક કોઈ હાર્મોનિયમ નથી. આર્કોડિયન છે. આ ગીત ફિલ્મમાં પ્લે થયા બાદ એની એન્ટ્રી ક્લિપ ચાર દિવસમાં 24 મિલિયન વ્યું સુધી પહોંચી ગઈ.
બોબીની એન્ટ્રી વખતે આ ગીત વાગશે એ નિર્ણય ડાયરેક્ટરનો હતો. પણ એમાં બોબી જે ડાન્સ કરે છે એ ડાન્સ આઈડિયા બોબીનો પોતાનો છે. જે રીતે જવાન ફિલ્મમાં ટ્રેન મા શાહરૂખ બેકરાર કર કે હમે ગીત પર જે ડાન્સ સ્ટેપ કરે છે એ કોઈ જ કોર્યોગ્રાફરે એને શીખવાડયા નથી. એ એના પોતાના છે. જ્યારે બોબીને એની એન્ટ્રી કેહવામાં આવી એ સમયે બોબીને એનું બાળપણ સાંભર્યું. નાનો હતો ત્યારે તેણે પંજાબમાં કોઈને ગ્લાસ માથે મૂકી નાચતા જોયેલા. આ જ વસ્તુ બોબી ફિલ્મમાં કરે છે. ફિલ્મના વીડિયોમાં દેખાતી મસ્ત છોરી હકીકતમાં ઈરાનની જ છે. જે ક્રશગર્લ બની ગઈ છે. જેના ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત 2 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ એવી મેહનતું છોરી છે જેને કર્મબળે કમાણી કરી છે. નોરા સાથે પણ નાચી ચૂકી છે. ટૂંકા સમયની સ્ક્રીન પ્રેઝેન્સ કામ કરી ગઈ. બંદી સ્ટાર બની ગઈ. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વખતે ઈરાનની ભૂમિકા સામે સવાલ થયા હતાં. એક સમયે આ દેશને લોકો અલગ નજરથી જોતા હતાં. પણ આ ગીતના મૂળ ઈરાનમાં છે અને આજે દર દસ લોકોની રિલ્સ, સ્ટોરી અને સ્ટેટસ આ ગીત જોવા મળે છે. આ જ તો તાકાત છે સંગીતની, કલાની, ફિલ્મની, અપિલિંગની. સમજાય ભલે કાઈ નહીં પણ મજા બૌ આવ્યા રાખે. કલા કાયમને માટે કનેક્ટ કરવાનું કામ કરે છે એ પછી સંગીત હોય કે સાહિત્ય. મ્યુઝિક તો ઓલવેઇઝ જોડે છે. જેને અલગ નજરે જોતા એ જ દેશનું ગીત આજે આઇકોન છે. સેલ્યૂટ છે આ સંગીતને અને સંદીપ વાંગાં રેડ્ડીને.
*જમાલકુડુંની જમાવટ*
*વાઇરલ સોંગ પાછળની હકીકત*