આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં

 આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં

(સૌજન્ય : દિલીપ ગજ્જર , ગુજરાત માહિતી ખાતુ)

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં”

¤ “પ્રત્યેક નાગરીક અપનાવે એક મંત્ર: ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને કરવા દઈશ”: GCRI ડિરેક્ટર ડો. શશાંક પંડ્યા

તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ,તેમ છતાં તેનો ઉપયોગકર્તા લોકોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તમાકુનું વ્યસન એ સદીની સૌથી મોટી મહામારી કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. ભારતમાં રોજના હજારો લોકો તમાકુના વ્યસનથી થતી કેન્સર સહિતની અલગ-અલગ બીમારીઓના કારણે મોતને ભેટે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ, ભારતમાં 30 ટકા કેન્સર માત્ર તમાકુના સેવનથી થાય છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12થી 17 વર્ષની વયના સગીર વધુ થાય છે. વેસ્ટર્ન કલ્ચર અને ફિલ્મોનું આંધળું અનુકરણ જેવા કારણોસર સગીર વયે વ્યક્તિ વિવિધ વ્યસનોનો શિકાર બને છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મે ના દિવસને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પર થતી હાનિકારક અસરોથી અવગત કરાવી નાગરીકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ ૨૦૨૩ની થીમ તરીકે “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં” – “WE NEED FOOD, NOT TOBACCO” રાખવામાં આવી છે.

તમાકુ નિષેધ દિવસ સંદર્ભે ગુજરાત કેન્સર રીસર્ચ ઈનસ્ટીટ્યુટના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યા સાથે થયેલી વાતચીત મુજબ, તમાકુનુ સેવન માનવ શરીર માટે હાનિકારકની સાથે જીવલેણ પણ છે. તમાકુનું સેવન, ખાસ કરીને ધ્રુમ્રપાન કરવાથી મુખ્યત્વે લંગ કેન્સર, હાર્ટ ડિસીઝ, મગજનો સ્ટ્રોક, અસ્થમા અને ટાઈપ-૨ ડાયાબિટીઝ જેવા રોગ થવાનો ખતરો રહેલો છે. ડો. શશાંકે મહાત્મા ગાંધીને ટાંકતા જણાવ્યું હતું કે, “YOU MUST BE THE CHANGE YOU WISH TO SEE IN THE WORLD” તમાકુનું સેવન અટકાવવા શરુઆત જાતથી જ કરવી પડશે જેના માટે પ્રત્યેક નાગરીકે એક મંત્ર અપનાવવો પડશે. ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને તમાકુનુ સેવન કરવા દઈશ આ મંત્રથી નાગરીકોમાં જાગૃતતા આવશે અને તમાકુનુ સેવન અટકશે.

તમાકુથી થતા નુકસાનથી બચવા શું કરવુ જોઈએ તેના સંદર્ભમાં વાત કરતા જણાવ્યું હતું કે, તમાકુના ઉપયોગના જોખમો વિશે મિત્રો અને પરિવાર સાથે વાત કરવી જોઈએ. જો તેઓ ધૂમ્રપાન કરતા હોય તો તેમને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરી તેમને છોડવામાં મદદ કરવી જોઈએ. ધૂમ્રપાન-મુક્ત કાર્યસ્થળો અને સ્વાદવાળી તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ વગેરે જેવા તમાકુ નિયંત્રણ કાયદાઓ કે જે તમાકુનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરી શકે છે તેનું સમર્થન કરવું જોઈએ. આ ઉપરાંત તમાકુનું સેવન છોડાવવા માટે નજીકના મેડિકલ સેન્ટર્સ પર મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. આપણે સૌએ સાથે મળીને કામ કરીને, તમાકુનો ઉપયોગ ઘટાડી દેશ અને વિશ્વને તમાકુના ચુંગાલમાંથી બચાવી નાગરીકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ.

તમાકુ સેવનકર્તા વ્યક્તિ તેનું પોતાનું જ નહિ, પરંતુ તેના આખા પરિવારનું જીવન બરબાદ કરે છે. જે બાબત કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ હાલ અનુભવી રહ્યા છે. જો કે તેમના માટે હવે ‘મોડું થઈ ગયું’ છે. ‘જાગ્યા ત્યારથી સવાર સમજી’ને આજથી જ બને તેટલું વહેલા તમાકુનું સેવન બંધ કરશો તો કદાચ ‘મોડું થઈ ગયું’ શબ્દ સાંભળવામાંથી તમને મુક્તિ મળી જશે.
******

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *