બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન!

રમેશ સવાણી  (વડોદરા , ભૂતપૂર્વ આઈજીપી-IGP, Gujarat Police)

બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન!

ક્લાસ-1/2ની પરીક્ષા આપવા માટે યુવાનો રાત-દિવસ એક કરે છે. કોચિંગ લે છે. મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે. ઓરલ ઈન્ટરવ્યૂમાં સમાજસેવાની/ દેશભક્તિની ઊંચી ઊંચી વાતો કરે છે. પરંતુ સિલેક્શન થતાં, હોદ્દા પર આવતાં જ એકાએક તેમના ચરિત્રમાં સમૂળગું પરિવર્તન આવી જાય છે. ભ્રષ્ટાચાર કરે છે. ગરીબો પ્રત્યે નફરત કરતા થઈ જાય છે. સામંતી કલ્ચરમાં રંગાઈ જાય છે. ભ્રષ્ટાચાર કરવા અવનવા પેંતરા/ યુક્તિઓ કરે છે.

એક ચોંકાવનારો કિસ્સો જોઈએ. આણંદ જિલ્લામાં અધિક કલેક્ટર હતા
કેતકી વ્યાસ. તેઓ નવેમ્બર 2021થી ઓગસ્ટ 2023 સુધી આ હોદ્દા પર હતા. તેમણે ભ્રષ્ટાચાર માટે ગજબની યુક્તિ શોધી કાઢી. 2023માં તેમણે નાયબ મામલતદાર/ ચિટનીસ જયેશ પટેલ અને વકીલ હરેશ ચાવડા સાથે કાવતરું કરી તત્કાલીન આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવી દીધા. એક મહિલા મુલાકાતી સાથેના ખાનગી ક્ષણો રેકોર્ડ કરી લીધી અને વીડિયો બનાવીને ગઢવીને બ્લેકમેલ કરી અમુક જમીન સંબંધી ફાઇલો ક્લિયર કરાવવા ધમકી આપી!

આ યુક્તિ પકડાઈ ગઈ. કેતકી વ્યાસ સામે ગુનો નોંધાયો અને ઓગસ્ટ 2023માં તેમની ધરપકડ થઈ. 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેવાથી રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા. તેમની સામે ખાતાકીય તપાસ થઈ. કલેક્ટર ગઢવીને પણ ગેરવર્તણૂક અને મોરલ ટર્પીટ્યુડ સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Screenshot

જૂન 2026માં ACB (એન્ટી કરપ્શન બ્યુરો)એ કેતકી વ્યાસ સામે Disproportionate Assets-અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો. તેમની કાયદેસરની આવક કરતા રુપિયા 3,56,03,910ની (₹ 3.56 કરોડ) સંપત્તિ વધુ મળી આવી. જે 68.84 % હતી. આ સંપત્તિ મોટાભાગે તેમના અને પરિવાર (ખાસ કરીને માતા-પિતા, જે વિરમગામમાં કર્મકાંડ અને બુકસ્ટોલ ચલાવે છે)ના નામે મળી. તેમાં બોડકદેવ અને સાયન્સ સિટી રોડ પર ફ્લેટ્સ, ત્રાગડમાં બંગલો, વિરમગામમાં દુકાન, વાહનો અને 24 બેંક એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. 6 બેંક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા હતા.

ACBએ Prevention of Corruption Act હેઠળ કેસ નોંધ્યા બાદ કેતકી વ્યાસે સેશન્સ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે ગયા પણ તેમની અરજીઓ નામંજૂર થઈ. જેથી ACBએ ઓગસ્ટ 2026માં તેમની ધરપકડ કરી અને સાબરમતી જેલમાં મોકલી દીધા.

દરમિયાન સામાન્ય વહીવટ વિભાગે 31 જુલાઈ 2026ના રોજ, ખાતાકીય તપાસના અંતે, ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ/ પ્રામાણિકતાનો અભાવ/ સરકારી કર્મચારીને ન છાજે તેવી ગેરવર્તણૂક ધ્યાને લઈ કેતકી વ્યાસને તાત્કાલિક અસરથી, ‘ભવિષ્યમાં સરકારી નોકરી માટે તે ગેરલાયક ઠરે નહીં તે રીતે નોકરીમાંથી રુખસદ-Removal from service which shall not be a disqualification for future employment under Government’ની શિક્ષા કરવામાં આવી છે.

થોડા મુદ્દાઓ:
[1] પોતાના ઉપરી અધિકારીની ચેમ્બરમાં છૂપા કેમેરા ગોઠવી/ મહિલા મોકલી/ તેનો વીડિયો બનાવી/ કલેક્ટરને વિવાદી જમીનની ફાઈલો ક્લીનર કરવાની ધમકી આપવી તે ક્લાસ-1 અધિકારીને છાજે તેવું વર્તન છે? વિવાદી જમીનની ફાઈલો ક્લીનર કરવાનો હેતુ તો ભ્રષ્ટાચાર કરવાનો હતોને? તો શું કેતકી વ્યાસને ‘ભવિષ્યમાં સરકારી નોકરી માટે તે ગેરલાયક ઠરે નહીં’ તે રીતે નોકરીમાંથી રુખસદ આપવાનો હેતુ શો? શું કેતકી વ્યાસને ભવિષ્યમાં સરકારી નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે ડિસમિસ કરવામાં શો વાંધો હતો?

[2] સરકાર પોતે લેખિતમાં સ્વીકારે છે કે કેતકી વ્યાસમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ છે/ પ્રામાણિકતાનો અભાવ છે/ સરકારી કર્મચારીને ન છાજે તેવી ગેરવર્તણૂક છે તો કેતકી વ્યાસને ભવિષ્યમાં સરકારી નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે ડિસમિસ કેમ કર્યા નહી?

[3] ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે Gujarat Civil Services (Conduct) Rules, 1971 વર્તણૂકના નિયમો નક્કી કરે છે, જ્યારે સજા (penalties) અને તેના પરિણામો માટે Gujarat Civil Services (Discipline and Appeal) Rules, 1971 લાગુ પડે છે. આ નિયમો બંધારણના આર્ટિકલ 309 હેઠળ બનાવવામાં આવ્યા છે. Dismissal અથવા Removal બંનેમાં પાછલી સેવા forfeit થાય છે અને સામાન્ય રીતે પેન્શન તથા ગ્રેચ્યુટી મળતા નથી. લીવ એન્કેશમેન્ટ અને અન્ય રિટાયરમેન્ટ લાભો સામાન્ય રીતે ન મળે. સવાલ એ છે કે તો કેતકી વ્યાસને ડિસમિસ કરવાની જગ્યાએ રીમૂવલ કેમ કર્યા? શું કેતકી વ્યાસ ફરી સરકારી નોકરીમાં જોડાઈ શકે એવી સત્તાપક્ષના નેતાની કે સિનિયર અધિકારીની કોઈ યોજના હશે?

[4] કદાચ સરકાર માનતી હશે કે “અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસેથી તેમની કાયદેસરની આવક કરતા માત્ર રુપિયા 3.56 કરોડની જ સંપત્તિ વધુ મળી છે. આ તો સાવ નાનો ભ્રષ્ટાચાર છે. કીડીને કોશનો ડામ ન દેવાય! એટલે ડિસમિસલની જગ્યાએ રિમૂવલ શબ્દ વાપર્યો છે અને ભવિષ્યમાં સરકારી નોકરી માટે પાત્ર ઠરે તેવી જોગવાઈ પાછળ મહિલા સશક્તિકરણનો ઉમદા હેતુ છે!”

[5] બળાત્કારીઓના સન્માન કર્યા/ તડીપારના સન્માન કર્યા/ હવે ભ્રષ્ટાચારીઓના સન્માન થઈ રહ્યા છે! ગજબ કહેવાય! rs [13 ઓગસ્ટ 2026]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच