PM નો બે દિવસ ગુજરાત પ્રવાસ: અંબાજીમાં પૂજા આરાધના, મહેસાણામાં 5950 કરોડની યોજનાઓના શિલાન્યાસ

 PM નો બે દિવસ ગુજરાત પ્રવાસ: અંબાજીમાં પૂજા આરાધના, મહેસાણામાં 5950 કરોડની યોજનાઓના શિલાન્યાસ

સંકલન: નીરવ જોશી, હિંમતનગર

વડાપ્રધાન શ્રી નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા
*******
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ


ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.

મા અંબા ના ઉપાસક અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી બાયરોડ આવતા આ રૂટ પર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.


અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર એવા શક્તિદ્વાર પાસે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ અંબાજીની સ્વચ્છતા સાથે મંદિરના ચાચર ચોકની સુંદર સજાવટ કરવામાં આવી છે તથા મંદિરને અલગ અલગ પ્રકારના રંગ બેરંગી ફુલોથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરના ચાચર ચોકમાં ભજન મંડળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.


આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી,રાજ્ય સભા સાંસદશ્રી બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી પ્રવિણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ડી.જી.પી. શ્રી વિકાસ સહાય, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ મંત્રીશ્રી અને સંગઠનના પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

________________________________

અંબાજીનું પ્રવાસ પૂરો કરીને મોદી મહેસાણાના ડભોડા ખાતે આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદની ને પણ સંબોધિત કરી હતી.

ભારતના સામર્થ્યનો વિશ્વને પરિચય મળી રહ્યો છે: ભારતના વિકાસની ચર્ચા પૂરી દુનિયામાં થઈ રહી છે તેના મૂળમાં પ્રત્યેક ભારતીયનો વિકાસ પુરુષાર્થ છે
¤ “એક સે બઢકર એક” આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી ભારતદેશ વિકાસ પથ પર તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે: સરકાર જે સંકલ્પ લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે
¤ પૂર્ણ બહુમતીવાળી સ્થિર સરકારથી ગુજરાતે વિકાસના નવા આયામો હાંસલ કર્યા, હવે દેશમાં પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકારના કારણે દેશનો વૈશ્વિક વિકાસ થઈ રહ્યો છ
¤ સરકારે મહિલાશક્તિના નેતૃત્વ અને માતૃશક્તિના સામર્થ્યને જોડીને વિકાસને નૂતન ગતિ આપી છે
¤ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતનું શ્રેષ્ઠ યોગદાન હશે
¤ વિકાસ પ્રકલ્પોનાં કારણે ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા મળશે
¤ વર્ષ 2047 માં આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્ણ સમર્પણભાવથી, બમણી તાકાતથી આગળ વધવાના જનતા જનાર્દન પાસે આશીર્વાદ માંગતા પ્રધાનમંત્રીશ્રી: તમારા આશીર્વાદ જ મારી ઉર્જા
¤ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિવાળી પહેલા દિવાળીની મોટી ભેટ ગુજરાતને આપી છે- મુખ્યમંત્રીશ્રી
******
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા જિલ્લાના ડભોડા ખાતેથી ₹5,950 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે આજે ભારતના શક્તિ સામર્થ્યનો વિશ્વને પરિચય મળી રહ્યો છે. આજે ભારતના વિકાસની ચર્ચા પૂરી દુનિયામાં થઈ રહી છે તેના મૂળમાં પ્રત્યેક ભારતીયનો વિકાસ પુરુષાર્થ રહેલો છે. તેમણે જણાવ્યું હતું કે દુનિયાનો કોઈ દેશ નથી પહોંચ્યો એવી જગ્યાએ ચંદ્રની ધરતી પર પહોંચીને ભારતે પોતાની શક્તિનો પરિચય વિશ્વને આપ્યો છે. જી-20 નું યજમાનપદ સ્વીકાર્યા બાદ ભારતભરમાં એની ચર્ચા થઈ એટલું જ નહીં વૈશ્વિક પ્રતિનિધિઓએ ભારતના વૈભવ-વારસાનો તેમજ દેશની ક્ષમતા-સામર્થ્યનો પરિચય મેળવ્યો છે.

એક સે બઢકર એક આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી ભારત વિકાસ પથ પર વધુ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે. સરકાર જે સંકલ્પ લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે તેમ સ્પષ્ટ જણાવતા પ્રધાનમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે જનજનની સુખાકારી માટે માળખાકીય સુવિધાના નિર્માણ માટે મોટું અભિયાન ઉપાડ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ઉત્તર ગુજરાતની મુલાકાતને પરિવારજનોના દર્શનનો અને વતનની માટીનું ઋણ ચૂકવવાના અવસર રૂપ ગણાવી જણાવ્યું હતું કે આજે જે વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થઈ રહ્યા છે તે આ વિસ્તારના વિકાસને નવી ઊંચાઈ પ્રદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતની કાયાકલ્પ માટે અનેકવિધ વિકાસ પ્રકલ્પોને સાકાર કર્યા છે. અગાઉ ઉદ્યોગ અને રોજગાર વિહોણા પ્રદેશની ઓળખ ધરાવતા ઉત્તર ગુજરાતનો પ્રદેશ આજે ઉદ્યોગ- રોજગારથી ધમધમતો બન્યો છે. અહીંના ડેરી ક્ષેત્રના વિકાસથી માતૃશક્તિના સહયોગ અને સહકારથી સમૃદ્ધિ દ્વારા દેશને પ્રેરણા આપી છે.

શ્રેષ્ઠ વિકાસના મૂળમાં સ્થિર સરકાર હોવાનું જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પૂર્ણ બહુમતી વાળી સ્થિર સરકારથી ગુજરાતે વિકાસના નવા આયામો હાંસલ કર્યા છે. હવે દેશમાં સ્થિર અને પૂર્ણ બહુમતી વાળી સરકારના કારણે આજે ભારતનો વૈશ્વિક વિકાસ થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના જંગમાં આદિવાસી નેતૃત્વ પૂરું પાડનારા શ્રી ગોવિંદ ગુરુની પુણ્યતિથિ ના અવસરે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના અવસરે તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા આવનારી પેઢી ઊંચા મસ્તકે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના જીવન કવન પરથી રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણા મેળવશે. પ્રધાનમંત્રીશ્રીએ મા અંબાના ચરણોમાં આશીર્વાદ મેળવવાનો આનંદ વ્યક્ત કરી અંબાજી યાત્રાધામના વિકાસ અને રાજ્યભરમાં સ્વચ્છતાના અભિયાન દ્વારા પ્રેરક કાર્ય કરવા બદલ રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
ગુજરાતના શ્રેષ્ઠ અને ઝડપી વિકાસ પાછળ બે દાયકાનો પુરુષાર્થ છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે આજના વિકાસ પ્રકલ્પો ઉત્તર ગુજરાતની જાહોજલાલીને નવા શિખર પર પહોંચાડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રદેશના જન-જનના વિકાસ માટે સંકલ્પ લીધો છે અને આ સંકલ્પની સિદ્ધિ માટે કનેક્ટિવિટીના નિર્માણ પર જોર આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરથી ગુજરાતના બંદરો સુધી રેલ્વે લાઈન પહોંચશે અને માલ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે. પીવાના પાણી, સિંચાઈ, કૃષિ, ગ્રામ વિકાસ અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રો પર ભાર મૂકીને ઉત્તર ગુજરાતમાં ઘર આંગણે રોજગારનું સર્જન થાય તે માટે સરકારે આયોજન કર્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે. માં નર્મદાનું પાણી ઘર-ઘર અને ખેતરે-ખેતરે પહોંચવાથી કૃષિ વિકાસને નવું જોમ મળ્યું છે.

ઉત્તર ગુજરાતમાં 20 –22 વર્ષથી સિંચાઈનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે, એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, મનેએ વાતનો આનંદ છે કે, આપણે ટપક સિંચાઈ, સૂક્ષ્મ સિંચાઈ અને નવી ટેકનીકથી ગુજરાતના ખેડૂતો ખેતી કરી રહયા છે. અને ગુજરાતનો એક એક જિલ્લો ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈને વરી ગયો છે. આજે બનાસકાંઠા જિલ્લો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો એક ઉમદા દ્રષ્ટાંત બની ગયો છે. ઉત્તર ગુજરાતનો કિસાન મુશ્કેલીમાં જીવતો હતો અને મુશ્કેલીમાં પોતાના પાકની લરણી કરતો હતો. તે કિસાન આજે તે પરિસ્થિતિમાંથી બહાર આવીને રોકડિયા પાકની ખેતી કરવા લાગ્યો છે. વરિયાળી,જીરૂ અને ઇસબગુલ એ વિશ્વભરમાં ગુજરાતની ઓળખ કરાવે છે. દુનિયામાં કોરોના બાદ આપણી હળદર અને ઇસબગુલની ચર્ચા થઈ હતી. દેશનું ૯૦ ટકા ઇસબગુલનું પ્રોસેસિંગ ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે ઉત્તર ગુજરાતમાં શાકભાજી, બટાકા, કેરી, આમળા, લીંબુ જેવા અનેક પાકોનું વાવેતર થઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, નોર્થ ગુજરાતના બટાકા આજે દુનિયામાં મસહૂર થઈ ગયા છે અને એક્સપોર્ટ ક્વોલિટીના બટાકા ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યા છે. ડીસાના બટાટા અને ઓર્ગેનિક બટાકાની વિશ્વ કક્ષાએ માગ બની રહી છે. બટાટાને પ્રોસેસિંગ કરવાના પ્લાન્ટો પણ આજે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બની રહ્યા છે, જેનો લાભ આજે બટાકા પકાવતા ખેડૂતોને થઈ રહ્યો છે. મહેસાણામાં એગ્રો ફૂડ પ્લાન્ટ બનાવ્યા બાદ બનાસકાંઠામાં પણ મેગા ફૂડ પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં આજથી થોડાક વર્ષો પહેલા બહેનો અને માતાઓ લાંબુ અંતર કાપ્યા બાદ પાણી મેળવી રહી હતી. જ્યારે આજે નલ સે જલ યોજના થકી ઘરે ઘરે નળમાં પાણી આવી રહ્યું છે. જેના થકી મને અનેક માતાઓ બહેનોના આશીર્વાદ મળ્યા છે અને જેમના આશીર્વાદ થકી જ હું આગળ વધી રહ્યો છું પાણી જેવી પાયાની જરૂરિયાત માટે જળક્રાંતિ અભિયાન આપણે આગળ વધારી છે બહેનોના નેતૃત્વમાં આ સુવિધા વિકસાવી છે. જેમ ગુજરાતના ઘરોમાં પાણી પહોંચાડ્યા છે તેમ હિન્દુસ્તાના ઘરોમાં પણ પાણી પહોંચાડવાનું છે.

ડેરી સેક્ટરોમાં બહેનોની ખૂબ મોટી ભાગીદારી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, જેમના પરિશ્રમ થકી આજે ઘરની આવક તો વધી છે, પણ ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. આ પશુપાલન ઉદ્યોગને આગળ વધારવા માટે અનેક પશુઓ દવાખાના બનાવવામાં આવ્યા છે. જેના પાછળનો મુખ્ય આશય પશુઓનું તબિયત સારી રહે અને પશુપાલન ઉદ્યોગની વિકાસ કરવાનો છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં 800 થી વધારે નવી ગ્રામ ડેરીઓની સહકારી ક્ષેત્રે શરૂ કરવામાં આવી છે. આજે બનાસ ડેરી, દૂધસાગર ડેરી અને સાબર ડેરીને વિદેશમાંથી લોકો જોવા આવી રહ્યા છે.

ખેડૂતો માટે પશુ ખૂબ મોટું ધન છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, કોવિડમાં જેમ લોકોના આરોગ્ય માટે વિનામૂલ્ય રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમ પશુઓના આરોગ્ય માટે મફત વેકસીન આપવાનો આરંભ દેશમાં કરવામાં આવ્યો છે. તેમણે દરેક પશુપાલકને પોતાના પશુઓને વેક્સિન અપાવી દેવા માટે પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને 15,000 કરોડ રૂપિયાના ખર્ચે આ પશુ રસીકરણનું કામ ચાલી રહ્યું છે. દૂધની સાથે સાથે ખેડૂતોની બીજી ઉપજ મળે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ગોબરધનનું મોટું કામ આજે સરકાર ચલાયું રહી છે બનાસ ડેરી જેવી સંસ્થાઓ દ્વારા સીએનજી, બાયો સીએનજી અને બાયો ફ્યુલ જેવા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ખેતરોનું વેસ્ટેડ અને પશુઓનું વેસ્ટેડનો ઉપયોગ કરી ગોબર માંથી વીજળી બનાવવાની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.

આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, થોડાક વર્ષો પહેલા ઉત્તર ગુજરાતમાં કોઈ ઉદ્યોગ આવી જ ના શકે તેવી માન્યતા હતી. પરંતુ આજે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં કેવો ઔદ્યોગિક વિકાસ થયો છે તેની વાત કરી હતી. આજે ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને એક દાયકાના ટૂંકા સમયમાં ઉત્તર ગુજરાત એન્જિનિયરિંગ દવા જેવા ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં સિરામિક ઉદ્યોગનો પણ વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થયો છે.
આવનારા સમયમાં ગ્રીન હાઈડ્રોજનના રૂપમાં સમગ્ર દેશમાં વિકાસ આગળ વધવાનો છે, તેવું કહી તેમણે ઉમેર્યુ હતું કે જેમાં પણ ઉત્તર ગુજરાતની ભૂમિકા ખૂબ મોટી રહેવાની છે આજે ઉત્તર ગુજરાતની ઓળખ સોલાર એનર્જીમાં પણ વિશ્વ કક્ષાએ બની છે. મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ સોલર ઉર્જા ના વિલેજ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. આજે ઉત્તર ગુજરાતના ગામડાના લોકો પોતાના ઘરની વીજળી મફત મેળવી વધારાની વીજળી સરકારમાં વહેંચી આવક મેળવી રહ્યા છે.

આજે ગુજરાતમાં રેલવે જોડાણના ઘણા મોટા કામો થયા છે તેવું કહી વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, પાંચ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોનો લાભ ગુજરાતને મળ્યો છે. આજે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનાં કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ક્રાંતિકારી કામ છે, જેના થકી આજે ઉત્તર ગુજરાત પીપાવા, જામનગર અને પોરબંદર સુધી સીધી કનેક્ટિવિટીમાં આવ્યો છે. જેનો લાભ આગામી સમયમાં ઉદ્યોગ, ખેડૂતો અને પશુપાલકોનો થશે. ઉત્તર ગુજરાત લોજિસ્ટિક અને સ્ટોરેજ હબ બનાવવા ની દિશામાં પણ ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વ- પશ્ચિમના 2500 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે જેના કારણે આજે ઔદ્યોગિક માલ વાહન કરતા વાહનો ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી રહ્યા છે. તેમજ ઉત્તર ગુજરાતનું દૂધ પણ આ કોરિડોર થકી ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જતા તેનો બગાડ અટકી ગયો છે અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

ગુજરાતમાં ટુરીઝમ માટેની પૂરી સંભાવનાઓ છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે જેટલું મહત્વ કાશીનું છે તેટલું જ મહત્વ ગુજરાતના વડનગરનું છે કાશી પછી બીજું વડનગર છે કે જેનો ક્યારેય વિનાશ થયો નથી. તારંગા આબુરોડની રેલ લાઈનએ ઉત્તર ગુજરાતમાંથી પસાર થવાની છે જેના થકી તારંગા, અંબાજી અને ધરોઈ જેવા ટુરીઝમ ક્ષેત્રનો વિકાસ થશે અને પર્યટક ક્ષેત્ર સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ થશે અને દિલ્હી મુંબઈ જેવા વિસ્તારમાંથી લોકોને જગતજનની માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવવા માટેનું સરળ બની જશે. એક સમય હતો કે કચ્છનું કોઈ નામ દેતું ન હતું. પરંતુ આજે કચ્છનો રણઉત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત બની ગયો છે અને ઘોરડો રણ જોવા માટે લોકો વિદેશથી આવી રહ્યા છે.
તેમણે કહું હતું કે, ગુજરાત અને દેશના ઉજવળ ભવિષ્ય માટે તથા ગુજરાતના કલ્યાણ માટે જ્યારે આપણે કામ કરી રહ્યા છે, ત્યારે હું ગુજરાતની માટીને નમન કરી નવી શક્તિ મેળવી રહ્યો છું અને પહેલા જે વિકાસના કામો થતા હતા તેની ગતિ તેજ બનાવવામાં આવશે. ગુજરાત અને દેશનું જે સપનું છે કે 2047 માં આઝાદીને 100 વર્ષ થાય ત્યારે દુનિયાના વિકસિત દેશોની હરોળમાં ભારતની ગણતરી થાય તેવી મારી અને તમારા સૌની ઈચ્છા છે, તેને પરિપૂર્ણ કરીશું. તેમણે જણાવ્યુ હતુ કે જનતા જનાર્દનના આશીર્વાદ જ મારી ઊર્જા છે.
મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મહેસાણાના ખેરાલુના ડભોડા ખાતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વિકાસના વિવિધ પ્રક્લપોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વેળાએ સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુંકે, ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિવાળી પહેલા દિવાળીની મોટી ભેટ આ વિસ્તારને આપી છે ધરે ઘરે નવી ચેતના જગાવી વિકાસની મશાલનો પ્રકાશ નાનામાં નાના વંચિત લોકો સુધી પોહચડવા ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે રેલવે, રસ્તા પાણી અને માળખાગત સુવિધાઓ થકી પંચ વિકાસનો ઉત્સવ આજે યોજાઇ રહ્યો છે.અંબાજી યાત્રાધામ ખાતે દર્શનાર્થી સરળતાથી આવી શકે તે માટે તારંગા રેલવે લાઇન નો વિકાસ તો, ધરોઈ ડેમનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે વધુમાં તેમને ઉમેર્યું હતું કે બહુચરાજી યાત્રાધામને નવિન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવીને વિકાસની ગતિને વધુ તેજ બનાવી ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની કટીબદ્ધતા રાજ્યની આ સરકાર ધરાવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગામડે ગામડે આજે જલ જીવન મિશનથી ઘર આંગણે પીવાના પાણી મળી રહ્યા છે. આજે તમામ ક્ષેત્રે વિકાસ થતાં ગુજરાત ગ્લોબલ મેપ પર ચમક્યું છે. જેમાં કચ્છના સફેદ રણના પ્રવાસન વૈભવને નિહાળવા દુનિયાભરના લોકો આવી રહ્યા છે. આજે પ્રગતિ પથ- કિસાન પથથી ગ્લોબલ વિલેજનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રેલવેના ગેઝ કંઝર્વેશનથી આર્થિક વિકાસને નવો વેગ મળી રહ્યો છે. દેશના અમૃત કાલમાં સર્વ પોષક – સર્વ સમાવેશક નીતિથી અખંડ ભારતનો વિકાસ વિકસ્યો છે. સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતાનો પાયો નાખ્યો હતો તો, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્ય અને સુશાસનની દિશા આપવાનું કામ કર્યું છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ₹ 5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસ કામોમાં રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 5130 કરોડ છે.જળ સંસાધનના રૂપિયા 270 કરોડના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા વિભાગના રૂપિયા 210 કરોડના ચાર કામોનું લોકાપર્ણ અને ખાતર્મુહૂર્ત કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 170 કરોડના વિકાસ કામનો સમાવેશ થાય છે.શહેરી વિકાસ વિભાગના રૂપિયા 170 કરોડના કામોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોષ, કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભી, મહેસાણા સાંસદશ્રી શારદાબેન પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી જગદીશ ભાઈ વિશ્વકર્મા, શ્રી કુંવરજી બાવળિયા, શ્રી કિરીટ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી સરદાર ચૌધરી સહિત અગ્રણીઓ સર્વશ્રી રજની પટેલ, કે.સી પટેલ, મયંક નાયક, જિલ્લા કલેક્ટર શ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ સહિત રાજકીય સહકારી સામાજિક અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, હોદેદારો અને ઉત્તર ગુજરાતના ગામે ગામથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *