રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો
નીરવ જોશી ,ઈડર
રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન એક વખત સમગ્ર રાજ્યનો ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ રાજ્યના 33 જિલ્લાઓમાં આવેલા કોઈ એક ડાયટમાં આયોજિત થાય છે છે. સાબરકાંઠા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે 2022 નો રાજ્ય કક્ષાનો સાતમો ઇનોવેશન એજ્યુકેશન પણ ઇડર ખાતે યોજાયો હતો અને આ વખતે આઠમો ડાયટ ઇનોવેશન એજ્યુકેશન ફેર પણ ઈડર ખાતે સમાપન થવા જઈ રહ્યો છે… .. તો જાણીએ કે આના ઉદઘાટન સમયે મંત્રીઓ એ અને અન્ય મહાનુભાવો એ શું કહ્યું?
ગુજરાતી નો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે પરંતુ ગુજરાતી ના ભોગે નહીં – શિક્ષણ મંત્રી શ્રી ડિંડોર
સાબરકાંઠા જિલ્લાના ઇડર ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નવીનીકરણ સાંપ્રત વિષય ને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓ ને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ત્રિ દિવસીય કાર્યક્રમ પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં જે કોઈ પણ સારું પડેલું છે તેને બહાર લાવવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે શિક્ષણનો કોઈ અંત નથી જેટલું શીખો તેટલું ઓછું છે આ ઇનોવેટીવ ફેસ્ટિવલ ફેરની 2000 જેટલા શિક્ષકો મુલાકાત લેશે અહીં ૧૬૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં 103 કૃતિઓ પ્રાથમિક શિક્ષણ ને લગતી અને અન્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ને લગતી કૃતિ છે શિક્ષણના સ્તરને સુધારવા માટે અને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે જ્ઞાન સંગમ નામનો નવો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓનો સમન્વય કરી શિક્ષણને વધુ સરળ અને વધુ ઉપયોગી બનાવવા માટે બાળકો શિક્ષણ ની આપ લે કરી શકે તે માટે 1500 પ્રાથમિક અને 500 માધ્યમિક શાળાનો જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ પસંદગી પામી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે એચ ટાટ આચાર્ય ના પ્રશ્નો ના જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે. આ વર્ષથી બાલવાટિકા એક, બે, ત્રણ નું અમલ થશે સાથે 1/6/2023 થી સી.બી.એસ.સી. પેર્ટ્ન પ્રમાણે છ વર્ષે થતા પહેલા ધોરણમાં પ્રવેશ મળવા જઈ રહ્યો છે.
શિક્ષકોમાં વિવેક અને સભ્યતા ખુબ જરૂરી છે. વિવેક ન હોય તો વિદ્યા વ્યર્થ છે. જન કલ્યાણ, પરિવાર, રાષ્ટ્ર નિર્માણનું કામ એ શિક્ષકનું છે આપણી સંસ્કૃતિ રામાયણની સંસ્કૃતિ છે બીજા માટે ઘસાવું બીજા માટે પરોપકાર કરવો તે આપણા આદર્શ છે આ સંસ્કારોનું સિંચન બાળકોમાં કરવાનું છે,. વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માં માતૃભાષા અને માતૃભૂમિ આપણા ગૌરવ છે મારી ભાષા મારું ગૌરવ સ્વીકારીને આપણે ગુજરાતી ભાષાની ગૌરવાન્વિત કરવાની છે. ગુજરાતી નો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ અંગ્રેજી ભાષા શીખવી પણ જરૂરી છે પરંતુ ગુજરાતીના ભોગે નહીં અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે વ્યવહારૂ ભાષા છે તે ચોક્કસ શીખવી જોઈએ પરંતુ બાળકને પ્રથમ માતૃભાષા શીખવી ફરજીયાત હોવી જોઈએ તેથી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ દ્વિતીય ભાષા ગુજરાતીનો અભ્યાસક્રમ શરૂ કરાવી આપણી ભાષાને ગૌરવ આપવાનું છે માતૃભાષાનું મહત્વ અને ગૌરવ જળવાઈ તે માટે તમામ શિક્ષકો અને આપણે સહુ સહિયારો પ્રયાસ કરીએ
આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ શિક્ષક એ નોકરી નહીં પરંતુ ધર્મ છે આગામી પેઢી માટે શું કરી શકાય તે વિચારનાર વ્યક્તિ એટલે શિક્ષક ઇનોવેશન કર્યું તે કાયમી નથી સમયઅંતરે નવું અને નવું કંઈકનું કંઈક આવતું રહેશે. બાળકોને શિક્ષણ આપવું તેમનામાં નવું સિંચન કરવું તે શિક્ષકનું કર્તવ્ય છે. બાળકને શિક્ષણ આપતા પહેલા પોતે શીખવું પડશે અને તૈયાર થવું પડશે. અહીં ઉપસ્થિત શિક્ષકોએ વિણેલા મોતી સમાન છે જેમણે બાળકો માટે કંઈક નવીન કરવાની ધગશ છે.
આ પ્રસંગે જી.સી.ઈ.આર.ટી ના નિયામક શ્રી ડી એસ પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે આઠમો ઇનોવેશનલ ફેસ્ટિવલ આપણા આંગણે છે ત્યારે આ નવીનતા માત્ર એક વર્ગખંડ પૂરતી કે શાળા પૂર્તિ ન રહેતા સમગ્ર રાજ્યને આ ઇનોવેશનનો લાભ મળવો જોઈએ.
આ પ્રસંગે ઈડર ડાયટના પ્રાચાર્ય કે.ટી. પુરણીયાએ સૌની આવકારી આઠમા ઇનોવેશનલ ફેસ્ટિવલ નો હેતુ અને મહત્વ વિગતવાર સમજાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મીતા ગઢવી, પ્રાથમિક શિક્ષણ સંઘના ગીરીશભાઈ પટેલ, શિક્ષણ સંઘના ગિરીશભાઈ બારોટ, સંજય ત્રિવેદી, ઈકબાલ વોરા, અશ્વિનભાઈ પટેલ, ડાયટના સ્ટાફ તેમજ સમગ્ર રાજ્યના ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.