આજે વિશ્વ ચક્ષુદાન દિવસ: હિંમતનગર સિવિલના નર્સ યોગીરાજ જોષીએ 1011 ચક્ષુદાન કરાવ્યા
નીરવ જોશી , હિંમતનગર( M-7838880134)
આજે વિશ્વ ચક્ષુદાન દિવસ
ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી રહેલા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે
આવો સૌ મૃયુ પછી પણ દુનિયા નિહાળીયે…. મુત્યુ પછી નેત્રદાન કરીયે – આર.એમ.ઓશ્રી શાહ
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૦૧૧ ચક્ષુદાન અને ૫૭ જેટલા દેહદાન કરાયા
કહેવાય છે આંખ એ આત્માથી જોડાયેલું સૌથી નજીકનો પદાર્થ છે અને કોઈપણ માણસને જાણવા માટે એની આંખમાં ઊંડાણથી જવું જોઈએ ..આંખોએ આત્માનો ઝરૂખો છે – એમ પણ કહેવાય છે . શું તમે એવા વ્યક્તિને મળ્યા છો જેણે જીવનમાં અત્યાર સુધી નોકરીમાં 36000 મોતિયાના ઓપરેશન અને 1011 જેટલા ચક્ષુદાન પણ સફળતાપૂર્વક કરાવ્યા હોય !
તો આવો આપને મળાવીએ હિંમતનગર સિવિલ હોસ્પિટલના યોગીરાજ જોશીને જેમણે નિસ્વાર્થ સેવા છેલ્લા 31 વર્ષથી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આપીને ચક્ષુદાન ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે!
રંગબેરંગી ફૂલો, પક્ષીઓના કલરવ, મધરાતે આકાશમાં ચાંદ સાથે રમતા તારાઓની સંતાકૂકડી, સમી સાંજે ઢળતા સૂર્યની ઝાંખી ઝાંખી રોશનીમાં પર્વતોની અહલાદક શીતળતાના અહેસાસ સાથે અનંતની ઉપાસના અનુભવતી મનુષ્યની “આંખ” એક દિવસ પરમાત્મામાં વિલીન થઇ જાય છે.
શરુઆત પછી અંતએ કુદરતનો ક્રમ છે. દરેક મનુષ્ય માન, સન્માન, ધન-સંપત્તિ,તંદુરસ્તી તથા વૈભવની વિરાટતા સાથે પુણ્યશાળી પરોપકારી આત્માને શોભે તેવા મૃત્યુની ઝંખના કરતો હોય છે.
આવા પરમતત્વને પામવા માટે મનુષ્ય સતકર્મોની શોધમાં નીકળી જાય છે. અને શોધયાત્રા દરમિયાન આધુનિક સાંશોધનરૂપી વિજ્ઞાનના સહારે મૃત્યુ પછી પણ આંગદાનના અવસરને પામે છે.
હિંમતનગર સિવિલના આર.એમ.ઓશ્રી એન.એમ શાહ જણાવે છે કે ચક્ષુદાનના મહત્વને સમજવા અને પ્રોત્સાહન મળે તે માટે ૧૦ જૂનને ચક્ષુદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતભરમાંથી અંધત્વ દૂર કરવા માટે ચક્ષુદાન ખુબ જ જરૂરી છે. જિલ્લામાં ૧૯૯૫ થી અત્યાર સુધીમાં ૧૦૧૧ નેત્રદાન સ્વીકારાયા છે. જે જરૂરીયાત કરતા હજુ સંખ્યા ખુબ ઓછી છે. આથી નેત્રદાન અંગે જાગૃતિ આવે તેમજ લોકો અંગદાન તરફ પ્રેરાય તે આવશ્યક છે. મેં પણ મારા મૃત્યુ બાદ નેત્રદાન સહિત અંગદાન માટે અરજી કરેલી છે. આથી જિલ્લાની જાહેર જનતાને અપિલ છે કે સૌ આવો આપણે સૌ મુત્યુ પછી નેત્રદાન કરીયે મૃત્યુ પછી પણ દુનિયા નિહાળીયે.
સાબરકાંઠાની હિંમતનગર સિવિલના નર્સ યોગીરાજ જોશી જણાવે છે કે હું છેલ્લા ૩૧ વર્ષથી સિવિલમાં ફરજ બજાવું છું. અને નેત્રદાનની કામગીરી સાથે જોડાયેલો છું. મેં આજ દિન સુધી ૩૬ હજારથી વધુ મોતીયાના ઓપરેશન અને ૧૦૧૧ લોકોના મૃત્યુ બાદ નેત્રદાનની પ્રક્રિયાનો સાક્ષી રહ્યો છું.સિવિલ ખાતે અત્યાર સુધીમાં ૫૭ દેહદાન સ્વીકારાયા છે. મને જો નિવૃતિ પછી પણ આ કામ માટે મોકો મળશે તો હું આવા પુણ્યના કામ માટે તૈયાર છું.
વિજ્ઞાન કહે છે કે આપણી આંખની આગળ આવેલું પારદર્શક પડ જેને કોર્નિયા કહેવામાં આવે છે તેને આપણા મૃત્યુ પછી પણ જીવંત રાખી શકાય છે.કોઈ પણ ઉંમર, જાતિ, કે લોહીના ગ્રુપનો બાળકથી માંડી ને વૃદ્ધ સહીત ચક્ષુદાન કરી શકે છે.
મૃત માણસની આંખો કાઢવાની પ્રક્રિયા માત્ર ૫ થી ૭ મિનિટની અંદર પુરી થઈ જાય છે. ચક્ષુદાનના ઓપરેશનની સફળતા માટે અવસાન બાદ ચક્ષુદાનની પ્રક્રિયા જેમ બને તેમ જલ્દી અથવા તો મોડા મોડું ૬ કલાકની અંદર થઈ જવી જોઈએ.
દાનમાં મળેલ આંખોને જીવાણુ રહિત કાચની ખાસ બોટલમાં મુકવામાં આવે છે અને તેને બરફ ભરેલા થર્મોસમાં લઇ જવામાં આવે છે કે કારણકે આંખોને ઓપરેશન સુધી સાચવવા માટે ઠંડા ઉષ્ણતામાનની જરૂર હોય છે, હોસ્પિટલમાં આ બોટલો ફ્રિજમાં રાખી મુકવામાં આવે છે.
જો મૃત માણસની આંખો ખુલ્લી રહી જાય અને પવન લાગે તો ડોકટર આવે ત્યાં સુધી મૃતદેહની આંખની વિશેષ સંભાળ લેવાની હોય છે. આંખો જો ખુલ્લી રહી ગઈ હોય તો તુરંત બંધ કરી દેવી જોઈએ. અને બંધ આંખો ઉંપર ભીનો રૂમાલ મૂકી દેવો જોઈએ કારણ કે જો આંખો સુકાય જાય તો ખરાબ થઈ જાય છે.
મૃત્યુ પછી ચક્ષુદાન માટે ચક્ષુબેંક અથવા નજીકના આંખના ડોકટરને જાણ કરવાથી તુરંત ચક્ષુદાન લેવા માટે વ્યવસ્થા થઈ જાય છે.
નેત્રદાન એ મહાદાન છે. ખોળીયામાં જીવ અને અંધ આંખોમાં સ્વપ્ન સેવતા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાનએ એક ચમત્કારથી કઈ ઓછું નથી. અંગદાન એ જીવિત માણસને નવજીવન આપવાના માટેનો અમૂલ્ય અવસર છે જે જાણવા અને માણવા જેવો છે.
એક વાસ્તવિકતા એ પણ છે કે હિંમતનગર જેવા જિલ્લાના હેડક્વાર્ટર ખાતે રહેતા પુરુષ નર્સ યોગીરાજભાઈ જોષી એ આટલી મોટી દીર્ઘ સેવા આપી પરંતુ એમનું જોઈએ એવું બહુમાન કે સન્માન ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ કે મંત્રીશ્રીએ તેમજ કેન્દ્ર લેવલે પણ એમની નોંધ નથી લેવાય!
ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્રે કોઈ પણ પ્રકારની અપેક્ષા કે એવોર્ડની લાલસા રાખ્યા વગર કાર્ય કર્યું છે… આશા રાખીએ કે આગામી સમયમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ તેમજ મંત્રીઓ તેમનું યોગ્ય બહુમાન કે કેન્દ્ર લેવલે એમની સન્માન કરતી ફાઈલ પહોંચાડે અને આવા વ્યક્તિને એક પ્રેરણા સ્ત્રોત બનાવીને બીજા પણ ઘણા પુરુષ નર્સને ચક્ષુદાન માટે ઉત્તમ કાર્યકર્તા રૂપે તૈયાર કરે…
જય ભારત.. જય હિન્દ