આજે એકાદશી, જાણો વરુથીની એકાદશીનો કેવો મહિમા છે

 આજે એકાદશી, જાણો વરુથીની એકાદશીનો કેવો મહિમા છે

સરજુસ્વામી ,લોયાધામ ( સ્વામિનારાયણ સંપ્રદાય)/ નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

આજે એકાદશી છે અને આજની એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે. આજના એકાદશી નો બીજો અનેરો અને ભાવભીનો ભક્તિનો મહિમા એક છે કે ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રગટ કરનારા વલ્લભાચાર્યજીનો પણ પ્રાગટ્ય દિવસ આજે છે! — આમ આજની એકાદશીને -જયંતિને વલભાચાર્ય જયંતિ પણ કહેવાય છે. આજના દિવસે સક્કરટેટી ખાઈને પણ એકાદશી કરવામાં આવે છે.

વલ્લભાચાર્યજીના વલ્લભ ખાનદાનના બાળકો અને તેમના મંદિરોમાં ખૂબ અનેરો ભક્તિ ભાવપૂર્વક વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે!  ભારતમાં વલ્લભાચાર્યની બેઠકો અને ત્યાં આવેલા મંદિરોમાં વલ્લભાચાર્યજીને પ્રેમ પૂર્ણ રીતે યાદ કરીને શ્રીકૃષ્ણ  ભક્તિનો  મહિમા ગાવામાં આવે છે ! આમ આજની એકાદશીનું મહત્વ ઘણું છે અને સોનામાં સુગંધ પડી હોય એવી રીતે વલ્લભાચાર્યજીના જેવા ભગવાન કૃષ્ણના અન્ય પ્રેમી અને ઉપાસક એમ વલ્લભાચાર્યજીનો જન્મ જયંતી એ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સમગ્ર વિશ્વમાં ભાવભક્તિપૂર્ણ ઉત્સવ  હોય એવી રીતે આજની એકાદશી ઉજવાય છે.

( From: સરજુ સ્વામી, લોયાધામ)

યુધિષ્ઠિર રાજા પૂછે છે : હે વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ ! તમને નમસ્કાર કરીને પૂછું છું કે, ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને વિષે કયા નામની એકાદશી થાય છે ? તેનો મહિમા મને કહો. (૧)

શ્રીકૃષ્ણ બોલ્યા : હે યુધિષ્ઠિર રાજા ! ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથિની નામે એકાદશી આ લોકને વિષે તથા પરલોકને વિષે સૌભાગ્ય દેનારી છે. (ર) વળી વરુથિની એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થઈ સદા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. (૩) ખરાબ ભાગ્યવાળી જે સ્ત્રી આ વ્રત કરે છે, તે સૌભાગ્યને પામે છે. આ વરુથિની એકાદશી સર્વ લોકોને ભોગ દેનારી, મોક્ષ આપનારી, સર્વ પાપને હરનારી અને ગર્ભવાસને ટાળનારી છે. વળી આ એકાદશીના વ્રતથી જે માંધાતા રાજા તે સ્વર્ગમાં ગયા છે. (૪-પ)

એ ઉપરાંત આ વરુથિની એકાદશીના વ્રતથી ધુંધુમાર વગેરે ઘણાંક રાજાઓ સ્વર્ગને પામ્યા છે. તેમ સાક્ષાત્‌ ભગવાન શિવ પણ બ્રહ્માના કપાળથી છૂટયા છે. (૬) દશ હજાર વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ તે માણસને વરુથિની એકાદશીનું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે. (૭) કુરુક્ષેત્રને વિષે સૂર્યગ્રહણને ટાણે જે માણસ એક ભાર સોનું આપવાથી જે ફળ પામે છે, તે જ ફળ વરુથિની એકાદશીના વ્રતથી પામે છે. (૮) શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથિની એકાદશીનું વ્રત કરે છે, તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં પોતાની ધારેલી ઈચ્છેલી વસ્તુઓને પામે છે. (૯)

હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા ! પવિત્ર એવી આ વરુથિની એકાદશી પવિત્ર કરનારી, મોટા પાપોનો નાશ કરનારી અને આ એકાદશીનું વ્રત કરનારને ભોગ તથા મોક્ષ દેનારી છે. (૧૦) હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા ! ઘોડાથી હાથીના દાનનું પુણ્ય વધારે છે. હાથીના દાનના પુણ્યથી પૃથ્વીના દાનનું પુણ્ય વધારે છે. પૃથ્વીના દાનના પુણ્યથી તલના દાનનું પુણ્ય વધારે છે. (૧૧) તલના દાનના પુણ્યથી સોનાના દાનનું પુણ્ય વધારે છે અને સોનાના દાનના પુણ્યથી અન્નના દાનનું પુણ્ય અધિક છે. અન્નના દાનના પુણ્યથી ઉત્તમ દાન કોઈ થયું પણ નથી અને કોઈ થશે પણ નહિ. (૧ર)

હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા ! અન્નદાનથી પિતૃઓ, દેવતાઓ અને મનુષ્યો પણ તૃપ્ત થાય છે અને કવિઓએ પણ અન્નદાનના સરખું કન્યાદાન કહેલું છે. (૧૩) વળી ભગવાન વિષ્ણુએ કન્યાદાનના સરખું ગૌદાન (ગાયનું દાન) કહેલું છે તથા ઉપર કહેલાં સર્વ દાનોના કરતાં વિદ્યાનું દાન અધિક છે. (૧૪) વિદ્યાદાન દીધા જેટલું ફળ નર વરુથિની એકાદશી કરવાથી પામે છે. પાપ કરવામાં મોહવાળા અર્થાત્‌ પાપ કરવામાં પ્રીતિવાળા જે નરો જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય, (૧પ) ત્યાં સુધી નરકની અંદર પડયા રહે છે; માટે સઘળા યત્ને કરીને પણ કન્યાનું ધન લેવું નહીં. (૧૬) હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર રાજા ! જે નર લોભથી કન્યાને વેચીને તેનું ધન લે છે, તે નર બીજા જન્મની અંદર જરૂર બિલાડો મીંદડો થાય છે. (૧૭) જે નર પોતાની શકિત પ્રમાણે અલંકાર પહેરાવેલ કન્યાને પૈસાની સાથે આપે છે, તેનાં પુણ્યોની સંખ્યા કરવાને ચિત્રગુપ્ત પણ પૂરેપૂરા જાણતા નથી. (૧૮)

વળી પોતાની શકિત પ્રમાણે અલંકાર પહેરાવી કન્યાને પૈસા સાથે આપનારો જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ માટે વરુથિની એકાદશીનું વ્રત કરનારા વૈષ્ણવોએ દશમને દિવસે ૧. કાંસુ, ર. માંસ, ૩. મસુરનું અન્ન (દાળ), ૪. ચણા, પ. કોદરા ધાન્ય, ૬. શાક, ૭. મધુ, ૮. પારકાનું અન્ન ખાવું, ૯. ફરીને બીજીવાર ભોજન કરવું તથા ૧૦. મૈથુન (સ્ત્રી સંગ કરવો) આ દશ વસ્તુઓનો ત્યાગ કરવો તથા એકાદશીને દિવસે ૧. જુગટું રમવું, ર. નિદ્રા કરવી, ૩. તાંબુલ ખાવું, ૪. દાતણ કરવું, પ. પારકી નિંદા કરવી, ૬. ચાડી ખાવી, ૭. પાપીઓની સાથે ભાષણ કરવું, ૮. ક્રોધ કરવો, ૯. ખોટું બોલવું. આ નવ વાનાઓનો ત્યાગ કરવો. (૧૯-ર૧)

હે યુધિષ્ઠિર રાજા ! બારશને દિવસે ૧. કાંસું, ર. માંસ, ૩. મદ્ય, ૪. ખોટું બોલવું, પ. કસરત કરવી, ૬. મહેનત કરવી, ૭. ફરી પાછું બીજીવાર જમવું, ૮. મૈથુન (સ્ત્રી સંગ કરવો) ૯. ક્ષૌર (હજામત) કરાવવું. ૧૦. તેલ ખાવું અને ૧૧. પારકું અન્ન ખાવું, આ અગિયાર વસ્તુઓનો ત્યાગ કરવો. આ પ્રમાણે વિધિ પૂર્વક જે વરુથિની એકાદશી કરે છે, તેનાં સર્વ પાપોનો ક્ષય થાય છે અને અંતે વરુથિની એકાદશીના પ્રભાવથી અક્ષય ગતિને પામે છે. (રર-ર૩) આ વરુથિની એકાદશીને દિવસે રાતના જાગરણ કરીને જેઓએ વિષ્ણુને પૂજેલા છે. તેઓ સર્વ પાપોમાંથી મુકત થઈને અંતે ઉત્તમ ગતિને પામે છે. તેથી હે ધર્મરાજા ! સૂર્યપુત્ર યમરાજાથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યોએ પૂર્ણ યત્નોથી વરુથિની એકાદશી કરવી. (ર૪-રપ) હે રાજા યુધિષ્ઠિર ! આ વરુથિની એકાદશીના પાઠ કરવાથી અને સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે, તથા આ એકાદશીને કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુકત થઈને અંતે વિષ્ણુલોકમાં જાય છે. (ર૬)

 

એ પ્રમાણે શ્રીભવિષ્યોત્તર પુરાણને વિષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથિની નામની એકાદશીનું માહાત્મ્ય સંપૂર્ણ.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच