જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

 જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

આજે ગુજરાત ભરમાં રોજગારી અંગે મહિલાઓ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારીએ માઝા મૂકી છે એ વાત તો જોવાઈ રહી છે પરંતુ સાથે સાથે ઘરની ગૃહિણી રોજગાર મેળવતી થાય તે માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષમાં અમલમાં મૂક્યા છે!

આ ઉપરાંત મહિલાઓને સશક્તિકરણના માધ્યમથી વધારે સારો સમાજનું નિર્માણ થાય… ઘર બેઠા ગૃહિણી રોજગારી મેળવતી થાય તે માટે અનેકવિધ સખી મંડળો દરેક જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ગત શનિવારના રોજ પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાન મેળાનું ઉદ્ઘાટન જામનગર ગ્રામ્યના સાંસદ અને ગુજરાત સરકારમાં કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

”રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે.” : કેબિનેટ મંત્રીશ્રી

ગૃહ વપરાશ અને હાથ બનાવટની સુંદર સુશોભનની ચીજવસ્તુઓએ નગરજનોમાં અનોખું આકર્ષણ બનાવ્યું


જામનગર તા. 24 જૂન,* રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને જી.એલ.પી.સી. ના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ સ્વ- સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ- વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું છે. આગામી તા. 01 જુલાઈ સુધી જામનગરની જનતા જે.એમ.સી. ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળાની મુલાકાત લઈ શકશે.

આ પ્રસંગે, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેળામાં રાજ્યના તમામ જિલ્લામાંથી મહિલા મંડળ અને સખી મંડળના સદસ્યોએ ભાગ લીધો છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે. આ પ્રકારના મેળાના આયોજનથી મહિલાઓને વૈશ્વિક સ્તર પર જવાની તક મળી છે. ગૃહ વપરાશની સુંદર વસ્તુઓથી લઈને સુશોભનની ચીજવસ્તુઓનું પ્રદર્શન- સહ વેચાણ, નગરજનોને જાણકારી મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને- તે માટે આ પ્રકારના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે. આ પ્રકારના આયોજનથી ‘લોકલ ટુ ગ્લોબલ’ મુવમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે.

ગ્રામીણ વિસ્તારની બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત દીન દયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ, રૂરલ સેલ્ફ એમ્પયોલમેન્ટ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ- રોજગાર પૂરું પાડવા માટે સખી મંડળો, સ્વ- સહાય જૂથો અને મહિલા મંડળો દ્વારા અનેક મહિલાઓએ સ્વરોજગારી પ્રાપ્ત કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, ઉક્ત પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યના તમામ 33 જિલ્લામાંથી સ્વ- સહાય જૂથ અને સખી મંડળો ચલાવતી બહેનો દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા 75 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલ્સમાં કટલેરી આઈટેમ્સ, બામ્બુ પ્રોડક્ટ્સ, ચકલીના સ્ટેચ્યુ, તાવડી, સુશોભિત માટલા, મીઠાઈ, બેકરી આઈટેમ્સ, ઢીંગલી, ઉનના પર્સ, દોરાથી વણેલી ખાટલી, પાપડ, કેન્ડલ હોલ્ડર્સ, મસાલા, આયુર્વેદિક દવાઓ, શાલ, ઓઢણી, મોતીના તોરણ, આભલા ભરત ભરેલા ચાકડા, બાંધણીના દુપ્પટ્ટા, ક્રિસ્ટલવાળા પ્લાન્ટ્સ, ફેક ફ્લાવર પ્લાન્ટ્સ, લાકડાની ઢીંગલી, લાકડાના કોતરણીવાળા બોક્સ, કી- ચેઇન, એન્ટી રેડિયેશન ચિપ, મોબાઈલ કવર, મચ્છરની અગરબત્તી, કપૂર અને લૅન્ટર્ન આવી અનેકવિધ પ્રકારની ગૃહ સુશોભન અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ઉક્ત ઉદ્ઘાટન સમારોહમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એન. એફ. ચૌધરી, શ્રી નવીનકુમાર સિંહ, શ્રી વી. બી. ગોસ્વામી તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના સદસ્યો ઉપસ્થિત રહયા હતા.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *