બેરોજગારોને નોકરી આપવામાં ગુજરાત સરકારની નિષ્ફળતાઓ આ રહી- યુવરાજસિંહ જાડેજા

 બેરોજગારોને નોકરી આપવામાં ગુજરાત સરકારની નિષ્ફળતાઓ આ રહી- યુવરાજસિંહ જાડેજા

AVSpost.com બ્યુરો, અમદાવાદ

ગુજરાતના બેરોજગાર યુવાનોના અવાજ બનેલા તેમજ ગુજરાત ગૌણ સેવા આયોગની અનિયમિતતાઓ અને ગેરહિતો સામે પડકાર કરનાર યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અમદાવાદમાં પાર્ટીના પ્લેટફોર્મ પર આવીને અનેક પ્રકારની બેરોજગારોની સમસ્યાઓ વિશે વિગતે વાત કરી હતી… તેમજ સત્તાધારી ભાજપને સમજ પડે તેવી રજૂઆતો કરી હતી !

ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા આપ પાર્ટીની સાથે સંકળાયેલા આ યુવા નેતા વર્ષોથી સ્વતંત્ર યુવા નેતા તરીકે પણ કાર્ય કરી રહ્યા હતા.

આવો જાણીએ એમની પ્રેસ વાર્તાની કેટલીક મહત્વપૂર્ણ વિગતો મુદ્દાસર અને વિચારીએ વિગતો સાથે…

*‘આપ’ નેતા યુવરાજસિંહ જાડેજા એ રોજગારીના મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધું.*

*રોજગારી આપવાની સ્થાને રોજગારી છીનવવાનું કામ ગુજરાત ભાજપ સરકાર કરી રહી છે: 

*ગુજરાતમાં 10 લાખ નહિ પણ તેનાથી પણ વધુ કાયમી રોજગારી શક્ય છે: 

*પંજાબની જેમ ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા શક્ય છે: 

*આમ આદમી પાર્ટીની સરકાર બની તો યુવાનોને લાયકાતના આધારે નોકરી મળશે, ભાજપની ની જેમ લાગવગ થી નહિ: 

*ગુજરાતને ‘હર ઘર રોજગાર’ ની જરૂરત છે, અને તેના માટે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે આવનારા 5 વર્ષના સમયગાળામાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરી શકે છે: 

*નવી સરકારી રોજગારી નું સર્જન કરવાના સ્થાને સરકારી રોજગારી ખતમ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે: 

*આમ આદમી પાર્ટી પાસે સારી નીતિ, નિયત અને સાફ દાનત છે એટલે આ દસ લાખ સરકારી નોકરી શક્ય છે: 

*ભાજપે 2 કરોડ રોજગાર આપવનું કહ્યું હતું એમાં કેટલી આપી?: 

*ગુજરાત ભાજપ સરકારના નાણા મંત્રી એ બજેટમાં 20 લાખ રોજગારી આપવાનું કહ્યું હતી કેટલી આપી?: 

*વિજય રૂપાણી ની સરકારે 15 લાખ રોજગારી આપવનું વચન આપ્યું હતું કેટલી આપી?: 

*કેન્દ્ર સરકારમાં જ લગભગ 10 લાખ જેટલી નોકરીઓની જગ્યા ખાલી પણ ભાજપ સરકાર ભર્તી કરતી નથી: 

*છેલ્લા ચાર વર્ષમાં એક પણ વર્ગ-૪ ની ભરતી કરવામાં આવી નથી: 

*ગુજરાત સરકાર સહકારી,નિગમ,બોર્ડ જાણે એમની પેઢી હોય એમ, લાગવગથી નોકરી આપે છે તો આ લાયક યુવાન ઉમેદવારને કેમ નથી આપતી?: 

*ભારતીય જનતા પાર્ટી સરકારી સંસ્થાનો ને ખતમ કરવાનું કાવતરું ઘડી રહી છે. તમામ વિભાગોનું પ્રાઇવેટીકરણ તરફ લઈ જઈ રહી છે. જીવતું જાગતું ઉદાહરણ- અગ્નિપથ સ્કીમ: 

*આમ આદમી પાર્ટી ભારતીય જુઠ્ઠાણાં પાર્ટી ની જેમ લોભામણી જાહેરાત કે ઠાલા વચનો નહીં પણ સરકારી કાયમી રોજગારીની ગેરંટી આપે છે: 

*કોન્ટ્રાક્ટ કર્મચારી નું જે રીતે શોષણ ન થાય તે માટે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારની જેમ ગુજરાતમાં પણ રોડ મેપ તૈયાર છે: યુવરાજસિંહ જાડેજા

 

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા એ એક મહત્વપૂર્ણ આ બાબતે મીડિયાને સંબોધતાં કહ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ થોડા દિવસ પહેલા ગુજરાતના યુવાનોને દસ લાખ સરકારી નોકરીઓ આપવાની જાહેરાત કરી, ત્યારે સાંભળીને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. તેઓ કહી રહ્યા છે કે “ગુજરાતમાં ખાલી 5,60,000 જ સરકારી નોકરીઓ શક્ય છે અને દિલ્લીના મુખ્યમંત્રી રેવડી વહેંચી રહ્યા છે.” દેશ આઝાદ થયો ત્યારબાદ ગુજરાત રાજ્યની રચના થઇ એ સમય અને હાલના સમયમાં વસ્તીમાં ખુબ જ વધારો થયો છે. સમયે સમયે જિલ્લા તાલુકા અને કચેરીઓમાં વધારો થતો ગયો પરંતુ આપણી મહેકમની વ્યવસ્થામાં કોઈ મોટો બદલાવ થયો નથી. આ વ્યવસ્થામાં બદલાવની જરૂરત છે.

ભાજપના લોકો કહે છે કે દસ લાખ સરકારી નોકરી શક્ય નથી, તો આજે હું એમને કહું છું કે જો નીતિ, નિયત અને દાનત સાફ હોય તો આ દસ લાખ સરકારી નોકરી શક્ય છે. ગુજરાતના યુવાનોને ભાજપ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. હાલની સરકારી વ્યવસ્થામાં ખૂબ જ જૂની રીતે રોજગારી આપવામાં આવે છે. હાલની વ્યવસ્થામાં 50% નોકરીઓ કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવે છે તથા ભાજપના નજીકના લોકોને ભાઈ-ભત્રીજાવાદથી નોકરી આપવામાં આવે છે.

પંજાબ સરકારે એક ઉદાહરણ આપ્યું છે. પંજાબ સરકારે સરકારી વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કાયમી નોકરી આપી ને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તો આ જ રીતે ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કાયમી કરીને રોજગારી આપી શકાય છે. ભાજપની સરકારે ચૂંટણી મેનિફેસ્ટો માં જણાવ્યું હતું કે તેઓ 20 લાખ લોકોને નોકરી આપવા જઈ રહ્યા છે, તો હું એ લોકોને જ પૂછું છું કે તે લોકો કઈ રીતે 20 લાખ લોકોને રોજગારી આપવાના હતા?

સરકારી નોકરી આપવામાં સરકાર નિષ્ફળ રહી છે એના હું કેટલાક દાખલા આપવા માંગું છું. 2018-19માં ફક્ત 5497 અને 2019-20 માં તો ફક્ત 1777 ને સરકારી નોકરી આપવામાં આવી. એ સમયે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા અને તેઓએ એમ કહ્યું હતું કે તેમની સરકારે 192,000 સરકારી નોકરીઓ આપી છે પણ વિધાનસભાના ફ્લોરમાં તેમને જણાવ્યું કે ફક્ત 1777ને જ રોજગારી આપી છે. અત્યારે વર્તમાનમાં પણ ફક્ત 1238 લોકોને જ રોજગારી આપવામાં આવી છે. આ પરથી સાબિત થાય છે કે એમનામાં સરકારી રોજગારી આપવાની નીતિ, નિયત અને દાનત છે જ નહિ.

બીજી તરફ અરવિંદ કેજરીવાલ જી દસ લાખ સરકારી નોકરી આપવાની ગેરંટી આપે છે તો બધા લોકોએ તેમની આ વાતનું સમર્થન કરવું જોઈએ અને ત્યારબાદ પૂછવું જોઇએ કે કઈ રીતે આ સરકારી નોકરીઓ આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલ જી પર જે રીતે રેવડી વેચવાના આરોપ લાગે છે તે તદ્દન પાયાવિહોણા છે. હાલ જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તે લોકોને કઈ રીતે કાયમી રોજગારી આપી શકાય તેના પર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આ પહેલા પંજાબમાં પણ આ રીતે કોન્ટ્રાક્ટ પર આધારિત લોકોને કાયમી રોજગારી આપી હતી તો તે જ રીતે ગુજરાતમાં પણ શક્ય છે.

હાલ ગુજરાતમાં સરકારી શાળાઓમાં 28200 જગ્યાઓ ખાલી છે. શિક્ષક સહાયકોની ખાલી છે, વિધ્યાસહાયકની ખાલી ખાલી છે અને આચાર્યોની જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ વિશે જીતુભાઇ એ પણ સ્વીકાર્યું છે. જો તેમની ઇચ્છાશક્તિ હોય તો આ જગ્યા પણ ભરી શકાય છે. ઉર્જા વિભાગમાં 4500 જગ્યાઓ ખાલી છે, આરોગ્ય વિભાગમાં 38500 જગ્યાઓ કહેલી છે. આ રીતે સરકારના 27 વિભાગોનું ટોટલ કરીયે તો હાલ 350,000 જેટલી જગ્યા ખાલી છે. પણ ભાજપ સરકારે આનાથી તદ્દન વિપરીત કામ કર્યું છે. ભાજપ સરકારે છેલ્લા બે વર્ષમાં રોજગારી આપવાની જગ્યાએ લોકોની રોજગારી છીનવી લેવાનું કામ કર્યું છે. ભાજપ સરકાર નવી રોજગારી ઉત્પન્ન કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે તો મારું માનવું છે કે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.

અત્યારે ગુજરાતને ‘હર ઘર રોજગાર” ની જરૂરત છે. તો આના માટે જનતા એ આમ આદમી પાર્ટીને મોકો આપવો જોઈએ. કારણકે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે આવનારા 5 વર્ષના સમયગાળામાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરી શકે છે.

હાલ ભાજપ સરકારે વર્ગ-૪ ની તમામ ભરતી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા ચાર વર્ષમાં એક પણ વર્ગ-૪ ની ભરતી કરવામાં આવી નથી. ઓછું ભણેલા લોકો ને વર્ગ-૪ ની રોજગારી આપવામાં આવે છે પરંતુ સરકારે એ પણ બંધ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની સરકાર આવતાં જ વર્ગ-૪ ની ભરતી પણ શરૂ થઈ જશે. વર્ગ-૪ માં એક લાખથી વધુ કાયમી રોજગારીનું સર્જન થઇ શકે છે. આ સિવાય સહકારી ક્ષેત્રોમાં જેમ કે બોર્ડ, કોર્પોરેશન, નિગમ જેનું ખાનગીકરણ થઇ રહ્યું છે અને મોટા ભાગે નિગમો વેચી રહી છે. દા.ત. GEB છે તેનું પહેલા અર્ધસરકારીકરણ થયુ છે. પણ અમે એમાં પણ લોકોને કોઈ લાગવગ વગર કાયમી રોજગાર આપીશું.

હાલ માં સી.આર.પાટીલ જી એ કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ ને તથા ભાજપના પેજ પ્રમુખોને નોકરીમાં પ્રાધાન્ય મળશે પરંતુ અમારી સરકાર માં આવી કોઇપણ પ્રકારના લાગવગ વગર રોજગાર આપવામાં આવશે.

આમ આદમી પાર્ટી લાયક અને નોકરીના હકદાર લોકોને જ નોકરી આપશે. આમ આદમી પાર્ટી સહકારીમાં, બોર્ડમાં, નિગમોમાં અને કોર્પોરેશનમાં તથા સરકારી વિભાગોમાં પણ કાયમી રોજગારી માટે અમારી પાસે રોડમેપ તૈયાર છે. ગુજરાતમાં 10 લાખ નહિ પણ તેનાથી પણ વધુ કાયમી રોજગારી શક્ય છે.

યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે રોજગારી આપવાના કામમાં અમે સૌથી વધુ કાર્ય કરીશું. આ સિવાય ફિક્સ કર્મચારીઓને જે ભથ્થા નથી આપવામાં આવતા એ આપી શકાય અને ફીક્શેસન પીરીયડને કઈ રીતે ઓછો કરી શકાય કે નાબૂદ કરી શકાય તથા ગ્રેડ પે ના મુદ્દા પાર પણ અમારી લીગલ ટિમ કાયદાકીય રીતો ચકાસી રહી છે.

હાલ ભાજપના લોકો રેવડી ઉપર વાત કરી રહ્યા છે પરંતુ તેમણે યુવાઓના રોજગાર પાર ધ્યાન આપવું જોઈએ. શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે જેમ દિલ્લીમાં કામ થઇ રહ્યા છે તેમ અને જેમ નવા શિક્ષણ સંકુલો આરોગ્ય સંકુલો ઉભા કર્યા તેમ ગુજરાત માં પણ સંકુલો ઉભા કરવામાં આવશે. અને તેમાં પણ લોકો ને કાયમી રોજગારી આપવામાં આવશે. આ બધું શક્ય જ છે.

ભાજપના લોકોએ એમના મેનીફેસ્ટો પાર જ ધ્યાન આપવું જોઈએ કેમ કે એમના નેતાઓએ 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી તો એ રોજગારી ક્યાં છે? આ બધા જુમલાઓ હતા ? ભાજપ વાયદા એ 2 કરોડ રોજગારી નથી આપી શક્યા એ એમની નિષ્ફળતા છે. અમારી પાસે સચોટ માહિતી અને રોડમેપ અમે આપી રહ્યા છીએ. અમે વિભાગોમાં જે રોજગારી ની માહિતી લોકો અને મીડિયા સમક્ષ મુકવાના છીએ. તેથી લોકોને ખ્યાલ આવે કે વર્તમાનમાં જે જે જગ્યાઓ ખાલી છે તે કઈ રીતે ભરી શકાય એમ છે. તો એના માટે પણ અમે આંકડાકીય માહિતીની ફેક્ટ્સ અને ફિગર અમે મીડિયા સમક્ષ મૂકી રહ્યા છીએ. જેથી આ બધી માહિતી વિષે આવનારા દિવસોમાં યુવાનોને પણ ખ્યાલ આવે. પણ હાલ સરકારી ક્ષેત્રને ખતમ કરીને દરેક વસ્તુનું ખાનગીકરણ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે તે જનતાએ સમજવું પડશે.

છેલ્લા 5 વર્ષમાં, ગુજરાત વિધાનસભાના માળખા અનુસાર, સરકારી નોકરીઓના આંકડા સામે આવ્યા છે, 2018-2019 મુજબ 5497, 2019-2020 મુજબ 1777, 2020-2021 મુજબ 1237 લોકોને રોજગારી આપવામાં આવી છે. પરંતુ અમે માનીએ છીએ કે તેના વિશે જે પણ ભરતી કરવામાં આવી છે તે જાહેર કરવી અને નિમણૂક પત્ર સુધી પહોંચાડવામાં ઘણો તફાવત છે. કારણ કે તલાટી અને બિન સચિવાલય જેવી નોકરીઓ આજદિન સુધી નિમણૂક પત્ર સુધી સુધી પહોંચી નથી.

કેન્દ્ર સરકારમાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર 40 લાખ સરકારી નોકરીની જગ્યાઓમાંથી 29 લાખ 80 હજાર ભરેલી છે અને 9 લાખ 20 હજાર જગ્યાઓ ખાલી છે. જો સરકારની ઈચ્છા હોય તો તે જગ્યાઓ પર પણ કાયમી નોકરી આપી શકાય છે. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે કેન્દ્ર સરકાર પણ ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. હાલ અગ્નિપથ નામની યોજના જાહેર કરવામાં આવી છે તેમાં જે યુવાનો સરહદ પર સેવા આપવા જઈ રહ્યા છે એમને પણ હવે સરકાર 4 વર્ષની નોકરી આપવા જઈ રહ્યા છે એ આપણા યુવાનોનું અપમાન છે. યુવાનો સાથે આ ક્રૂર મજાક થઇ રહી છે, અમે એનો પણ વિરોધ કરી રહ્યા છીએ.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *