વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…

 વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…

જયેન્દ્ર સુથાર , ઈડર

વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…

 

પ્રાચીન સમયમાં વિદ્યાપ્રદાન માટે ગુરુકુળોની વ્યવસ્થા હતી. એમાં સમાજના સામાન્ય વર્ગથી માંડી મોટા મોટા રાજકુમારો આ ગુરુકુળોમા રહી ગુરુની સેવા કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્ત કરતા. વ્યવસ્થા પણ કેવી હતી! શિક્ષાર્થીને માથે કોઈ આર્થિક ભાર નહિ એટલે કે ગુરુકુળની કોઈ માસિક કે વાર્ષિક ફી નહિ પણ શિક્ષા સમાપ્તિ પછી ગુરુને યથાશક્તિ દક્ષિણા આપવામાં આવતી. અહિ આપવામાં આવતી શિક્ષા (જ્ઞાન),એ શિક્ષકો (ગુરુઓ) કેટલા નિ: સ્વાર્થ, નિસ્પૃહ અને પવિત્ર પુરુષ હતા.પ્રત્યેક વિષયનું સાન્ગોપાન્ગ જ્ઞાન આપવામાં આવતું.અહિ શિક્ષણના કેન્દ્રમાં સંસ્કાર હતો,ધર્મ હતો.આ હતી ગુરુ કુલ પરંપરા. ‌‌આજે ગુરુકુળવાળી શિક્ષણ પ્રથા વિલીન થઈ ગઈ છે.ગુરુકુળોને બદલે શાળાઓ અસ્તિત્વમાં આવી છે પરિણામે, આજે ગુરુકુળોના સમયની તુલનામાં શિક્ષણનો વ્યાપ ખૂબ વધી ગયો છે.બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર શાળાઓ શરૂ થઈ જતાં આ શાળાઓના સંચાલકો વચ્ચે સ્પર્ધા પેદા થઈ છે.આ સ્પર્ધા શાની? શિક્ષણની?ના, વ્યવસાયની સ્પર્ધા.આ વ્યવસાયની સ્પર્ધાને લીધે શિક્ષણની ગુણવત્તાનો આદર્શ ઓગળતો જાય છે.એટલે ગુરુકુળોની શિક્ષણ વ્યવસ્થા અને આજનું શિક્ષણ -આ બે વચ્ચે આસમાન જમીનનું અંતર વર્તાય છે.આજે જ્યાં જુઓ ત્યાં -વેપારમા, વ્યવસાયમાં , વહીવટ માં, વ્યવસ્થા માં સર્વત્ર સ્પર્ધા જોવા મળે છે.*આ સ્પર્ધા એટલે લોભનું સોહામણું સ્વરૂપ*. અને આ કલિયુગમાં લોભનું વર્ચસ્વ ખાળી શકાય તેમ નથી.

આવોજ ઢ સ્પર્ધાનો પૂર્ણ સ્વાન્ગ સજીને એક શિક્ષણપ્રથા અસ્તિત્વમાં આવી રહી છે એ છે આજની ખાનગી ઇન્ગલિશ મીડીયમ સ્કૂલો.આપણી માત્રુભાષા ગુજરાતી અને ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓની વ્યવસ્થાને ખોખરી કરનાર એક પરિબળ એટલે આ ખાનગી ઇન્ગલિશ મીડીયમ સ્કૂલ. આ ખાનગી શાળાના. સંચાલકો પોતાના ધંધાની પ્રસિદ્ધિ માટે જોર-શોરથી ઢોલ પીટી પ્રચાર કરતા હોય છે.ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ દ્વારા વ્યક્તિત્વ વિકાસની મોટી જાહેરાતો કરતા હોય છે.સામાન્ય વર્ગનાં માં બાપને શાળાઓની આ જાહેરાતો એક મશીનરી જેવી લાગે છે.તેઓ આ શાળાઓને વૉશીન્ગ મશીન સમજી બેઠા હોય છે.વૉશીન્ગ મશીનમાં ગમે તેવાં મેલાં, ગંદાં કપડાં નાંખવામાં આવે તો તે ડ્રાય થઈ ને આવે છે એમ તેઓ માને છે કે આપણું બાળક એ શાળામાં જશે એટલે ત્યાં ના એ ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ દ્વારા પૂર્ણ બની બહાર આવશે. આવાં માબાપ પોતાની આર્થિક -શૈક્ષણિક ક્ષમતાનો વિચાર કર્યા વિના બાળકને ઇન્ગ્લિશ મીડીયામાં ધકેલી મૂકે છે.ત્યારે એ બાળકની મનઃસ્થિતિનો વિચાર કરવા જેવો હોય છે.અંગ્રેજીભાષાના અપૂર્ણ જ્ઞાનથી બાળક દ્વિધાની સ્થિતિમાં મૂકાય છે.આ સ્થિતિમાંથી બાળકને ઉગારવા માટે પરિવાર કાંઇ મદદ કરી શકતું નથી એટલે બાળક પોતે એનો રસ્તો કાઢે છે:*ટ્યશન*… મોટા ભાગના ઇન્ગ્લિશ મીડીયમ શાળાનાં બાળકોના ભણતર સાથે ટ્યુશન
અણવર જેવું અભિન્ન અંગ બની ગયું છે.(અપૂર્ણ)

Part 2

 એક વાર મારે અમારા એક સંબંધીને ઘેર જવાનું થયું.એમને બે બાળકો.એક દીકરી અને એક દીકરો.દીકરી મોટી, દીકરો નાનો.દીકરી સોફા ઉપર પોતાનું દફતર ઠાલવી પથારો કરીને કાંઇક કામ કરી રહી હતી. મેં એને ભણતર બાબત કેટલીક પૂછપરછ કરી.તેણી ધોરણ છ માં અને દીકરો ધોરણ બેમાં ભણતો હતો.મારી પૂછપરછ દરમિયાન દીકરીએ મને ગૌરવ પૂર્વક જણાવ્યું કે તે બન્ને ભાઇ-બહેન ઇન્ગલિશ મીડીયમ સ્કૂલમાં ભણે છે.ત્યારે જિજ્ઞાસા પૂર્વક મેં તેણીનાં ચોપડાં પડ્યાં હતાં એ હાથમાં લઈ જોવા માંડ્યું.પુસ્તકોને જોઇ મને ખૂબ નવાઈ લાગી.પાઠ્યપુસ્તકો વિષયવાર અલગ અલગ હતાં મોટા કદનાં સચિત્ર પુસ્તકો હતાં.અને એની કિંમત જોઇ હું સ્તબ્ધ થઈ ગયો.બસો, ત્રણસો, સાડા ચારસો રૂપિયા કિંમત! કેટલાં મોંઘાં પુસ્તકો અને એય બધાં સંપૂર્ણ અંગ્રેજી ભાષામાં.એ પુસ્તકોનું કન્ટેન્ટ -લખાણ જોઇ મને એમ લાગ્યું કે આ બધી વિગત બાળકને સરળતાથી કેમ સમજાતી હશે ! માબાપ તો બાળકને માર્ગ દર્શન આપવા જરાય મદદ કરી શકે એમ નથી.એટલે જ આ બાળકો ટ્યુશન જવાનો માર્ગ અખત્યાર કરતાં હશે. બાળકની મુંજવણ નું મેં અનુમાન કરી લીધું.મને વિચાર આવ્યો.’જો આ જ બાળક ગુજરાતી માધ્યમની શાળામાં ભણતું હોય તો એને પ્રાથમિક કક્ષાનું માર્ગ દર્શન તો એની મા પણ આપી શકતી.વળી સરકારી શાળામાં પાઠ્યપુસ્તકોની ભાષા પણ ગુજરાતી હોઇ બાળક સ્વયં વાંચીને પણ પોતાનું કામ કરી લઇશકે. મેં અમારા એ સંબંધીને, દીકરીના બાપને કહ્યું,’ઇન્ગ્લિશ મીડીયમના બાળકોનાં આ પુસ્તકો આટલાં બધાં મોંઘાં !આ તો કેટલા બધા પૈસા કહેવાય ! ત્યાં વચ્ચે દીકરી બોલી ઊઠી.’ના,અંકલ! અમારે પૈસા ખરચવા પડતા નથી.સ્કૂલ આમને આ બધું જ ફ્રીમાં આપે છે.આ યુનિફોર્મ,આ બુટ મોજા,ટાઇ, સ્કૂલ બૅગ અને પાઠ્યપુસ્તકો આ બધું જ શાળા પૂરું પાડે છે.આ સાંભળી મને બિચારા ભોળા -નિર્દોષ બાળ માનસ પર દયા આવી.’આ બાળકોને તો મગજમાં એમ જ ઠસાવવામાં આવે છે કે શાળા આ બધું મફત આપે છે.’મે એ દીકરીને કહ્યું,’બેટા,તારા બાપને પૂછી જો.આ શાળા તમારી પાસેથી કેટલી ફી લે છે.તારા દાદા એમની આખી જિંદગીમાં જેટલું કમાયા નથી એટલા પૈસા એક જ વરસની ફીના ચૂકવવા પડે છે તારા બાપને ! એમનો દીકરો બીજા ધોરણમાં ભણતો હતો.એના પુસ્તકો હેતુલક્ષી વિષયાર્થ વાળાં હોવા છતાં એટલાં જ મોંઘા હતાં.દીકરાના પુસ્તકો ભેગી એક સ્કૂલ ડાયરી (નિત્ય નોંધ) હતી.સાવ કોરી-કટ.બીજા ધોરણોનું બાળક શી નોંધ કરી શકે!અને એ ડાયરીની કિંમત? એક અબુધ બાળક અને એની ડાયરી દોઢસો રૂપિયાની! હું વ્યથિત થઈ ગયો .મારો આત્મા બોલી ઊઠ્યો,’હે પ્રભુ,આ બધું ક્યાં જઇને અટકશે ! ‌‌. શિક્ષણ સાથે વ્યાપાર! બજારમાં બેઠેલો રેડીમેઇડ વસ્ત્રોનો એક વેપારી એક વરસમાં જેટલા યુનિફોર્મ વેચી શકતો નથી એટલા, એક જ ઝાટકે આ શાળાસંચાલક શાળાની સંખ્યા પ્રમાણે પાનસો, હજાર, પંદરસો જોડી યુનિફોર્મ, બુટ મોજા, પાઠ્યપુસ્તકોનો વેપાર કરી નાખેછે.વળી,આ ખાનગી સ્કૂલો નગરની ગલીએ ગલીએ અને છેક છેવાડાના ગામડા સુધી દોડી વિદ્યાર્થીઓને ખેંચી લાવવા પીળી ગાડીઓ દોડાવે છે. આ કોઇ સેવા નથી.પણ વાલીએ આ વ્યવસ્થાના બદલામાં પૂરા પૈસા ચૂકવવા પડે છે.અને શાળાઓ ઢોલ પીટીને જણાવે છે:અમારી ટ્રાન્સપોર્ટ ફૅસીલીટી.! (અપૂર્ણ).

 

Part 3

*વાત છે, વિચારવા જેવી*….૯. ઇન્ગ્લિશ મીડીયમ અને આપણે ભા૦૩….. ‌‌

જૂના જમાનામાં પરિવારમાં દાદા હોય એ રાત્રે બાળકોને વાર્તા કહેતા.ભક્તકવિઓના રચેલાં ભક્તિ કાવ્યો ગાઇ સંભળાવતા. આંક બોલાવતા,પલાખા પૂછતા.-આ પ્રવ્રુત્તિથી બાળકમાં ઘણી અભ્યાસ લક્ષી રુચિ પેદા થતી.જ્યારે આજનાં ઇન્ગ્લિશ મીડીયમમા ભણતા બાળકોને પરિવારનો કોઈ સભ્ય નક્કર માર્ગદર્શન આપી શકતો નથી.બાળકની માતા સામાન્ય ભણેલી હોય તો તે પોતાના બાળકને મદદ કરવામાં લાચાર છે અને કોઈ બાળકની માતા શિક્ષિત હોય તો તે જૉબ કરતી હોવાને લીધે સમયના અભાવથી અને થાકના પ્રભાવથી પીડાતી હોઇ બાળકને મદદ કરી શકતી નથી.આ પરિસ્થિતિમાં બાળક કેટલી વિટંબણામાથી પસાર થતુ હશે એ સમજી શકાય તેમ છે. ‌માત્રુભાષામા જ શિક્ષણ શામાટે? એનું કારણ છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એના ઘડતર ઉપર માતાની પ્રત્યેક પ્રવ્રુત્તિ નો સંસ્કાર પડતો હોય છે.ગર્ભાવસ્થામા ત્રણ માસ પછી ગર્ભસ્થ શિશુની શ્રવણેન્દ્રિયનો વિકાસ થાય છે.એટલે એ ગર્ભસ્થ શિશુ માતાની વાતચીત સાંભળે છે.માતાની વાતચીતનું માધ્યમ માત્રુભાષા (ગુજરાતી) હોય છે એટલે એ શિશુ માતાની પ્રત્યેક વાચિક પ્રવુતિ -વાતતચીત,ભજન, ગાયન,વાદ-સંવાદ, બોલાચાલી -આ બધું એ સાંભળ્યા કરે છે.પરિણામે એ શિશુને ગર્ભમાં જ માત્રુભાષાનો સંસ્કાર પ્રાપ્ત થાય છે.એટલે જન્મ પછી બાળક યોગ્ય સમયે માત્રુભાષા માં બોલવાનું શરૂ કરે છે.આ કારણને લીધે જ બાળકને માત્રુભાષા વાળા માધ્યમમાં જ ભણવા મુકાય.માત્રુભાષા સિવાય અન્ય ભાષાના માધ્યમમાં બાળકને ભણવા બેસાડવાથી એના ઉપર એની રુચિ વિરુદ્ધનો ત્રાસ ગુજારવામાં આવેછે.બાળકને વેઠ કરવી પડે છે.એ કાર્યમાં પરાણે જોતરાવુ પડે છે. ‌ખાનગી ઇન્ગ્લિશ મીડીયમની શાળાઓની તુલનામાં આજની આપણી સરકારી પ્રાથમિક શાળાઓ ઉતરતી કક્ષાની નથી.શિક્ષણ માટે તાલીમ પામેલા અને વિષયજ્ઞ શિક્ષકો નિમવામાં આવેછે.એટલે આજની આપણી સરકારી શાળાઓ નવો જ સ્વાન્ગ સજીને બેઠી છે.આ શાળાઓ માં બાળકને કેન્દ્રમાં રાખીને તમામ શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવે છે.સરકારે આ શાળાઓને અનેકવિધ સુવિધાઓથી સજ્જ કરી છે.બાળકોને મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે.શાળા તરફથી ગણવેશ મળે છે.મધ્યાહ્નભોજનની આરોગ્યપ્રદ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.બાળકોને શુદ્ધ પેયજલ મળી રહે એ માટે આર.ઓ.પ્લાન્ટની વ્યવસ્થા હોય છે.તમામ પ્રકારનાં શૈક્ષણિક સાધનો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.આવી તમામ ઉત્તમ વ્યવસ્થાઓ હોવા છતાં આપણી દંભી માનસિકતાને લીધે આ સરકારી શાળાઓની અવગણના કરવામાં આવે છે,અને ઇન્ગલિશ મીડીયમના મ્રુગજળ પાછળ દોડવા માંડીએ છીએ.પરિણામે ‘ લાંબા સાથે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય ‘એ ખેલનો ભોગ બનવું પડે છે.(અપૂર્ણ)

જયેન્દ્રભાઈ સુથાર, ઇડર.મો.૯૪૨૭૬૮૬૧૨૩.

 

અત્યારની ખાનગી ઇન્ગલિશ મીડીયમ સ્કૂલોમાં એક કહેવાતી નવી ફેસીલીટીએ ધીમે ધીમે પગ પેસારો કરવા માંડ્યો છે એ છે કૅન્ટીન ફૅસીલીટી.કૉલેજ પરિસરમાં કૅન્ટીન હોય એ સામાન્ય વાત છે પણ હવે આ ખાનગી શાળાઓમાં પણ મૅસ (ભોજન શાળા)ની વ્યવસ્થા આપવામાં આવી રહી છે.આથી બાળકને ઘેરથી અલ્પાહાર (લન્ચબૉક્ષ)નો ડબો લાવવાનો રહેતો નથી.આ વ્યવસ્થા અસ્તિત્વમાં આવવાથી કેટલીક પ્રમાદી માતાઓને પોતાનાં બાળકો માટે કરી આપવાના નાસ્તાની માથાકૂટ માંથી મુક્તિ મળી છે.આ વ્યવસ્થાનો લાભ લેવા વાલીએ અગાઉથી લૉજીન્ગ ચાર્જ ભરી દેવાનો હોય છે.

 

આજના આ ફૅસીલીટીના યુગમાં ગ્રુહિણીઓ પોતાના કાર્યભાર માંથી હળવી થતી જાય છે જ્યારે પુરુષોના માથે ખરચાઓનુ વજન વધતું જાય છે. આ ખાનગી શાળાના સંચાલકો બાળકના વાલી પાસેથી તગડી ફી લે છે જ્યારે એ શાળાના કર્મચારીઓનું ખૂબ શોષણ કરવામાં આવે છે.આધ્યુનિક સમાજમાં શિક્ષણની આ દશા જોઈ હૈયું કકળી ઉઠે છે, મનોમન પ્રશ્ન થાય છે.તો આનો ઉપાય શું?હા, ઉપાય છે. આ શાળાઓનો પ્રાણ છે બાળકો.જો બાળકો ન હોય તો શાળાની આ ઇમારતો ભૂતબંગલા બની જાય.

પ્રત્યેક બાળકનો વાલી જાગી જાય અને પોતાના બાળકને અહિંથી ઊઠાવી સરકારી પ્રાથમિક શાળામાં મૂકે તો આ પિત્તળિયા ચળકાટવાળી શાળાઓની હવા નીકળી જાય.માટે હે સુજ્ઞ વાલીઓ , તમારા દેખાદેખી વાળા વલણમાંથી બહાર આવો ! ભારતના મહાન મિસાઈલ મેન ડો.અબ્દુલ કલામને યાદ કરો.એમના બાપને પૂછો કે એમણે એમના દીકરાને રામેશ્વરમાં કરી ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ સ્કૂલમાં ભણવા મૂકયો હતો!આ જ વાત વિનોબાને પૂછો, રવિશંકર મહારાજને પૂછો.જો તમારા સંતાનમાં કૌવત નહિ હોય તો દુનિયાની કોઈ શાળા પાસે એવી જાદુઈ છડી નથી કે જે તમારા સંતાનને મહાન બનાવી આપે! ‌‌ અંતમાં એટલું કહેવું પડે એમ છે કે ખાનગી ઇન્ગલિશ મીડીયમની શાળાઓનાં કેટલાક ઉજળા પાસાં છે પણ એનો લાભ બધાં બાળકો લઇ શકતાં નથી. કેટલાંક ખૂબ કાળજીવાળા અને શિક્ષિત -સંપન્ન પરિવરો જ પોતાના બાળકને યોગ્ય સાર-સંભાળ સાથે સહાયક બની ઇન્ગ્લિશ મીડીયમનો લાભ લઇ શકે છે.જ્યારે મધ્યમ વર્ગના બાળકો અભ્યાસમાં આગળ ઉપર જતાં, નાસીપાસ થતાં અંગ્રેજી માધ્યમ છોડી ગુજરાતી માધ્યમનો માર્ગ પકડતાં હોય છે.તો, વાંચકો!કયો માર્ગ સ્વીકારવામાં હિત છે એ વિવેકનો ઉપયોગ કરો.નથી વાત વિચારવા જેવી?.

અસ્તુ. ‌‌.

( લેખક -જયેન્દ્રભાઈ સુથાર ઇડરમાં શ્રી અરવિંદ કેન્દ્ર ચલાવે છે. તેમ જ એજ્યુકેશન અને અભ્યાસમાં અધ્યાત્મિક મૂલ્યો અંગે અને બીજા ઘણા વિષયો પર બાળકોને પ્રવચન પણ આપે છે.. તેઓ ભૂતપૂર્વ કલા શિક્ષક રહ્યા છે)

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *