ક્ષણોના સૂત્રે જેણે પરોવી લીધું જીવન, બની રહો મૃત્યુ એનું આનંદમય પરમાનંદ મહોત્સવ

 ક્ષણોના સૂત્રે જેણે પરોવી લીધું જીવન, બની રહો મૃત્યુ એનું આનંદમય પરમાનંદ મહોત્સવ

નીરવ જોષી , હિંમતનગર

(joshinirav1607@gmail.com)

આકરુન્દ ગામમાં સંદેશ સાહિત્ય કક્ષમાં ગત સપ્તાહે જીતપુર હાઈસ્કૂલ ના ગ્રંથપાલ પટેલ સુભાષભાઈ ‘એકાંત’ અને ઉજળેશ્વર બી.એડ્. કોલેજના અધ્યાપક શંભુભાઈ ખાંટ “અનિકેત”ના બે પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સંદેશ લાઇબ્રેરી સાહિત્ય કક્ષમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કમલેશભાઈ શુક્લ્, વિપુલભાઈ પટેલ તેમજ ડાયટ મોડાસાના એન.ડી. પટેલ, અરવિંદભાઇ કે.પટેલ ડેભારી તેમજ અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા “મૃત્યોત્સવ” અને” ભાવસ્પંદન” બંને પુસ્તકોનું વિમોચન ઉપરોક્ત મહાનુભાવોના સાનિધ્યમાં કરવામાં આવ્યું. જેમાં લેખકશ્રીની ઉત્તમ લેખનકલા અને આધ્યાત્મિકતાના શ્રેષ્ઠ ભાવ જોવા મળે છે.

સાહિત્યસર્જકોનો પરિચય અને તેમનું બેકગ્રાઉન્ડ…

શ્રી સુભાષભાઈ પટેલ વાચક વિચારક અને લેખક છે. તેઓ ગ્રંથપાલ હોવાથી પુસ્તકમાં સાનિધ્યમાં તેમની ઊર્મિઓ જોડાયેલી છે. ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો પરિવાર હોવાથી સંસ્કાર અને આધ્યાત્મિકતા સદેવ જોવા મળે છે. પિતાશ્રી ડાહ્યાભાઈ પોતે કવિ અને નિવૃત આચાર્ય છે. પિતાશ્રીના સાનિધ્યમાં પુત્ર સુભાષભાઈના પુસ્તકોનું વિમોચન થયું છે તેમજ ખૂબ જ ગરીબીમાં ઉછરેલા શંભુભાઈ ખાંટ સાહેબ શબ્દ પ્રીતિ અને કાવ્ય રચના માટે ઉત્તમ રચયિતા છે. તેમના પુસ્તકમાં શબ્દે શબ્દે સ્પંદન અને હૃદયના ભાવો જોવા મળે છે. આ બંને લેખકો સમાજને તેમજ વાચક વર્ગ નવી સાહિત્યિક ઉર્જા પૂર્ણ કરી રહ્યા છે. આ બંને પુસ્તકો ના લોકાર્પણમાં સંદેશ લાઇબ્રેરીના પાયાના વ્યક્તિશ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ સાહેબ આકરુન્દ પ્રાથમિક શાળાના આચાર્ય છે તેઓ એક અભ્યાસુ, વ્યવહારુ અ લેખક અને ઉત્તમ વિચારક છે. તેમના સહકારથી અને બંને લેખકોના ભગીરથ પુરુષાર્થથી આજરોજ સંદેશ લાઇબ્રેરી આકરુન્દમાં લોકાર્પણ કાર્યક્રમ ઉત્તમ રીતે સંપન્ન થયો.

સુભાષભાઇ એક ઉત્તમોત્તમ સુવાસ પ્રસરાવનાર ‘ગ્રંથપાલ’ છે. તેમનો પરિચય અમારા ‘હાલો ભેરુ ગામડે’ સામયિકમાં તેમની નિયમિત પ્રકાશિત થતી કોલમ ‘સુઉદ્ગાર’થી થયો. તેમની ખરી સુવાસ તો મેં ત્યારે પ્રસરતી જોઇ જ્યારે તેમનો પ્રથમ ગ્રંથ ‘સ્વાતિબુંદ’ અરવલ્લીની ગિરીમાળાઓમાં મંત્રોચ્ચારથી વિમોચિત થયો. એક ગ્રંથપાલ લાખો લોકોને પંથ બતાવે તેવું બહુ ઓછું જોવા મળે. સંકલિત ગ્રંથમાં શૌર્ય, જ્ઞાન, નિષ્ઠા, રાષ્ટ્રપ્રેમ, યુગક્રાંતિ, કર્મયોગનું જતન થાય તેવા કેટલાય લેખો, લાખો વાચકો માટે દીવાદાંડી સમાન છે. તેમનું બીજું પુસ્તક ‘મૃત્યોત્સવ’ મૃત્યુને મંગલ બનાવી મૃત્યુ વિશેના માનવીના સંશયોને હળવા કરે છે. સંસાર જગતમાંથી માનવી રજા લઇને સ્વર્ગલોકમાં જવાની તૈયારી કરે છે. ત્યાં સુધીની યાત્રા સહજ રીતે આ પુસ્તક સમજાવી જાય છે. બે પુસ્તકની બમ્પર લોકપ્રિયતા મેળવ્યા પછી પણ માનવી કેટલો સ્થિતપ્રજ્ઞ છે તે ‘એકાંત’ પાસે જોવા મળે છે. માણસ મોટો થવાને બદલે નાનો થતો જોવા મળે છે. આજે ટેકો ખેંચવા વાળાની લાઇન છે ત્યારે કોઇને ટેકો આપીને મોટો કરવા યુવા કવિ શંભુ ખાંટ જેવા ઉત્સાહી ‘અનિકેત’ સાથે કદમ મિલાવે છે અને હેટ્રિક પુસ્તકનો જશ સરખે ભાગે વહેંચે છે.

સુભાષભાઇ પટેલ ‘એકાંત’ અને શંભુભાઇ ખાંટ ‘અનિકેત’નો કાવ્યસંગ્રહ ‘ભાવસ્યંદન’ એ કોરોના કાળની સાહિત્યિક નીપજ છે. આ કાવ્ય સંગ્રહ વાંચી માણી મેં પ્રસન્નતાનો અનુભવ કર્યો છે. સહજ સ્વાભાવિક રચનાઓ એક અનેરા કાવ્યાનંદની પ્રતિતિ કરાવે છે. અહીં માનવજીવનની વાસ્તવિકતાને બંને કવિઓએ ખૂબ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં વર્ણવી છે. કવિતા એ તો ત્રીજા નેત્રની પ્રસાદી છે. ‘કવિતા’ એ આત્માનો અમર પ્રસાદ છે. જીવનની અદ્ભુત, અનેરી અને વિસ્મયપૂર્ણ લીલાથી ઘેલુ બનેલું માનવ હૈયું ભાવનાઓથી છલકાય છે. હિલોળે ચડે છે. ત્યારે ભીતરથી પુલકિત કાવ્ય રૂપે ‘એકાંત અને અનિકેત’ નીપજે છે.

કવિતા વિશ્વમાં એક અનોખી અનુભૂતિ અને તેનો રસાસ્વાદ

‘કવિઓની કવિતાનો આસ્વાદ જ કવિને જીવંત રાખે છે.’ કવિ ‘એકાંત’ની કાવ્ય રચનાઓ જીવન તરફ જોવાનો જીવંત દ્રષ્ટિકોણ આપે છે. ‘આ જિંદગીનો શું ભરોસો’

‘હતું કરવાનું શું ને કરી રહ્યા શું ?’, ‘બદલાયો કર્મયોગનો નક્શો’, ‘આ જિંદગીનો શું ભરોસો’, એકદમ કડવું સત્ય કહીને માનવીને ટકોર કરી છે કે, ‘ભલે મોતી દીસે મસ્તક છતાં એ નાગ ઝેરી છે, કરી જો દુષ્ટથી મૈત્રી તો વખત પર એ જ વેરી છે. હજુ ચેતાય તો ચેત માનવી જીંદગી થોડી બાકી છે.’ જિંદગીનો કોઇ ભરોસો નથી. આ કાવ્ય દ્વારા માનવીને સમજાવી જાય છે કે જીંદગી એ ફક્ત ખાવો, પીવો અને મઝા કરો એટલા પૂરતી સીમિત નથી.

‘જાગો, છે હવે બાકી જે ક્ષણો તારી જશો, સત્સંગના મારગે જો ચાલશો આ જિંદગીનો શું ભરોસો ?’ એ સિવાયના દરેક કાવ્ય ‘ફરિશ્તા ઇશ્વરના’, ‘કોઇ મને ક્યો શીખવાડો’, ‘આ ક્ષણ’, ‘તો ખરા..’, ‘બહું અંધારું લાગે છે’, ‘એજ તું’, ‘એવું બની શકે ?’, ‘જીવનના અંતમાં’, ‘વિનવે આવતી કાલના બાળ’, ‘ચાંદ પ્રખર પ્રજ્ઞા’, ‘હેપ્પી બર્થડે મહાત્મા ગાંધી’, ‘કહોને કાન’, ‘હૈ ગુરુવર’, ‘જોઇ લીધા’, ‘નહિ’, ‘કેમ ?’, ‘ધન્ય ધન્ય એ ધરા’, ‘જીવન’, ‘સુધી’, ‘એ જ લઇ આવ્યા’, જેવા કાવ્યોમાં આપણને કવિના દિલમાં ભાવનાઓનો જબરો ઉછાળો જોવા મળે છે. કવિતા કલાને પામવાની એક તમન્ના છે. જીજીવિષા છે. સાહિત્ય રસિકોના સાનિધ્યથી ઉત્કૃષ્ટ કવિતા દ્વારા એ જગતને દિલથી આસ્વાદવાની હોશ છે. આ કાવ્યસંગ્રહમાં આપણા કવિ ૯ પાસે શબ્દોનો જબરો વૈભવ પણ જોવા મળે છે.

યુવાકવિ ‘અનિકેત’ ની કાવ્ય રચનાઓ જીવનની તલાશ ન લેતી હોય તેવી લચીલી અને તોફાની પણ છે. માનવી અંદરથી જુદો અને બહારથી જુદો. એ માર્મિક ટકોર કરી છે. ‘પથ્થરો પોલા હશે કોને ખબર ?’ માનવી મેલા હશે કોને ખબર ? નક્કર દેખાતો પથ્થર કોઇ દિવસ પોલો હોય ખરો ? માનવી એક માત્ર એવો છે કે જેને ભગવાને સીધો બનાવ્યો છે અને તે આડો ચાલે ? મેલો બને ? તો – વળી કહે છે કે એ હતો પૂનમનો ચાંદ તોયે, અમાસની રાત કેમ થયો કોને ખબર ? પૂનમના ચાંદ જેવા દેખાતા માનવ, આજે અમાસની રાતમાં ધકેલાઇ ગયો છે.

દુનિયામાં હાહાકાર મચી ગયો છે. એ જોઇ કવિહૃદય હચમચી ઉઠે છે. આ સિવાય ‘વસંત ઘેલી ધરા’, ‘મા’, ‘સરિતાની જેમ વહ્યો છું’, ‘આ જિંદગી’, ‘પ્રીત’, ‘ત્રિદેવ ભૂલોકે’, ‘પડે છે નજર’, ‘સપનું’, ‘તલાશ’, ‘આવડી ગયું છે મને હવે’, ‘અમને નહિ ફાવે’, ‘ગામડાની નઝાકત’, ‘મહેકવું છે મારે’, ‘મઝા પડી ભાઇ મઝા પડી’, ‘જીરવવું પડ્યું છે’, ‘સમજવા મથું છું’ ‘હાલો માનવીઓ મારા ગામડામાં’, ‘ફાવી જશે’, ‘પુરાવા આપવા પડે છે’ જેવી અનેક કવિતાઓમાં પ્રકૃતિ, પ્રભુ, પ્રણય અને માનવ ગરિમા અને ભાવનાઓનો રણકાર છે.

હૃદય મંદિરના દ્વારેથી… ‘‘મોત આવે ને મરું તેવો હું નથી, પાનખર પહેલાં ખરું તેવો હું નથી.’

માનવ મનની વાત સમજાવતાં કવિશ્રી મોતને મ્હાત આપી પાનખર સુધી જીવનમય બનીને જીવવાની વાત ઉક્ત પંક્તિઓ દ્વારા પ્રકટ કરે છે. પરંતુ ‘મૃત્યુ’ મહાસત્ય છે. ત્યાં કોઇનું કંઇ ચાલતું નથી. જગવિખ્યાત માઇકલ જેકસને ૧૫૦ વર્ષ જીવવાની પ્રતિબધ્ધતા સાથે ચૂસ્ત વ્યવસ્થા ગોઠવી હતી. તેની સાથે તે સતત ૧૨ નિષ્ણાંત તબીબોની ટીમ રાખતો. તેનો ખોરાક દરરોજ પ્રયોગશાળામાં ચકાસણી થઇને આવતો. દૈનિક વ્યાયામ માટે ૧૫ જેટલા હેલ્થ નિષ્ણાતો એની સાથે વ્યસ્ત રહેતા. પ્રાણવાયુનું પ્રમાણ સતત જળવાઇ રહે તેવી વિશિષ્ટ પથારી સુવા માટે તૈયાર કરવામાં આવી હતી. અંગદાતા અને રકતદાતા વગેરેની એક ઇમરજન્સી ટીમ હંમેશા તૈયાર રાખવામાં આવતી… પરંતુ અફસોસ… ૨૫મી જૂન ૨૦૦૯ના રોજ પચાસ વર્ષની ઉંમરે તેના હૃદયે તેનો સાથ છોડી દીધો. આગોતરી વ્યવસ્થા ઉપયોગી ન બની શકો.

‘મૃત્યુ’ એ નિશ્ચિત ઘટના છે અને કોઇ રીતે રોકી શકાતું નથી છતાંય આપણે પામર માનવી એને રોકવા મથતા રહીએ છીએ. અને મરણ પાછળ આંસુ સારી શોક પાળતા રહીએ છીએ આનાથી બચવા જેવું છે. માનવ જીવન સાચી રીતે જીવવા અને મૃત્યુને મહોત્સવ બનાવવા મહાન ગાયત્રી સાધક અને ‘એકવિસમી સદી ઉજ્જવળ ભવિષ્ય ના ઉદ્ગાતા પૂ. પંડિત શ્રી રામશર્મા આચાર્યજી અને સ્નેહસલિલા મા ભગવતીના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે.

પૂ. ગુરુદેવના સાહિત્યના અભ્યાસુ ભાઇશ્રી સુભાષ પટેલે સદર પુસ્તકમાં આ બાબતે દિશાદર્શન કરાવવાની મથામણ કરી છે. મૃત્યુના બહાને જીવન દર્શન કરાવતું આ ઉત્તમ પુસ્તક હૃદય સોંસરવું ઉતરીને માંહ્યલાને ઉજાસ અર્પિ જાય તેવું છે. આવું અણમોલ પુસ્તક આપવા બદલ સુભાષ પટેલ ‘એકાંત’ ને ધન્યવાદ આપવા જ રહ્યા…! અધ્યાત્મના અભ્યાસુઓ માટે મહામૂલા રત્ન સમાન આ પુસ્તકને આવકારતાં હર્ષ અનુભવી રહ્યા છીએ સાથે આવનાર સમયમાં આવાં ઉત્તમ ગ્રંથરત્નો ‘એકાંત’ પાસેથી મળતા રહે એવી અભ્યર્થના…

‘ક્ષણોના સૂત્રે જેને પરોવી લીધું જીવન, બની રહો મૃત્યુ એનું ‘મહોત્સવ’ ’’

આમ, ‘એકાંત’ અને ‘અનિકેત’ ની બેલડી દ્વારા પ્રકાશિત ‘ભાવસ્યંદન’ જનમાનસને ઢંઢોળી કાઢશે એવો મને આત્મવિશ્વાસ છે. સમગ્રતયા આ કાવ્યસંગ્રહ પ્રસન્નતાનો દીર્ઘકાલીન અનુભવ આપે છે. એમના આ સંગ્રહથી હું મારો રાજીપો વ્યક્ત કરું છું. એક સાહિત્યકાર તરીકે આ સંગ્રહને મારું હૈયું ઉમળકાભેર આવકારે છે. સાથે સાથે ભવિષ્યમાં પણ સાહિત્યસર્જનમાં આવી જ હૃદયઉર્મિઓને અવિરત વહાવતા રહો એ જ ભોળા ‘શંભુ’ ને પ્રાર્થના અને શુભાશિષ…

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *