સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

 સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

નીરવ જોષી, હિંમતનગર

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત

શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ

વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે કૃષિ ઉત્પાદન તો મબલખ મળે પણ સામે ખર્ચનું પ્રમાણ કેટલું મોટું આ રીતે ખેડૂત ખેતીમાં કઈ રીતે લાંબા ગાળા સુધી ટકી શકે.  

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સગરામપુરા કંપાના યુવાન એન્જિનીયર  પણ ખેતીમાં વિશેષ રસ ધરાવતા દીક્ષિતભાઈ પટેલ આવું જ વિચારે છે, અને એટલે જ દીક્ષિતભાઈ પોતાનો ધીકતો એન્જીનીયરીંગનો ધંધો છોડી, ગાંધીનગરની પોતાની ઓફીસને ખેડુત તાલીમ કેંદ્રમાં ફેરવી પ્રકૃતિ ખેતી તરફ ખેડૂતો વળે તે માટે સુભાષ પાલેકરજીની સાથે સાથે પોતે પણ ગુજરાતના ગામડાઓ ખુંદી પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવામાં લાગી ગયા છે.

     દીક્ષિતભાઈ કહે છે કે, વ્યવસાયે મારા પિતા ખેડૂત, પરંતુ હું વ્યવસાયે એન્જિનિયર છું એન્જિનિયરિંગ માં ભણ્યા પછી હું એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વ્યવસાયે ગયો, પરંતુ ખેતી મારા બાપ-દાદા નો વ્યવસાય હોવાથી ખેતીમાં પણ મને એટલો જ રસ હતો. હું પણ રાસાયણિક ખેતી જ કરતો પરંતુ તેમાં  ખર્ચ વધુ અને નફો ઓછો મળતો હોવાથી મને એમ થયું કે આપણે બહુ ખોટા રસ્તે છિએ. શોધ કરતા કરતા રાજીવ દીક્ષિતના પ્રવચનો મારા સાંભળવામાં આવ્યા તેમાંથી મને ઘણી પ્રેરણા મળી ત્યારબાદ મને સુભાષ પાલેકરજીનો ઓનલાઈન સંપર્ક થયો. તેમનું કૃષિ સંબંધિત તમામ સાહિત્ય ઓનલાઇન વાંચ્યા પછી વર્ષ ૨૦૧૫માં ત્રણ દિવસની વર્કશોપમાં જોડાયો. ૨૦૧૬થી હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું જેના મને ખૂબ જ સુંદર પરિણામો મળ્યા છે.

       આ પરિણામો બાદ ખેતી તરફનો મારો અભિગમ બદલાયો પ્રકૃતિ ખેતીનો વ્યાપ વધારવાના કાર્યમાં હું પોતે પણ લાગી ગયો. આજે મેં મારો એન્જિનિયરીંગનો વ્યવસાય છોડી સંપૂર્ણ ખેડૂત બની ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અમે વર્કશોપ યોજીને તાલિમ આપી રહ્યા છીએ.

      અમારા ખેતરમાં કેળાની દેશી ગાંઠ રૂ ૪/- ની મળે છે તે વાવી છે.  આ ગાંઠ એક વખત  વાવ્યા પછી તે વર્ષો વર્ષ ચાલ્યા જ કરશે. જેથી એક મોટો ખર્ચ બચી જાય છે. અમે માત્ર બે ગાયના ગોબર અને ગૌ-મૂત્ર અને અન્ય પ્રાકૃતિક પદાર્થોમાંથી જીવામૃત ઘનજીવામૃત બનાવીએ છીએ. કોઈપણ જાતના અન્ય ખાતરની જરૂર રહેતી જ નથી જીવામૃત ત્રણ ત્રણ મહિનાની છાંટીએ તો પણ ઉત્તમ પરિણામ મળે છે.

    આજે મારા ખેતરમાં અંદાજે ૩૦થી ૪૦ કિલો સુધીની કેળાની લુમ છોડ પર ઝૂલી રહી છે. હાલ અઢી એકરમાં કેળાની ખેતી કરી છે અને બાકીના અઢી એકરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. કેળાના ખેતરમાં ૩૦૦૦ છોડ છે. ૧૬ કિલોની લૂમ સહેજે મળે છે એ જોતા અંદાજે ૨૦ મેટ્રિકટન કેળાનું ઉત્પાદન થાય  હોલ સેલ બજારમાં રૂ.30ના કિલોના ભાવે વેચાય છે. રિટેલમાં રૂ. ૪૦-૪૫ના ભાવે વેચાય આ ગણતરી કરતાં રૂ. અઢી એકરમાં ૧૨ થી ૧૩ લાખની કેળાની ખેતીની આવક થાય છે.  

    વધુમાં દીક્ષિત ભાઈ જણાવે છે કે બાકી અઢી એકર જમીનમાં અલગ અલગ પ્રકારની શાકભાજીની ખેતી કરું છું અમે એક સાથે શાકભાજી વાવવાને બદલે અલગ અલગ સમયે જુદી-જુદી શાકભાજી વાવીએ છીએ. જેમાં હાલ હળદર, આદુ, મેથી, લસણ, ડુંગળી વગેરે તેમજ  ફળમાં પપૈયા, તરબૂચ સક્કરટેટી જેવા ફળો કરૂ છે. કેળા -શાકભાજીની ખેતીની વાત કરીએ તો આ ખેતરમાંથી ૧૮થી ૨૦ લાખ મને મળવા જોઈએ એવું મારું લક્ષ્યાંક છે.

         દિક્ષિતભાઇ હાલ ગાંધીનગર ખાતે રહે છે. ખેતી માટે દસેક દિવસે ગામડે આવે છે.પોતાની  જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. આ ખેતી પ્રકૃતિ, પાણી, આરોગ્ય, પર્યાવરણ તમામ સમસ્યાઓનુ સમાધાન છે.  

    દીક્ષિતભાઈએ અત્યાર સુધીમાં ગુજરાતના ૨૫ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે તેમનુ કૃષિ ઉત્પાદન જોઈ આસપાસના ખેડૂતો પણ આ ખેતી તરફ વળ્યા છે, જે આપણા માટે ખુબ જ સારી વાત છે. પ્રાકૃતિક ખેતી હાલની તમામ સમસ્યાઓનું સમાધાન કરનારી અને નીરોગી તંદુરસ્ત જીવન આપનારી ખેતી બનશે. ખેડૂતોનો ખર્ચ ઘટાડવાથી અને ઉત્પાદન વધવાથી ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી થશે સાથે તમામ લોકોનું જીવન નિરોગી બનશે.  

(આવી પ્રકારની પ્રેરણાત્મક અને અવનવી ન્યુઝ સ્ટોરી કરવા માટે સંપર્ક કરો: 9106814540 & 9662412621(WhatsApp)

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *