ગુજરાતીઓ માટે હસમુખ શાહ જેવી હસ્તી પ્રેરણા સ્વરૂપ હતી

 ગુજરાતીઓ માટે હસમુખ શાહ જેવી હસ્તી પ્રેરણા સ્વરૂપ હતી

આલેખનઃ રમેશ તન્ના

મોરારજી દેસાઈ સહિત ત્રણ વડાપ્રધાનોના સચિવ, અનેક સંસ્થાઓના મોભી, નિષ્ઠાવાન અને કર્મઠ હોદેદાર, અનેક સેવાકીય, સ્વૈચ્છિક, કળાકીય, વિદ્યાકીય અને માનવીય સંસ્થાઓના પોષક એવા હસમુખ શાહે આજે, ત્રીજી ડિસેમ્બર, 2021, ગુરુવારે સવારે 7.20 કલાકે વિદાય લીધી. તેમની વય 87 વર્ષની હતી. તેમની સારવાર કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં ચાલુ હતી.

હસમુખ શાહની ઓળખ એક લીટીમાં આપવી અઘરી અને તેમના પ્રદાનને એક લેખમાં સમાવવું પણ અશક્ય. તેઓ બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. સમાજના એક મહાજનમાં હોય તેવી સંવેદના તેમના હતી. રાષ્ટ્રના શાસકમાં હોય તેવી દષ્ટિ તેઓ ધરાવતા હતા. તેમનું થિકિંગ ગ્લોબલ હતું, પણ કામ લોકલ સ્તરે કરતા હતા. એક સ્વસ્થ અને પ્રગતિશીલ રાષ્ટ્ર પાસે શું હોવું જોઈએ, તેણે તે બધુ કેવી રીતે અંકે કરવું જોઈએ, સ્વસ્થ અને આધુનિક સમાજ કેવો હોય અને તેની રચના કઈ રીતે થઈ શકે.. આ બધી સ્પષ્ટ સમજણ તેઓ ધરાવતા હતા.

તેઓ કુશળ વહીવટકર્તા તો હતા જ, પણ ભારોભાર સંવેદનશીલ માણસ પણ હતા.

જાહેર અને સરકારી ક્ષેત્રે તેમણે જીવનના જુદા જુદા તબક્કે વિવિધ રીતે કામગીરી કરી. જે પણ કામગીરી કરી તે દીપાવી. તેઓ રાષ્ટ્રના હિતમાં સતત કામ કરતા રહ્યા.

સંયુક્ત સચિવ તરીકે તેમણે ભારતના ત્રણ વડાપ્રધાનો, મોરારજી દેસાઈ, ઈન્દિરા ગાંધી અને ચૌધરી ચરણસિંહ સાથે કામ કર્યું. પક્ષાપક્ષીથી દૂર રહીને કોઈ ટોચનો અધિકારી કેવી રીતે કામ કરી શકે તે હસમુખ શાહના જીવન અને કવનમાંથી જોવા મળે.

 

તેમણે આત્મકથાત્મકશૈલીમાં સ્મરણકથા “દીઠું મેં” (પ્રથમ આવૃત્તિઃ 2013) લખી હતી જે ખૂબ જ વખણાઈ હતી.

સાહિત્યકાર અને કર્મશીલ રઘુવીર ચૌધરી સાથે તેમને નીકટનો નાતો. તિલક કરે રઘુવીર શ્રેણીમાં રઘુવીરભાઈએ તેમના વિશે શબ્દચિત્ર આલેખ્યું છે. આઈ થીંક, દર્શક ઈતિહાસ નિધિ સંસ્થામાં પણ તેઓ સાથે કામ કરતા. “દીઠું મેં”ના હિન્દી અવતાર જૈસા મૈંને દેખા પુસ્તકની પ્રસ્તાવના રઘુવીરભાઈએ લખી છે. “દીઠું મેં” (ગુજરાતી)નું પ્રકાશન રઘુવીરભાઈએ સ્થાપેલી સંસ્થા રંગદ્રાર પ્રકાશને કર્યું છે.

મોરારજી દેસાઈ સાથેનો તેમનો સમયકાળ રસપ્રદ રીતે આત્મકથાત્મકશૈલીમાં લખાયેલી સ્મરણકથા “દીઠું મેં” (પ્રકાશકઃ રંગદ્રાર, અમદાવાદ)માં વર્ણવ્યો છે. નેહરુજીના નિધન પછી કઈ રીતે લાલબહાદુર શાસ્ત્રીજીએ પત્રકાર કુલદીપ નાયર અને કામરાજની મદદથી, સંપૂર્ણ લાયક એવા મોરારજીભાઈ દેસાઈને વડાપ્રધાનપદથી દૂર રાખ્યા હતા તેની કેફિયત, પૂરાવા સાથે હસમુખભાઈએ નોંધી છે.

મોરારજીભાઈ દેસાઈની જે સામાન્ય (ઊભી કરાયેલી) છાપ છે તેના બદલે, શ્રી હસમુખભાઈ શાહ નવી જ, અને સાચી છાપ આપે છે. તેમની આત્મકથા દીઠું મેં.. એ રીતે પણ ભારત અને ગુજરાતના જાહેરજીવન માટે ઘણી મહત્ત્વની છે. મોરારજીભાઈ દેસાઈની સંવેદનશીલતા પણ આ પુસ્તકમાંથી પસાર થતાં સ્પષ્ટ જોવા મળે છે.

“દીઠું મેં”… માં તેમણે પોતાના શૈશવનાં સ્મરણો આલેખ્યાં છે તથા સવિશેષ તો જુદી જુદી વ્યક્તિઓનાં કુશળતાથી દોરેલાં શબ્દચિત્રો તેમને એક નીવડેલા સર્જક સાબિત કરે છે.

તેમની આત્મકથા 1965 પછીના ભારતનો એક મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે.

અભ્યાસીઓએ તેમની આત્મકથાકથાત્મક સ્મરણકથા “દીઠું મેં” વાંચવા જેવી છે. ગુજરાતી ભાષાની એક મહત્ત્વની કથા છે. તેમના હાથ નીચે અને હૃદય સાથે કામ કરનારા (અને અમારા મિત્ર) શ્રી નીતિનભાઈ ભટ્ટે અંગત રસ લઈને તેનો હિન્દીમાં અનુવાદ, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પાસે કરાવ્યો છે. અનુવાદ વડોદરાસ્થિત સુનંદાબહેન ભાવેએ કર્યો છે. (પુસ્તક પ્રકાશનમાં આ લખનાર અને કિશોર મકવાણાનું પણ ચપટીક પ્રદાન ખરું.) દીઠું મેં પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ “ફ્રોમ ધ માર્જિન્સ ઓફ હિસ્ટ્રી” ટૂંક સમયમાં પ્રકાશિત થવાની છે.

હસમુખભાઈ દીર્ઘદષ્ટા હતા. તેઓ જમીન સાથે જોડાયેલા હતા. આવતી કાલને પ્રમાણીને, આજને બરાબર સમજીને, ભવિષ્યને જોઈ શકતા. એક ઉત્તમ શાસક કે નેતામાં હોય તેવા તેમનામાં ઘણા ગુણ હતા.

આઈપીસીએલ (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ)નું ખાનગીકરણ થયું તે પહેલાં તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે એન્જિનિયરિંગ પ્લાસ્ટિકના વિકાસ માટે GE અને IPCL વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા માટે જેક વેલ્શને સમજાવ્યા હતા.

તેમણે કળાની અનેક પ્રવૃત્તિઓને ખૂબ ઉત્તેજન આપ્યું હતું.

સમગ્ર પેકેજિંગ ફિલ્મ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાયમાં (ટપક સિંચાઈ અને કેનાલ લાઇનિંગ દ્વારા) પ્લાસ્ટિકના ઉપયોગ નો પ્રચાર કરવાનું કામ તેમના નેજામાં થયું હતું. તેમના કાર્યકાળ દરમિયાન યુ.કે. ની કેમિકલ ઈનસાઈટે આઈ.પી.સી.એલ.ને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પેટ્રોકેમિકલ ઉત્પાદક કંપની તરીકે બિરદાવી હતી.

હસમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો હતો. તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (GEC), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ગુજરાત ઇકોલોજી સોસાયટી (GES), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (GNCS) ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના પણ સ્થાપક અધ્યક્ષ હતા.

દર્શક ઇતિહાસ નિધિ (DIN) ના સ્થાપક ટ્રસ્ટી તરીકે, તેમણે ગુજરાતના મેરી ટાઇમ ઈતિહાસ વિશે અનેક બહુવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું અને આ વિષય પર શિષ્યવૃત્તિ આપી અને મહામૂલાં કહી શકાય તેવાં પ્રકાશનો પણ કર્યાં. તેઓ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ના અધ્યક્ષ પણ હતા.

તેઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. મોભી તરીકે તેમણે નોંધપાત્ર કામ પણ કર્યું હતું. તેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT), ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (IRMA), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (DAIICT), એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડા, સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી, સેન્ટર ફોર ફ્યુઅલ રિસર્ચ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (GIRDA) અને લોક ભારતી- સમોસરા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

તેઓ “ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન” (BAIF), “અક્ષર ટ્રસ્ટ”, “ભારત ગ્રામીણ આજીવિકા ફાઉન્ડેશન”, “ચારુતર આરોગ્ય મંડળ” જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તબીબી શિક્ષણ અને સંભાળ પૂરી પાડે છે, સાથે સંકળાયેલા હતા. તેઓ “શ્રમ મંદિર” (રક્તપિત્તની સારવાર અને પુનર્વસન) જેવી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) અને ફાઉન્ડેશનોમાં ચાવીરૂપ હોદાઓ પર પણ હતા.

૧૯૭૮માં જોરહાટમાં વડાપ્રધાન મોરારજી દેસાઈના વિમાન સાથે થયેલી વિમાન દુર્ઘટનામાં તેઓ સાથે હતા તો સિડની કોમનવેલ્થ વડાઓની બેઠક (CHOGM) માં થયેલા બોમ્બ ધડાકામાં પણ તેઓ હાજર હતા. ધ તિયાનેનમેન સ્ક્વેર વિદ્રોહ જેવી અન્ય ઘણી ઐતિહાસિક ઘટનાઓના પણ તેઓ અંગત રીતે સાક્ષી હતા.

હસમુખ શાહના પરિવારમાં પોતાની પાછળ ધર્મપત્ની નીલાબહેન, પુત્ર અમલાન અને પુત્રી અલ્પનાને વિલાપ કરતા નહીં, ઉત્તમ જીવન જીવી શકે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં ઉપયોગી થઈ શકે તેવી સ્થિતિમાં મૂકતા ગયા છે.

હસમુખભાઈએ વિવિધ ક્ષેત્રે કરેલા અણમોલ પ્રદાન વિશે, દર્શક નિધિ કે પછી અન્ય કોઈ સંસ્થા દ્વારા વિગતવાર સંશોધન થવું જ જોઈએ.

એમના પરિવારે તેમની સ્મૃતિમાં સમાજને ઉપયોગી વ્યાખ્યાનમાળા શરૂ કરવી જોઈએ એવું મારું નમ્ર સૂચન છે.

ભગવાન તેમના આત્માને પરમ શાંતિ આપે.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *