જાણો ,વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું?

 જાણો ,વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું?

*મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ બન્યો વિકાસનો આગવો ઉત્સવ :

પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ₹13,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન*
=================
*ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ મહત્ત્વપૂર્ણ: આજે દેવકાર્ય સાથે દેશકાર્ય પણ તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી*
=================


*◆ કોઈ પણ દેશની પ્રગતિ તેની વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે, કેન્દ્ર સરકારે સાર્વત્રિક વિકાસ સાથે વિરાસતનું શ્રેષ્ઠ જતન કર્યું છે*
*◆ મંદિર માત્ર પૂજા-અર્ચનાનું સ્થાન નહિ, હજારો વર્ષ પુરાણી સંસ્કૃતિ-પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના પ્રેરણાસ્રોત*
*◆ અમારી સરકાર જે સંકલ્પ કરે છે તે હંમેશાં પૂર્ણ કરે છે, આજનાં વિકાસકાર્યો તેનું ઉત્તમ ઉદાહરણ છે*
==================
*ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*ગુજરાતમાં થયેલાં વિકાસ કામોથી વિકાસની પરિભાષા બદલાઈ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
=================
ભારતના વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે ₹13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું છે કે ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ આજે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે આજે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું જ નહીં, લોકોનું જીવન સરળ બનશે.
વડાપ્રધાનશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે મંદિર માત્ર પૂજાપાઠના સ્થાન નહીં, પરંતુ હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક છે.

મંદિરને જ્ઞાન – વિજ્ઞાનના કેન્દ્ર તરીકે ગણાવતા વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું હતું કે મંદિર દેશ-સમાજને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મંદિર શિક્ષણ અને સમાજ સુધારણાના કેન્દ્ર સમાન છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મહામૂલી વિરાસતના જતન-સંવર્ધન અંગે જણાવ્યું હતું કે કોઈ પણ દેશની પ્રગતિ તેની વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે. કેન્દ્ર સરકારે સાર્વત્રિક વિકાસ સાથે વિરાસતનું શ્રેષ્ઠ જતન સંવર્ધન કર્યું છે. અમારી સરકારે વિકાસ સાથે વિરાસતના જતન સંવર્ધનને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. આજે સમગ્ર દેશ રામ મંદિરના નિર્માણથી ખુશ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી ઐતિહાસિક વિરાસતો માત્ર ઇતિહાસને સમજવાના પ્રતીક માત્ર નથી, પરંતુ ભાવિ પેઢીને ઇતિહાસ સમજવા, દેશની સંસ્કૃતિ સમજવાના પ્રેરણાસ્રોત સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસ્તીના પ્રમાણો મળ્યા છે. ધોળાવીરામાં પ્રાચીન ભારતના દિવ્ય દર્શન થાય છે. આ વિરાસતો ભારતનું ગૌરવ છે અને આપણને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણનો અમારો આજનો પ્રયાસ ભાવિ પેઢી માટે રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમજવા માટે વિરાસત રૂપ બની રહેશે. આધુનિક રસ્તા, રેલવે લાઇન, આધુનિક આંતર માળખાકીય સુવિધા વિકસિત ભારતનો ધોરીમાર્ગ બનશે.

દેશભરમાંથી ઉપસ્થિત રબારી સમાજના લોકોનું ગુજરાતની ધરા ઉપર સ્વાગત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે વિકાસ સાથે જોડાયેલા રૂ.13,000 કરોડના વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આ પ્રોજેક્ટમાં રેલવે, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટુરિઝમ જેવા અનેક મહત્ત્વનાં વિકાસ કામો જોડાયેલાં છે.

હું આ પવિત્ર ધરતી ઉપર એક દિવ્ય ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આ ઊર્જા આધ્યાત્મિક ચેતનાથી આપણને જોડે છે. જેના સંબંધ ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાદેવજી સાથે પણ છે. તેમણે જણાવ્યું હતું કે આજે બલદેવગીરી બાપુનું સપનું સાકાર થઈ રહ્યુ છે.

આજે દેશ સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર ઉપર ચાલી રહ્યો છે. સરકાર દેશમાં જીવનને સરળ બનાવવા માટે કામે લાગી છે, તેવું કહી જણાવ્યું હતું કે, મોદીની ગેરંટીનું લક્ષ સમાજના છેવાડાના માનવીનું જીવન બદલવાનું છે. એટલે જ એક તરફ દેવાલય બની રહ્યા છે અને બીજી બાજુ કરોડો ગરીબના પાકા ઘર પણ બની રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં સવા લાખ ગરીબ પરિવારના ઘરનાં ઘરનું સપનું સાકાર કરવાનો અવસર મળ્યો છે. આજે દેશમાં 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યુ છે. દેશના 10 કરોડ નવા પરિવારોને નળથી જળ મળવાની પણ શરૂઆત થઈ છે. આજે ડીસામાં નિર્માણ થયેલા રન-વેથી અહી સુરક્ષાનું બહુ મોટું કેન્દ્ર વિકસિત થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટ માટે ભારત સરકારને અનેક પત્રો લખ્યા હતા પરંતુ તત્કાલીન સરકારે આ કામ કર્યું ન હતું.
પણ મોદી જે સંકલ્પ લે છે તે પૂરો કરે છે અને તે વાત આજે ડીસાના રન-વેનું લોકાર્પણ કરીને સાર્થક કરી છે. એટલે જ લોકોને મોદીની ગેરંટીમાં વિશ્વાસ આવે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાતની ધરતી મહેસાણાના તરભ ખાતેથી આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 13,000 કરોડથી વધુ રકમનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તરભ ખાતે માલધારી સમાજના ભક્તિ, શક્તિ અને આસ્થાના પ્રતીક સમા 900 વર્ષ જૂના શિવાલયની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે વિકાસોત્સવ ઊજવાઈ રહ્યો છે. આજે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ વિકાસનાં કાર્યો અવિરત ચાલતાં જ હોય છે, એ જ આ સરકારની વિકાસની ગેરંટી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ ઊભી કરી છે. આપણી સરકારે નાણાંના અભાવે વિકાસના કાર્યો અટકવા દીધાં નથી, ગુજરાતમાં લોકોની અપેક્ષા પ્રમાણે ગુણવત્તાસભર કામો થઈ રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ સરકાર પર લોકોને પૂરો ભરોસો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક નાણી ખાતે એરસ્ટ્રીપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અંબાજી ખાતે રીંછડીયા મહાદેવનું મંદિર, રેલવે, હાઇવે કનેક્ટિવિટી અને નેટ-વે કનેક્ટિવિટીથી જોડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં થયેલાં વિકાસ કામોથી વિકાસની પરિભાષા બદલાઈ છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તરભ ગામના વાળીનાથ ભગવાન દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાનશ્રીએ સભા મંડપમાં આવતા ખુલ્લી ગાડીમાં બેસીને માદરે વતનના નાગરિકોનું અભિવાદન પણ ઝલ્યું હતું. સર્વે નાગરિકોએ ઉત્સાહભેર વાળીનાથ ભગવાનની જયઘોષ કરી આવકાર આપ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહેસાણાના તરભ ખાતે વિવિધ વિભાગોના રૂ. ૧૩ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ. ૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જેનાથી રાજ્યની ૮,૦૩૦ ગ્રામ પંચાયતોને લાભ મળશે. રૂ. ૨૩૦૦ કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ. ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. ૧૭૦૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલા એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ કરાયું હતુ.

આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ. ૨૧૦૦ કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રૂ. ૧૬૮૫ કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત તથા ઊર્જા મંત્રાલયના રૂ. ૬૧૨ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ. ૫૦૭ કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના ૯ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂ. ૧૦૮ કરોડના ખર્ચે IMD- પ્રવાસન વિભાગનાં ૩ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૩૬ કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે તરભ વાળીનાથ મંદિરના મહંતશ્રી જયરામગિરીજી, સાંસદશ્રી સી. આર. પાટીલ, મંત્રીશ્રીઓ સર્વશ્રી ઋષિકેશ પટેલ, શ્રી બલવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદશ્રીઓ શ્રીમતી શારદાબેન પટેલ, શ્રી ભરતસિંહ ડાભી, શ્રી બાબુભાઇ દેસાઈ, શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, સંતો-મહંતો, સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *