ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જાણો નવરાત્રીમાં માં અંબા ની આરતી નું મહાત્મ્ય, દુર્ગાસપ્તશતીના ચોથો અધ્યાય
સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
*નવરાત્રી શરૂ થઈ ગઈ શક્તિ પૂજાન ના દિવશો છે , આપણે આરતી ગાતા હોઈશુ , તો આપણે આજે એનો ઇતિહાસ અને ભાવાર્થ સમજીએ*
આરતીનું અથથી ઈતિ:’જય આદ્યાશક્તિ… માઁ જય આદ્યાશક્તિ…’ આરતી શિવાનંદ પંડ્યાએ 421 વર્ષ પહેલાં નર્મદાતટે લખી, માતાજી પ્રગટ થયાંનું વર્ણન ચોથી પંક્તિમાં છે
નવરાત્રિમાં માતાજીની આ આરતી ગવાતી હોય ત્યારે અલગ તરંગો હવામાં વહે છે. દિવ્યતાની અનુભૂતિ થાય જ. આપણે આ આરતી ભાવથી ગાઈએ છીએ, ત્યારે કેટલાક ભક્તોને સવાલ થાય પણ ખરો કે આ આરતી કોણે લખી? ક્યારે લખી? શા માટે લખી? અને આ આરતી વિશ્વભરમાં આટલી લોકપ્રિય શા માટે બની? આવો, જાણીએ અંબેની આરતીનું અથથી ઈતિ…
આરતી કોણે લખી ?
આ આરતી શિવાનંદ વામદેવ પંડ્યા ઉર્ફે સ્વામી શિવાનંદે લખી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના તટે માંડવા બુઝુર્ગ ગામ છે. આ ગામમાં માર્કંડ મુનિનો આશ્રમ અને દેવી અંબાજીનું પુરાતન મંદિર છે. સ્વામી શિવાનંદના પૂર્વજો આ આશ્રમ અને મંદિરમાં દેખભાળ અને પૂજાપાઠ કરતા. વામદેવ પંડ્યાના ભાઈ સદાશિવ પંડ્યાએ દેવી અંબાજીની જીવનપર્યંત સેવા કરી હતી. કાકા સદાશિવ પાસેથી પ્રેરણા લઈને શિવાનંદ ભક્તિ માર્ગે વળ્યા. શિવાનંદ પંડ્યા ‘સ્વામી શિવાનંદ’ તરીકે ખ્યાતિ પામ્યા. સ્વામી શિવાનંદે 421 વર્ષ પહેલાં આ આરતીની રચના કરી હતી.
સ્વામી શિવાનંદનો જન્મ વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈ.સ.1541માં સુરતમાં અંબાજી રોડ પર નાગર ફળિયામાં થયો. નાની ઉંમરે તેમના પિતાના નિધન પછી સ્વામી શિવાનંદને તેમના કાકા સદાશિવ પંડ્યાએ ઉછેર્યા હતા. જોકે પંડ્યા પરિવાર માંડવા બુઝુર્ગ ગામથી સુરત સ્થાયી થઈ ચૂક્યો હતો. સ્વામી શિવાનંદ અલગ અલગ શહેરોમાં કથા, પૂજા માટે ફરતા રહેતા હતા. એકવાર ખંભાતમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્વામી શિવાનંદ પોતાના વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા ત્યારે જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. સાલ હતી 1601. એ સમયે સ્વામી શિવાનંદની ઉમર 60 વર્ષ હતી. એક સાંજે એ દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો, જાણે માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય….એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર ભુજાવાળા માઁ લક્ષ્મી પ્રગટ થયાં. આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી શિવાનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી.
*સ્વામી શિવાનંદની છઠ્ઠી પેઢીના જમાઈ હતા કવિ નર્મદ*
*જ્ય આદ્યાશક્તિ આરતીનો પંક્તિ સહિત વિસ્તૃત અર્થ*
*જ્ય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રગટ્યાં માઁ,*
*ૐ જય હો જય હો માઁ જગદંબે..*
અર્થ : આદ્ય એટલે સર્વ પ્રથમ જગત, વિશ્વ કે અખંડ એક ઈંડા આકારના બ્રહ્માંડનું સર્જન થવા માટે જે શક્તિ નિમિત્ત બની અને એ દિવસ પણ બ્રહ્માનો પ્રથમ દિવસ પડવો કહેવાયો. એવી ૐના નાદરૂપ માઁ જગદંબાનો જય હો જય હો.
*દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર માઁ*
અર્થ : બે સ્વરૂપ એટલે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે માઁ, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.
*તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણી માઁ*
અર્થ : ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.
*ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ સચરાચર વ્યાપ્યાં, ચારભુજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં*
અર્થ : મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યાં છે. મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભુજા ચાર દિશા સમાન છે અને તેઓ આશીર્વાદ આપવા દક્ષિણમાં પ્રગટ થયાં છે.
*પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં*
અર્થ : જગદંબાના આશીર્વાદથી કરુણા, પ્રેમ, સત્ય, સત્ત્વ અને મમત્વ આ પાંચ ગુણ પ્રાપ્ત થાય છે. હે કમળ ઉપર બિરાજમાન માઁ, પાંચ મહાન ઋષિઓએ પણ આપના ગુણગાન ગાયા છે. હે માઁ, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ વ્યાપ્ત છો.
*ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નર-નારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે માઁ*
અર્થ : મહિષાસુર રાક્ષસને મારનારી માઁ તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છો.
*સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા; ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા માઁ*
અર્થ : સાતેય પાતાળમાં આપ બિરાજમાન છો, સાવિત્રી (પ્રાતઃ) અને સંધ્યા આપ છો. પાંચ માતાનાં સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ગૌરી (પાર્વતી) અને ગીતા આપ જ છો.
*અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો માઁ*
અર્થ : (દૈત્યોને હણનારી મહાકાળી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાળી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયા છે.
*નવમી નવ કુળ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધા હરબ્રહ્મા*
અર્થ : નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. આપનું નવરાત્રિએ પૂજન થાય છે, શિવરાત્રિએ શિવની સાથે આપનું અર્ચન થાય છે. બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. (નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.)
*દસમી દસ અવતાર વિજ્યાદસમી, રામે રામ રમાડયા, રાવણ રોળ્યો માઁ*
અર્થ : દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો, એટલે જ એને વિજ્યાદશમી કહેવાય છે. હે માઁ, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો. (રાવણનો વધ કરવા માટે અંબાએ જ રામને ધનુષ આપ્યું હતું).
*એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા*
અર્થ : નોરતાંની અગિયારમી રાતે કાત્યાયની માઁનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માઁનું વ્રત કરેલું. કાત્યાયની મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.
*બારસે બાળારૂપ, બહુચરી અંબા માઁ, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ માઁ*
અર્થ : બહુચર માઁ બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલાં એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધા તારા જ સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.
*તેરસે તુળજારૂપ તમે તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારા ગાતાં*
અર્થ : હે માઁ, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજે છે, જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.
*ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા, ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા*
અર્થ : શક્તિનું ચૌદમું સ્વરૂપ માઁ ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર માઁ, અમને થોડા
ભક્તિભાવ અને ચતુરાઈ આપો.
*પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા માઁ, વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા.*
અર્થ : પૂનમ એટલે ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરુણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.
*સંવત સોળ સતાવન સોળશે બાવીસ માઁ, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે*
અર્થ : 1657ના સંવતમાં આપે સોળ વર્ષની કુંવારીકાના રૂપમાં દર્શન આપ્યાં, આપ રેવા (નર્મદા)ના કાંઠે પ્રગટ્યા
*ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી*
અર્થ : અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે માઁ, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત્તિ થાશે, હર કૈલાસ જાશે, માઁ અંબા દુઃખ હરશે
અર્થ : આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતીના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે,એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.
આદ્યા નહીં પણ આદ્ય, જયો નહીં જય હો!
આપણે આરતીમાં “જય આદ્યાશક્તિ, માઁ જય આદ્યાશક્તિ” ગાઈએ છીએ. વાસ્તવમાં ‘આદ્યા’ શબ્દ નથી, પરંતુ ‘આદ્ય’ છે. જ્યારે ‘જયો જયો માઁ જગદંબે’ અપભ્રંશ થયેલું છે. વાસ્તવમાં એ છે – ‘જય હો જય હો માઁ જગદંબે. આવી રીતે આ આરતીમાં પછીથી કેટલાય ભકતોએ ફેરફાર કર્યા અને કોઈએ નવી પંક્તિઓ પણ ઉમેરી. કેટલીક પંક્તિઓ ખોટી રીતે આપણી સામે આવે છે. જોકે ગાવામાં ‘આદ્યા’ બેસી ગયું છે અને જય ૐ કે પછી જય હો… પણ ગવાય છે.
*ઇંગ્લેન્ડના લ્યુટનમાં ગવાય છે ઇંગ્લિશમાં આ આરતી*
ઇંગ્લેન્ડના લ્યુટન શહેરમાં માતાજીનું સરસ મંદિર છે. નવરાત્રિમાં આ મંદિરમાં ભારતીયો એકઠા થાય છે અને ‘જય આદ્યાશક્તિ…’ આરતી ભાવથી ગાય છે, પણ કોવિડને કારણે ત્યાં ઘરમાં જ આ આરતી ગવાય છે. જોકે લ્યુટનના સ્થાનિક રહેવાસીઓ પણ આ આરતી ગાવામાં જોડાય છે. તેમને ભારતીય ભાષામાં ગાવું ફાવતું ના હોવાથી, લ્યુટનની બ્રાહ્મણ સોસાયટીએ આ જ આરતીનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું.
*🦁🦁🦁🦁🦁🦁*
નવરાત્રીમાં દેવીપુરાણ અને ખાસ કરીને માર્કંડ ઋષિએ રચેલા દેવી મહાત્મ અને દેવી સ્તોત્ર તેમજ દુર્ગા સપ્તશતીનું પાઠનું અનેરુ મહત્વ છે. ખાસ કરીને ચોથા અધ્યાય નું રોજ શ્રવણ કે પાઠ કરવાથી દરેક ઘરમાં દેવી શક્તિનો ઉદય થાય છે.