ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
माहिती संकलन : नीरव जोशी , हिम्मतनगर (M-7838880134 & 9106814540)
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત જૈવિક ખેતી અને રસાયણ મુક્ત આહાર તેમજ બાગાયતી પાકો અંગે ખુબ સરસ પરીસંવાદ અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય છે ગઈ સાલ એપ્રિલ મહિનામાં તેઓ સાબરડેરી હિંમતનગર પધાર્યા હતા આવો જ કાર્યક્રમ ક્ષેત્ર નવરાત્રી પર બનાસ ડેરીમાં પણ આયોજિત કરવામાં આવ્યો હતો.
બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી.
ભારતીય નવું વર્ષ – ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા, સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે, તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે. આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વૉર્મિંગ છે, જેનાથી માનવજીવનને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે. ન્યુયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકશાન થાય છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકશાન થાય છે, જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે, જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે. જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ઋષિતુલ્ય જીવન જીવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, તેમણે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે, આપણે સૌ બનાસકાંઠાવાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ. પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડીગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે. આજે બનાસ ડેરીના માધ્યમથી એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. બનાસ ડેરી ગાયના ગોબરમાંથી CNG તૈયાર કરીને વેચાણ કરે છે તથા જાપાનની કંપની સાથે MOU પણ કર્યા છે, જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે.
આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાજીભાઈ રબારી, એમડી શ્રી સંગ્રામભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો*
*પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી – સર્ટિફિકેટ એનાયત કરાયા*
*જીવનમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને સ્વાધ્યાયમાં આળસ ન કરવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીની અપીલ*
*કાર્યક્ષેત્રમાં ટીમવર્કથી કામ કરી સમાજમાં ખુશીનું વાવેતર કરજો : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ મેડિકલ કોલેજ દેશ દુનિયાની એવી કોલેજ છે જે ખેડૂતો અને પશુપાલકોના પુરુષાર્થથી નિર્માણ પામી છે.અહીં આવવાની અત્યંત ખુશી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ દીક્ષાંત કાર્યક્રમનો અર્થ અને મહત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં ઉપયોગી સોનેરી સલાહ આપી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં- જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવી વિદ્યાનો પરમાર્થ, સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે માતા-પિતા અને ગુરુજનોને દેવતુલ્ય ગણી તેમનું આજીવન સન્માન કરવા જણાવી તમામ વિદ્યાર્થીઓ શુભકામનાઓ પાઠવી હતી.
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહ પ્રસંગે કોલેજના પાયાના પથ્થરો સમાન વ્યક્તિઓને યાદ કરી તેમનો જાહેર ઋણ સ્વીકાર કરતાં ધન્યતા અનુભવી હતી. આજનો દિવસ આપણા સૌના માટે સદભાગ્યનો દિવસ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સાંન્નિધ્ય વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહેશે એમ જણાવી તેમના આશીર્વાદ અને આશીર્વચનને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, જેમ મધમાખી ફુલોમાંથી રસ કાઢી મધ બનાવે છે એમ પશુપાલકોના પરિશ્રમથી બનાસ મેડિકલ કોલેજ બની છે. આ લાખો પશુપાલકોના આશીર્વાદ સદાય તમારા પર રહેશે એમ જણાવી જ્યાં કામ કરો ત્યાં ટીમવર્કથી કામ કરવા અને ખુશીઓનું વાવેતર કરવા જણાવી અધ્યક્ષશ્રીએ લોકોના જીવનમાં સેવા રૂપી દીપ પ્રજ્વલિત કરવાના અનુરોધ સાથે શુભાશિષ પાઠવ્યા હતા.
આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે ચૌધરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોર પોરિયા, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાના કુલપતિશ્રી આર.એમ ચૌહાણ સહિત ડીરેક્ટર્સ, ફેકલ્ટીઝ, વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતોની માલિકીની બનાસ મેડીકલ કોલેજની ૨૦૧૮ની પ્રથમ બૅચનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીની અક્બાની નગમા રફીકભાઈએ ૯૦૦ ગુણમાંથી ૬૫૭ ગુણ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર સહિત બનાસ મેડીકલ કોલેજનું નામ રોશન કર્યું છે, જેના થકી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની યશકલગીમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે.
————