આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

 આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

નીરવ જોશી , ગાંધીનગર(M-7838880134)

*રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન*

*કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરે : શ્રી આચાર્ય દેવવ્રતજી*

*પ્રાકૃતિક કૃષિથી ધરતીની ગુણવત્તા સુધરશે, તો જ અન્ન અને ધન વધશે*

*યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૬૨૯ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરાઇ*

*:: કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ::*

 વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનનો ઉપયોગ કરી કૃષિ, ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિ બની સમાજ અને દેશ પ્રત્યે ઋણ અદા કરે.

 આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત અને દેશના કૃષિવિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

 છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત ખેતી ક્ષેત્રે મિશ્ર ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ જેવા અનેક આયામો સર કરી દેશમાં ખેતીનું રોલ મોડેલ બન્યું છે

*આણંદ, ગુરૂવાર ::* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંશોધનો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જમીનની ગુણવત્તા સુધરશે, ઓર્ગેનિક કાર્બન વધશે તો જ અન્ન અને ધન વધશે. રાસાયણિક ખાતર અને દવાઓના અતિશય ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ દિશામાં પ્રમાણિત સંશોધનો અને ટેકનોલોજીના ઉપયોગની આવશ્યકતા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના 19 મા દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને અધ્યક્ષીય સંબોધન કરતાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના સૂત્ર – कृणवन्तो राष्ट्रं कृषिसंपन्न्म‌् ને ટાંકીને કહ્યું હતું કે, આપણું રાષ્ટ્ર કૃષિથી સંપન્ન અને સમૃદ્ધ ત્યારે જ થશે જ્યારે આપણી ધરતીમાતા સમૃદ્ધ થશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી હશે, માનવ જાતને સુરક્ષિત કરવી હશે, ગૌમાતાને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે. ભારત પ્રતિવર્ષ અઢી લાખ કરોડના રાસાયણિક ખાતરની આયાત કરે છે. એટલે દેશ પર આર્થિક બોજ પણ વધે છે. એટલું જ નહીં, રાસાયણિક ખાતર-દવાઓના બેફામ ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો વધે છે, જમીનની ગુણવત્તા બગડે છે, જલ-વાયુ પ્રદુષણ વધે છે, ખોરાકમાં ધીમું ઝેર ભળે છે, પરિણામે અનેક રોગો થાય છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા પ્રશ્નો ઊભા થયા છે. જો આપણે આ રીતે જ ખેતી કરતા રહીશું તો દુનિયાને કેવી રીતે બચાવી શકીશું? એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ સમયની માંગ છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આણંદથી જ ભારતના 8 કરોડ કિસાનોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે, ભારતના કિસાનોની સમૃદ્ધિ અને નાગરિકોનું સ્વાસ્થ્ય પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના વિકાસ માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં લગભગ ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. એટલું જ નહીં, ગુજરાત સરકાર પણ આ દિશામાં સક્રિય પ્રયત્નો કરી રહી છે એમ રાજ્યપાલશ્રી એ કહ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીધારક છાત્રોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ આદર્શ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પહેલ કરવા અને તેના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે, આ દિશામાં સંશોધનો એ દેશને સૌથી મોટી દેન હશે.
આણંદ કૃષિ યુનિવર્સિટીનના ૧૯ મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૬૨૯ વિદ્યાર્થીઓને પદવી તથા ૩૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૯ માં વાર્ષિક પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે, આ યુનિવર્સિટીએ ગુજરાત અને દેશના કૃષિવિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

તેમણે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને તાંત્રિકતાનો કૃષિ, ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિ બની સમાજ અને દેશ પ્રત્યે ઋણ અદા કરવા અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત ખેતી ક્ષેત્રે મિશ્ર ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ જેવા અનેક આયામો સર કરી દેશમાં ખેતીનું રોલ મોડેલ બન્યું છે. કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘાપાલન, મત્સ્યપાલન અને કૃષિ સંલગ્ન ગ્રામ ઉદ્યોગોના વિકાસના કારણે ગુજરાત ઊત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે.

મંત્રીશ્રીએ યુવાનો ડિજિટલ યુગમાં ટેકનોલોજી, ઇન્ટરનેટ તથા ડિજિટલ માધ્યમો દ્વારા વૈશ્વિક કક્ષાએ જોડાઈને કારકિર્દીની સાથે – સાથે સમાજ ઉપયોગી ફરજ અદા કરીને આવનારા સમયમાં દેશના વિકાસમાં એક નવું સોપાન ઉમેરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આઇ.એ.આર.આઇ.ના ભૂતપૂર્વ નિયામકશ્રી અને યુ.એ.એસ. ધારવાડના ભૂતપૂર્વ કુલપતિશ્રી તથા કર્ણાટક કૃષિ મિશનના ભૂતપૂર્વ ચેરમેનશ્રી ડૉ. એસ. એ. પાટીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી એ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાના કૃષિ શિક્ષણ અને કૃષિ વિજ્ઞાનની શોધો થકી દેશના કૃષિ વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

તેમણે પ્રાકૃતિક ખેતી અને તેના મહત્વની સાથે ભારતની કૃષિમાં ગુજરાતનું યોગદાન અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ લક્ષ્યાંકો અને યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. કે. બી. કથીરિયાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. તેમણે આ તકે આણંદ કૃષિ યુનિવર્સિટીની વિકાસગાથા વર્ણાવી વિવિધ વિદ્યાશાખામાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
કાર્યક્રમના અંતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. જી. આર. પટેલે આભાર વિધિ કરી હતી, તેમજ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર – પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ અને આચાર્યશ્રીઓ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, નિવૃત વૈજ્ઞાનિકો તેમજ પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *