અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ વિશેષતાઓ

 અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ વિશેષતાઓ

નિરવ જોશી , ખેડબ્રહ્મા (M-7838880134)

આજરોજ ભાદરવી પૂનમનો અંબાજી ખાતે ભરાયેલો છ દિવસીય મેળો ખૂબ જ આનંદ સંપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો એટલું જ નહીં પરંતુ બદલાતા સમય સાથે નવા નવા ટેકનોલોજીના પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ નવા નિમાયેલા કલેકટર મિહિર પટેલના હસ્તે ઘણા સારી કામગીરી જોવામાં આવી હતી. ખાસ કરીને સફાઈ કામદારોને સન્માન તેમજ મીડિયા કર્મીઓ વડે ધ્વજારોહણ તેમજ અન્ય કાર્યક્રમો વડે ભાદરવી પૂનમનો અંબાજી મેળો ખૂબ જ યાદગાર પ્રસંગ બની રહ્યો હતો !

પ્રસ્તુત છે ત્રણ ચાર પ્રસંગોની ઝલક… એ વાત પણ ઉલ્લેખનીય છે કે આજે આજ રોજ  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની મુલાકાત પણ નોંધનીય રહી હતી.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન

*ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો*

*સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ*

*પત્રકારોએ માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ*

જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી*

*મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી*

અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઇભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેકટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળા માં આવતા હોય ત્યારે તેમના દર્શન , વિસામો, પાર્કિંગ ,આરોગ્ય, સુરક્ષા ,અને જાન માલ ની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળા માં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. ત્યારે વહીવટી તંત્ર અને સેવા કૅમ્પો ના આયોજકો ના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી.

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, કલેક્ટર તરીકે જવાબદારી નિભાવવાની ટૂંકા સમયમાં મેળાની બહુ મોટી જવાબદારી આવી હતી. સેવા કેમ્પોના આયોજકો સાથે સતત મીટીંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરી હતી. મેળાની વ્યવસ્થાઓનું સતત મોનીટરીંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું. દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈ લગ્નમંડપમાં પણ ન હોય એવા ભવ્ય સેવા કૅમ્પોના મંડપ બંધાયા હતા.

સેવા કેમ્પોના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે. પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે. મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠાં મેળાની અનુભૂતિની કરાવી છે. વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપ સૌની સેવા ભાવનાને બિરદાવી હૃદય પૂર્વક આભાર માનું છું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે અને જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, મંદિર વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, સેવા કેમ્પોના આયોજકશ્રીઓ, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક/ પ્રિન્ટ મીડિયાના તંત્રીશ્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


*જીલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે શક્તિપીઠ અંબાજી મંદિરે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કર્યું*
*********
*ભાદરવી પૂનમે દેશ અને ગુજરાતના ખૂણે ખૂણે થી દર્શન કરવા માઈ ભક્તો અંબાજી ઉમટ્યા:-કલેક્ટરશ્રી મિહિર પટેલ*
*********

ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈ ભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. આ શુભ પ્રસંગે જીલ્લા વહીવટી તંત્ર પણ માં ના આશીર્વાદ લેવા માટે કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું.

માં અંબાના મહા મેળાના અંતિમ દિવસ પૂનમના પવિત્ર દિવસે જીલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ શકિતપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મા અંબાને આભાર દર્શન પ્રગટ કરવા ધજા ચડાવવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. માં અંબાના આશીર્વાદથી જ આટલું મોટું આયોજન શક્ય બને છે. માં ના આર્શિવાદ માટે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે માં અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતાં મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કલેકટરશ્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 18 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળા ના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો.


*આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા માતાજીને ધ્વજારોહણ કરાયું*

*હોસ્પિટલ સ્ટાફની રાઉન્ડ ધ ક્લોક ફરજને લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ*

ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સુપ્રિટેન્ડન્ટ શ્રી વાય.કે.મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલ થી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી કર્મચારીઓએ મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.

ધ્વજા રોહણ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અન્ય વહીવટી અને વર્ગ ૪ નો સ્ટાફ ઢોલ સાથે મંદિર ચાચર ચોકમાં પહોંચ્યા હતા. અને માતાજીને ભક્તિભાવથી ધજા ચડાવી હતી. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા મેળાના સાત દિવસ દરમિયાન યાત્રિકોને ખડે પગે અવિરત મેડિકલ સેવા પૂરી પાડવામાં આવી હતી. મેળાના અંતિમ દિવસે પણ ૫૫૦ જેટલા યાત્રિકોને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. જગતજનની મા અંબાના આશીર્વાદથી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.

 


*ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી*

*જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ મા ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે:- ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

*ગુજરાત સરકાર દ્વારા અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ:- ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મા અંબા ને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા.

રાજ્યના ગૃહ પ્રધાનશ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી.જી.પી શ્રી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણે થી માઈભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઈભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે. આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તાઓ ઉપર બાથરૂમ, ટોઇલેટ, મેડિકલ, સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવ્યો છે. આ વર્ષે લાખો માઈભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી, જેના માટે સફાઈદુતો કામ કરી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે. તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતાં પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમનો મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જય અંબે, બોલ માડી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આધશકિત અંબાના સદૈવ આશીર્વાદ કૃપાદ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઇભકતોને સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની કામગીરીને બિરદાવી હતી.

 


*સ્વચ્છતાનું સન્માન:-સફાઈ યોધ્ધાઓનું જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે સન્માન*

*જિલ્લા કલકટરશ્રી મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહી મા અંબા ના દર્શન કર્યા*

*સ્વચ્છતાની કામગીરીને બિરદાવું છું, તેમને વંદન કરું છું:-કલેકટરશ્રી મિહિર પટેલ*

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોધ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેકટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી ૧૨૦૦ જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે.

વહેલી સવાર થી મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતાં ખુદ જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાન ની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓએ માથે મા અંબેના ચરણ પાદુકા મૂકી મા ના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, અંબાજીને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. દેશમાં જ્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અંબાના ધામમાં સફાઈ કર્મીઓએ આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિર થી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું.

ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરીને સેવા રૂપે બજવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં ત્રણવાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 


*અંબાજી ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૪*
*****
*જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી*
*****
*મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી*

 

અંબાજી ખાતે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમ વાર મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી.

જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના, જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના અવસર ને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારું વ્યવસ્થા માટે ૨૬ કમિટીઓ બનાવવામાં આવી હતી. જેમાં સમગ્ર મેળાના પ્રસાર પ્રચારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી. મેળાના પ્રારંભના દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખુબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળા ની પળે પળ ની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા.

જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.

આ ધજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી દેવેન્દ્રભાઈ કડિયા, એબીપી અસ્મિતા ચેનલના એડિટર શ્રી રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच