ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

 ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

હાલ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. દર વખતની જેમ આ સમયે પણ તેમણે નવા ઉદધાટન કર્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ*

*અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે આ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું નિર્માણ થયું છે*

*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ*:
*
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે*

– *અનુપમ શાળાઓ રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી*

*લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું*

*સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ*

*રાજ્યમાં સુદૃઢ કાયદો અને વ્યવસ્થાની સંગીન સ્થિતિના પરિણામે હવેના યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
-ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન
-અનુપમ શાળાઓ વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધે છે
– આવનારા દિવસોમાં કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક
-રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો આજે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર શાળા નંબર-૨, નારણપુરા ગુજરાતી શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨ અને થલતેજ શાળા નંબર-૨નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઈ- લોકાર્પણ બાદ માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોએ ગાંધીનગર શાળા નંબર-૨ ની મુલાકાત લઈને સ્માર્ટ શાળા નિહાળી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે. કુલ ૨૨ જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે ૪ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ નો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ ૩૨૦૦ જેટલા બાળકોને મળશે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનાં શાસનમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે એમ શ્રી અમિત ભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ ઉમેર્યું કે લગભગ દરેક ક્ષેત્રે લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું છે.
રાજ્યમાં બીજેપીના શાસન પેહલા પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા હતો જે બીજેપીના શાસન બાદ ઘટીને ૩ ટકાથી પણ નીચે પહોંચ્યો છે. પહેલા દર ૧૦૦ માંથી ૬૭ બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં એટલે કે ૪૦ ટકા બાળકોને જ પ્રાથમિક શિક્ષણ મળતું હતું જે આજે ૯૫ ટકાથી પણ વધારે સુધી પહોચ્યું છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના આપણા દુરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના અથાગ પ્રયત્નો અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી, ટીચર્સ ટ્રેનિંગ જેવા નવતર અભિગમોના ભાગરૂપે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણ રૂપ છે. સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ બન્યું છે. બાળક ના શિક્ષણ નું સ્તર કેવી રીતે ઉપર લાવવું એ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર સુપેરે જાણે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાપિત સુદૃઢ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજનાં ગુજરાતનાં યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી તેમજ રાજ્યમાં ક્યાંય કોઈ કોમી રમખાણો કે અજંપાની સ્થિતિ નથી. આજે રાજ્ય ની દીકરીઓ ખુલ્લે આમ ક્યાંય પણ કોઈપણ સમયે હરીફરી શકે છે જે રાજ્યની ઉત્તમ સુરક્ષા વ્યવસ્થાની સાબિતી છે.નરેન્દ્રભાઈએ ગુજરાતની ધુરા સાંભળ્યા બાદ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, સુરક્ષા, ઊર્જા સહિતના તમામ ક્ષેત્રે રાજ્ય એ વિકાસની અવિરત યાત્રા આરંભી છે. આજે ગામડાઓમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજળી મળે છે. ગુજરાતની ૨૦ વર્ષ થી ચાલતી વણથંભી વિકાસયાત્રા હજુ પણ આમ જ ચાલતી રહેશે જે અંગે સરકાર પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળઆજે ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
આજે રાજ્યનું દરેક બાળક આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે કદમ મિલાવી શકે તથા દરેક ક્ષેત્રે આગળ વધી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ આયામો અમલમાં મુકવામાં આવ્યા છે. અનુપમ(સ્માર્ટ) શાળા આવું જ એક સોપાન છે જે બાળકોને ભણતર ભાર રૂપ ન લાગે તે રીતે અને રમતા રમતા બાળકો ભણી શકે તેવા વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સંકલ્પબદ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુલ ૨૦ અનુપમ શાળાઓ તૈયાર થઈ ગઈ છે તેમજ વધું ૬૩ શાળાઓ નવેમ્બર સુધી શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં અંદાજે ૧.૫ લાખ બાળકોને અનુપમ શાળાઓનો લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી અમદાવાદ અને ગાંધીનગરનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે.

મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત પાસે છે. જેના દ્વારા શિક્ષણ ક્ષેત્રે રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ દ્વારા શિક્ષણની ગુણવત્તા માં ઉતરોઉતર વધારો કરી શકાય છે.
આ સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી ૫૦૦ કરોડ જેટલા ડેટા સેટ્સનું મીનિંગફૂલ એનાલિસિસ કરવામાં આવે છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.
આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી અમદાવાદની સરકારી સ્કૂલમાં આવ્યા છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં અનુપમ શાળાઓ ઉપરાંત ઉચ્ચ સ્તરીય આરોગ્ય સેવાઓ, પાકા રસ્તાઓ અને ફ્લાય ઓવર તેમજ મિશન મિલિયન ટ્રી જેવા કેમ્પેન થકી હરિયાળી વધારવા સાથે આ મત ક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત અને હરિયાળું સંસદીય મત ક્ષેત્ર બનાવવા શ્રી અમિત ભાઈ શાહ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

આ પ્રસંગે મેયર શ્રી કિરીટ પરમારે જણાવ્યું હતું કે,
પ્રધાનમંત્રીશ્રીનાં નવા ભારત ની સંકલ્પને સાકાર કરવા અને ગુણવત્તા યુક્ત પ્રાથમિક અને પાયાનાં શિક્ષણ દ્વારા નવી પેઢીને તૈયાર કરવાની નેમ સાથે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ને સ્કૂલ બોર્ડ દ્વારા આ અનુપમ(સ્માર્ટ) શાળાઓ બનવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞા અને જ્ઞાન કુંજ, બાલા, અટલ ટિંકરિંગ જેવા નવતર અભિગમો આધારિત સ્માર્ટ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અનુપમ(સ્માર્ટ) સ્કૂલો વિવિધ આધુનિકતા સભર શૈક્ષણિક ઉપકરણો, ગણિત – વિજ્ઞાનનાં વર્કિંગ મોડલ, થ્રી ડી ઇનોવેશન વૉલ સહિતની તમામ આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે. જેનાથી બાળક ડિજિટલ યુગને અનુરૂપ ખરું સ્માર્ટ એજયુકેશન મેળવીને પોતાનાં સપનાઓ સાકાર કરવા તરફ એક ડગલું આગળ વધે છે અને સર્વગ્રાહી વિકાસ સાધી શકે છે.
આ ઈ- લોકાર્પણ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર,રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન અને લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અરવિંદ ભાઈ પટેલ , કિશોર ચૌહાણ, રાકેશ શાહ અને કૌશિક પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, કમિશનરશ્રી લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજય મહેતા, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ અને દંડક શ્રી અરુણ રાજપુત, શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિત શાહ, મ્યુનિ. કોર્પોરેશનનાં સભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, શહેર ભાજપ અગ્રણીઓ, સ્થાનિકો તેમજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણજગત સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *