કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા
સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
*ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની સાથે સાબરકાંઠાને પણ સર્વોત્તમ બનાવીએ સૌનો સાથ સૌના વિકાસમંત્રને આગળ ધપાવીએ*
-મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ
*સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગોની પ્રજા કલ્યાણની વ્યક્તિગત યોજનાઓમાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા*
રાજ્યભરમાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાયા છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે ૧૪/૧૦/૨૦૨૨ના રોજ સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મેળાને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને જિલ્લાના ૨૯૨૦થી વધુ લાભાર્થીઓને રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો હાથોહાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની નવી ભાત પાડી છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની કેડી કંડારી છે. આપણે સૌ સાથે મળીને સાબરકાંઠા જિલ્લાને પણ ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ તેવી નેમ વ્યક્ત કરી હતી. આ ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને જન કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય વચેટિયા વિના હાથોહાથ પહોંચાડી છે.ગરીબો, ખેડૂતોના હિતમાં આ સરકારે મહત્વના કદમો ઉઠાવ્યા છે. જે આ ગરીબ કલ્યાણ મેળામા આપણને જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી લોકોને આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, વીજળી, પાણી અને જન ધન ખાતા ખોલીને ૪ કરોડથી વધુ લોકોને બેન્ક એકાઉન્ટ દ્વારા ડી.બી.ટીના માધ્યમથી યોજનાનો લાભ પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હીની ગાદી સંભાળતા જ કહ્યું હતું કે આ સરકાર ગરીબો, વંચિતોના કલ્યાણને સમર્પિત સરકાર છે અને પ્રમાણિકતાથી લોકોના કામ કરી રહી છે. ઉજ્જવલા યોજના, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કોરોના કાળના કપરા સમયમાં મફત વેક્સિન,દવા ઓક્સિજન અને મફત અનાજ પૂરું પાડીને કોઈને ભુખ્યા સુવા નથી દીધા. આજે પણ મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત બને તે માટે અનેક કદમો ઉઠાવ્યાં છે. વિધવા બહેનોને સહાય, સાત ફેરા સમૂહ લગ્ન, કુંવરબાઈનુ મામેરુ, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મફત સાયકલ, શાળાઓના ઓરડા, તાલીમ શિક્ષક, મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા છે અને આજે અહીં રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો વિતરણ કરાયા છે. તેમણે દિવાળી પૂર્વે સૌના ઘરોમાં ઉજાસ પથરાય તે માટે સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા ગરીબોના ઘરમાં વિકાસનો દીવો થાય આનંદ મંગળ થાય તે માટે આ ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે.ગરીબોને આપવા માટે દિલ, દિમાગ અને વેદના જોઈએ તે આ કેન્દ્ર અને રાજ્યની સરકારે સંવેદના પુર્વક સૌને લાભ આપ્યા છે.
આ ૧૩ માં ગરીબ કલ્યાણ મેળામાં લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય હાથોહાથ પહોંચાડી છે અને લાભ મળેલા લાભાર્થીની સાફલ્યગાથા આપણે તેમના મુખેથી સાંભળી છે અને ગરીબોના જીવનમાં એક બદલાવ આવ્યો છે તમને મળેલા લાભોનો સદુપયોગ કરજો. આત્મનિર્ભર બનજો તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારે આપના જીવનમાં બદલાવ લાવવા કલ્યાણ માટે વિવિધ વિભાગોની યોજના અમલી બનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મા ગામડાનો અને સુવિધા શહેર જેવી વિક્સિત કરી છે. જેનાથી સૌના ઘરે ગાડી ટીવી, ફ્રીઝ, લાઈટ આવાસ પાકું આપ્યુ છે.મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે. માતાના ગર્ભમાં રહેલા બાળકને જન્મ પછી યુવાનો વૃદ્ધો માટે અનેક યોજના આરોગ્ય અને રોજગારી માટે બનાવી છે. માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ડબલ એન્જિનની સરકારે ગરીબોના ભરોસાને સિદ્ધ કર્યો છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા સૌને આવકારી ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી. વહીવટીતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે અને તબક્કાવાર સૌને લાભ મળે તેવી નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા તૈયાર કરાયેલી “પંચાયતી રાજની આગેકૂચ” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સૌ મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને સહાય. ચેક,કીટ અર્પણ કરવામાં આવ્યા હતા.માનવ ગરીમા યોજના, કુવરબાઈનુ મામેરુ, વન અધિકારપત્રો, બ્યુટી પાર્લર, ભરતકામ કીટ, વાજપાઇ બેન્કેબલ યોજના, સાઉન્ડ, મંડપ, પશુપાલન પ્રધાનમંત્રી આવાસ યોજના, સખી મંડળને સહાય, ટ્રેક્ટર, ખેડૂત પરિવહન મીની ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અને માહિતી ખાતા દ્વારા રાજ્ય સરકારની સિધ્ધીઓની જાણકારી આપતા પોસ્ટર,પેમ્ફલેટ, પુસ્તિકા,સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સંગઠન શ્રી પૃથ્વીરાજ પટેલ, ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન વણકર, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઈ નિનામા, વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઇ ખાંટ તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, અગ્રણીઓ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી નિનામા,ઇડરપ્રાંત અધિકારીશ્રી ચૌધરી, પ્રાંતિજ પ્રાંત અધિકારીશ્રી ડોડીયા, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યકક્ષાના મુખ્યમંત્રીશ્રીના જીવંત પ્રસારણને નજરે નિહાળ્યુ હતુ.