ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને કોલેજના યુવાનોની અનોખી શ્રદ્ધાંજલિ
સંકલન : નિરવ જોષી, અમદાવાદ
કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને પોલિટેક્નિક એન્જિનિયરિંગ કોલેજના NCC અને સ્કાઉટ ગાઈડ કેડેટ્સની અનોખી શ્રદ્ધાંજલિ
રવિશંકર રાવળ આર્ટ ગેલેરીની મુલાકાત લઈને આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી ગૌરવની અનુભૂતિ કરતા વિદ્યાર્થીઓ
કારગીલ પર તિરંગો લહેરાવવા લોહી રેડી દેનાર હુતાત્માઓના સન્માનમાં કેડેટ્સે NCC હેડક્વાર્ટર ખાતે કર્યું રક્તદાન
‘ભારત માતા કી જય’ના નારાથી આર્ટ ગેલેરી અને NCC હેડક્વાર્ટનો દેશદાઝથી છલોછલ બન્યો માહોલ.
23 વર્ષ પહેલા આજના દિવસે ભારતના વીર-બહાદુર જવાનોએ કારગીલની ટોચ પર તિરંગો લહેરાવ્યો. જેની ખુશીમાં પ્રતિવર્ષ 26 જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘રંગ દે બસંતી ચોલા’ શીર્ષક સાથે અમદાવાદની પોલિટેક્નિક એન્જિનિયરિંગ કોલેજમાં કાર્યરત NCC અને સ્કાઉટ ગાઈડના કેડેટ્સ વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
NCC કેડેટ્સની બે બટાલિયન 1GUJ GIRLS BN NCC(મહિલા બટાલિયન) અને 1 GUJ CTC NCC તથા સ્કાઉટ ગાઈડ વોલેન્ટિયર્સ એમ કુલ 31 કેડેટ્સે ‘રવિશંકર રાવળ આર્ટ ગેલેરી’ની મુલાકાત લઈને દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા હતા.
આર્ટ ગેલેરીમાં આઝાદીના દીવાનાઓના જીવનશૈલી, આઝાદી માટે તેમણે કરેલો સંઘર્ષ, સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા લખાયેલા પત્રો, વિવિધ આંદોલનો વિશે જાણીને આ કેડેટ્સે ગૌરવની અનુભૂતિ કરી.
દેશની આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને સમર્પણ ભાવનાને વધુ મજબૂત કરવા તેઓ કટિબદ્ધ થયા. આ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે કમાન્ડિંગ ઓફિસર કર્નલ એસ. થોમસ અને લેફ્ટિનન્ટ ડો. પંકજ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ ભારતની એકતા અને સંપ્રભુતાને અકબંધ રાખવા એ આપણું કર્તવ્ય હોવાનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદના લો ગાર્ડન સ્થિત NCC ગ્રુપ હેડક્વાર્ટર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં યોગ્યતા ધરાવતા કેડેટ્સે રક્તદાન પણ કર્યુ. દેશની રક્ષા કાજે લોહી રેડી દઈ, પોતાના પ્રાણની આહૂતિ આપનાર હુતાત્માઓની સ્મૃતિ કરવાથી તેમનો રક્તદાનનો ઉત્સાહ પણ બેવડાઈ ગયો હતો. યુનિફોર્મમાં સજ્જ અદ્દલ સુરક્ષા દળના જવાનો જેવા લાગતા આ કેડેટ્સના ‘ભારત માતા કી જય’ના નારાથી આર્ટ ગેલેરી અને હેડક્વાર્ટનો માહોલ દેશદાઝથી છલોછલ બની ગયો હતો.
વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ