કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું વિતરણ
નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર રોજગાર આપવામાં ખૂબ જ પાછળ છે એવી બૂમો પડી રહી હતી સાથે સાથે બેરોજગારોનો આંકડો પણ ખૂબ જ ચોકાવનારો રહ્યો છે. આવા સમયે ગુજરાતના અલગ અલગ સ્થળે રોજગારીના કાર્યક્રમો તેમજ નિમણૂક પત્રો આપવાના સમાચાર કેટલાક લોકોને રાહત આપે તેવા છે.
- સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નો વિતરણનો કાર્યક્રમ યોજાયો
- રાજ્ય સરકારે યુવાનોને કૌશલ્યવાન બનાવવા સાથે રોજગારની તકો પણ પૂરી પાડે છે- મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડો.નલિન કાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં યુવાઓને નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આઇ.ટી.આઇ., પોલિટેક્નિક કોલેજ દ્વારા યુવાઓને કૌશલ્યવાન બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે રાજ્યના દરેકે દરેક તાલુકામાં આઈ.ટી.આઈ. કોલેજની સ્થાપના કરવામાં આવી છે અને ઉદ્યોગોને સાનુકૂળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, માત્ર તાલીમ આપવી તેટલું જ નહીં પરંતુ રોજગાર મેળાના માધ્યમથી તેમણે રોજગારીના અવસરો પણ પ્રદાન કર્યા છે. આ માટે સમયાંતરે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.યુવાનો માં પડેલી ક્ષમતાને ઓળખીને સ્થાનિક ઉદ્યોગ અને અનુકૂળ માનવબળ તૈયાર કરીને સ્થાનિક સ્તર પર જ તેમને રોજગાર મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમની આ કુશળતાથી સમાજને ફાયદો થવાનો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
યુવાનોમાં તેમની આગવી ક્ષમતા હોય છે તેને ઓળખી નિખાર આપવાનું કાર્ય રાજ્ય સરકાર આઇ.ટી.આઇ. જેવી સંસ્થાઓ દ્વારા કર્યું છે. અત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને નોંધપાત્ર વિકાસ થયો છે તેથી રોજગારના અવસરો પણ વધ્યાં છે પરંતુ તેને ઝડપવા માટે આપણે કૌશલ્યવાન બનવું જરૂરી છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલે જણાવ્યું હતું કે, કૌશલ્ય પણ એક શક્તિ છે ત્યારે પોતાની આવડતથી આગળ આવવા માટે યુવાનોને આહવાન કર્યું હતું.
રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૫.૭૭ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. સાબરકાંઠાના પોળોનો ટુરીઝમ તરીકે વિકાસ કરી સ્થાનિકો ને રોજગારી આપે છે. ગુજરાતનો યુવાન આત્મનિર્ભર બની આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૪ ભરતીમેળાઓ થકી ૧૮૬૪૨ યુવાનોને રોજગારી આપવામાં આવી છે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સર્વેએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી ઉપાધ્યાય, આઈ.ટી.આઈ આચાર્ય શ્રી આર.જી. પુરોહિત કૌશલ્ય વિભાગ સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ, રોજગાર નિમણૂંક પત્ર મેળવનાર યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.