કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

 કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના)

પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ?

“સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે.

કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ?

ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે સ્થાપેલી સેવા સંસ્થા. તેનું મુખ્ય મથક અમદાવાદમાં. આ સંસ્થાએ લાખો શ્રમિક મહિલાઓના પરિવારમાં સુખનો સૂરજ ઊગાડ્યો. બીજી સંસ્થા એટલે સેવા રૂરલ. એ સંસ્થા દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ઝગડિયા (જિલ્લોઃ ભરૂચ)માં આવેલી છે. આ સંસ્થાએ લાખો આદિવાસીઓના જીવનમાં ઉજાસ પાથર્યો.

આ સંસ્થાનાં સ્થાપકો પૈકીનાં એક એટલે ડૉ. લતાબહેન દેસાઈ. સાથી સ્થાપક હતા તેમના જીવન સાથી ડૉ. અનિલ દેસાઈ. (તેમણે 16મી એપ્રિલ, 2019ના રોજ વિદાય લીધી.)

ડૉ. લતાબહેન દેસાઈનું જીવનનું સૂત્ર છેઃ आत्मनो मोक्षार्थम् जगत् हिताय च. એટલે કે આ જીવન આપણા વ્યક્તિગત સ્વના ઉદ્ધાર માટે અને પૃથ્વી પરના બધાની સુખાકારી માટે છે.

ડૉ. લતાબહેન દેસાઈનો જન્મ 8 ઓગસ્ટ 1941ના રોજ સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારમાં થયો હતો. તેઓ માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમણો પોતાના પિતા ગુમાવ્યા હતા. 1965માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી તેઓ સ્નાતક થયાં. 1965ના યુદ્ધ પછી તરત જ ભારતીય સૈન્યના સાદથી તેમને અને તેમના પતિ ડૉ. અનિલ દેસાઈના મનમાં રાષ્ટ્ની સેવા કરવાની ઈચ્છા જાગી અને બંને ભારતીય સેનામાં જોડાયાં. તેમણે અહીં દોઢ વર્ષ સુધી કેપ્ટન/મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી હતી. ડૉ. લતા અને અનિલ અનુક્રમે બાળરોગ અને જનરલ સર્જરીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા કૉલેજમાં પાછાં ગયાં. ત્યાર પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયાં. અહીં 1971 થી 1979ની વચ્ચે રહ્યાં.

મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત ડૉ. લતાબહેન, તેમના પતિ સ્વ ડૉ.અનિલભાઈ દેસાઈ અને સેવા રૂરલ ટીમે 1980થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિ જાગૃતિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતમાં આદિવાસી સમુદાયોની સર્વગ્રાહી, સંકલિત સુખાકારી માટે જીવન સમર્પિત કર્યું. મૂલ્યોની જાળવણી, આગેવાનોની બીજી પેઢીનો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ એ તેમના જીવનનો મુખ્ય અભિગમ રહ્યો છે.

આ સંસ્થાની સ્થાપનાની કથા રસપ્રદ છે. એ જાણવા અમેરિકા જવું પડે.

1970ના દસકાના અંતની વાત. થોડા સંવેદનશીલ મિત્રોએ યુએસએમાં પોતપોતાને જે ભણવાનું હતું તે ભણી લીધું હતું અને દરેક જણ કામગીરી પણ કરતા હતા. આ બધાના હૃદયમાં ભારતના ગરીબો માટે હતો અપાર પ્રેમ અને આંખોમાં હતું તેમના માટે કામ કરવાનું સ્વપ્ન.

બધાના હૃદયમાં ઘણું બધું હોય છે, પણ જે જે હોય છે હૃદયમાં, તે બધું કંઈ અમલમાં લાવી શકાતું નથી.

જોકે અહીં એવું ના થયું. જ્યાંથી પાછા આવવાનું ભાગ્યે જ કોઈ નક્કી કરે છે તે અમેરિકાની ભૂમિને છોડીને કેટલાક
યુવા મિત્રો ભારત પરત આવ્યા. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીએ પ્રબોધેલા માર્ગે આ ડૉકટર મિત્રોએ 26 ઓક્ટોબર, 1980ના રોજ સોસાયટી ફોર એજ્યુકેશન, વેલ્ફેર એન્ડ એક્શન-રૂરલ (SEWA-Rural)નામની સંસ્થાની સ્થાપના કરી.

કોણ કોણ હતા તેના સ્થાપકો ?

ડૉ. લતા દેસાઈ (MD, બાળરોગશાસ્ત્ર), ડૉ. અનિલભાઈ દેસાઈ (MS, જનરલ સર્જરી), ડૉ. પ્રતિમાબેન દેસાઈ (PhD) અને અરવિંદભાઈ દેસાઈ (MSc), ડૉ. દિલીપભાઈ દેસાઈ.. વગેરે.

સેવા રૂરલ સંસ્થા ગુજરાતની સૌથી મહત્ત્વની સેવાકીય સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે.

સેવા-ગ્રામીણ સંસ્થાએ દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય અને વિકાસ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા છે. તેનું મુખ્ય મથક ઝગડિયા ખાતે છે. સમાજ સેવા, વૈજ્ઞાનિક અભિગમ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ.. આ ત્રણ વાનાંનો ત્રિવેણી સંગમ કરીને સંસ્થા કાર્ય કરે છે.

આ સંસ્થાએ આશરે ત્રણ હજાર ગામોનો સર્વાંગી વિકાસ કર્યો છે. છેલ્લા ચાર દાયકા દરમિયાન, SEWA રૂરલ સંસ્થાએ વિવિધ કાર્યક્રમો માટે 110 કરોડ રૂપિયાનું કાર્ય કર્યું છે.

સંસ્થા દ્વારા 200 પથારીની કસ્તુરબા હોસ્પિટલ ચાલે છે. જ્યાં ચોવીસ કલાક OPD (બહાર-દર્દી વિભાગ) તેમજ OBGYN (ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજી), બાળરોગ, નેત્રરોગવિજ્ઞાન અને સામાન્ય દવાના ક્ષેત્રોમાં ઇન્ડોર અને કટોકટી સેવાઓ અપાય છે. ગુજરાતનાં 3,000 ગામો ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓને પણ તેનો લાભ મળે છે. લેબોરેટરી અને બ્લડ સ્ટોરેજ, એક્સ-રે અને સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબર-રૂમ, ઇન્ટેન્સિવ-કેર-યુનિટ (ICU) અને નિયોનેટલ ICU જેવી સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. સંસ્થા દ્વારા દર વર્ષે લગભગ આંખના 150 કેમ્પનું આયોજન કરાય છે, 4,500થી વધુ મોતિયાની સર્જરી કરાય છે, ઓપીડીમાં 100,000 થી વધુ દર્દીઓ તપાસાય છે. જ્યારે દર વર્ષે હોસ્પિટલમાં 18,000 દર્દીઓ દાખલ થાય છે. હોસ્પિટલમાં લગભગ 5,000 પ્રસુતિ અને 7,000 ઓપરેશન પણ કરાય છે.

આ સંસ્થા ઉપલબ્ધ માનવશક્તિના આધારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે.

ડૉ. લતાબહેન દેસાઈ (M.D., D.Ped.,D.A.B.P. & F.A.A.P. (USA)નો જન્મ આઠમી ઓગસ્ટ, 1941ના રોજ થયો હતો. ભારત સરકારે તેમાન 81મા વર્ષે તેમની કદર કરી છે. જીવનસાથી અનિલભાઈની વિદાય પછી તેમને આ એવોર્ડ મળી રહ્યો છે.

તેમના દીકરા શ્રેયભાઈ દેસાઈ પણ ડૉકટર છે અને માતા-પિતાના પગલે તેમણે પણ પોતાનું જીવન ગરીબ આદિવાસીઓને સમર્પિત કરી દીધું છે. લતાબહેનનાં પુત્રવધૂ અને શ્રેયભાઈનાં જીવનસાથી ગાયત્રીબહેન પણ ડૉકટર છે અને તેઓ પણ સેવા રૂરલ સંસ્થામાં ઓગળી ગયાં છે.

ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ પછી આ સંસ્થાને ડૉ. ગાયત્રીબહેન અને ડૉ. શ્રેયભાઈ સ્વરૂપે યુગલ-જોડી મળી છે.

આ સંસ્થા ડૉકટરો માતૃ મૃત્યુ દર (એમએમઆર), શિશુ મૃત્યુ દર (આઈએમઆર) અને નવજાત મૃત્યુ દર ઘટાડવા પ્રતિબદ્ધ છે તો રોજગારી દ્વારા ગરીબી ઘટાડવા અને શૈક્ષણિક અને રોજગારની તક ઊભી કરીને મહિલાઓને સશક્ત પણ બનાવે છે.

સેવા રૂરલ સંસ્થા સરકારી અનુદાન, આંતરરાષ્ટ્રીય ભંડોળ અને દાન સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી દર વર્ષે રૂ.10 કરોડનું ભંડોળ એકત્ર કરે છે. (SEWA-Rural ને દાનમાં આવકવેરા કાયદાની કલમ 80-G હેઠળ 50% આવક-વેરામાં છૂટ છે.)

સંસ્થાના 2000 ગામોમાંથી સીધા વાર્ષિક લાભાર્થીઓની સંખ્યા છે બે લાખ. સંસ્થા 4000 પરિવારોને ગરીબીમાંથી બહાર લાવી શકી છે.

સેવા રૂરલ સંસ્થાને 41 વર્ષની કાર્ય સફર દરમિયાન અનેક ઍવોર્ડથી વિભૂષિત કરાઈ છે. ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈને અગાઉ ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે.

*

સેવા રૂરલ સંસ્થા અને ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ એક જ સિક્કાની બે બાજુઓ.

સેવા રૂરલ સંસ્થાનો પરિચય આપીએ એટલે આપોઆપ આપણને ડૉ. લતાબહેનનો પરિચય મળી જાય.

ડૉ. લતાબહેનનું જીવન એટલે પ્રેમ, સંવેદના અને કરૂણાનો ત્રિવેણી સંગમ.

ડૉ. લતાબહેન ઘસાઈને ઊજળાં થયાં.

અમેરિકાની દામદોમ સાહ્યબી, ઝગમગાટ, વૈભવી જીવન, સાધનો-સગવડો, સુખ-જાળને
છોડીને આવેલી એક તબીબ યુવતિએ પોતાનું જીવન આદિવાસીઓના ચરણે ધરી દીધું. આજે લોકો
ડૉ. લતાબહેનના ચરણ સ્પર્શ કરવા પ્રેરાય છે તેનું કારણ આ જ.

ભગવાન ડૉ. લતાબહેનને નિરામય દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના.

(સેવા-રૂરલ સંસ્થાનો સંપર્ક, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બંકિમ શેઠ 94261 20753 દ્વારા કરી શકાશે.)

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

Edited by: Nirav Joshi(7838880134)

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच