પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

 પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Ahmedabad: મહારાષ્ટ્રના ગવર્નર શ્રી ભગતસિંહ કોશિયારીજી, શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રીમાન સુભાષ દેસાઈજી, આ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ પ્રોફેસર એસ બી મજમુદારજી, પ્રિન્સિપલ ડિરેક્ટર ડો. વિદ્યા યેરાવદેકરજી, ફેકલ્ટીના તમામ સભ્યો, વિશેષ અતિથિઓ અને મારા યુવા સાથીદારો.

આજે તમે સરસ્વતીના ધામ જેવી એક તપોભૂમિ કે જેના સુવર્ણ મૂલ્યો અને સુવર્ણ ઈતિહાસ છે. તેની સાથે સાથે એક શૈક્ષણિક સંસ્થા તરીકે સિમ્બાયોસીસ પોતાની સુવર્ણ જ્યુબિલીના મુકામ સુધી પહોંચી છે. આ સંસ્થાની આ યાત્રામાં એટલા બધા  લોકોએ યોગદાન આપ્યું છે કે જેમાં અનેક લોકોની સામુહિક ભાગીદારી રહી છે.

જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરીને, અહીં ભણીને સિમ્બાયોસીસના વિઝન અને મૂલ્યોને અપનાવ્યા છે, પોતાની સફળતામા સિમ્બાયોસીસની ઓળખ વ્યક્ત કરી છે તે સૌનું આ મજલમાં એટલું મોટું યોગદાન છે. હું આ પ્રસંગે તમામ પ્રોફેસરો, તમામ વિદ્યાર્થીઓ અને તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સુવર્ણ ક્ષણે મને આરોગ્ય ધામ સંકુલનું લોકાર્પણ કરવાની તક મળી છે. આ નવી શરૂઆત માટે હું સમગ્ર સિમ્બાયોસીસ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મારા યુવા સાથીદારો, તમે  એક એવી શૈક્ષણિક સંસ્થાનો હિસ્સો છો કે જે વસુધૈવ કુટુમ્બકમ જેવા ભારતના મૂળભૂત વિચારના આધારે નિર્માણ પામી છે. મને કહેવામાં આવ્યું છે કે સિમ્બાયોસીસ એક એવી યુનિવર્સિટી છે કે જ્યાં વસુધૈવ કુટુમ્બકમનો એક અલગ અભ્યાસક્રમ પણ છે. જ્ઞાનનો વ્યાપક પ્રચાર થાય, જ્ઞાન સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોડવાનું માધ્યમ બને તે આપણી પરંપરા રહી છે. તે આપણી સંસ્કૃતિ છે, તે આપણાં સંસ્કાર છે. મને આનંદ છે કે આ પરંપરા આપણાં દેશમાં આજે પણ જીવંત છે. મને કહેવામાં આવ્યું છે કે માત્ર સિમ્બાયોસીસમાં જ દુનિયાના 85 દેશના 44,000થી વધુ વિદ્યાર્થીઓ અહિંયા ભણવા માટે આવે છે અને સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન થાય છે. આનો અર્થ એ થયો કે ભારતનો  પ્રાચીન વારસો આધુનિક અવતારમાં આગળ ધપી રહ્યો છે.

સાથીઓ,

આજે આ સંસ્થાના વિદ્યાર્થીઓ એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમની સામે અપાર તકો પડેલી છે. આજે આપણા આ દેશનો દુનિયાના સૌથી મોટા અર્થતંત્રોમાં સમાવે થયો છે. દુનિયાના ત્રીજા નંબરના સૌથી મોટી હબ સ્ટાર્ટઅપ વ્યવસ્થા આપણા દેશમાં છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મિશન તમારી મહેચ્છાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આજનું ભારત ઈનોવેશન કરી રહ્યું છે અને સાથે સાથે સુધારા પણ કરી રહ્યું છે અને સમગ્ર દુનિયા પર પોતાનો પ્રભાવ પાથરી રહ્યું છે. કોરોના વેક્સિન બાબતે ભારતે જે રીતે સમગ્ર દુનિયા સમક્ષ પોતાનું સામર્થ્ય દેખાડ્યું છે તે તમે પુણેના લોકો સારી રીતે જાણો છે. હાલમાં તમે યુક્રેન સંકટ પણ જોઈ રહ્યા છો અને જે રીતે ઓપરેશન ગંગા ચલાવીને ભારત પોતાના નાગરિકોને યુધ્ધ વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે બહાર લાવી રહ્યું છે. દુનિયાના મોટા મોટા દેશોને પણ આવું કરવામાં અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ભારતનો એ પ્રભાવ છે કે આપણે હજારો વિદ્યાર્થીઓને ત્યાંથી પોતાના વતનમાં પાછા લાવી શક્યા છીએ.

સાથીઓ,

તમારી પેઢી એક રીતે કહીએ તો ખૂબ જ નસીબદાર છે, કારણ કે તેમણે અગાઉની સુરક્ષાત્મક અને બીજા ઉપર આધાર રાખનારી માનસિકતાને કારણે નુકસાન ભોગવવું પડ્યું નથી, પરંતુ દેશમાં જો હાલમાં કોઈ પરિવર્તન આવ્યું હોય તો તેનો સૌથી મોટો યશ આપ સૌને મળે છે, આપણાં યુવકોને મળે છે. આપણાં યુવકો જ છે કે જેમણે, તમે ઉદાહરણ તરીકે જુઓ તો જે ક્ષેત્રોમાં અગાઉ દેશ પોતાના પગ ઉપર આગળ ધપવાનું વિચારતો પણ ન હતો તેવા ક્ષેત્રોમાં ભારત હવે ગ્લોબલ લીડર બનવા તરફ આગળ ધપી રહ્યું છે.

મોબાઈલ મેન્યુફેક્ચરીંગનું ઉદાહરણ લઈએ તો આપણી સામે આ એક એવું ઉદાહરણ છે કે અગાઉ કહેવામાં આવતું હતું કે મોબાઈલની આયાત કરો, દુનિયામાં જે કોઈ જગાએથી મળે ત્યાંથી લઈ આવો. સંરક્ષણ ક્ષેત્રમાં આપણે દાયકાઓ સુધી એવું માનીને ચાલી રહ્યા હતા કે બીજા દેશો આપણને આપશે, આપણે તેમના ભરોસાના આધારે કશું કરી શકતા હતા, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે. પરિસ્થિતિ પણ બદલાઈ છે. મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ બનીને ઉભરી આવ્યો છે.

સાત વર્ષ પહેલાં ભારતમાં મોબાઈલ ઉત્પાદન કરતી માત્ર બે કંપનીઓ હતી. આજે 200 થી વધુ ઉત્પાદન એકમો આ કામગીરીમાં જોડાયેલા છે. સંરક્ષણ ક્ષેત્રમાં દુનિયાના સૌથી મોટા આયાતકાર તરીકે ઓળખ ધરાવતું ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે નિકાસકાર બની રહ્યું છે. આજે દેશમાં બે મોટા ડિફેન્સ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં મોટામાં મોટા આધુનિક હથિયારો બનશે, દેશની સુરક્ષા જરૂરિયાતો પૂરી કરશે.

સાથીઓ,

આઝાદીના 75મા વર્ષમાં આપણે એક નવા ભારતના નિર્માણ માટે નવા લક્ષ્ય સાથે આગળ ધપી રહ્યા છીએ. આ અમૃત અભિયાનનું નેતૃત્વ આપણી નવી પેઢીએ જ કરવાનું છે. આજે સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીથી માંડીને હેલ્થકેર સેક્ટર સુધી એઆઈથી માંડીને એઆર સુધી, ઓટોમોબાઈલથી માંડીને ઈલેક્ટ્રોનિક વાહનો સુધી, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગથી માંડીને મશીન લર્નિંગ સુધી દરેક ક્ષેત્રમાં નવી તકો ઉભી થઈ રહી છે. દેશમાં જીઓ- સ્પાર્ટિયલ સિસ્ટમ્સ, ડ્રોન્સથી માંડીને સેમી કન્ડક્ટર અને સ્પેસ ટેકનોલોજી સુધી સતત સુધારા થઈ રહ્યા છે.

આ સુધારા સરકારનો રેકોર્ડ બનાવવા માટે નથી. આ સુધાર તમારા માટે એક તક લઈને આવ્યા છે. અને હું કહીશ કે આ સુધારા તમારા માટે છે, નવયુવાનો માટે છે. તમે ભલેને ટેકનિકલ ફિલ્ડમાં હો, મેનેજમેન્ટ ફિલ્ડમાં હોવ, કે મેડિકલ ફીલ્ડમા હોવ, હું સમજું છું કે જે કોઈ તકો ઉભી થઈ રહી છે તે માત્રને માત્ર તમારા માટે જ છે.

આજે દેશમાં જે સરકાર છે તે દેશ યુવાનોના સામર્થ્ય ઉપર, તમારા સામર્થ્ય ઉપર ભરોસો રાખે છે. એટલા માટે અમે એક પછી એક અનેક ક્ષેત્રોને તમારા માટે ખૂલ્લા મૂકી રહ્યા છીએ. આ તકોનો તમારે ઘણો  ફાયદો ઉઠાવવાનો છે. તમારે પ્રતિક્ષા કરવાની જરૂર નથી. તમે તમારા સ્ટાર્ટઅપ શરૂ કરો. દેશના જે પડકારો છે, જે સ્થાનિક સમસ્યાઓ છે તેના ઉપાયો યુનિવર્સિટીઓમાંથી મળવા જોઈએ. નવયુવાનોના દિમાગમાંથી નિકળવા જોઈએ.

તમે હંમેશા યાદ રાખો કે તમે જે કોઈપણ ક્ષેત્રમાં હોવ, જે રીતે તમે પોતાની કારકિર્દી માટે ધ્યેય નક્કી કરો છે તે પ્રકારના ધ્યેય દેશ માટે પણ હોવા જોઈએ. જો તમે ટેકનિકલ ક્ષેત્રમાં હોવ તો તમારા ઈનોવેશન્સ કઈ રીતે દેશના કામમાં આવી શકે, શું તમે એવી પ્રોડક્ટસ વિકસાવી શકો તેમ છો કે જેનાથી ગામડાંના ખેડૂતોને સહાય મળે. દૂર દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી શકાય.

આવી જ રીતે તમે જો તબીબી ક્ષેત્રમાં હોવ તો આપણી આરોગ્યની સુવિધાઓને કેવી રીતે મજબૂત બનાવી શકાય, આજે ગામડાંમાં પણ કેવી રીતે ગુણવત્તાયુક્ત સર્વિસીસ ઉપલબ્ધ થઈ શકે તે માટે તમે ટેકનિકલ મિત્રોની સાથે મળીને નવા સ્ટાર્ટઅપ્સ માટે આયોજન કરી શકો છો. આરોગ્ય ધામ જેવા વિઝન સાથે સિમ્બાયોસીસે જે શરૂઆત કરી છે તે સમગ્ર દેશ માટે એક મોડેલ તરીકે કામ આવી શકે તેમ છે. અને હું જ્યારે આરોગ્યની વાત કરી રહયો છું ત્યારે તમને એ પણ કહીશ કે તમારા શરીર સૌષ્ઠવનું પણ ચોક્કસ ધ્યાન રાખો. ખૂબ હસો, જોક્સ મારો, ખૂબ ચુસ્ત રહો અને દેશને નવી ઉંચાઈ પર લઈ જાવ. આપણાં ધ્યેય જ્યારે વ્યક્તિગત વિકાસથી આગળ વધીને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડાઈ જાય છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આપણે પોતે પણ ભાગીદાર હોઈએ તેવો અનુભવ વધી જતો હોય છે.

સાથીઓ, આજે જ્યારે તમે પોતાની યુનિવર્સિટીના 50 વર્ષના મુકામની ઉજવણી કરી રહ્યા છો ત્યારે હું સિમ્બાયોસીસ પરિવારને થોડોક આગ્રહ કરવા માંગુ છું. અને અહિંયા જે લોકો બેઠેલા છે તેમને પણ આગ્રહ કરવા માંગુ છું કે સિમ્બાયોસીસમાં આપણે એક પરંપરા નિશ્ચિત કરી શકીએ તેમ છીએ, કારણ કે દરેક વર્ષ કોઈ એક થીમ માટે સમર્પિત કરવામાં આવે તો અહિંયાના જે  લોકો છે, પછી ભલે ને તે કોઈપણ ક્ષેત્રમાં હોય તેમણે એક વર્ષ સુધી પોતાના કામ ઉપરાંત કોઈ એક થીમ માટે તેમનો કોઈને કોઈ સમર્પણ ભાવ દાખવે, યોગદાન તથા ભાગીદારીના પ્રયાસો થતા રહેવા જોઈએ. આપણે નક્કી કરીએ કે અહિંયા ગોલ્ડન જ્યુબિલી મનાવી રહ્યા છીએ ત્યારે હવે પછીના પાંચ વર્ષ માટેનો થીમ કયો હોઈ શકે. 2023નો થીમ શું હોઈ શકે, 2027નો થીમ શું હોઈ શકે. શું આપણે આ બધુ નક્કી કરી શકીએ છીએ.

હવે એક થીમ હું તમને બતાવું છે. એવું જરૂરી નથી કે તમારે આ થીમ સાથે આગળ ધપવું જોઈએ. તમારી પોતાની યોજના બનાવો અને માની લો કે, વિચાર કરો કે, ગ્લોબલ વોર્મિંગનો વિષય લીધો છે અને વર્ષ 2022માં આપણો પરિવાર ગ્લોબલ વોર્મિંગના દરેક પાસાંનો અભ્યાસ કરે, તેની પર સંશોધન કરે, તે અંગે સેમિનાર યોજે, તે અંગે કાર્ટુન બનાવે, તેની પર વાર્તાઓ  લખે અને તે બાબતે કવિતાઓ લખે. એવી જ રીતે કોઈ ઈક્વિપમેન્ટનું ઉત્પાદન કરે, આનો અર્થ એ થયો કે બાકી બધા કામ કરતાં કરતાં વધારાનું એક કામ આ થીમ બાબતે કરવામાં આવે અને લોકોને જાગૃત કરવામાં આવે.

આવી જ રીતે વાત કરીએ તો આપણાં જે સાગરકાંઠાના વિસ્તારો છે કે પછી સમુદ્ર પર જલવાયુ પરિવર્તનનો પ્રભાવ કેવો રહે છે તે અંગે પણ આપણે કામ કરી શકીએ તેમ છીએ. એક એવો પણ થીમ હોઈ શકે છે કે સરહદી વિસ્તારોનો વિકાસ કેવી રીતે કરવામાં આવે. આપણાં જે છેવાડાના ગામો છે, જે આપણી સરહદની સુરક્ષા કરવામાં સેના સાથે ખભેખભો મિલાવીને તનમનથી જોડાઈ જાય છે. એક રીતે કહીએ તો તે પેઢી દર પેઢી આપણાં દેશનું રક્ષણ કરે છે. શું આપણે યુનિવર્સિટીઓના માધ્યમથી આપણાં પરિવારમાં, આપણી સરહદના વિકાસ માટે આયોજન કરી શકીએ તેમ છીએ, આ માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવા વિસ્તારોનો પ્રવાસ કરે, ત્યાંના લોકોની તકલીફો સમજે અને પછી અહિં આવીને બેસીને તે અંગે ચર્ચા કરે, સમસ્યાઓના ઉપાયો શોધી કાઢે.

તમારી યુનિવર્સિટી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા માટે ‘વસુધૈવ કુટુમ્બકમ’નું એ સપનું ત્યારે જ સાકાર કરી શકાય છે કે જ્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર થાય છે. આ યુનિવર્સિટીમાં આવતા એક વિસ્તારના વિદ્યાર્થીઓ, બીજા વિસ્તારની ભાષાઓ શિખે, તેના કેટલાક શબ્દો શિખે તો તે વધુ બહેતર બની રહેશે. તમે લોકો એવું લક્ષ્ય નકકી કરી શકો તેમ છો કે સિમ્બાયોસીસના વિદ્યાર્થીઓ જ્યારે અહીંથી ભણીને બહાર નિકળશે ત્યારે મરાઠી સહિત ભારતની ઓછામાં ઓછી પાંચ ભાષાના 100 શબ્દો ચોક્કસપણે યાદ રાખશે અને જીવનમાં તેની ઉપયોગિતાનો તેમને ખ્યાલ આવશે.

આપણી આઝાદીના આંદોલનનો ઈતિહાસ ખૂબ જ સમૃધ્ધ છે. આ ઈતિહાસના કેટલાક પાસાંઓને ડીજીટલ સ્વરૂપે મૂકવાનું કામ તમે કરી શકો છો. દેશના યુવાનો એનએસએસ, એનસીસીની જેમ કેવી  રીતે નવી પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારી શકાય તે અંગે સમગ્ર પરિવાર સાથે મળીને કામ કરી શકે તેમ છે. જે રીતે જળ સુરક્ષાનો વિષય હોય, ખેતીને ટેકનોલોજી સાથે જોડવાનો વિષય હોય, સોઈલ ટેસ્ટીંગથી માંડીને ફૂડ પ્રોડક્ટસના સંગ્રહ અને નેચરલ ફાર્મિંગ સુધીના વિષયોમાં તમે સંશોધનથી માંડીને જાગૃતિ ઉભી કરવાનું કામ કરી શકો તેમ છો. આવા તો અનેક વિષયો છે. આ વિષયો શું હશે તેનો નિર્ણય હું તમારી ઉપર છોડું છું, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે દેશની આવશ્યકતાઓનો, સમસ્યાઓના ઉપાયો તમે આવા વિષયો તરીકે પસંદ કરી શકો છો કે જેથી તમામ નવયુવાનો, તમામ યંગ માઈન્ડ સાથે મળીને એટલી મોટી માળખાકીય વ્યવસ્થાઓ તૈયાર કરી શકે અને આપણે કોઈને કોઈ ઉપાયો તો શોધી જ કાઢીશું. હું તમને સૌને નિમંત્રણ પાઠવી રહ્યો છું કે તમે તમારા સૂચનો અને અનુભવો અંગે સરકાર સાથે આદાન-પ્રદાન કરો. આ વિષયો ઉપર કામ કર્યા પછી તમે તમારૂં સંશોધન, તમારા પરિણામો, તમારા આઈડિયાઝ, તમારા સૂચનો  પ્રધાનમંત્રી કાર્યાલયને પણ મોકલી શકો છો.

મને વિશ્વાસ છે કે હવે અહિંના પ્રોફેસર, અહિંની ફેકલ્ટી, અહિંના વિદ્યાર્થીઓ સાથે મળીને આ અભિયાનનો હિસ્સો બની રહેશે તો તેના ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકશે. તમે કલ્પના કરો કે તમે 50 વર્ષ ઉજવી રહ્યા છો, જ્યારે 75 વર્ષની ઉજવણી કરશો અને 25 વર્ષમાં દેશ માટે 25 થીમ ઉપર 50-50 હજાર દિમાગોએ કામ કર્યું હશે તો કેટલો મોટો સંપુટ તમે દેશને આપી શકશો. હું માનું છું કે તેનો સૌથી મોટો ફાયદો સિમ્બાયોસીસને વિદ્યાર્થીઓને જ થશે. અંતમાં હું, સિમ્બાયોસીસના વિદ્યાર્થીઓને વધુ એક બાબત જણાવવા માંગુ છું. આ સંસ્થામાં રહેવાની સાથે સાથે તમને, તમારા પ્રોફેસર્સને, તમારા શિક્ષકોને ઘણું બધું શિખવા મળ્યું હશે. મારૂં આપને સૂચન છે કે સ્વજાગૃતિ, ઈનોવેશન અને જોખમ લેવાની ક્ષમતા હંમેશા મજબૂત બનાવશો. હું આશા રાખું છું કે આપ સૌ આવી ભાવના સાથે જીવનમાં આગળ ધપશો. અને મને વિશ્વાસ છે કે 50 વર્ષની તમારી પાસે જે એક મૂડી છે, અનુભવની મૂડી છે, અનેક પ્રયોગો કરતાં કરતાં તમે અહિંયા સુધી પહોંચ્યા છો, તમારી પાસે ખજાનો છે અને આ ખજાનો દેશ માટે કામમાં આવશે. તમે વિકસતા રહો, અહીં આવનાર દરેક વ્યક્તિ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આવતો હોય છે અને આત્મવિશ્વાસ સાથે બહાર આવતો હોય છે. મારી તમને અનેક શુભેચ્છાઓ છે.

હું,  ફરી એક વખત તમને એટલા માટે પણ ધન્યવાદ આપીશ કે મને તમારી વચ્ચે આવવાની તક મળતી રહે છે, પણ હું આવી શકતો નથી. હું મુખ્યમંત્રી હતો ત્યારે એક વખત અહીં આવી શક્યો હતો. આજે તમારી સાથે આ પવિત્ર ધરતી પર આવવાની મને જે તક મળી છે તેના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મને આ પેઢી સાથે રૂબરૂ ઉપસ્થિત થવાની તક મળી છે.

AVS POST Bureau

http://avspost.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *