ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત
નીરવ જોશી , Delhi ( M-7838880134)
ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાઘવજી પટેલ બીજી વખત કેબિનેટ કૃષિ પ્રધાન બન્યા છે. કેન્દ્ર સાથે અતૂટ વિશ્વાસનો નાતો રાઘવજી એ પોતાના કાર્યો અને મંત્રાલયની કામગીરી વડે બનાવ્યો છે! આ પહેલા તેઓ ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સફળ કામગીરી બજાવી ચૂક્યા છે.
મોદી સાથેની મુલાકાત બાદ રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું
“જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.”
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કૃષિને લગતા અનેક નિર્ણાયક મુદ્દાઓ એક પછી એક કૃષિ મંત્રાલય ઉકેલવાના દિશામાં નિર્ણય લઈ રહ્યુ છેલ્લા 15 દિવસમાં મોરબી અને કચ્છ ખાતે અનુક્રમે 20 મી જાન્યુઆરી અને 28 જાન્યુઆરીએ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે હાજરી આપીને અનેક કાર્યક્રમો શરૂ કરાવ્યા હતા. ખાસ કરીને રખડતા પશુઓના- સાંઢના ખસીકરણ અને બીજા પશુઓના ખસીકરણ અંગે ઉત્તમ કામગીરી કૃષિ મંત્રાલય કરી રહ્યું છે.
*રાજયના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*
¤ *રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓના વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ અભિયાન દરમિયાન ત્રણ જિલ્લાઓમાં ૨૫૬ પશુઓનું ખસીકરણ*
¤ *રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરાશે: રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે*.
¤ *કચ્છ જિલ્લામાં નખત્રાણા ખાતે તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી*
પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને રખડતા પશુઓના ત્રાસથી મુકતિ અપાવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.આ માટે રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ કરવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે જે અતર્ગત મોરબી,જૂનાગઢ અને કચ્છ મળી કુલ ત્રણ જિલ્લાઓમાં ખસીકરણ ઝુંબેશનો આરંભ કરવામાં આવેલ છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરવામાં આવશે જે રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે.
તેમણે ઉમેર્યુ કે,ખસીકરણની સઘન ઝુંબેશ રાજ્યમાં રખડતા પશુઓ ખાસ કરીને આખલાઓ દ્વારા જાહેર જનતાને થતી અગવડો જેમાં અકસ્માતથી ઇજા અને મૃત્યુના બનાવો અને ખેતરોમાં થતા ભેલાણથી થતા નુકસાન સામે બચાવ માટે મદદરૂપ બનશે.
કૃષિ,પશુપાલન ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીની પ્રેરણાથી મોરબી જિલ્લાથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રખડતા આખલાઓ તથા ગૌ શાળાઓ અને પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગાય વર્ગના નર પશુઓની સર્જરી કરી ખસીકરણ કરવામાં આવે છે.આ માટે પશુપાલન ખાતાના નિષ્ણાત અને અનુભવી પશુચિકિત્સકોની ટીમ દ્વારા આવી સંસ્થાઓ ખાતે ખસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. ઓપરેશન બાદ ખસી થયેલ પશુઓની જરુરી સારસંભાળ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.ખસીકરણ થયેલ પશુઓની આક્ર્મતા ઘટે છે અને સ્વભાવે શાંત બને છે,જેના કારણે રખડતા પશુઓથી થતા અકસ્માતમાં ઘટાડો થશે અને ગૌ શાળાઓ અને પાંજરાપોળ આવા પશુઓને સરળતાથી સાચવી શકે છે.
મંત્રીશ્રી દ્રારા પ્રેરિત આ અભિયાન અંતર્ગત મોરબી ખાતેના કેમ્પમાં કુલ ૫૦ પશુઓનું ખસીકરણ કરવામાં આવેલ જ્યારે જૂનાગઢ ખાતે આયોજીત કેમ્પમાં ૬૮ પશુઓમાં અને નખત્રાણા ખાતેના કેમ્પમાં કુલ ૧૩૮ પશુઓમાં ખસીકરણ કરવામાં આવેલ છે.
મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતેથી કચ્છ જિલ્લામાં તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યની તમામ ગૌશાળા/પાંજરાપોળ સાથે સંકળાયેલ જીવદયા પ્રેમી દાતાઓ ને જરૂરી સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું હતું નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી સુરક્ષિત કરવાના આ મહત્વના કાર્યક્રમ માટે રાજય સરકારની સાથે સાથે સ્થાનિક દાતાઓ અને સંસ્થાઓનો સહકાર ખુબ જ મહત્વનો પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું
મંત્રીશ્રીએ પશુઓની સેવાની કામગીરીને જીવનનો ભાગ બનાવી સંસ્થાના સંચાલક તથા દાતાઓનો આભાર વ્યકત કરીને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લેવા રાજયની તમામ સંસ્થાઓને આહવાન કર્યું હતું.
તેમણે પશુપાલકોને પશુપાલન ખાતાની ખાણદાણ સહાયની યોજના જેવી વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે,પશુ ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન, સેક્સ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલોજી જેવી અધ્યતન પધ્ધતિઓ અપનાવવાથી પશુઓનું ઉત્પાદન તો વધશેજ સાથે સાથે રખડતા આખલાઓ ની સંખ્યા પણ ઘટવાથી બેવડો લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પશુપાલન નિયામકશ્રી ડો. ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પ્રસ્તુત તાલુકા પશુપાલન શિબીર અને ખસીકરણ કાર્યક્રમ અંગેની અગત્યતા જણાવી હતી તેમજ લમ્પી રોગચાળા સમયે જીલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારી થી થયેલ કામગીરીનો ઉલ્લેખ રાજ્યમાં સંપુર્ણપણે રોગચાળા પર નિયંત્રણ મેળવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા ગૌ-પુજન કરી સંસ્થામાં ચાલતા વિવિધ સેવાકિય કાર્યોની ખસીકરણ ઓપરેશનની તથા માનવસેવાની કામગીરી રૂબરૂ મુલાકાત લઈ કામગીરી બિરદાવી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના કુલ ૫ લાભાર્થી સંસ્થાઓને રૂ. ૫૯ લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજના લાભાર્થીઓને રૂ. ૧.૫ લાખની સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું.
મત્રીશ્રી દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મંત્રીશ્રી લાલજીભાઇ રામાણી તથા સમસ્ત ગૌસેવા કેન્દ્રની ટીમ તથા અન્ય સેવાકિય પ્રવૃતિ કરતા તમામ લોકોનું સન્માન કરી તેઓની પ્રવૃતિ બિરદાવવામાં આવી હતી.
પશુપાલન શાખાના પશુચિકિત્સા અધિકારીશ્રી ઓની કુલ ૧૦ ટીમો દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતે કુલ ૧૩૮ પશુઓની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખસીકરણ ઓપરેશન અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી હતી.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પારુલબેન કારા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*********
મોરબી ખાતે 28 જાન્યુઆરીએ નીચે મુજબનો કાર્યક્રમ થયો હતો.
રાજ્યવ્યાપી ખસીકરણ ઝુંબેશનો મોરબીથી શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
“૧૨૭ નવા ફરતા પશુ દવાખાના થકી
ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બનશે”
– રાઘવજીભાઈ પટેલ
ખસીકરણ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી
મોરબીને મોડલ બનાવવા મંત્રીશ્રીએ અપીલ કરી
સૌજન્ય :માહિતી બ્યુરો, મોરબી
કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેનો મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી કેબિનેટ મંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકાર લોકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમાનુરૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા પશુપાલકોની પડખે ઉભી છે. પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. રાજયમાં હાલ ૪૬૫ ફરતા પશુ દવાખાના છે. જેમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાના વધારો કરવામાં આવનાર છે. જેથી ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બની રહેશે.
આ તકે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો અને અન્ય ઢોરનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ખસીકરણ ઝુંબેશ આવી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવે તો વધુ સફળતા મળશે. મોરબીથી પ્રારંભ થતી આ ઝુંબેશમાં મોરબીને મોડેલ બનાવવું છે તેવુ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ તકે મંત્રીશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યદુનંદન ગૌશાળા ખાતે ૫૦ જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના વરદ હસ્તે ગાયો માટે ઉદાર દિલે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ-પૂજન પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ સમગ્ર ગૌશાળાની મુલાકાત પણ કરી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડીયા અને બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબિયા, નાયબ પશુપાલન નિયામકશ્રી એન.જે. ફળદુ, રિજિયોનલ ડાયરેક્ટરશ્રી ડો. ગોહિલ, અગ્રણી સર્વશ્રી લાખાભાઈ જારીયા, કુંવરજીભાઈ કાલરીયા, યદુનંદન ગૌશાળાના કાંતિભાઇ તેમજ ડોકટર્સની ટીમ સહિત વિવિધ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આમ જાન્યુઆરીના છેલ્લા દસ દિવસમાં જ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખૂબ જ અગત્યનો એવો રખડતા ઢોરના મુદ્દા અંગે ત્રણ જિલ્લાઓમાં કાર્યક્રમોની શરૂઆત કરાવી છે. આ પહેલા માછીમારોના મુદ્દે અંગે પણ જાન્યુઆરીમાં રાઘવજી પટેલે અગત્યના નિર્ણયો કર્યા હતા…એ ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રખડતા ઢોરના મુદ્દે માલધારી સમુદાય અને ભાજપ સરકાર સામસામે બાયો ચડાવી હતી. આવા સમયે રાઘવજી પટેલનું કૃષિ પ્રધાન તરીકેનું કાર્ય અગત્યનું બની રહે છે. આગળ જતા ગુજરાતના પશુધન માટે વધારે સારી વ્યવસ્થા ઊભી થાય એવું જનતા ની તીવ્ર લાગણી અને માગણી છે.