સારંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમનું આયોજન
નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)
*ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ” નું આયોજન* .
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે 10-10 ગ્રામ પંચાયતોના કુલ 1455 ક્લસ્ટર બનાવવામાં આવેલ છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવા માટે દરેક ક્લસ્ટરમાં એક તાંત્રિક પ્રશિક્ષક (ટેક્નિકલ માસ્ટર ટ્રેનર) તથા એક ખેડૂત પ્રશિક્ષક ( ફાર્મર માસ્ટર ટ્રેનર) નિયુક્ત કરવામાં આવેલ છે.
આ તમામ માસ્ટર ટ્રેનરને પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન મળે તેમાટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ” નું તા. 1/11/23 થી 2/11/23 દરમ્યાન આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા બોટાદ જિલ્લાના 800 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા.
આ તાલીમના ઉદ્ઘાટન કાર્યક્રમાં BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી, સ્વામી જ્ઞાનેશ્વરદાસજીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક શ્રી પ્રફુલભાઈ સેનજલિયા, સૌરાષ્ટ્ર વિભાગના સંયુક્ત ખેતી નિયામક શ્રી ગૌરવ દવે તથા સંયુક્ત બાગાયત નિયામક શ્રી આર.એચ. લાડાણી તેમજ આત્મા વડી કચેરી, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પી.બી.ખીસ્તરીયાએ ઉપસ્થિત રહી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડેલ.
આ તાલીમમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિને લગત જુદા જુદા વિષયો જેવાકે પ્રાકૃતિક કૃષિનું મહત્વ, ખેતીમાં ઉપયોગી કુદરતી વ્યવસ્થાઓ, પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધાર સ્તંભ, પ્રાકૃતિક કૃષિમાં પોષણ વ્યવસ્થા, પાક સંરક્ષણ, પંચ સ્તરીય વ્યવસ્થા, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે ડીજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ વગેરે વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.