સાબરકાંઠા: વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી
સંકલન: નિરવ જોષી, હિંમતનગર
વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી
જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરે ધ્વજ વંદન કરી સલામી આપી.
સાચુ ભારત ગામડામાં વસે છે. તેથી આ સરકારે ગામડાના વિકાસ પર ભાર મૂક્યો છે.
– પ્રભારી મંત્રીશ્રી ડિંડોર
સાબરકાંઠા જિલ્લાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજયનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ડૉ .કુબેરભાઈ ડીંડોરના વરદ્દ હસ્તે ઘ્વજવંદન કરી સલામી ઝીલી હતી.
૭૬મા સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભકામના પાઠવી શહીદોને વંદન કરી પ્રભારીમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, સાબરકાંઠાના પાલદઢ વાવના આદિજાતિ બાંધવોએ મોતિલાલ તેજાવતના નેતૃત્વ હેઠળ બળવો કરી અંગેજો સામે લડત આપી શહિદી વોહરી હતી. આ શહિદીને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. સરદાર ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા, સુખદેવ, લાલા લજપતરાય, સુભાષા ચંદ્ર બોષ જેવા કેટલાય નામી અનામી શહિદોએ આપણને આ મહામૂલી આઝાદી અપાવી છે. તેવા તમામ શહિદોને વંદન કર્યા હતા.
ત્રણ દિવસથી ચાલી રહેલી ‘તિરંગા યાત્રા’ દેશના નવયુવાનોમાં દેશ પ્રેમ જાગૃત કરવાની એક પહેલ છે. આપણે સમગ્ર વર્ષ ‘આઝાદી અમૃત મહોત્સવ’ની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી છે. છેલ્લાં ત્રણ દિવસથી આપણે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને આવકાર્યું છે.
તેમણે ઉમેર્યું કે, એક ભારત – શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે. કોરોના મહામારીમાં વડાપ્રધાનશ્રીના દૂરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. કોરોનાની મહામારીમાંથી બહાર આવીને સમગ્ર દેશ હવે વિકાસના પાટા પર પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, એર એમ્બ્યુલન્સની શરૂઆત દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાત માટે આશીર્વાદરૂપ બની છે. કોરોના પ્રતિરોધક રસીકરણના ૧૦ કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે.
ખેતરે- ખેતરે હરિયાળી લહેરાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી તેમને કહ્યું કે, રાજ્ય સરકારના દૂરદર્શી અભિગમને કારણે છેલ્લાં બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં રહ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, ગાંધીજી કહેતા કે સાચુ ભારત ગામડામાં વસે છે. તેથી આ સરકારે ગામડાને શહેરો જેવા વિકસીત કરવા માટે ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. ગુજરાતની તમામ ગ્રામપંચાયતોને ઓફટીકલ ફાઇબર્સની ઇન્ટરનેટ સુવિધા આપીને જન સેવાઓનો વ્યાપ વધારાશે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડવા માટે સેવા સેતુના ઉપક્રમથી બે કરોડ લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડી છે. સ્વ- સહાય જૂથોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાની પહેલ ગુજરાતે કરી છે. ગુજરાતે મોટા પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ મેળવ્યું છે.
વન અધિનિયમ હેઠળ જમીન અને વન સંપ્રદાયના અધિકાર આદિજાતિ બાંધવોને આપ્યાં છે અને તે રીતે છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહેસૂલી સેવા ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે. લેન્ડગ્રેબિંગનો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સી.સી.ટી.વી.થી સજ્જ કરવામાં આવ્યા છે. દેશના યુવાના ધન નશાખોરી થી બચાવવા પોલીસ તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. સિંચાઈ ક્ષેત્રે ગુજરાતે પાણીદાર કાર્ય કરી બતાવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દરેક જિલ્લામાં અમૃત સરોવરોના નિર્માણનો ધ્યેય કર્યો છે. હાલમાં જલસંચય ક્ષેત્રે ૧૫ હજાર ઘન ફૂટ પાણીના સંગ્રહમાં વધારો કરવામાં આવ્યો છે.
ક્લીન ઉર્જા વપરાશ વધારવાના હેતુથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઉર્જાનીતિ ગુજરાતે બનાવી છે. ગંગાસ્વરૂપ યોજના હેઠળ વિધવાઓને સહાય આપવામાં આવે છે. ૨.૫ લાખ સખી મંડળોને આર્થિક સ્વાવલંબન આપવામાં આવ્યું છે. શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અમલમાં મૂકવામાં આવ્યું છે. ૫૦ જ્ઞાનશક્તિ રેસીડેંસીયલ સ્કૂલ, સ્કિલ યુનિર્વસીટીની સ્થાપના, ૨૫ બિરસામુંડા સ્કૂલોની સ્થાપના જેવા મહત્વના નિર્ણયો થકી ગુજરાતના વિકાસને સર્વાંગી,સમાવેશી બનાવવા ડ્બલ એન્જિન સરકાર પ્રયત્નશીલ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ટુરીઝમ ક્ષેત્રે પોળોના વિકાસ તેમજ શામળાજીના વિકાસ થકી અહિના લોકોની રોજગારીમાં વધારો થાય તે માટે સરકાર અને વહિવટી તંત્ર કાર્યરત છે. કચ્છના ધોળાવીરાનો વલ્ડ હેરીટેઝમાં ઉમેરો થતા ગુજરાતના ચાર સ્થળો વલ્ડ હેરીટેઝ સાઇટનો દરજ્જો મળવ્યો છે. ૩૬મા નેશનલ ગેમ્સનુ ગુજરાતમાં યજમાન પદ લેવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લાના રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ રમત વીરોનું, કોરોના વોરિયર્સ, પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સહિત વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર નાગરીકોનું સન્માન કર્યુ હતું.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રીમતિ રમિલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એચ. શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલા સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લામાં 22 અમૃત તળાવ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં વિજયનગરના ભાંખરા તળાવ ખાતે અને હિંમતનગરના તાલુકાકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્ર્મ જામડાના અમૃત તળાવ ખાતે યોજાયો હતો.