નર્મદા-પરિક્રમા: એક અદભૂત આધ્યાત્મિક યાત્રા વિષે વિગતે જાણો

 નર્મદા-પરિક્રમા: એક અદભૂત આધ્યાત્મિક યાત્રા વિષે વિગતે જાણો

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

નર્મદા-પરિક્રમા: એક અદભૂત આધ્યાત્મિક યાત્રા વિષે વિગતે જાણો.

હમણાં 16 મી ફેબ્રુઆરીએ નર્મદા જયંતિ ની અનેક જગ્યાએ ઉજવણી થઈ ખાસ કરીને માં નર્મદા એ ભારતની દિવ્ય નદી છે કે જેની સમગ્ર ભારતમાં પરિક્રમાનો ખૂબ અનેરો મહિમા છે ! એટલું જ નહીં આની પરિક્રમાવાસીઓના જીવનમાં એટલે કે માં નર્મદાની પરિક્રમા કરનારા સાધકો કે હિન્દુઓના જીવનમાં નર્મદા નદીની દિવ્ય કૃપાથી સમગ્ર જીવન બદલાઈ ગયું હોય – તેવા હજારો નહીં પરંતુ લાખો ઉદાહરણો જોવા મળી રહ્યા છે ! જેમણે પણ આ પરિક્રમા કરી છે… તેને આ નદીની દિવ્યતાનો ચોક્કસ અનુભવ થયો છે !!! અને આની પરિક્રમા કરવાથી અનેક આત્માઓ પર મા નર્મદાની દિવ્ય શક્તિ અને ભગવાન મહાદેવના આશીર્વાદ ઉતર્યા છે-  તેવું ચોક્કસ કહી શકાય.

તો ચાલો, આવી મહાદેવના આશીર્વાદ વાળી નર્મદા નદીની પરિક્રમા કેવી રીતે થાય છે તેની વિગતે વાત કરીએ.

નર્મદા એ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મહત્વની નદી છે. મધ્ય પ્રદેશમાં અમરકંટકની પહાદીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં મળે ત્યાં સુધીમાં નર્મદા નદી કુલ 1289 કિમીની સફર ખેડે છે.
ભારતભરમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર નદીની પરિક્રમા કરે છે. નર્મદા-પરિક્રમા એ એક બહુ જ મુશ્કેલ યાત્રા છે તેવું કદાચ તમે સાંભળ્યું હશે, પણ અહીં આ પરિક્રમાના વિવિધ પ્રકારો તેમજ વિવિધ નિયમો વિષે વાત કરવામાં આવી છે.

નર્મદા-પરિક્રમાના પ્રકારો:
1) મુંડમલ પરિક્રમા: સૌથી જાણીતો પ્રકાર. આમાં યાત્રી નર્મદાના કોઈ પણ કિનારેથી પગપાળા પરિક્રમા શરુ કરી શકે છે અને ફરીથી તે જ મુકામે પાછા આવવાથી આ પરિક્રમા પુરી થાય છે.
2) જલેહરી પરિક્રમા: મુંડમલની સરખામણીએ આ પરિક્રમામાં બમણો સમય લાગે છે. આમાં પરિક્રમાવાસી અમરકંટકથી લઈને મીઠી તલાઈ (જ્યાં નર્મદા અરબી સમુદ્રને મળે છે) સુધીની યાત્રા કરે છે અને પછી નદીના બીજા કિનારેથી કાથપોર થઈને અમરકંટક પાછા ફરે છે.

3) પંચકોશી પરિક્રમા: સૌથી સરળ પ્રકાર. આમાં પરિક્રમાવાસી અમરકંટકની આસપાસ આવેલા અમુક ચોક્કસ ધાર્મિક સ્થળોની પગપાળા યાત્રા કરે છે.
4) ખંડા પરિક્રમા: સૌથી લોકપ્રિય પ્રકાર. આમાં કોઈ નિશ્ચિત સમયમાં પરિક્રમા પૂરી કરવી જરૂરી નથી. અમુક ભાગ પૂરો કરીને પરિક્રમાવાસી પોતાના ઘરે પાછો જઈ શકે છે અને તેની અનુકૂળતાએ ફરીથી એ જ મુકામથી પરિક્રમાની પુનઃશરૂઆત કરી શકે છે. નોકરી-ધંધો કરતાં કર્મનિષ્ઠ લોકો તેમજ ઘર-પરિવાર ચલાવતા લોકો માટે આ સૌથી સુલભ વિકલ્પ છે.
5) કાર પરિક્રમા: આધુનિક સમયમાં સૌથી પ્રસિદ્ધ પ્રકાર. 17 થી 20 દિવસ જેટલો સમય અને આશરે 4000 કિમીનું અંતર. આજકાલ અનેક ટ્રાવેલ એજન્સી કારના માધ્યમથી નર્મદા પરિક્રમાની સુવિધા પૂરી પાડે છે જેમાં નર્મદા-કિનારે આવેલા મુખ્ય તીર્થ-સ્થાનો સમાવિષ્ટ છે. પરિક્રમાવાસીએ પૂરતા પ્રમાણમાં અન્ન-પાણીની વ્યવસ્થા રાખવી હિતાવહ છે.
6) માર્કંડેય પરિક્રમા: એક મુશ્કેલ પ્રકાર. આમાં પરિક્રમાવાસી માત્ર નર્મદા જ નહિ, તેની એક પણ પેટા-નદી પણ નથી ઓળંગી શકતો. આમાં ખૂબ લાંબો સમય લાગે છે એટલે બહુ ઓછા શ્રદ્ધાળુ આ પરિક્રમા કરે છે.
7) દંડવત પરિક્રમા: સૌથી અઘરો પ્રકાર. સંપૂર્ણ અંતર નર્મદા માતાને દંડવત પ્રણામ કરતાં કરતાં કાપવાનું રહે છે. ભાગ્યે જ કોઈ શ્રદ્ધાળુ આ પ્રકારની પરિક્રમા કરે છે.
8) હનુમંત પરિક્રમા: પર્યટકો માટેનો પ્રકાર. આમાં નદીને ઓળંગવા અંગે કોઈ નિયમ નથી. ખરા શ્રદ્ધાળુ આ પ્રકારને નર્મદા-પરિક્રમા માનતા જ નથી. પ્રવાસ કરતાં લોકો આ પરિક્રમા કરે છે.

નર્મદા-પરિક્રમાના નિયમો:

1) નર્મદા પરિક્રમા શરુ કરતાં પહેલા દરેક પરિક્રમાવાસી એ અધિકૃત ફોટો આઈ. ડી. કાર્ડ સાથે રાખવુ જરૂરી છે. જે આખી પરિક્રમા દરમિયાન સાથે રાખવું જરૂરી છે.
2) પરિક્રમા નદીના કોઈ પણ કિનારાની જગ્યાથી શરુ કરી શકાય છે પણ યાત્રા શરુ કરતાં પહેલા નર્મદા માતાની સંપૂર્ણ પૂજા કરીને એક પાત્રમાં નદીનું પાણી ભરવાનું રહે છે જે પરિક્રમાવાસી આખી યાત્રા દરમિયાન સાથે લઈને ચાલે છે.
3) પરિક્રમાવાસીએ આખી પરિક્રમા દરમિયાન ‘મા રેવા’નું રટણ કરવું. અથવા તે કોઈ પણ ઈશ્વરનું નામ પણ જપી શકે છે.
4) પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી હંમેશા નર્મદાના કિનારે ચાલવા પ્રયત્ન કરે છે. પરિક્રમાવાસીની જમણી બાજુ નર્મદા નદી રહે તે ખાસ જરૂરી છે. જો કોઈ કારણોસર નદીથી થોડે દૂર જવું પડે તો પાત્રમાં ભરેલા જળની પૂજા કરવી.
5) યાત્રાળુ હંમેશા ખુલ્લા પગે પરિક્રમા કરે છે. પરિક્રમાવાસી પોતાનો બધો જ સામાન જાતે જ ઉપાડે છે, આ માટે કોઈ મજૂર ન રાખી શકે. પરિક્રમાવાસી પોતાની સાથે બે દિવસ કરતાં વધુ ચાલે તેટલો ખોરાક રાખી ન શકે.
6) પરિક્રમાવાસી નર્મદા નદી ઓળંગી ન શકે. નદી વચ્ચે આવેલા કોઈ ટાપુ પર પણ ન જઈ શકે.
7) પરિક્રમા દરમિયાન રસ્તામાં પુષ્કળ મંદિરો આવે છે. પરિક્રમાવાસીએ વધુમાં વધુ મંદિરના દર્શન કરવા પ્રયત્ન કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી બધો જ સમય નર્મદા માતાને સમર્પિત રહેવું જોઈએ.
8) નર્મદા પરિક્રમા એ માત્ર એક ધાર્મિક યાત્રા જ નથી. પરિક્રમાના નિયમોમાં નૈતિકતા પણ ખાસ જરૂરી છે. પરિક્રમાવાસી તેના માર્ગમાં કચરો ન ફેલાવી શકે તેમજ કોઈ સાથે ગેરવર્તણૂક ન કરી શકે. પરિક્રમા દરમિયાન હંમેશા સાચું બોલવું, પ્રફુલ્લ મન રાખીને રહેવું તેમજ સવાર-સાંજ નર્મદાની અર્ચના કરવી જરૂરી છે.
9) પરિક્રમાવાસી નદીમાં અંદર સુધી ન જઈ શકે. ભલે સલામત જગ્યા હોય તો પણ નદીમાં પ્રવાહને પાર કરવો નહીં તરીને પણ જવા પર પ્રતિબંધિત છે.
10) પરિક્રમાવાસી પાસે કોઈ પણ રોકડ રકમ ન હોવી જોઈએ. અન્ય કોઈની પણ આર્થિક સહાય ન લઈ શકે. પરિક્રમાવાસી સંપૂર્ણપણે નર્મદા માતા પર આધારિત રહે છે અને આ આધ્યાત્મિક યાત્રા દરમિયાન નર્મદા માતા પોતાના સંતાનની હંમેશા કાળજી રાખે છે.
11) ચોમાસામાં કે ઉનાળામાં ક્યારેક નર્મદા પરિક્રમા બંધ હોય ત્યારે કોઈ એક જગ્યાએ પરિક્રમાવાસી રોકાણ કરી શકે છે. સવાર સાંજ નર્મદા માતાની પૂજા કરવી તેમજ મનમાં રેવાના નામનો જાપ કરવો જરૂરી છે.
12) પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીએ શક્ય હોય તેટલી પર્યાવરણની કાળજી રાખવી અને અન્યોને પણ તે કરવા પ્રેરણા આપવી.
13) પરિક્રમાવાસીએ કેટલીક પાયાની જરૂરી વસ્તુઓ જેવી કે એકાદ બે જોડી વધારાના કપડાં, સાધારણ બેડિંગ, એક ઓઢવાની ચાદર, નાની છરી, લાકડી, પેન, ડાયરી, જરૂરી વાસણ, નર્મદા માતાનો ફોટો સાથે રાખવો જરૂરી છે.

નર્મદે હર!🙏🏻💐

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *