ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા 536 કરોડની યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન
નીરવ જોષી, હિંમતનગર (9106814540)
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિ
સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ.૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી ખેડબ્રહ્મા ભાગ – ૨ યોજનાઓનું લોકાપર્ણ
રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે નવી આકાર પામાનાર વિવિધ જૂથ યોજનાઓનું ખાતમુહૂર્ત
માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકની સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા ૧૯૬૧.૮૯ લાખના કુલ ૩ કામનો લોકાર્પણ
આ અવસરે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનને સુચારુ બજાર મળી રહે તે માટે એમોયું પણ થયા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદશી અને સતત પ્રયાસોના પરિણામે ગુજરાત આજે ‘હર ઘર જલ’નું સ્વપ્ન સાકાર કરી રહ્યું છે -: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રી :-
આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના ૪૧૯ ગામોના ૧૭.૧૫ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે
– આજે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં નળ થી જલ પહોંચી રહે તેવું વ્યવસ્થાપન થઈ રહ્યું છે
– શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા છે. આ આઠ વર્ષમાં સુશાસન કોને કહેવાય એ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને દુનિયાને દેખાડ્યું છે
– શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને મારી ટીમ ગુજરાત આ ગ્રોથ એન્જિનને આગળ વધારવાનો સતત પ્રયાસ કરી રહી છે
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ખેડબ્રહ્મા ખાતે પાણી પુરવઠા વિભાગની રૂપિયા ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દૂરંદશી અને સતત પ્રયાસોના પરિણામે ગુજરાત આજે ‘હર ઘર જલ’નું સ્વપ્ન સાકાર કરી રહ્યું છે. આ પ્રયાસોના પરિણામે જ આજે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ઘર-ઘર સુધી પાણીનું વ્યવસ્થાપન થયું છે.
તેમણે કહ્યું કે, અગાઉની સરકારોમાં રાજ્યમાં પાણીની શું સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. આજે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં નળ થી જલ પહોંચી રહે તેવું વ્યવસ્થાપન થઈ રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં આજે ખેડબ્રહ્માની આર્ડેક્તા કોલેજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ.૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી યોજનાઓનું લોકાપર્ણ જયારે રૂ. ૪૦૦ કરોડના ખર્ચે નવી આકાર પામાનાર વિવિધ જૂથ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધરોઇ વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારીત આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના ૪૧૯ ગામોના ૧૭.૧૫ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.
પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજનાઓના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત વેળાએ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, અન્ન નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા છે. આ આઠ વર્ષમાં સુશાસન કોને કહેવાય એ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને દુનિયાને દેખાડ્યું છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ વ્યવસ્થાની વાત કરતાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સરકાર છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકે તેવા તમામ પ્રયાસો કર્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિનો યુગ શરૂ થયો છે અને વિકાસ કોને કહેવાય એ આજે દેશ અને દુનિયા દેખી રહી છે.
આજે શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને મારી ટીમ ગુજરાત આ ગ્રોથ એન્જિનને આગળ વધારવાનો સતત પ્રયાસ કરી રહી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
પ્રાકૃતિક ખેતી અંગે વાત મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના દીર્ધદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની આગમચેતી ચિંતા કરી છે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગવંતુ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યા છે. ગુજરાતે તો ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક ખેતી જિલ્લો પણ જાહેર કરી દીધો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રાજ્યની સુરક્ષાની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત રાજ્યે સુરક્ષાની દિશામાં સારી એવી પ્રગતી કરી છે અને રાજ્યમાં એક શાંતિ બની રહે એવા તમામ પ્રયાસો રાજ્ય સરકારે કર્યા છે.
આ અવસરે વિચરતી જાતિ માટે થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે વિચરતી જાતિના લોકોનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. વિચરતી જાતિના લોકો જે હરી ફરીને પોતાનું ગુજરાત ચલાવતા રહે છે એ લોકોને રાજ્ય સરકારે પાકા મકાનો બનાવી આપ્યા છે અને તેમના છોકરાઓઓને શિક્ષિત અને દીક્ષિત કરવાનું કામ પણ આ રાજ્ય સરકારે કર્યું છે.
આમ, ગુજરાતના વિકાસની ગતી શ્રી નરેન્દ્રભાઈએ આપી છે તેને આ સરકાર ‘સૌના સાથ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી આગળ ધપાવી રહી છે એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ચાલુ કરેલી ‘નલ સે જલ’ યોજનાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે રૂપિયા ૫૩૬ કરોડના ખર્ચે સાબરકાંઠા જિલ્લામાં આ યોજનાનું ખાતમર્હુત થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના કામો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે.
શ્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે, આજે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ રાજ્ય સરકાર સરસ કામગીરી કરી રહી છે. આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આજે અનેક લોકોને મળી રહ્યો છે. તેમણે આ તકે ઉમેર્યું હતું કે, અંતિમ છેવાડાના માનવીને સુખાકારી મળી રહે તે સરકારની કટિબદ્ધતા છે.
આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રી રમીલાબહેન બારાએ જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ‘નલ સે જલ’ યોજના થકી આજે પહાડી વિસ્તારો અને વન વિસ્તારોમાં પણ પાણી પહોંચતું થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું ગૌરવ અનુભવું છું કે પાણીદાર સરકારના લીધે આદિવાસી વિસ્તારોના ઘર-ઘરમાં નળથી પાણી પહોંચ્યું છે.
આ તકે તેમણે ઉમેર્યું હતું કે, આજે રાજ્ય સરકાર વિધવા બહેનોની ચિંતા કરી ‘વિધવા પેંશન યોજના’ લાવી જેનો અનેક વિધવા બહેનોને લાભ મળ્યો. શ્રી રમીલાબહેન બારાએ કહ્યું કે, આ સરકાર એ આદિવાસીઓનું કલ્યાણ કરતી સરકાર છે.
આ અવસરે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારા,અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર,પુર્વ વિધાનસભાના અધ્યક્ષ અને પુર્વ મંત્રી શ્રી રમણલાલ વોરા, જિલ્લા પંચાયના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઇ કોટવાલ , જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીકારીશ્રી દિપેન શાહ, મુખ્ય ઇજનેરશ્રી પ્રકાશ શાહ તથા જીયુડીસીના ડિરેક્ટર શ્રી જે.ડી. પટેલ, અગ્રણી રેખાબેન ચૌધરી, શ્રી મેહેન્દ્રસિંહ રહેવર તથા તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.