કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર – કોગ્રેસ
નિરવ જોષી, ગાંધીનગર
• ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર.
• કરોડો રૂપિયા ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો
ભાજપ સરકાર દ્વારા રૂ. ૩,૯૦૦ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે પત્રકાર પરિષદમાં પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ભાજપના શાસનમાં ચાલી રહી છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વીજળી ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે કરવામાં આવ્યો હતો. આ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ મુજબ જે એનર્જી ચાર્જીસ એટલે કોલસાની ખરીદીની કિંમત પર અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ બની હતી તે મુજબ અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા છે તેના ડોક્યુમેન્ટ્સ અને પારદર્શિતા દર્શાવતા તમામ પેપર રજુ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેની ચકાસણી કરે અને તેની સરખામણી ARGUS (કોલસાનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નક્કી કરતી સંસ્થા)નો જે ભાવ હોય તેની સરખામણી બાદ જો અદાણીએ ખરીદેલ કોલસો ઓછી કિંમતનો હોય તો તેને ધ્યાને લેવાનું અને જો ARGUSના ભાવ ઓછા હોય તો તેને ધ્યાને લઈને જ અદાણીને પૈસા મળે એવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં વર્ષ ૨૦૧૮ થી લઈ વર્ષ ૨૦૨૩ સુધીના પાંચ વર્ષના ગાળા દરમિયાન અદાણીને રૂ. ૧૩,૮૦૨ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, જ્યારે ખરેખર અદાણીને મળવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડ જ થતા હતા, એટલે રૂ. ૩,૯૦૦ કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા. જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો, સુપ્રીમ કોર્ટ તપાસની કમિટી બનાવતી હતી અને સેબીની ઈન્કવાયરી શરૂ થવામાં હતી તેમજ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) પણ વિરોધ પક્ષે માંગી ત્યારે અધિકારીઓએ આ મોટા ભ્રષ્ટાચારમાં પોતાને તકલીફ ન ઊભી થાય તે માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર મુન્દ્ર લિમિટેડને પત્ર લખીને કહ્યું કે, વારંવાર માંગણી કરવા છતાં અદાણી પાવર દ્વારા ખરીદાયેલ કોલસાના બિલો આપવામાં આવતા નથી, સ્પર્ધાત્મક ભાવ અંગેના કે પારદર્શિતા અંગેના ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા નથી અને માત્ર ચોક્કસ લોકો પાસેથી ઊંચા ભાવે કોલસો ખરીદ્યાની વાત કરીને રૂ. 13,802 કરોડ સરકાર પાસેથી લીધા છે.
કરાર મુજબ ARGUSના ભાવ ધ્યાને લેતા અદાણીને ખરેખર વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૩ સુધીમાં મળવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડ જ થાય છે, એટલે કે રૂ. ૩,૯૦૦ કરોડ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણીને વધારે ચૂકવી દીધા છે અને તે પરત આપી દેવા પત્ર લખી નાંખ્યો. હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે તેવો ઘાટ ભાજપ સરકારે ઉભો કર્યો છે. વગર બિલો મેળવ્યે અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવી આપવામાં આવી ? રૂ. ૩,૯૦૦ કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું ? આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ઈ.ડી., સી.બી.આઈ. અને સેબી કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી ? પાંચ વર્ષ સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા ? અત્યાર સુધીમાં અદાણી પાસેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા ? ૩૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે? અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
નોંધઃ આ સાથે GUVNL નો પત્ર સામેલ છે.
આજે શક્તિસિંહજીએ પત્ર લખીને મંત્રી રિશિકેશ પટેલ નુ ધ્યાન દોર્યું હતુ.
સ્નેહી મંત્રીશ્રી @irushikeshpatel જી ,
26 ઓગસ્ટ, 2023, શનિવારે નવી દિલ્હી અને અમદાવાદ ખાતેથી ખાસ પ્રેસ કોન્ફરન્સમાં દસ્તાવેજી પુરાવા સાથે 3,900 કરોડ રૂપિયા કેવી રીતે માનીતા ઉદ્યોગપતિને આપી દેવામાં આવ્યા છે તેની હકીકતો રજૂ કરવામાં આવી હતી. સંપૂર્ણ ખોટી રીતે અપાયેલા 3,900 કરોડ રૂપિયા વસુલ કરવા જોઈએ તે સ્વીકારવાના બદલે ગઈકાલે ગુજરાત સરકારના એક મંત્રીશ્રીતરીકે આપશ્રી દ્વારા સંપુર્ણ કૌભાંડને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એકપણ સત્ય હકીકત કે કોઈને પણ ગળે ઉતરી શકે તેવી મુદ્દાવાર વાત કરવામાં આવી નહોતી ત્યારે આજે ગુજરાત સરકારના મંત્રીશ્રીતરીકે આપશ્રી એ કરેલા સંપુર્ણ આધારવિહીન ખુલાસા પછી કેટલાક વધારાના સવાલો ઉભા થાય છે અને હું પૂછવા માંગું છું કે, જે પત્ર મેં પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો તે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડનો જ હતો અને એમાં કોઈપણ જાતની છેડછાડ થઈ હોય તેવું આપ મંત્રીશ્રી પણ બોલ્યા નથી ત્યારે GUVNLના સરકારના તા. 15-5-2023ના પત્રમાં જ સ્પષ્ટ રીતે લખાયું છે કે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારના બિલો, સપોર્ટીંગ ડોક્યુમેન્ટ્સ કે રીપોર્ટ્સ પાંચ વર્ષ સુધી રજૂ કરવામાં નથી અને સ્પષ્ટ રીતે એ પત્રમાં જ લખાયું છે કે, જે કિંમત કોલસાની બતાવવામાં આવી છે તે બજારકિંમત કરતાં ખૂબ જ ઊંચી બતાવવામાં આવી છે. આ જ પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, મંત્રાલય દ્વારા જ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ARGUSની કિંમતને જ ધ્યાને લઈને અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા ચૂકવી શકાય. ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે આપ આ પત્રમાં જે વ્યવસ્થિત વસ્તુ લખાયેલ છે તે કેમ સ્વીકારતા નથી ? આ પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના બોર્ડમાં નક્કી થયું છે અને તે મુજબ કિંમત ધ્યાને લેતાં રૂ. 3,900 કરોડનું વધારાનું ચૂકવણું અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને કરી દેવામાં આવ્યું છે. તો સવાલ એ છે કે ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે આપ સરકારના જ પોતાના GUVNLના બોર્ડમાં થયેલ ઠરાવને શું ખોટો ગણે છે ? જો અધિકારીઓએ પોતે જ પોતાના પત્રમાં લખ્યું છે કે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ ઉંચા ભાવે કોલસાની વાત કરે છે જે બજારકિંમતે નથી અને બિલો કે ડોક્યુમેન્ટ્સ પણ રજુ કરતા નથી, તો શું ગુજરાત સરકાર પોતાના જ વિભાગના અધિકારીઓના લખાયેલ પત્રને સ્વીકારતા નથી ? મંત્રીશ્રી તરીકે આપ દ્વારા કોઈપણ મુદ્દાનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
વધુમાં જો મેં પ્રેસ કોન્ફરન્સમાં આપેલો GUVNLનો પત્ર ખોટો હોય અથવા તેમાં કોઈ ચેડા થયા હોય તો મારી સામે સરકાર કેસ કરે અને નહીં તો GUVNL કે જે સરકારનું જ બોર્ડ છે તેને સંપૂર્ણ વિચારણાના અંતે તેમજ સરકારના ઊર્જા વિભાગે આપેલ સુચના મુજબ જ્યારે ARGUSના ભાવ મુજબ ગણતરી કરીને રૂ. 3,900 કરોડ પાછા આપી દેવા માટે જણાવ્યું છે તે પૈસા કેમ પાછા લેવામાં નથી આવતા? જે રૂ. 3,900 કરોડ વધારાના ચુકવાયા છે તેનું વ્યાજ ધ્યાને લેવામાં આવે તો બેંકના સાદા વ્યાજ મુજબ પણ પાંચ વર્ષ સુધી અપાયેલી રકમ વ્યાજની ઉમેરીએ તો રૂ, 3,900 કરોડ કરતાં આંકડો અનેકગણો મોટો થાય છે તે વસુલ કરવા પણ સરકાર કેમ તૈયાર નથી ? ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે આપ એવી પણ સ્પષ્ટતા કરતા નથી કે જ્યારે કોઈપણ બિલોના આધાર વગર ઉંચી કિંમતના પૈસા ચૂકવી દેવામાં આવ્યા ત્યારે જે વ્યક્તિ GUVNLમાં ડાયરેક્ટર (ફાયનાન્સ) હતા તે આજે અદાણીની કંપનીમાં CEO તરીકે છે તે વાત ખરી છે ? અને જો આ વાત સત્ય હોય તો આ બાબતમાં સરકાર શું પગલાં ભરવા માંગે છે ? તે પણ સરકાર જણાવે. બોગસ માંગણીઓ બિલો આપ્યા વગર કે ARGUSના ભાવ ધ્યાને લીધા વગર સરકાર ખાનગી કંપનીને પૈસાની લુંટ કરવાની છુટ આપે તો આખરે ગુજરાત રાજ્યના અનેક વીજળી ઉપયોગ કરતા ગુજરાતીઓના માથે કરોડો રૂપિયાનું ભારણ આવશે તે અંગે સરકાર કેમ ચુપ છે ? છેલ્લે એટલું જ જણાવવાનું છે કે જ્યારે સરકારના પોતાના જ પરિપત્રને સ્પષ્ટ ધ્યાને લઈએ તો સમગ્ર કેસ એ મની લોન્ડરીંગનો કેસ થાય છે અને ત્યારે આ પ્રકારના ભયમુક્ત ભ્રષ્ટાચારનો એજન્ડા લઈને ભાજપ ચાલી રહી છે અને માનીતા ઉદ્યોગપતિઓને પ્રજાના ઉપર ભારણ નાંખીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવે છે તે અંગે યોગ્ય તપાસ શા માટે નહીં ?