કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો
સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સાબરકાંઠાના હિંમતનગર સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકાના ઘણા બધા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના કાર્યકર્તાઓ કર્મચારીઓ તેમજ ડોક્ટર મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટો પુરુષાર્થ કર્યો હતો. સરકારની એસટી તંત્રની આશરે 50 જેટલી બસો પણ લાભાર્થીઓને લઈ જવા તેમજ મૂકી જવા માટે કામે લગાડી હતી.
વડાપ્રધાનશ્રીએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગરીબોને દેવામાંથી ડૂબતા બચાવ્યા છે.-મંત્રીશ્રી ગજેંદ્રસિંહ પરમાર
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય) ભારત સરકારશ્રીની ફ્લેગશીપ યોજના છે. આ યોજના નેશનલ હેલ્થ પોલિસી ૨૦૧૭ અંતર્ગત જન-જનની સુખાકારી અર્થે માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 23 સપ્ટેમ્બર 2018 ના રોજ રાંચી ઝારખંડ ખાતેથી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનો દેશભરના ગરીબ મધ્યમ પરિવારોને લાભ મળી રહ્યો છે. તેને વધુ વેગમાન બનાવવા માટે આજે ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા તાલુકા મથકોએ 50 લાખ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્ડ વિતરણ કાર્યક્રમને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા,તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, ડી.ડી.ઓશ્રી શાહ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગરીબોને માંદગી-સંકટ સમયે મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, જ્યોતિગ્રામ યોજના, કિસાન સન્માન નિધિ, કોરોના કાળમાં મફત અનાજ ઓક્સિજન, વેક્સીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગરીબોને દેવામાંથી ડૂબતા બચાવ્યા છે. માંદગીએ કોઈને કહીને આવતી નથી. આવે ત્યારે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જાય છે. એટલે આપણા શેરી મહોલ્લામાં જે કોઈ બાકી હોય તેમણે આયુષ્યમાન કાર્ડ કઢાવીને સુરક્ષા કવચ પૂરું પાડવું તે માટે સેવાસેતુના માધ્યમથી પણ કાર્ડ કાઢવામાં આવે છે.આશા વર્કર આરોગ્ય કેન્દ્રમાં જઈને વહેલી તકે કાર્ડ કઢાવી ચિંતામુક્ત બનવા અપીલ કરી હતી.સરકારે માન્ય કરેલી હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે. વડીલોને યાત્રાધામોમાં ફરવા જવા માટે શ્રવણ તીર્થ યોજના પણ અમલી બનાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર આપ્યું છે. મંત્રીશ્રીએ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હિમાયત કરી હતી.
આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે કિસાન સન્માન નિધિમાં 16 હજાર કરોડ ખેડૂતોના ખાતામાં ડી.બી.ટી.ના માધ્યમથી જમા કર્યા છે અને બપોર પછી પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં 50 લાખ આયુષ્યમાન કાર્ડ વિતરણનો લાભ આપવો ઐતિહાસિક ઘટના છે. “પહેલું સુખ તે જાતે નર્યા” સ્વાસ્થ્ય સારું હશે તો બધું જ કરી શકશો એટલે સ્વસ્થતા માટે રાજ્ય સરકારે માતાના ગર્ભથી માંડીને બાળક જન્મે મોટું થાય રોજગારી અને વૃદ્ધ થાય ત્યારે વૃદ્ધા પેન્શન અને મૃત્યુ પામે ત્યારે સંકટ મોચન યોજના અમલમાં મૂકી છે. પહેલા લોકો અંધશ્રદ્ધા અને ભૂવા પાસે જતાં આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડીલીવરી અને મફત સારવાર આપવામાં આવે છે. ડોક્ટર,નર્સ દવા દવાખાનામાં ઉપલબ્ધ છે. આ સરકાર ગરીબોની બેલી છે. મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે કેન્દ્ર રાજ્ય સરકારની સરાહના કરતા આયુષ્યમાન કાર્ડ ના ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ કાર્ડ તમારા માટે બેરર ચેક છે તેમ જણાવ્યું હતું સરકાર ગરીબોની દરકાર કરે છે ખાનગી સરકારી હોસ્પિટલોમાં કાર્ડથી પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે એટલે ગરીબોને દેવું કરવું પડતું નથી કેન્સર, હાર્ટ, કિડની જેવા મોટા રોગોમાં આ કાર્ડ ઉપકારક આશીર્વાદ સમાન છે ગામમાં લોકોને જાગૃત કરીને પુણ્યના કામમાં સહાયરૂપ થવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા દ્વારા સૌને આવકારી જિલ્લા કક્ષાના આયુષ્યમાન પી.વી.સી. કાર્ડ વિતરણ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે 21મી ઓક્ટોબર સુધી કાર્ડ કઢાવવાની ઝુંબેશ અને વિતરણ નો કાર્યક્રમ યોજાશે સાબરકાંઠામાં 1,76,000 કાર્ડ પુરા પડાયા છે તે સૌ બાયોમેટ્રિક કરાવી લે સાબરકાંઠામાં 63% સિદ્ધિ હાંસલ થઈ છે હજી વેગવંતી બનાવી 100% સિદ્ધિ તરફ પ્રયાણ કરીએ આજે દરેક તાલુકા કક્ષાએ પણ કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો છે સાબરકાંઠા જિલ્લામાં કુલ પાંચ લાખ 90 હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી આપેલ છે આ કેમ્પમાં આશરે બે લાખ જેટલા કાર્ડની શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત વીસીઈ અને વીએલઇ દ્વારા લાભાર્થીનું એ કેવાયસી અથવા ઓટીપી વેરિફિકેશન કરી પીવીસી કાર્ડ સંબંધિત લાભાર્થીની આપવામાં આવશે
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સ્ટેજ પરથી પીએમજેવાય કાર્ડ વિતરણના પેકેટ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી વર્ચ્યુઅલી માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, કેન્દ્ર આરોગ્ય મંત્રી શ્રી, રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીનો પ્રેરક સંદેશો જીલ્યો હતો અને આરોગ્યલક્ષી ડોક્યુમેન્ટ્રી ફિલ્મની નજરી નિહાળી હતી
આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટીઓ, આશાવર્કર, સ્ટાફ નર્સ અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.