ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
ગાંધીનગરના લાકરોડામાં દર્શન યોગધામમાં સમર્પણ ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે થયું
નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134 & 9106814540)
*ગાંધીનગરના લાકરોડા ગામે દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ*
—————–
*વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ સાયન્સ -ટેક્નોલૉજી સાથે આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
——————–
*આર્ષ ગુરુકુલનો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે અધિકારી નહીં બને, પરંતુ આ તમામને સાચા અને સારા મનુષ્ય બનાવવાની ક્ષમતા તે વિદ્યાર્થીમાં હશે.*
————————
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.
ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની સુરક્ષા, આર્ષ જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર તથા સુસંસ્કાર નિર્માણ માટે સક્રિય આદર્શ સંસ્થા – દર્શનયોગ ધામમાં વ્યાકરણ શાસ્ત્ર, વેદ સાહિત્ય, આયુર્વેદ, જ્યોતિષ, દર્શન અને ઉપદેશક મહાવિદ્યાલય આકાર લેશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આ અવસરે કહ્યું હતું કે, વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા, યોગ, સંધ્યા-હવન અને નૈતિક શિક્ષણની સાથે સાથે આધુનિક અભ્યાસનો સમન્વય કરવાની આવશ્યકતા છે. બદલાતા સમયમાં શાસ્ત્રોના વિદ્વાનોને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહયોગ જરૂરી છે. જો આમ થશે તો શાસ્ત્રોના વિદ્વાનોને રોજગારીના પ્રશ્નો નહીં નડે. એટલું જ નહીં, તેમના જ્ઞાન અને વિદ્યાનો વ્યાપ વધુ વિસ્તરશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આર્ષ ગુરુકુલનો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે સેનાનો અધિકારી નહીં બને, પરંતુ આ તમામને સાચા અને સારા મનુષ્ય બનાવવાની ક્ષમતા તે વિદ્યાર્થીમાં હશે. આજે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અને મહાન રાષ્ટ્રના નિર્માણ માટે આવા મનુષ્યોની આવશ્યકતા છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતની ધરતી પર જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના કાર્યોને આગળ ધપાવવા સંકલ્પબદ્ધ થઈએ. વેદ પ્રતિ અત્યંત નિષ્ઠા સાથે તેમણે સમાજના કુરિવાજો દૂર કર્યા. દેશમાં વ્યાપ્ત અજ્ઞાન, અન્યાય, અભાવ અને આળસને દૂર કરવા તથા દેશને કલ્યાણના માર્ગે લઈ જવા તેમણે હજારો વિદ્વાનો તૈયાર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. દર્શનયોગ ધામ જેવા સંસ્થાનો આ દિશામાં મહત્વનું કાર્ય કરી રહ્યા છે ત્યારે સમાજે પણ આવા કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ એવી અભિલાષા રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી. આર્ષ ગુરુકુળમાં અભ્યાસ સંપન્ન કરીને સમાજને સમર્પિત થતા વિદ્વાન વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ યોજાય અને સમાજ પણ આ વિદ્યાર્થીઓને સત્કારવા તત્પર રહે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
આ અવસરે દર્શનયોગ ધર્માર્થ ટ્રસ્ટના પ્રબંધક ન્યાસી સ્વામી શ્રી વિવેકાનંદજી પરિવ્રાજક અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા, દિલ્હીના પ્રધાન શ્રી સુરેશચંદ્ર આર્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આર્યવન આર્ષ કન્યા ગુરુકુલ, રોજડના આચાર્યા શીતલજી, વાનપ્રસ્થ સાધક આશ્રમ, રોજડના અધ્યક્ષ શ્રી સત્યજીત મુનીજી, ગુરુકુલ કાંગડી વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ ઉપ કુલપતિ શ્રી ડૉ. સુરેન્દ્ર કુમાર આર્ય, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી શ્રી વિનય આર્ય, મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાન શ્રી પ્રકાશ આર્ય અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.