રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

 રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર પ્રેરણાણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે: કૃષિ મંત્રીશ્રી

કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે એક અણમોલ રતન ખોયું છે તેમ કહેતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ અને દેશના ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે.

મંત્રી શ્રી રાઘવજી પટેલે આ શંતિસભા દરમિયાન ડૉ. એમ.એસ.સ્વામિનાથન જીવન-કવન વિશે અને તેમણે ભારતીય કૃષિ ક્ષેત્રે આપેલા મહામૂલા યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૬૦માં જ્યારે સમગ્ર દેશમાં અનાજની અછત ઉભી થઈ હતી અને અનેક રાજ્યોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ડૉ. સ્વામિનાથને સાથી વૈજ્ઞાનિકો સાથે મળીને ભારતના વાતાવરણને માફક આવે એવી વધુ ઉત્પાદન આપતા ઘઉંના બીજનું સંશોધન કર્યુ હતું. એ ઉપરાંત બટાકા અને ચોખાની વેરાઈટી પણ તૈયાર કરી. તેમના પરિણામે જ હરિત ક્રાંતિની સાથે ખેતીનો વિસ્તાર વધ્યો, ખેડૂતો એક ઋતુમાં એક કરતા વધુ પાકો લેતા થયા, વધુ ઉત્પાદન આપતી જાતોનાં બીજ અપનાવ્યા, પિયત વ્યવસ્થામાં સુધારો થયો, ખેતીમાં યાંત્રિકીકરણ વધ્યું અને પાક સંરક્ષણ અંગે જાગૃતિ આવી.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી માટે તેમણે આપેલ ફાર્મુલા આજે પણ સર્વસ્વીકૃત છે. પાક સુધારણા વિષય ઉપર તેઓએ એકલા હાથે ૪૬ રિસર્ચ પેપર લખ્યાં જેના થકી તેઓ ભારતના પાક સુધારણાના પિતા તરીકે ઓળખાયા. ડૉ. સ્વામીનાથનને તેમના વિશિષ્ટ યોગદાન બદલ અનેકવિધ સન્માન અને એવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. જેની પણ વિગતો મંત્રીશ્રીએ સભામાં ઉપસ્થિત સૌને આપી હતી.

કૃષિ ક્ષેત્રે સુધારણામાં યોગદાન, તેમના દ્વારા સ્થાપિત સંસ્થા અને તેના કર્યો વગેરેની પણ સવિસ્તૃત માહિતી મંત્રીશ્રીએ આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં પણ ડૉ. સ્વામીનાથનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી શાહ, ખેતી નિયામકશ્રી, બાગાયત નિયામકશ્રી સહિતના અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સ્વામીનાથનને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના તારીખ 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરના પ્રવાસો અને એના સમાચારો નીચે મુજબ છે.

 

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી: ખાદીની ખરીદી કરી અન્યોને ખાદી ખરીદવા કરી અપીલ

રાજકોટ તા.૦૨ ઓક્ટોબર, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધી જયંતી નિમિત્તે આજે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી હતી.

જયાં મંત્રીશ્રીએ “ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન”ના મંત્રને ચરિતાર્થ કરવા અને ખાદી કારીગરોને પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી કરી અન્યોને પણ ખાદી ખરીદવા માટે અપીલ કરી હતી.
આ તકે, મંત્રીશ્રીને ખાદી ભંડારના કર્મીઓ દ્રારા સુતરની આંટી થકી અભિવાદિત કરવામાં આવ્યા હતા.મંત્રીશ્રીએ ખાદી ભંડારની અન્ય વસ્તુઓને પણ નિહાળી હતી.ખાદી એ સ્વદેશી અભિયાનનું પ્રતીક છે,જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લોકો સમક્ષ સ્વદેશી કાપડ થકી ગ્રામજનોને સ્વરોજગાર માટે દર્શાવ્યું હતું. ત્યારે આજે તેમની જન્મ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ખાદી ફોર નેશનના અભિયાનમાં કૃષિ મંત્રીશ્રીએ આજના યુવાનો પણ જોડાય તે માટે રાજકોટ ખાતે ખાદી ભંડારની મુલાકાત લઈ ખાસ અપીલ કરી હતી.


———-

*ધ્રોલ તાલુકાના લતીપર ગામે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો*

*દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન*

*જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું*

જામનગર તા.01, ધ્રોલ તાલુકાના લતીપર ગામે માધ્યમિક શાળા પાસે”એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિમંત્રીશ્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.

‘Garbage free India’ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધવામાં આવેલ છે.

મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

આ મહાશ્રમદાન કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી સાકરીયા તેમજ બહોળી સંખ્યામાં લતીપરના ગ્રામજનો વગેરે જોડાયા હતા.

 

*કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કસ્તૂરબાધામ, ત્રંબા ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટે બાપુના સ્વચ્છ અને આત્મનિર્ભર ગામના મંત્રને સંકલ્પ માની કાર્ય હાથ ધર્યું છે – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજકોટ તા. ૦૨ ઓકટોબર,

રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે, મંત્રીશ્રીએ પૂજય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટેની નેમ હાથ ધરીને તેના દરેક મંત્રને ઝીલી લીધો છે. સ્વચ્છતા, ખાદી,ગ્રામ સ્વરાજ અને ગામડાને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના દરેક મંત્રને પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ બનાવી કાર્ય હાથ ધર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ બાપુની જન્મજયંતીએ સ્વચ્છાંજલિ સાથે સમગ્ર દેશને સ્વચ્છતા તરફ પ્રેર્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પૂજય બાપુના પડછાયા સમા બની તેમના સુખ-દુઃખમાં સર્વે કાર્યોમાં સહકાર આપનાર નારી રત્ન પૂજ્ય બાને આ ધામ ખાતે સત્યાગ્રહના દિવસોમાં કારાવાસમાં ૨૨ દિવસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. એવી આ પાવન ભૂમિ કે જેની સાથે સત્યાગ્રહ અને ભારતની આઝાદીની લડત જોડાયેલી છે તે કસ્તુરબા ધામને સમગ્ર વિશ્વમાં તેમનું અમરત્વ ઉજાગર થાય તે રીતે સરકાર વિકસાવશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

આ પ્રસંગે કસ્તુરબાધામ ખાતે મંત્રીશ્રીનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ કસ્તુરબા નિવાસની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માતા કસ્તૂરબાને સુતરની આંટી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તથા કનુભાઈ નારણદાસ ગાંધી તથા તેમના પત્ની આભાબેન કનુભાઈ ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સ્વચ્છાંજલિ સમારોહ ખાતે સરપંચ શ્રી દર્શનાબેન પીઠવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી નિશિત ખૂંટ, પૂર્વ સરપંચશ્રી નિતીનભાઈ રૈયાણી, ટ્રસ્ટીશ્રીઓ મુકેશભાઈ મકવાણા, અલ્પેશભાઈ ચાવડા, ચેતનભાઈ રામાણી, સામાજિક આગેવાન શ્રી મૂળજીભાઈ ખૂંટ તથા અન્ય આગેવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *