પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર
પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર

નિરવ જોશી हिम्मतनगर (M-7838880134)
પ્રાકૃતિક ખેતીને અપનાવી સાબરકાંઠાના ખેડૂત સતિષભાઈ બન્યા આત્મનિર્ભર
**
પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પાકોનું વાવેતર કર્યું
**
મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ, દુધી, તુવેર, કોબીજ, ફુલાવર જેવી શાકભાજી થકી નફો મેળવ્યો
**
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે વિવિધ સહાય સહિત અનેક પ્રયાસો હાથ ધરાયા છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના ખેડૂત શ્રી સતિષભાઈ મોહનભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમણે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. ઘઉં, બટાકા, મગફળીની સાથે શાકભાજી પાકોનુ વાવેતર કરે છે.
સતિષભાઈ જણાવે છે કે તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે. જેમાં મગફળી, સોયાબીન, મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ, દુધી જેવી શાકભાજીની ખેતી કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે. તેઓ પાસે બે મોટી ગાય અને બે વાછરડી છે. તેમજ ગાય નિભાવ સહાય સરકાર દ્રારા મેળવે છે.
તેમણે અગાઉ શેરડી વાવી મૂલ્ય વર્ધન કરી ગોળનું પ્રતિ કિલો રૂ. ૮૦ના ભાવે વેચાણ કર્યું હતું. હળદરનું વાવેતર કરી તેનો પાવડર બનાવી રૂ. ૨૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી સારી એવી આવક મેળવી હતી.
સતિષભાઈ ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને ખાટી છાસનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિને આધારે તેઓ જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ મેળવે છે. આજુબાજુના અનેક ખેડૂત મિત્રોને આહવાન કરે છે કે, તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે, જેથી સ્વસ્થ જીવનશૈલી સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો થાય અને નફો પણ વધારે મળે છે.