કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર ૨૭ વિધાનસભા: મતદાન જાગૃતી રેલી યોજાઇ
નિરવ જોષી, હિંમતનગર(M-7838880134)
લોકશાહીનો અવસર ૨૦૨૨
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા વિસ્તારમાં લોકશાહીનો અવસર અંતર્ગત હિંમતનગર ૨૭ વિધાનસભા મત વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ઊંટ લારીના શણગાર સાથે મતદાન જાગૃતી રેલી યોજાઇ.
હિંમતનગરના સહકારી જીન રોડ અંકિતા ડેરી ખાતેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું: રેલીએ હિંમતનગરના વિસ્તારોમાં ફરીને મતદાન જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન આગામી તા. પમી ડિસેમ્બર ૨૦૨૨ યોજાનાર છે. તે પૂર્વે મતદારોમાં જાગૃતતા આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે આશયથી જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ આજે તા. ૨૯/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:00 કલાકે ૨૭ હિંમતનગર વિધાનસભા મત વિસ્તારના સહકારી જીન રોડ અંકિતા ડેરી ખાતેથી આર.ઓ. અને પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી તથા તાલુકા વિકાસ અધિકારી અને શિક્ષકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સર્વે અધિકારીઓએ ઊંટલારીમાં સવારી કરી રેલીને ભ્રમણ માટે આગળ ધપાવી હતી.
આ લોકશાહી અવસર ઇકો ફ્રેન્ડલી રેલીમાં ઊંટ લારીઓને સુંદર રીતે શણગારવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા પ્લેકાર્ડ બેનર્સ સાથે એન.એસ.એસ. એન.સી.સી. કેડેટ્સ અને વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ દ્રારા બાઇક રેલી યોજવામાં આવી હતી. રેલીમાં ડી.જે.ના તાલે દેશભક્તિ ગીત અને લોકશાહીમાં મતદાન અચુક કરવું આપણી નૈતિક ફરજ છે અવશ્ય મતદાન કરો ના નારા લગાવવામાં આવ્યા હતા. જેમાં પરંપરાગત ડ્રેસ અને યુનિફોર્મમાં સજજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને મોબાઇલ દ્રારા સેલ્ફી વિડીયો ઉતારી અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો. આ રેલીમાં આદર્શ વિદ્યાલય, લો કોલેજ તથા શહેરની અન્ય શાળાઓએ પણ ભાગ લીધો હતો.
આ રેલી બે થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે શહેરના વિવિધ માર્ગો જેવા કે સહકારી જીન, રાધે સ્વીટ માર્ટ, છાપરીયા વિસ્તાર, ચાર રસ્તા મહાવીરનગર સર્કલ વિસ્તારમાં ફરીને અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. અને લોકોને મતદાન માટે જાગૃતતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ રેલીનું રિવરફ્રન્ટ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
આ જ રીતે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે પણ ઇકો ફ્રેન્ડલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને મતદાન કરવા માટે હર્ષભેર અપીલ કરવામાં આવી હતી.