કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર
સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134)
Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી!
આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો.
આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા આયોજન કરી રહ્યું છે… તો દાન માટે પણ સૌને અપીલ કરીએ છીએ….
સાથે સાથે છેલ્લા એક અઠવાડિયાના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો જે સાબરકાંઠાને હિંમતનગરના રહ્યા છે તે પણ સંકલન કરીને આપણે પ્રસ્તુત કરીએ છીએ.
************************
હિંમતનગર ખાતે આગામી ૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે.
આગામી તા.૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના સોમવારે સવારે ૦૯:૦૦ કલાકે ડૉ. નલીનકાંત ગાંધી ટાઉનહોલ, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ કરશનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાશે.એમ રોજગાર અધિકારી(જનરલ) હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.
0000000000000000000000000000000000000000
સરકારી આઇ.ટી.આઇ પ્રાંતિજ પ્રવેશ બાબત
********************
સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજમાં વર્ષ-૨૦૨૨ અંતર્ગત પાંચમા રાઉન્ડમાં એડમીશન હેઠળ NCVT કોર્સમાં એડમિશન આપવાની કામગીરી ૩૦/૯/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. જે ઉમેદવાર પ્રવેશ મેળવવા માંગતા હોય તે ઉમેદવાર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી આઇ.ટી.આઇ પ્રાંતિજ ખાતે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે હાજર રહેવું.એમ ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જાણાવાયુ છે.
***************************
હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન
હિંમતનગરમાં સૌ પ્રથમવાર સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક. મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે.
આ મહિલાઓ દ્વારા ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વ ને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન પંચાલ સમાજવાડી,પંચદેવ મંદિર ની સામે, ખેડ તસીયા રોડ,મહાવીર નગર, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી, હેન્ડમેડ જ્વેલરી, દાંડિયા, કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લાભ લઇ સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહિત કરવા સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દ્વારા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
***************************
મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના ભાર્ગવીબેન દવેએ ચૂંટણીલક્ષી કામગીરી અને રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી.
સાબરકાંઠા જિલ્લાની ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગરના કુ. ભાર્ગવીબેન દવે આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં ઇ. આર. ઓ, એ.ઇ.આર.ઓ સાથે તથા રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લઈને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની આંકડાકીય વિગતો મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કુ. ભાર્ગવીબેન દવે નવા 18 વર્ષથી ઉપરના મતદારોની નોંધણી અને આધારકાર્ડ સાથે લીંક તથા નામ, સરનામામાં ફેરફાર તથા સ્વીપ પ્લાન અંગે કરવાની કામગીરી તથા કોલેજ કક્ષાએ નવા મતદારોમાં જાગૃતિ અને સરકારી કોલેજો, ખાનગી કોલેજો, આઈ. ટી. આઈ તથા ગ્રામ્ય શહેરી કક્ષાએ નવા મતદારો વધુને વધુ જોડાય અને કોઈ મતદાર રહી ન જાય અને તેઓ મતદાન થી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા 29 એસ સી તથા 28 ઇડર એસ.સી તથા 27 હિંમતનગર અને 33 પ્રાંતિજ વિધાનસભામાં કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી અને બી.એલ.ઓ દ્વારા કરવાની કામગીરીને વેગ આપવા જણાવવામાં આવ્યું હતું સાથે મતદારોમાં જાગૃતિ અંગે સ્વીપ પ્લાન દ્વારા જન જાગૃતિને વેગ આપવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા રોલ ઓબ્ઝર્વરનુ સ્વાગત કરીને જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે વાકેફ કર્યા હતા જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી પારૂલબેન દ્વારા નક્કર કામગીરી અંગેની આકડાકીય વિગતો પ્રસ્તુત કરાઇ હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી અને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ કુ. ભાર્ગવીબેન દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વસહાય જૂથો દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તૈયાર થયેલા મકાનોના લોકાર્પણ અંગેની પણ સમીક્ષા કરાઇ હતી. જેમાં વકતાપુર ગામે તૈયાર થયેલા આવાસો તથા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 657 આવાસોની પણ સમીક્ષા કરી હતી સાથે સ્વ સહાય બહેનો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ તથા પ્રાકૃતિક ખેતી, મહિલા પખવાડિયાની ઉજવણી, વોટરશેડ કામગીરી અને સખીમંડળોને આપવામાં આવતી સહાય તેમજ પ્રધાનમંત્રી આવાસોના લોકાર્પણ વખતે એક ઉત્સવનું માહોલ તૈયાર થાય જેમાં ઘરોને રંગ રંગાન, રંગોળી, ફૂલ છોડ, કુંડા તથા ગૃહ પ્રવેશ વખતે કરવાની થતી કામગીરી તથા કનેકટીવિટી અને મહિલાઓ દ્વારા ઇનોવેટિવ આઇડિયા દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા પકવેલા તથા ઉત્પાદિત ચીજવસ્તુઓના માર્કેટ બનાવવા ઉપરાંત ગ્રાહકોને એક આગવું બજાર મળી રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર તથા બાગાયત વિભાગના અધિકારી તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
******************
હિંમતનગર સાબર ડેરી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો
જિલ્લાના ૧૧૯૩ સ્વસહાય જૂથોને ૧૨૭૯.૬૯ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.
સરકાર દ્વારા નાનામાં નાના માણસના વિકાસની યોજનાઓ અમલી બનાવાઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત સાબર ડેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્ર્મ યોજાયો હતો.
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિશ્વાસથી વિકાસયાત્રા દ્વારા ૨૦ વર્ષના વિકાસ કામોનો તમામ લાભાર્થીઓ લાભ લઈ શકે અને સરકારી યોજનાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીને જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા હોવાનું જણાવ્યું હતું. ૨૦ વર્ષમાં ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે આરંભેલી વિકાસયાત્રાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતે વધુ વેગવાન બનાવી છે.
આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ૨૪૬ સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૭૩.૮૦ લાખની રકમ, કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ પેટે ૨૭૯ સ્વ સહાય જૂથોને રૂ. ૨૩૬.૭૪/- લાખની રકમ તેમજ કેશ ક્રેડિટ પેટે ૬૬૮ સ્વસહાય જૂથોને ૯૬૯.૧૫ લાખની રકમ ફાળવવામાં આવી હતી. આમ કુલ ૧૧૯૩ સ્વસહાય જૂથોને રૂ. ૧૨૭૯.૬૯ લાખની રકમ ચૂકવવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, વાઇસ ચેરમેનશ્રી બ્રીજેશભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રમિલાબેન જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ, સ્વસહાય જૂથની બહેનો,ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
***********************
જિલ્લા સંકલન(વ) અને ફરિયાદ સમિતિની બેઠક અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ
સાબરકાંઠા જિલ્લા સંકલનના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક આજે તારીખ ૧૭/૯/૨૦૨૨ના રોજ અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પોળો હોલ સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડા અને અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં તાબાની કચેરીનું નિરીક્ષણ, પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆત તથા પત્રોનો નિકાલ સમયસર કરવા અને સરકારી બાકી લેણાંની વસૂલાત તથા માહિતી ખાતા દ્વારા આપવામાં આવતી જાહેર નિવિદાના જુદા-જુદા વિભાગોના બિલોની ચુકવણી તથા અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાની સાથે સંતોષકારક જવાબ આપવા જણાવ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જન જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો અંગે એકબીજાના વિભાગો સંકલનમાં રહી ટીમ સાબરકાંઠા વહીવટીતંત્રનો સારો દેખાવ અને પરિણામલક્ષી કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ વર્ષ ચૂંટણીનું હોય ચૂંટણીલક્ષી કાર્યને ટોચ અગ્રતા આપી સૌનો સાથ સહકાર મળી રહે તે અનિવાર્ય અને આવશ્યક છે. સાથે સાથે જે તે વિભાગને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટ પ્રમાણેની સિદ્ધિઓ હાંસલ કરી વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કરી લોકલ્યાણ જનસુખાકારીના કાર્યો હાથ ધરવા જણાવ્યું હતું અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે જોવા સૌને અપીલ કરવામાં આવી હતી.
*************************
પુંસરીમાં યોજાયેલ મેઘા મેડિકલ કેમ્પમાં ૨૪૮ દર્દીઓને તપાસી મફત દવાઓ અપાઈ.
કેમ્પમાં ૧૪ દર્દીઓને મફત મોતિયાના ઓપરેશન કરાશે, ૪૦ સગર્ભા બહેનોને સુખડી અપાઈ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે સંવેદના ચેરિટેબલ રામ-રોટી અન્નક્ષેત્રને ૧ મહિનો પૂર્ણ થતા મફત મેઘા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ૨૪૮ દર્દીઓની તપાસણી કરીને દવાઓ આપવામાં આવી હતી. જયારે ૧૪ દર્દીઓના મોતિયાના મફત ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પુંસરી ગામે જરૂરીયાતમંદોને મફત ભોજન આપવામાં આવે છે. અન્યક્ષેત્રને મહિનો પૂર્ણ થતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ અને પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ સર્જરી, દાંત, આંખ, ગાયનેક વિભાગની તપાસ કરવામાં આવી હતી.
આ નિદાન કેમ્પનુ ઉદ્ઘાટન ગામના વયોવૃદ્ધ વડીલો અમૃતભાઈ પ્રહલાદભાઈ બારોટ અને ભીખાભાઇ રણછોડભાઈ પટેલના હસ્તે કરાયું હતું જયારે નટુભાઈ ચૌધરી પરિવાર તરફથી ગામની ૪૦ સગર્ભા બહેનોને સુખડી વિતરણ કર્યું હતું.
આ મેડિકલ કેમ્પમાં પ્રાંતિજ-તલોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિહ બારૈયાએ મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી હતી. જયારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
************************
ડી.ડી.ઓ શ્રીની ઉપસ્થિતિમાં ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
જિલ્લામાં ‘૩૬મી નેશનલ ગેમ્સ’ જાગૃત્તિ અંગે ૧૮૬ શાળાઓમાં વિવિધ રમત-ગમતો યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં ‘૩૬મી નેશનલ ગેમ્સ’ જાગૃતિ અન્વયે ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો હતો. આ આ કાર્યક્ર્મમાં ખેલ મહાકુંભ ૧૧માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી સ્કૂલોને પ્રોત્સાહનરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ડી.ડી.ઓ શ્રી દ્રારા મેદાનમાં વિધાર્થીઓની રમતને નિહાળી પ્રેરણા પુરી પાડી હતી.
તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજ્યના યજમાનપદે યોજાનારી, ‘૩૬મી નેશનલ ગેમ્સ’ માં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળીને ૩૬ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમા ભાગ લેશે. જેની જનજાગૃતિ ગુજરાતમાં આવે તે હેતુથી “Celebrating Unity Through Sports” થીમ પર સાબરકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં રમતો યોજાઇ હતી.
દેશનુ યુવાધન રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને દેશનુ નામ વિશ્વકક્ષાએ રોશન થાય તે હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા ખુબ જ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાશે. આ સ્પર્ધાઓમાં ભારતના ૨૮ રાજ્યો અને ૮ કેંદ્રસાશિત પ્રદેશો એમ ૩૬ અને ૩૬ રમતોની સ્પર્ધા યોજાશે. જેમાં ગુજરાતનુ પ્રદર્શન શ્રેષ્ઠ થાય અને રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા અને રમત ગમત અંગે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્ર્મો કરવામાં આવી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં આ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં હિંમતનગર તાલુકામાં ૪૯ શાળાઓમાં, ઇડરની ૫૧ શાળાઓ, વડાલીની ૧૦ શાળાઓ, ખેડબ્રહ્માની ૬ શાળાઓમાં, પોશીનાની ૬ શાળામાં, વિજયનગરની ૨૦ શાળાઓ, તલોદની ૧૭ અને પ્રાંતિજ તાલુકાની ૨૩ શાળામાં આ કાર્યક્ર્મ યોજાયો હતો.
*****************************
વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા સાથે અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યે ખેલદીલી દાખવી રમતો રમીએ
– નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે એક્ટીવેશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત શાળા,કોલેજ અને યુનિર્વસિટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
આ પ્રસંગે વિધ્યાર્થીઓને સંબોધતા નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારે જણાવ્યુ હતુ કે આપણા રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતને રમત-ગમતની મહાસત્તા બનાવવાનું તેમનું વિઝન હતું. તેમની શુભેચ્છાઓ અને પ્રયત્નોથી આ સ્વપ્ન પરિપૂર્ણ થવા જઇ રહ્યુ છે અને આપણા વિવિધ રમતવીરોને ઘણી સફળતા મળી રહી છે.આજે ગુજરાત દેશની ૩૬મી નેશનલ ગેમ્સ રમત ગમતનું આયોજન કરવા સજ્જ છે. ગુજરાત ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે તે કોઈ સામાન્ય વાત નથી. આ વર્ષોથી બનાવવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિણામ છે. ગુજરાતમાં હાલમાં તમામ ૩૩ જિલ્લાઓમાં ૨૩૯ ઇનસ્કુલ શાળાઓ કાર્યરત છે. જે ગુજરાતના તમામ દૂર વિસ્તારોમાં પડેલી પ્રતિભાઓને ઓળખવાનું અને તાલીમ આપી પાયાના સ્તરેથી ઝળકાવવાનું અથાગ કામ કરે છે. હજી ૧૨૦ વધુ નવી શાળાઓ શરૂ કરવાનું પણ આયોજન છે. સમગ્ર ગુજરાતમાં ૨૩૯ શાળાઓમાં કુલ ૧,૨૪,૩૨૦ ખેલાડીઓ નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.તેમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાવંત ખેલાડીઓ બહાર આવવાની અપાર શક્તિ સમાયેલી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાજ્યના લોકોના વિકાસ માટે છેવાડાના માનવીની ચિંતા કરીને લોકોનું જીવનધોરણ સુધરે તે માટે આવાસ, રોજગારી, શિક્ષણ, આરોગ્ય તથા લોકોના જીવનની વિવિધ જરૂરિયાતો માટે કેન્દ્ર રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અમલમાં છે અને તેનો લાભ લોકો સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે માહિતી નિયામકશ્રીએ વિધ્યાર્થીઓને ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા થકી અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યેખેલદીલી-રુચી દાખવી રમતો રમવી જોઇએ એમ જણાવી. ગુજરાતમાં પ્રાપ્ય વિવિધ સ્પોર્ટ સુવિધા સાથે માહિતી ખાતા દ્વારા કેન્દ્ર સરકાર- રાજ્ય સરકારની પ્રસાર- પ્રચારની કામગીરી અને ગુજરાત પાક્ષીક અને પ્રકાશનો તથા સોશિયલ મીડીયા અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ૩૬મી નેશનલ ગેમ્સની એન્થમની પ્રસ્તુતિ, માસ્કોટનું પ્રેઝન્ટેશન તથા સૌએ ફીટ ઇન્ડીયા અંગે શપથ ગ્રહણ કર્યા હતા.ત્યાર બાદ કોલેજના વિધ્યાર્થીઓએ ચેસ,ક્રિકેટ જેવી રમતો રમી ખેલ પ્રત્યેની રૂચી પ્રગટ કરી હતી.
આ કાર્યક્રમમાં કોલેજ પ્રીન્સિપાલશ્રી મોહિતભાઇ જોષી,શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી લલિતભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ ભટ્ટ સહિત વિવિધ વિષયોના પ્રોફેસરશ્રીઓ અને મોટી સંખ્યામાં વિધ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત બેરણા ખાતેની ગ્રોમોર કોલેજ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામીની અધ્યક્ષતામાં કૌશલ્ય કુંવરબાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અને કોલેજના વિધ્યાર્થીઓ દ્વારા કબ્બડ્ડીની મેદાની રમત રમાડવામાં આવી હતી. જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ૩૩ કોલેજોમાં વર્ગ-૧,૨ ના અધિકારીઓની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
********************
વિજયનગરની આટર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરકબળ મળ્યા છે.
– સાસંદ શ્રીમતી રમીલાબેન બારા
સમગ્ર રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિના ત્રિ-દિવસીય કાર્યક્રમ હાથ ધરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં દ્વિતીય દિવસે વિજયનગરની આટર્સ કોલેજ ખાતે રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેના પરીણામે ગામડાના અંતરીયાળ વિસ્તારમાં રહેતા રમતવીરોમાં કૌવત બહાર આવ્યું જેને લઇ રાજયથી લઇ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનું નામ ઉજાગર થયું છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ દરમિયાન વિવિધ ઉત્સવોની શરૂઆત કરવામાં આવી અને આ જનઉત્સવો થકી લોકોને જોડવાનું ઉમદા કાર્ય થયું છે. રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે શરૂ થયેલા રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરકબળ મળ્યા હોવાનું સાસંદશ્રીએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉ૫સ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટલે જણાવ્યું હતું કે, શિક્ષણએ પાયાની જરૂરીયાત છે જયારે શિક્ષણની સાથે જોડાયેલ રમત વિકાસનું મહત્વનું પરીબળ છે. રમતો થકી રચનાત્મક પ્રવૃતિને વેગ મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
કલેકટર શ્રી હિતેષ કોયાએ વિધાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રમતને વધુ વેગ મળે તે માટે અધ્યતન સુવિધથી સજ્જ જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તેની સાથે રમતવીરોના કૌશલ્ય સજ્જતા આવે તે માટે તજજ્ઞ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વધુમાં તેમણે ૩૬મી નેશનલ ગેમ્સમાં સમાવિષ્ટ ૩૬ રમતો પૈકી કોઇપણ એક રમતમાં ભાગ લેવા પણ આહ્વાન કર્યું હતું. જેનાથી એકાગ્રતા, અનુશાસન અને ખેલદિલીનો ભાવ પેદા થાય છે.
વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઇ નિનામા, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણી સરવૈયા,સંસ્થા અગ્રણી શ્રી મણિભાઇ પટેલ, તાલુકા અગ્રણી શ્રી મયુર શાહ, રણધીરભાઇ, પંકજભાઇ સહિત કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(સમગ્ર સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના જાહેરાત માટે સંપર્ક : નીરવ જોશી — 9106814540)