શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના ગવર્નરે હિંમતનગરમાં શું કહ્યું?

 શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના ગવર્નરે હિંમતનગરમાં શું કહ્યું?

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં અનેક પ્રયોગો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ અને નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ઓર્ગેનિક ખેતી અંગે વધારે ને વધારે જાગૃતિ અને આર્થિક રીતે પ્રગતિ કરનારી વાત છે એવું આજે ખેડૂત સમાજ પણ વિશ્વાસ પૂર્ણ માની રહ્યો છે…

મને યાદ આવે છે કે સૃષ્ટિ કરીને એક સંસ્થા છેલ્લા બે દાયકાથી ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલ તેમજ ઓર્ગેનિક અનાજ કે પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજ અને કદી ન સાંભળી હોય એવી વિસરાતી જતી વાનગીઓ તેમજ ધાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ અમદાવાદમાં કરી રહી છે.

આજરોજ હિંમતનગર મુકામે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ્રત પણ આશરે 1700થી 1800 ખેડૂતોને આ જ વાત અનેક રીતે સમજાવી રહ્યા હતા…

એટલું જ નહીં ઉપસ્થિત ખેડૂતોને ખૂબ જ સરળ ભાષામાં તેમજ ઓર્ગેનિક ખેતીને કઈ રીતે લાભદાયી બનાવી શકાય તેના અનેક પ્રકારના કીમિયા તેમણે તેમની સરળ ભાષામાં સમજાવ્યા હતા

  • ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ સાથે જન અભિયાન ઉપાડ્યું છે                            
  • દેશના ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી આજના સમયની માંગ–  રાજ્યપાલ શ્રી
  • જળ જમીન અને પર્યાવરણની રક્ષા તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજ્યપાલ શ્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ સાથે જન અભિયાન ઉપાડ્યું છે. તેમણે દેશના ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવી આજના સમયની માંગ હોવાનું જણાવ્યું, જળ જમીન અને પર્યાવરણની રક્ષા તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો

રાજ્યપાલ શ્રી એ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના કિસાનોની સમૃદ્ધિ માટે અનેકવિધ પગલાં ભર્યા છે પ્રધાનમંત્રી શ્રી એ દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું છે એટલું જ નહીં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા આગ્રહ કર્યો છે. તેમના સંકલ્પને સાકાર કરવા ગુજરાતે જન અભિયાન ઉપાડ્યું છે. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ જન અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે.

ઓર્ગેનિક ખેતીની મહત્વપૂર્ણ જરૂરીયાત અંગે રાજ્યપાલે ખૂબ ભાર મૂક્યો.

આજે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની વિગતો આપતા રાજ્યપાલ શ્રી એ જણાવ્યું કે આજે આંધ્રપ્રદેશથી લઈને હિમાચલ પ્રદેશ હરિયાણા જેવા અનેક રાજ્યોમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. રાજ્યપાલ શ્રીએ હિમાચલ પ્રદેશમાં સફરજનના બાગમાં કરવામાં આવેલી પ્રાકૃતિક કૃષિની સફળગાથા વર્ણવી જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક કૃષિનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ગ્રસ્ત છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ૨૪% ફાળો છે, તેવુ નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો છે. જમીનની ફળદ્રુપતા સતત ઘટવાને કારણે જમીન બિન ઉપજાઉ બની ગઈ છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે. ઉત્પાદન દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિથી દૂષિત આહાર આરોગવાના કારણે લોકો કેન્સર, ડાયાબિટીસ, હ્રદય રોગ જેવા અસાધ્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. સાથે રાસાયણિક ખાતરો પાછળ કેન્દ્ર સરકાર વર્ષે અઢી લાખ કરોડનો આર્થિક બોજ સહન કરવો પડે છે.

રાજ્યપાલ શ્રી એ જણાવ્યું હતું કે આઝાદી બાદ દેશની ખાદ્યાન્ન જરૂરિયાતને પૂરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવવી એ જે તે સમયની માંગ હતી. આજ રાસાયણિક કૃષિના પરિણામથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ અપનાવી એ આજના સમયની માંગ છે. આજ ગુજરાત રાજ્યમાં અઢી લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું કે જંગલમાં કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વિના વૃક્ષ વનસ્પતિનો પ્રાકૃતિક રીતે વિકાસ વૃદ્ધિ થાય છે. આજ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવી એ જ ખરી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કાંકરેજ અને ગીર જેવી દેશી ગાયના એક ગ્રામ છાણમાં 3 કરોડ જેટલા સૂક્ષ્મ જીવો હોય છે. ગૌમુત્ર ખનીજનો ભંડાર છે. દેશી ગાયના છાણ અને ગૌમુત્ર, દાળનું બેસણ, ગોળ, માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત તૈયાર કરવામાં આવે છે.આ જ રીતે પાણીની ઓછી માત્રાથી ઘન જીવામૃત બનાવવામાં આવે છે. જીવામૃત અને ઘનજીવામૃત એક કલ્ચર તરીકે કાર્ય કરે છે. જે પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.

 

આ પદ્ધતિમાં બીજના વાવેતર સમયે બીજને છાણ અને ગૌમૂત્રથી બનતા બીજામૃતથી સંસ્કારિત કરવામાં આવે છે. જેનાથી બીજની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી અંકુરિત થાય છે. જીવામૃત-ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર તરીકે કાર્ય કરે છે. બીજના અંકુરણ બાદ જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવામાં આવે છે.જેને મલ્ચીંગ કહેવામાં આવે છે. મલ્ચીંગથી જમીનનુ ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઊડી જતો અટકે છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે. જેથી આ પદ્ધતિમાં પાણીની ૫૦ ટકા જેટલી બચત થાય છે. મલ્ચીંગને કારણે સુક્ષ્મજીવો અને મિત્રજીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. મલ્ચીંગથી નિંદામણની સમસ્યા અટકે છે.

રાજ્યપાલશ્રીએ સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્રજીવોને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવ્યા હતા. જીવામૃત-ઘનજીવાઅમૃતથી આ સુક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. જે જમીનના ખનીજોને શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. જેનું મૂળ દ્વારા સરળતાથી શોષણ થાય છે અને ઉત્પાદન વધે છે. અળસિયા જેવા મિત્ર જીવો જમીનને ફળદ્રુપતા બનાવે છે. જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે. આ છેદથી જમીનમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. વરસાદનું પાણી આ છિદ્રો દ્વારા જમીનમાં ઉતરે છે અને કુદરતી રીતે જળ સંચય થાય છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિમા વાપ્સા અને મિશ્રપાકના મહત્વને પણ સમજાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિથી જળ જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. સૂક્ષ્મ જીવો અને અળસિયા જેવા મિત્રજીવોની વૃદ્ધિ થવાથી જમીન ફળદ્રુપ બને છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે. નિંદામણની સમસ્યાનો હલ થાય છે. કૃષિ ખર્ચ નહિવત આવે છે અને ઉત્પાદન પણ પૂરતું મળે છે. એટલું જ નહીં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના ભાવ પણ પ્રમાણમાં વધુ મળતાં સરવાળે ખેડૂતને આર્થિક ફાયદો થાય છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ કૃષિ પદ્ધતિ ગણાવી હતી. રાજ્યપાલશ્રીએ જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ ગણાવતાં જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં વર્મિકમ્પોસ્ટના નિર્માણમાં ખર્ચ થાય છે. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં કાર્ય કરવા પૂરતા સક્ષમ નથી. નિંદામણની સમસ્યાનુ હલ મળતું નથી એટલું જ નહીં ઓર્ગેનિક કૃષિએ શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે. જેના કારણે આ પદ્ધતિ ખેડૂતો માટે ફાયદાકારક નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટતું નથી. કૃષિ ખર્ચ નહિવત આવે છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીન ફળદ્રુપ બને છે. મલ્ચીંગને કારણે નિંદામણની સમસ્યા નથી રહેતી. જેથી પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે લાભદાયી છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, જિલ્લામાં ૪૦૦ તાલીમો યોજી ૧૦ હજાર જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપવામાં આવી છે. ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. જિલ્લામાં બે એફ.પી.ઓ. કાર્યરત છે. તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડૂતો સાથે દિલ્હીથી વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે સાબરકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન રાજ્યપાલશ્રી અને મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પેદાશોના ઉત્પાદનના સ્ટોલ આ પ્રસંગે લગાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોર, અન્ન નાગરીક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી શ્રી જે.ડી.પટેલ, કિસાન સંગઠનના અગ્રણીઓ, ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહે  આભાર દર્શન કર્યું હતું.

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच