કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? 

 કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? 

લેખક : ડૉ. રમણિક યાદવ 

સંકલન નિરવ જોશી , હિંમતનગર

છેલ્લા 15 દિવસથી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે પૂર્વજોની યાદ કરીને કાગવાસ નાખવામાં આવે છે ત્યારે કાગડાઓને પણ રાહ જોવામાં આવે છે પરંતુ હાય રે કિસ્મત !!! અત્યારે કાગડાઓ દેખવામાં જ નથી આવતા! કાગડાઓ વિશેની એક રસપ્રદ લેખ મારા ધ્યાનમાં આજે આવ્યો છે તો હું બધા વેબસાઈટના વાચકો સામે રજૂ કરું છું. સાથે કાગડો નામનું પક્ષી કેમ ઘટી ગયા છે ???તો કાગડાઓ કેમ દેખાતા નથી? – એના વિશે આપણે બધા જાગૃત ચિંતન કરવું જ રહે. મોટા શહેરોની વાત જવા દો નાના ગામડાઓ અને નાના શહેરોમાં પણ અત્યારે કાગડા દેખાતા નથી જે ખરેખર ખૂબ આઘાતજનક છે!


કાગડાઓની ની સંખ્યા વધારવા શું કરવું જોઈએ એના અંગે આપણું કોઈ સૂચન હોય તો આપ જરૂરથી અમને ઇમેલ (joshinirav1607@gmail.com ) કે whatsapp – 9662412621 કરીને જણાવજો


કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું?


આવ રે કાગડા કઢી પીવા
મારામાં કાંકરી ખૂંચે છે
ચણ ચણ બગલી ચણાની દાળ
હું પપૈયો તું મગની દાળ
શેરીએ શેરીએ ઝાંખ દીવા
આવ રે કાગડા કઢી પીવા
મારામાં કાંકરી ખૂંચે છે.

ગણ ગણ ગાંઠિયા તેલ તેલ પળી
ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
બળતી હોય તો બળવા દે
ઠરતી હોય તો ઠરવા દે
આવ રે કાગડા કઢી પીવા
મારામાં કાંકરી ખૂંચે છે.

મારા વતન ધ્રાંગધ્રામાં અમારું રહેણાંક પટેલ વાસ નામે એક મોટામાં ડેલામાં હતું જ્યાં મારો જન્મ થયો હતો અને મારુ બચપણ અને યુવાની ( ૧૯૬૬ થી ૧૯૮૯ ) ત્યાં વીતી હતી. લગભગ બે-ત્રણ એકરમાં ફેલાયેલા આ ડેલામાં વચ્ચે એક ૫૦ × ૫૦ ફૂટનો મોટો ઓટલો હતો. રોજ સાંજે ડેલાના છોકરા – છોકરી લેસન પૂરું થાય ત્યારે રમવા ભેગા થતા અને જુદી જુદી રમતોમાં એક રમત ” કાગડો ” નામની રમતાં હતા. એક નાનું કુંડાળું વાળી બધા બેસતા. જે કાગડો થયો હોય તે ઉલટી દિશાએ મો રાખી ઉભો રહે અને અમે એક પથરાની કાંકરી કોઈને આપીએ. જેની પાસે હોય તે અને બીજા પણ એક ઘૂંટણ ઉભો રાખી તેના પર બે હાથ રાખી અને ઘૂંટણ ફેરવતા જાય અને ઉપરનું જોડકણું બધા એક સાથે ગાતા જાય એટલે કાગડો આવે અને કુંડાળા ફરતા ફરીને શોધે કે કાંકરી કોની પાસે છે! જો તે સાચો પડે તો પેલાએ ઉઠી જવાનું અને કાગડો બેસી જાય. અહીં મહત્વ કાગડા જેવી બુદ્ધિનું અને નજરનું કે રમનારાઓની વર્તણુક જાણી લેવાનું મહત્વનું હતું. કોઈને કોઈ ભૂલ કરી બેસે અને કાગડાને ખબર પડી જાય કે કાંકરી કોની પાસે છે! કાગડામાં રહેલા આ ગુણને ખીલવવાનો તે પ્રયાસ હશે કદાચ. આ રમત કોણે શોધી હશે કે આવું ભળતું જોડકણું કોણે બનાવ્યું હશે તે એક પ્રશ્ન છે! આજે બાળકોમાં આ રમત વિશે કોઈ ખ્યાલ જ ન હોય તેવું બની શકે છે.


હમણાં શ્રાવણ માસ પૂરો થશે અને ભાદરવો માસ શરૂ થશે. હવે કાગડાને યાદ કરી કોઈ કાગડાની એક બે તસ્વીરો કે કોઈ વળી વ્યંગય ચિત્રો મુકશે.

 

મિત્રો શ્રાદ્ધપક્ષના અનુસંધાને આવું કરશે એટલે આ રમત અને વિગતો યાદ કરવાનો વારો આવશે. ચકલી, કબૂતર અને કાગડા એ શહેરી વિસ્તારના ખાસ તો ઘરોની આસપાસના પંખીઓ હતા. અમારા ડેલાની બહાર વીજળીના થાંભલે હારબંધ બેઠેલા કાગડામાંથી જો કોઈને કરંટ લાગેને મરી જાય તો અમે બધા છોકરાઓ દોડીને જોવા જતા! આજે અહીં રાજકોટમાં ખરેખર પંખી સ્વરૂપે કાગડા જોવા મળતા નથી. શ્રાદ્ધપક્ષમાં જ્યારે બાપુ મારા દાદાને શ્રાદ્ધ નાંખતા ત્યારે મોટા અવાજે ” કાઆઆગ વાઆઆસ ..” એમ બોલતા ત્યારે ખરેખર નવાઈ લાગતી પણ ખૂબ કાગડાઓ આવી જતા અને ભોગ ખાતા હતા.

આજે શ્રાદ્ધપક્ષ તો આવે છે પણ તે મુજબ બોલવું કે નાંખવું એવું થતું જોવા મળતું નથી. નળિયાં વાળા ઘર નથી. બોલતા શરમ આવે છે. કાગડા છે નહીં એટલે આવતા નથી. ખાલી થાળી બનાવી બહાર મૂકી દઈએ એટલે શ્રાદ્ધ પૂરું એમ માની લઈએ છીએ.

 

આમ તો એક પંખી તરીકે કાગડા વિશેની સામાન્ય માહિતી દરેક પાસે હોય જ છે. તેનો રંગ, ખોરાક, કદ, વજન, અવાજ વિગેરે પણ તેનાથી પણ વિશેષ કાગડો લોકજીવનમાં અનેક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે તે માનવજીવનની આસપાસ વસવાટ કરતું પંખી છે. અનેક રીતે તે પ્રતીકાત્મક ઓળખ ધરાવે છે. અમારા બાળપણમાં અમે અનેક વાર્તાઓ કે બોધકથાઓમાં કાગડાનું પાત્ર નકારાત્મક રીતે જોયું છે. કાગડો આનંદી હોય કે ચતુર હોય કે પછી ફુલણજી પણ હોય! ક્યાંક લુચ્ચો હોય કે ક્યાંક સ્વાર્થી પણ હોય! ક્યાંક ટીખળી હોય તો ક્યાંક સંદેશવાહક હોય તો ક્યાંક તે શુકનિયાળ પણ હોય તો ક્યાંક તે ભવિષ્યવેતા પણ હોય છે! ક્યાંક તે કુટુંબચાહક કે મહેનતુ કે પર – સેવાનું પ્રતીક પણ છે! ક્યારેક તે મિત્રનું પાત્ર ભજવે તો ક્યારેક સફાઈ સેવકનું તો ક્યારેક પિતૃનું પણ! તે લોકકથામાં છે તો દોહામાં પણ છે તો શાયરી અને ગઝલ-ગીતોમાં પણ હોય છે. વડ અને પીપળાના વૃક્ષો ઉગાડવામાં કાગડાનું બહુમૂલ્ય યોગદાન છે. તેના ટેટા ખાધા પછી જ્યાં તે અઘાર કરે છે ત્યાં વડ કે પીપળાનું વૃક્ષ ઊગી જાય છે. આ વૃક્ષઓનાં સીધા બી વાવવાથી તે ઉગતા નથી.

લોકજીવનમાં કાગડાને સૌથી વધુ મહત્વનું સ્થાન કહેવતો અને રૂઢિપ્રયોગો મારફતે માનવીય ખાસિયતો કે લાક્ષણિકતાઓ દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. ભગવદ્દગોમંડલમાં તેની પંખી તરીકેની ઓળખ પહેલા તો તેનો શબ્દાર્થ ” અદેખા માણસ ” તરીકે કર્યો છે. જે વ્યક્તિ અદેખો કે ઇર્ષ્યાળું હોય, મલિન કે નીચ વિચારો કે ઇરાદાઓ વાળો હોય, બહુ જ બોલકો હોય કે પેટમેલો હોય તેને કાગડા સાથે સરખાવવામાં આવ્યો છે. જો કોઈ ખૂબ ચતુર હોય અથવા કોઈના દાવ-પેચમાં જલ્દીથી આવી જાય તેવો ન હોય તો તેને પણ કાગડો કહ્યો છે!

કહેવતો અને રૂઢિપ્રયોગોમાં કાગડો કેવી રીતે સંકળાયો છે તે વિગતવાર જોઈએ તો;

 

(૧) કાગડા ઉડવા – કોઈ સભા કે બેઠકમાં માણસોની પૂરતી હાજરી ન હોવી તેમ (૨) કાગડા કકળાવવા – સત્યાનાશ જવું તેમ શાપ આપવો (૩) કાગડાની કોટે કંકોતરી – કોઈ વાત તરત જાહેર કરી દે તેવું; ગામવાતોડિયું (૪) કાગડાની કોટે દહીંથરુ ( કે રતન કે હીરો ) – અપાત્રને દાન અથવા કોઈ ગરીબ પાસે સારી વસ્તુ હોવી (૫) કાગડાની ગુદા માંથી ગંગાજળ કાઢવું – ઘણું મુશ્કેલ કામ હોવું/કરવું (૬) કાગડાની નજરે જોવું – સતર્ક રહેવું કે ચારેકોર નજર રાખી તપાસ કરતા રહેવું (૭) કાગડાનું બેસવું ને તાડ/ડાળનું પડવું – અચાનક કૈક દૈવયોગે બનવું (૮) કાગડાનું હસવું ને દેડકા/ઉંદરનો પ્રાણ જાય – બીજાને નુકશાન અને પોતાને લાભ થાય તેમ કરવું (૯) કાગડાના મોઢે રામ ન હોય – પાપીના મોઢેથી સારો વેણ ન હોય (૧૦) કાગડાના શાપે ઢોર ન મરે – સ્વાર્થીના શાપથી કંઈ અનિચ્છનીય ન બને.
વધુમાં; (૧૧) કાગડાને સોળે દહાડે શ્રાદ્ધ – માંગી ખાનારને કાયમ સારું ખાવાનું જ મળે (૧૨) કાગડાના હાથે કંકોતરી – રોતો જાય ને મૂઆના ખબર દેતો જાય (૧૩) કાગડાને કાળો રંગવો પડે? – નીચ માણસ નીચ જ હોય (૧૪) કાગડો કાગડીને ના ધીરે – લુચ્ચો માણસ લુચ્ચાને ઉછીનું ન આપે (૧૫) કાગડો કોયલને હસે – કોઈ પોતાનો દોષ ન જુએ અને બીજા પર હસે (૧૬) કાગડો દહીંથરુ લઈ ગયો – છેતરી જવું અથવા સારી વસ્તુ કોઈ અયોગ્યના હાથમાં હોવી (૧૭) કાશીમાં’ય કાગડા તો કાળા જ હોય – મલિન માણસ કોઈપણ સ્થળે મલિન જ હોય છે (૧૮) છત્રી કાગડો થઈ જવી – બધું વીંખાઈ / ઊલટું થઈ જવું (૧૯) કાગનો વાઘ કરવો – નાની વાતને મોટું સ્વરૂપ આપવું (૨૦) કાગરાશ ભણેલો – વધુ ભણેલા માટેનો વ્યંગ (૨૧) કાગનું પીંછ કરીને ઉડાડી દેવું – કોઈને હલકો ચિતરવો (૨૨) કાળના કાગડા ખાઈ ગયો – લાબું જીવન જીવનાર માટે બોલાતો પ્રયોગ (૨૩) નામ એનો નાશ ને કાગડા પામે વાસ – જન્મ લેનારનું મૃત્યુ છે.
કાગડો, કાગ, કાક, કાગરાજ, કાગરવા અને કાગલો ના વિવિધ નામે ઓળખાતો આ કાગડો માણસના મૃત્યુ પછીનું પિતૃ સ્થાન પણ શોભાવે છે તેવી પણ એક માન્યતા છે. ખાસ કરીને ભાદરવા માસના વદના પંદર દિવસો અને એક અમાસ એમ ગણી સોળ દિવસોનું શ્રાદ્ધપક્ષ બને છે જેમાં રોજ તિથિ અનુસાર મૃતક વ્યક્તિનું શ્રાદ્ધ કરી કાગડાને ભોજન ભોગ આપવાની એક પ્રથા છે. શ્રાદ્ધ અર્પણ કરતી વખતે જે કાગવાસ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે કાગ ( કાગડો ) + વાસ ( રહેઠાણ ) એટલે કાગડા બોલાવવા એમ થાય છે તો બીજો અર્થ કાગ + વાસના ( ઈચ્છા ) એવો પણ કરવામાં આવે છે. આ વિધિ પણ હવે ધીમે ધીમે લુપ્ત થતી જતી હોય એમ લાગે છે. મોટાભાગે શહેરી વિસ્તારોમાં કાગડાઓ જોવા મળતા નથી તેથી તેને માત્ર પ્રતીકાત્મક ગણી ભાવ સમર્પિત કરી લેવાય છે. જો કે કબીરસાહેબે આવી પ્રથાની એક રચનામાં ટીકા કરી છે;

” જિંદા બાપ કોઈના પૂજે
મરે બાદ પૂજવાયા
મુઠ્ઠી ભર ચાવલ લેકે
કૌવે કો બાપ બનાયા “

કાગડાને ભવિષ્યવાણી કરનાર તરીકે પણ જોવામાં આવે છે. પશુપંખીની બોલીઓના અભ્યાસ કરનાર – જાણકાર માટે કાગરાશ શબ્દ પ્રયોજવામાં આવે છે. કાગડાનું ઘર આંગણે બેસવું-બોલવું-ઉડવું અને ફરી બેસવાની ક્રિયાને શુકન તરીકે પણ જોવામાં આવે છે તો મહેમાન આવવાની એંધાણી તરીકે પણ લેવામાં આવે છે. અમે નાના હતા ત્યારે ઘરઆંગણે બોલતા કાગડાને મહેમાન આવશે કે કેમ તેની જાણકારી તરીકે એક જોડકણું ગાઈને આનંદ કરતા હતા;

” કાગ તારે સોનાની આંખ કાગ તારે રૂપાની પાંખ
મારે ઘેર મહેમાન આવે તો ઉડીને આઘેરો બેસ..”

ભડલી વાક્યોમાં પણ એક એંધાણ તરીકે કાગબોલીને લેવામાં આવી છે. જે મુજબ;

” રાતે બોલે કાગડા દી’ના બોલે શિયાળ
તો ભડલી એમ કહે, નિશ્ચે પડશે કાળ “

ગીર પંથકના પ્રેમીઓ ” કુંવર અને રાણા ” વિશેના દોહાઓ છે કે જે પ્રેમિકા કુંવરને બાપે બીજે પરણાવી દેતા તે કાગડાને સંદેશ પૂછે છે અને આપે પણ છે; ( જોરાવરસિંહ જાદવના એક લેખનો સંદર્ભ છે )

” ક્યાંથી આવ્યો કાગ વનરાવન વીંધ કરે
કે’ને કેડાક માર, કુંવર કયે આરે ઉતરી?
ગર લાગી ગુડા ગળ્યા, પેટે વધ્યા પિયા
કાગા કહેજો કુંવરને, રાણો સાને રિયાં..”

કોઈ પ્રેમિકા-વિરહિણી પત્ની પણ કાગબોલીથી એમ કહે કે શું મારો પ્રિયતમ-પતિ આવશે?

” કગવા દેઉ વધાઈયા, પ્રીતમ મિલવે મુજ;
કાઢી ક્લેજા આપના, ભોજન દઉંગી તુજ..”

કાગડા સંબંધિત કેટલાક અન્ય શબ્દો પણ ભગવદ્દગોમંડલ દર્શાવે છે; (૧) કાગા નીંદર – કાગડા જેવી અર્ધી ઊંઘ (૨) કાગા મૂંડો – કાગડા જેવો ઢોંગ રચનાર વ્યક્તિ (૩) કાગવાસી – પશુ પંખીની ભાષા જાણનાર (૪) કાગીયો – કાગડાને ખવરાવવાનો લાડવો (૫) કાગડી/કાગણ – કાગડાની નાર (૬) કાગોલિયા – કાગડાના બચ્ચા (૭) કાગડોળ – બદશીકલ/કદરૂપુ (૮) કાગ ડોળીયું – કાગડા જેવા ડોળા વાળું (૯) કાગા રોળ – ખોટો શોરબકોર (૧૦) કાગવાણી – કાગડાની વાણી (૧૧) કાગ દ્રષ્ટિ – ઝીણી નજર (૧૨) કાગમાળ – કાગડાના માળા જેવું કામચલાઉ કે દમ વગરનું.
કાગડાના તમામ અવગુણો છતાં કેટલાક ગુણો પણ ક્યાંક નોંધાયા છે. કાગડો જીવનભર એક જ સાથી સાથે રહે છે. કાગડો સફાઈનું કામ કરી એક સેવકની ભૂમિકા પણ બજાવે છે. કવિ કાગ બાપુ લખે છે કે પોતાના બાળકોને તો સૌ ઉછેરે પણ કાગડી એક એવી જાત છે કે જે કોયલના ઇંડાને પણ પોતાના સમજી સેવે છે;

” પોત સૌ પોતા તણાં ને પાળે પંખીડા
બચડા બીજાના ( એ તો ) કો’ક જ સેવે કાગડા..”

માણસ અને કાગડો? કવિશ્રી રમેશ પારેખની એક રચના કાગડા વિશેની ખૂબ મોટો સંદેશ આપે છે. ( પસંદગીના શે’ર છે )

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઉડી ગયો?
ગમે તે અર્થ ધરાવ, કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચુથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

કાગડા અને કાબર વિશેનું એક ગીત છે જેમાં કાગડાના વાયદાઓ વિશે ઉલ્લેખ છે;

ઠાગા થૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું
જાવ કાબરબાઈ કાલ હું આવું છું!

છેલ્લે એક શે’ર;

લાખ રાખો શાણપણના કાંકરા
કાગડાના નસીબમાં કુંજા નથી!

મારી એક અછાંદસ રચના;

કાગડો કાગડો કહી મજાક સહુ કરે
કાગડો બની બતાવ! તને ખબર તો પડે!

કાગડો ચૂંથે નરક કહી મજાક સહુ કરે
કાગડો બની કર સેવા! તને ખબર તો પડે!

કાળા રંગે, કર્કશ કહી મજાક સહુ કરે
કાગડો બની બોલ રામ! તને ખબર તો પડે!

કાગડો ચતુર ડોળો કહી મજાક સહુ કરે
કાગડો બની હાર બાજી! તને ખબર તો પડે!

કાગડો કાગડો કહી મજાક સહુ કરે
કાગડો બની જનમ ને! તને ખબર તો પડે

© ડૉ. રમણિક યાદવ 

■ તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ ■

■ મારા ગ્રંથ ” વિરાસતનો વૈભવ – લોકજીવનમાંથી વીસરાતાં જતા પ્રતીકો, પ્રસંગો અને પ્રથાઓ ” માંથી.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *