કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
જન્માષ્ટમી વિશેષ: રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટુ !
વિરલ રાઠોડ , અમદાવાદ
રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું
ઓગષ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો પણ ઓગષ્ટ એટલે તહેવારનું પેકેજ. આસ્થા, આધ્યાત્મિકતા સાથે અવિસ્મરણીય રીતે ખીલી ઊઠેલી પ્રકૃતિનું સેલિબ્રેશન. ન તડકાનું ટેનશન ન ટાઢની ચિંતા. ખુશનુમા માહોલ વચ્ચે કુદરતી છતાં માણી શકાય એવી મસ્ત ટાઢક. લીલીછમ પ્રકૃતિનો રસ જ્યારે આંખ વાટે અંદર જાય ત્યારે ભલભલાના કલેજામાં ક્રિએટિવિટીના બીજ સ્ફૂરી ઊઠે. સીઝનલ કવિઓની આખી ફૌજ ઊભી થાય. હવે સમય થોડો અપડેટ થયો એટલે રીલ્સના રહુડિયાઓએ વીડિયોની હોડીમાં વિહાર કરવા નીકળી પડે. ડેમ ઓવરફ્લો થાય એ જોવા જાય ત્યાં પણ રીલ્સનું રેકોર્ડિંગ શરૂ થઈ જાય. ઘણી વખત જે તે જગ્યાએ એવા બોર્ડ વાંચીને આશ્ચર્ય થાય કે, જોખમી જગ્યા પર ખતરો કે ખિલાડીઓ(ખોટે)ને એટલી બુદ્ધિ તો નહીં જ હોય કે અહીંયા સેલ્ફી કે રીલ્સ ન બનાવાય. એટલા માટે જ બોર્ડ મૂકવા પડે. સીઝન હોય, શાંતિ હોય અને એ..યને મસ્ત માહોલ હોય એટલે એક રમત દર વર્ષે શરૂ થાય. આ ગેમ્સ હવે તો મોબાઈલમાં આવી ગઈ છે. એપ્લિકેશન સ્વરૂપે. દ્વાપરયુગથી રમાય છે પણ યુગે-યુગે એના સ્વરૂપ બદલાય છે. મહાભારતમાં પણ હતી. અત્યારે ભારતમાં પણ પોપ્યુલર છે.
જન્માષ્ટમી આવે એટલે સૌરાષ્ટ્રના ગામડાં ખૂંદવાનો મોકો મળે. એક ચોક્કસ પ્રજાતિ તો આ તહેવારના મહિનાઓ પહેલા એક જગ્યાએ ગોઠવાય જાય. ‘વસ્તુ’ તો મંગાવી શકાય નહીં કારણ કે શ્રાવણ મહિનો ચાલતો હોય એટલા માટે રમતના સાધનોનો બંદોબસ્ત એડવાન્સમાં થઈ ગયો હોય. પછી તો બેંકમાં પૈસા ગણવાનું મશીન જે ગતિએ પૈસા ગણે એમ એ ગતિએ વિતરણ થાય. ખેલાડીઓ ચોક્કસ સ્ટાઈલથી એને ઉપાડે અને પછી એવો પંખો બનાવે કે જાણે એમાંથી કરોડો રૂપિયાનો ઑક્સિજન મળવાનો હોય. અંતે હાર-જીતની ચર્ચાઓ મહિના સુધી ચાલે. કોણ ઊતર્યું અને કોણ ફાયદામાં એ માટે તો આ સીઝનમાં આ રમતના ખેલાડી વગર ડિગ્રીના ફેસ રિડીંગમાં પીએચડી થયા હોય એવો હિમાલય જેવડો આત્મવિશ્વાસ દેખાડે. હકીકતમાં તો આ રમત કાયમી થઈ ગઈ છે. નાના શહેરોમાં છાના ખૂણે રમાય અને રમાડાય છે. પછી જો જીતા વો સિકંદર જો હારા વો બંદર (બાતમીદાર). શેરમાર્કેટની પરિસ્થિતિ સમયાંતરે રોકાણકારો સાથે ગેમ રમી નાંખે છે. બાકી રાજરમત તો ગામેગામ કાયમી ધોરણે ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક વીજવેગે ચાલું જ હોય છે. ચૂંટણી નજીક હોય એવા સમયમાં તો ભારે રમત રમાય છે. વાયદાઓનો પિટારો એવો ખોલવામાં આવે કે, થોડો સમય તો એવું લાગે કે, આ ખેલાડી છે કે ઘરનો માણસ? પણ હકીકતમાં ઘરનો માણસ પણ એક ખેલાડી જ હોય છે.
ક્રિકેટ કે ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોનું જોરશોરથી એલાન થાય છે. એ પહેલા એના સિલેક્શનમાં પણ ઘણી રમત રમાઈ ચૂકી હોય છે. પ્લેયર્સ માત્ર મેદાનમાં જ હોય એવું જરૂરી નથી. સમાજમાં પણ હોય અને સિસ્ટમમાં પણ હોય. ઓફટર ઓલ આવા ખેલાડી અંતે આવે છે તો આપણી આસપાસની જ સોસાયટીમાંથી. એટલે વધારે પડતા કોઈ રમતમાં ઊંડા ઊતરવું એ વ્યક્તિનું માનસિક ઑપરેશન કરવા જેવું થશે.
જૂન મહિનો આવતા જ શિક્ષણ ક્ષેત્રે રમતો શરૂ થાય છે. ચોમાસામાં સારા વરસાદ પછી જે રીતે લીલું ઘાસ ચોતરફ ઊગી નીકળે એમ મે અને જૂન મહિનામાં બિલાડીના ટોપની જેમ શાળાઓ ઉઘડે. મેદાનના ઠેકાણા ન હોય તો પણ ક્યા જૂના વર્ષના ફોટો ટિંગાળીને વાલીઓ સાથે ગેમ રમવામાં આવે છે મારો રામ જાણે. આ બે મહિનામાં સ્ટેશનરીવાળાઓ પણ જબરા ખેલ પાડી દે. ડિસ્કાઉન્ટના નામે જૂનો ડુચો બટકાવી દે. એમઆરપીના સ્ટિકર તો દુકાને દુકાને નવા બનતા હોય એવું આજનું ચિત્ર છે. એક રમત તો એવી છે કે, ભલભલાને બોટલમાં ઊતારી દે. મોબાઈલ પર ફોરવર્ડ થતી લીંક. જેના પર ક્લિક કરો એટલે એક નંબર પૂછે અને પછી તિજોરૂનું તળિયું ખાલી બાકી રાખે. સિક્યોરિટીમાં આવી લોલમલોલ. સવાલ એ પણ થાય કે, આવા ભેજાબાજો પાસે નંબર આવતા ક્યાંથી હશે?
નાનકડા નિરિક્ષણ પરથી કહું તો જે તે સોસાયટીઓમાં ચોપડામાં એન્ટ્રી કરાવવામાં આવે છે ત્યાંથી. કોઈને કોઈ તો આવા નંબરના ડીલિંગમાં હોય છે.
મીઠાઈની દુકાનથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગો સુધી એક રમતનું સાતત્ય અખંડ છે. ખોટું બોલવાની રમતનું. શરૂઆત અધિકારીથી થાય પછી એય ને ક્યાંનું ક્યાં પહોંચે કે ન પૂછો વાત. જન્માષ્ટમી પર જેનો બર્થ ડે આપણે જોરશોરથી ઉજવીએ છીએ એને પણ જુઠ્ઠ બોલવું પડ્યું હતું પણ એ બીજાની આજીવન ભલાઈ માટે હતું. બસ ફેર એટલો છે કે, અત્યારે લોકો ‘મલાઈ’ માટે બોલે છે. માખણથી લઈને મોલના રાશન સુધી મિલાવટની જબરી રમત ચાલે છે. સમયાંતરે પકડાઈ જાય છે પણ વેલિડિટી ઝડપથી પૂરી થઈ જાય છે. ફૂડ વિભાગના દરોડા હોય એક આયકર વિભાગના, સિક્યોરિટીના તળે અંદર કંઈક તો રમત રમાતી જ હશે. એટલા માટે જ કેટલાક હરામખાયાઓના નામ પબ્લિક જાણતી હોવા છતાં સરકારી ચોપડે નથી આવતા.
ખેર આવી રમતોની યાદી મૂકીશું અને નિરિક્ષણ કરતા રહીશું તો રામરાજ્યની કલ્પના માત્ર બંધ આંખો પૂરતી સિમિત થઈ જશે. હકીકતમાં તો દેશને એક સશક્ત રાષ્ટ્ર બનાવવા માટેની તાતી જરૂર છે. બસ એના પાયામાં ભ્રષ્ટાચારની ઊધી ન હોવી જોઈએ. ચાલો ત્યારે ખોટી રમત રમવાનો વિચાર આવે ત્યારે રણછોડનું નામ લઈ જજો.
હેપ્પી જન્માષ્ટમી. બસ આને જુગારાષ્ટમી ન બનાવી એ જ સાચી ઉજવણી.