પહેલું સુખ એ જાતે નર્યા – કહેવત સાર્થક કરતું મિલિન્દ સોમણનો પરિવાર

 પહેલું સુખ એ જાતે નર્યા – કહેવત સાર્થક કરતું મિલિન્દ સોમણનો પરિવાર

સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134  & 9106814540)

રાજ ગોસ્વામી ( લેખક, વરિષ્ઠ એડિટર)

મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):

મિલિંદ સોમણનું નામ યાદ છે? વર્ષો પહેલાં તેની તે વખતની ગર્લફ્રેન્ડ અને મોડેલ મધુ સપ્રે સાથે ટફ શૂઝની એક જાહેરાતના વિવાદને લઈને અથવા ગાયક અલિશા ચિનોયના મ્યુઝિક વિડીઓ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ના કારણે મિલિંદનું નામ મનમાં ગુંજે તે શક્ય છે, પરંતુ તેની એ ઓળખાણ પુરતી નથી. આજે 57 વર્ષની વયે આ એક્ટર અને મોડેલ તેની ફિટનેસને કારણે વધુ જાણીતો છે.


એમાં જાણે મોણ નાખ્યું હોય તેમ, તેની વૃદ્ધ માતા અને પત્ની પણ ‘વટલાયાં’ છે. કદાચ ભારતનો આ પહેલો પરિવાર છે જ્યાં મા-દીકરો અને પુત્રવધુ ત્રણેય ફિટનેસ પાછળ દીવાનાં છે. કદાચ એટલે જ તેમને ભારતનું ‘ફિટેસ્ટ ફેમિલી’ કહેવાય છે.
બે વર્ષ પહેલાં, તેની 55મા જન્મદિવસનું સેલિબ્રેશન કરવા માટે મિલિંદે ગોવામાં એક બીચ પર નિર્વસ્ત્ર દોડ લગાવી હતી. તેનો હેતુ નગ્નતા બતાવાનો નહોતો, પણ તેની ફિટનેસનું પ્રદર્શન કરવાનો હતો. પાછી એ તસવીર તેની પત્નીએ જ લીધી હતી અને સાર્વજનિક કરી હતી. મિલિંદે તે તસવીર સાથે લખ્યું હતું, “હેપ્પી બર્થ ડે ટૂ મી, ફિફ્ટી ફાઈવ એન્ડ રનિંગ.”

આ સાથેની તસવીર જુવો. તેમાં 57 વર્ષનો મિલિંદ, તેની 84 વર્ષની માતા ઉષા અને 32 વર્ષની પત્ની અંકિતા છે. ત્રણેય કેવાં ફિટનેસ પ્રેમી છે તે તમને તેમના શરીર અને ચહેરા પરથી દેખાશે (ઉષા બહેને સાડી પહેરીને દીકરા સાથે અમદાવાદથી મુંબઇની દોડ કરી હતી). ત્રણેયે ભેગા મળીને તેમની ફિટનેસ ફિલોસોફી પર ‘કીપ મૂવિંગ’ નામનું આ એક સરસ પ્રેરણાદાયી પુસ્તક લખ્યું છે.

પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે કોઈપણ ઉંમરે માનસિકતા ઘડી શકાય છે. ત્રણે જણાએ તેમની ઉંમરના અલગ અલગ પડાવ પર ફિટનેસને લક્ષ્ય બનાવ્યું હતું. અર્થાત, “આ ઉંમરે હવે કંઈ ના થાય” અથવા “મારે હજુ વાર છે” જેવું કશું હોતું નથી. જગ્યા ત્યાંથી સવાર.

શરીર કોઇ પણ ઉંમરે ફિટ થવા માટે કહ્યાગરા બાળકની જેમ તૈયાર હોય છે. મુસીબત ખાલી મનની હોય છે, જે વંઠેલા વયસ્ક જેવું હોય છે.

“If you do not challenge yourself every day, consciously create small challenges for yourself, your body begins to get weaker and weaker.”
– Milind Soman, Keep Moving.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *