ગપ્પાં/જૂઠાણાંથી હિન્દુધર્મ તંદુરસ્ત બને ખરો?

 ગપ્પાં/જૂઠાણાંથી હિન્દુધર્મ તંદુરસ્ત બને ખરો?

AVSPOST.COM,  Ahmedabad

સૌજન્ય:  રમેશ સવાણી,

ગપ્પાં/જૂઠાણાંથી હિન્દુધર્મ તંદુરસ્ત બને ખરો?

તાજેતરમાં જ એક સોખડા સંપ્રદાયના એક વિવાદિત સ્વામિનારાયણ સંતના ગ્રુપના એક અધકચરા જ્ઞાન ધરાવતા  સંતે મહાદેવ શંકરના વિશે વિવાદિત નિવેદનો કે ભાષણ કે પ્રવચન આપીને સમગ્ર હિન્દુ સમાજના શિવભક્તોમાં કચવાટની લાગણી પ્રગટાવી છે. ત્યારે આ બાબતે એક  નિવૃત્ત પોલીસ અધિકારી (Former IGP) રમેશ સવાણી એ પોતાના વિચારો પ્રગટ કર્યા છે.

સ્વામિનારાયણ સંતો પાસે પોતાનો કોઈ ઈતિહાસ નથી; એટલે જૂઠાણાં/ગપ્પાંની ખેતી કરી સ્વામિનારાયણ ભગવાનની/પ્રગટ બ્રહ્મસ્વરુપ સ્વામિઓની વાહવાહી કરે છે.

 

સ્વામિનારાયણ ભગવાન/ ઘનશ્યામ પાંડે/ સહજાનંદજીના (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું; પરંતુ સ્વામિનારાયણ ભગવાને ગુલામી સામે એક હરફ ઉચ્ચાર્યો ન હતો ! જ્યારે સહજાનંદજીના સમકાલીન રાજા રામમોહનરાય (22 મે 1772-27 સપ્ટેમ્બર 1833) સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા; તેવા કોઈ કાર્યો કરવાને બદલે સહજાનંદજીએ ચમત્કારોનો સહારો લઈને અલગ પંથની સ્થાપના કરી હતી !

નિષ્કુળાનંદ સ્વામિ રચિત ‘ભક્તચિંતામણી’માં 116 પરચા છે. કૃષ્ણાનંદ સ્વામિ રચિત ‘શ્રીહરિચરિત્રામૃત’માં 40 પરચા છે ! આ બન્ને પુસ્તકોમાં દર્શાવેલ 156 ચમત્કારો ‘શ્રીપરચાપ્રકરણ’ પુસ્તકમાં છે. 156 ચમત્કારો કરનાર સહજાનંદજીનો રાષ્ટ્ર નિર્માણમાં કોઈ મહત્વપૂર્ણ ફાળો ન હતો ! આ ચમત્કારોની વાતોથી ભોળા લોકોના મનમાં અંધશ્રદ્ધા રોપીને પોતાનો પંથ ઊભો કરવાનો હેતુ હતો ! પોતાને ભગવાન તરીકે સ્થાપિત કરવા હિન્દુઓના પૌરાણિક નાયકો શિવ/કૃષ્ણ/ રામ/ હનુમાનજી વગેરે સહજાનંદજી આગળ મામૂલી હતા; તેવો ગપોડી ઈતિહાસ ઊભો કર્યો છે !

 

સ્વામિનારાયણ સંતોના ગપ્પાઓના વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. હરિભક્તો/સત્સંગીઓ તાળીઓના ગડગડાટથી ગપ્પાને ઇતિહાસમાં ફેરવી નાખવાનો ભરપૂર પરિશ્રમ કરે છે ! હરિભક્તો શિવ/ કૃષ્ણ/ રામ/ હનુમાનજી વગેરે દેવી-દેવતાઓ કરતાં પણ સહજાનંદજીને સર્વોચ્ચ માને છે. ‘ભક્તચિંતામણી’ પ્રકરણ-128 મુજબ, “સહજાનંદજીએ પ્રથમ પરચો ભક્ત કણબી પર્વતભાઈને આપ્યો હતો. સહજાનંદજીના 24 અવતારોના દર્શન પર્વતભાઈને થયા. અતિ તેજોમય શ્રીજી મહારાજનું સ્વરુપ પણ દીઠું. એક પછી એક સર્વે અવતારો શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. પછી શ્રીજી મહારાજે કહ્યું કે સર્વે અવતારોના અવતારી અને સર્વે કારણના પણ કારણ અમે જ છીએ !” સંતો અને હરિભક્તો માને છે કે સૃષ્ટિની રચના સહજાનંદજીએ કરી હતી !

સ્વામિનારાયણ પંથના સંતો કેવાં કેવાં ગપ્પાં મારે છે? [1]

“શિવજીએ કહ્યું કે ‘ગુરુહરિ પ્રબોધસ્વામીના હું દર્શન કરું તેવા મારા પુણ્ય જાગૃત થયા નથી, પણ મને તમારા દર્શન થઈ ગયા એટલું મારું અહોભાગ્ય !’ એટલું કહી શિવજીએ નિશિતભાઈના ચરણસ્પર્શ કર્યા અને ત્યાંથી જતા રહ્યા !” [2] “હનુમાનજી સંત હતા, ભગવાન ન હતા !” [3] “તપશ્ચર્યાથી જીવની અંદર અહંકાર પ્રગટે છે. શંકર પણ તપસ્વી હતા પણ સહેજ અપમાન થાય તો ધનોતપનોત કાઢી નાંખતા ! જ્યારે બ્રહ્મસ્વરુપ સ્વામિઓ ગમે તેવું અપમાન થાય તો પણ હાથ જોડીને જ વર્ત્યા કરે !” [4] “એક વખત યોગીજી મહારાજને, કેટલાંક હરિભક્તોએ કહ્યું કે, અમે ડાકોર રણછોડરાયના દર્શને જવા ઈચ્છીએ છીએ. યોગીજીએ કહ્યું કે જઈ આવો અને દર્શન આપી (રણછોડરાયને) આવો ! તમે આપણું સ્તર તો જુઓ, આપણું મહાત્મ્ય જુઓ !” [5] “એક દીકરી હતી. તેણે શંકર ભગવાનની ખૂબ આરાધના કરી. એક દિવસ દિકરી મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ. શંકર ભગવાન હાજર થયા અને કહ્યું કે તને સત્સંગી પતિ મળે તેવો તારો સંકલ્પ મેં પૂરો કર્યો છે. પણ હવે તું મારો સંકલ્પ પૂરો કર. બેટા ! તને જે ગુરુ મળ્યા છે તેના દર્શન મને થયા નથી ! દર્શન કરવા તારી કૂખે હું જન્મ લેવા ઈચ્છું છું !” [6]

નિત્યાનંદ સ્વામિએ શિવ પુરાણ વાંચવાનું શરુ કર્યું. બીલીપત્ર ચડાવવાનું માહાત્મ્ય આવ્યું. તે વખતે મહારાજે (સહજાનંદજીએ) શંકરને સંભાર્યા. એટલે શંકર આવીને ઊભા રહ્યા. શંકરે મહારાજના ચરણસ્પર્શ કર્યા. મહારાજે શંકરને કહ્યું કે અમારે તમને બીલીપત્ર ચડાવવા છે. ત્યારે શંકરે કહ્યું કે હે મહારાજ ! હું તો તમારો દાસ છું ! માટે મારી પૂજા ન હોય. શિવજી મોટા દેવ છે છતાં મહારાજનો મહિમા સમજે છે ! સચ્ચિદાનંદ સ્વામિએ શિવજી સાથે કુસ્તી કરી તેમાં સચ્ચિદાનંદ સ્વામિ જીત્યા !” [7] “સ્વામિબાપાને એક વખત પેશાબ લાગ્યો, પેશાબ કરીને પછી તેઓ જોરજોરથી હસવા લાગ્યા. બધાંએ હસવાનું કારણ પૂછયું તો મહારાજે કહ્યું કે, પેશાબમાં મકોડો તણાઈ ગયો ! એ મંકોડો નહોતો, બ્રહ્મા હતો ! ગયા જન્મમાં તો એ ઈન્દ્ર હતો !”

સવાલ એ છે કે સ્વામિનારાયણ સંતો; શિવ/ કૃષ્ણ /હનુમાનને મામૂલી ગણતા હોય તો પોતાના મંદિરોમાં શિવ/ કૃષ્ણ/ રામ/હનુમાનજીની મૂર્તિઓ શામાટે રાખતા હશે? ગોપાલાનંદ સ્વામિએ, 1849માં બોટાદ જિલ્લાના સાળંગપુરમાં હનુમાનજીનું મોટું મંદિર શામાટે બનાવ્યું હશે? શું સહજાનંદજીએ સ્વામિનારાયણ પંથ સ્થાપ્યો ન હોત તો સમાજ પછાત રહી ગયો હોત? શું રાજા રામમોહનરાય/ દયાનંદ સરસ્વતી (12 ફેબ્રુઆરી 1824-30 ઓક્ટોબર 1883) અને જ્યોતીબા ગોવિંદરાવ ફૂલેએ (11 એપ્રિલ 1827-28 નવેમ્બર 1890) પ્રગટાવેલ ચેતનાને રુંધવાનું કામ સહજાનંદજીએ અને તેમના પંથે કર્યું ન હોત તો સમાજને વધુ ફાયદો ન થાત? કેટલાંક હરિભક્તોની દલીલ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય આખરે હિન્દુધર્મની સુવાસ દેશવિદેશમાં ફેલાવે છે; હિન્દુધર્મનો ફેલાવો કરે છે; તેથી વિરોધ કરવો ન જોઈએ !

 

સવાલ એ છે કે ગપ્પાં/જૂઠાણાંથી હિન્દુધર્મ તંદુરસ્ત બને ખરો?

( આ પોસ્ટ રમેશ સવાણીજીના ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે અને આ વિચારો એમની પ્રગટ કરેલા છે એ વાત વાચકોએ ખાસ નોંધ લેવી)

Email: [email protected]

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *