ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
રામ એટલે બદલો નહીં પણ આદર, આત્મિક પ્રેમ, વાસ્તવિકતા અને સરળતા
વિરલ રાઠોડ, અમદાવાદ
રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ
રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ
ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી રામ મંદિર તથા પ્રાણ પ્રતિષ્ઠાથી પાવન થઈ છે. વર્ષોથી જે મુદ્દા પર વાતચીત થતી અને ચૂંટણીની ચર્ચામાં જે વારંવાર ઘુંટાતું એ ચિત્ર તારીખ 22 જાન્યુઆરી 2024માં સ્પષ્ટ થયું છે. રામ મંદિરને લઈને જે વિષયો સંકળાયેલા છે એ તો સદાય રહેવાના, લખાવાના અને વંચાવવાના પણ ખરા. પણ કેન્દ્રમાં જે તત્વ રહ્યું છે એ રામ છે. મંદિર શબ્દની પહેલા પણ રામ, અયોધ્યા પછીનો પહેલો શબ્દ મનમાં આવે એ પણ રામ. સરયુ નદીના કિનારાનો કોઈ ઉલ્લેખ કરો તો પણ રામ અને દિવાળીનું પર્વ હોય ને દીવા જેના નામે થાય એ પણ રામ. આસ્થાનો મીઠડો દરિયો જ્યાં ઘુઘવાય છે એવી અયોધ્યા નગરી રામની પ્રતિષ્ઠાના રીયલ વાયબ્રેશનથી પવિત્ર બની છે. હાથીઓની વિરાટ સેના જેવા પથ્થરમાંથી સુંદર નક્શી કામ કરીને જે મંદિર તૈયાર થયું એ દરેક કારીગરોના હૈયે કદાચ રામે જ હિંમત કાયમ રાખીને મંદિર કાર્ય માટે નિમિત કર્યા હશે. મંદિર સાથેના અનેક એવા વિષયો છે જેની પર એક આખું પુસ્તક લખી શકાય. ફેક્ટ ફાઈલ પણ એવી છે જે દિમાગથી ખાલી કોઈ ફોલ્ડરીયો વાંચે તો પણ એના દિલમાં દશરથ નંદન વસી જાય. પણ હકીકત એ પણ છે કે, જ્યારે મૂખ્ય મૂર્તિ તૈયાર કરનાર અરૂણ યોગીરાજ મૂર્તિને કંડારી રહ્યા હતા ત્યારે એની આંખમાં ઈજા થઈ હતી. 14 દિવસના વિરામ બાદ કામ ચાલું થયું અને મૂર્તિ તૈયાર થઈ. અહીંયા પણ તબીબે એને 14 દિવસનો વિરામ આપેલો. છે ને બાકી રામની ક્નેક્ટિવિટી!
રામ કોઈ શબ્દ નથી પણ એક યુનિવર્સ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ત્રેતાયુગથી રામને જાણનારા સ્વીકારે છે કે, રામ કદી ખોટા નથી અને ખોટું હોય ત્યાં રામ નથી. ઈન્ડોનેશિયાથી લઈને ઈન્ડિયા (ભારત) સુધી રામનું એક વ્યાપક નેટવર્ક છે. અનેક એવા સ્થળો એની લીલાના સાક્ષી છે. પણ રામ જેટલું નામ ટૂંકું છે એટલી એનામાં ઊંડાઈ છે. પણ ખુદ રામના હૈયામાં આધાત ને પીડાનું સામ્રાજ્ય છે. કારણ કે, યુવાની માણવાની વયમાં વનવાસ માણ્યો ને પિતાના વચનને પાળવા રાજવી ઠાઠમાઠ ત્યાગી દીધો. આપણી આસપાસ કેટલાક માથાઓ બાપાની છત્રછાયા છોડી શકે પણ રોકડા નહીં. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે એક પ્રાર્થના કરીએ કે રાજકીય અખાડામાં કોઈ રામને લઈને દોષારોપણ ન થાય. કૃષ્ણ ને રામની તુલના ન થઈ શકે, કારણ કે બન્ને એક જ મુખ્ય પ્રભુના અલગ અલગ અવતાર છે. નિયમ, નીતિ અને નિર્ણય પરની અડતા એટલે રામ. વર્ષાંતે ઘણા લોકો રિઝોલ્યુશન નક્કી કરે પણ પછી એ ફોલો થાય છે કે નહીં એ તો હવે રામ જાણે! રામના સ્વભાવનું વિશ્લેષણ કરીએ તો એક વાત શીરાની જેમ ગળે ઊતરે એ છે નીતિ. પોલીસી. કોઈનું ખોટું કરવાની નીતિ નહીં અને સાચું હોય એને અન્યાય ન થાય એવી નીતિ. રાવણવધ કરીને એની લંકા પર રાજ કરી શકે એમ હતા. પણ તેણે વિભિષણને રાજ આપીને અવધાગમન કર્યું. એક વાસ્તવિકતા એ પણ છે કે, જેના પિતા રામપ્રેમી હોય એનો પુત્ર થોડી રાવણને ફોલો કરે? વિભિષણનો પુત્ર અયોધ્યા આવ્યો એવા પુરાવા છે. જેનું નામ છે મતગજેન્દ્ર. આજે અયોધ્યામાં એનું મંદિર છે. હેડમાં ભરાતા બેડ ન્યૂઝને કારણે આવું આપણી આંખ સુધી પહોંચ્યુ નહીં હોય કદાચ.
રામ એટલે રિલેશનશીપના માઈલસ્ટોન વ્યક્તિ. પતિ, પુત્ર અને ભ્રાતા તરીકે જેને કોઈ પણ ફ્રેમ વગર સ્વીકારી શકાય. રામાયણનું દરેક પાત્ર એક ઊંડાઈને સરળ શબ્દોમાં સમજાવે છે. ભરત ધારત તો સત્તાના સિંહાસન પર બેસીને રાજ કરી શકત. પણ ના…રાજ તો રામનું. હવે આ શબ્દને થોડો ટ્વિસ્ટ કરીએ તો રામરાજ છે આવો શબ્દ પ્રયોગ આપણે ક્યાં કરીએ છીએ? જવાબ તમારી પાસે છે જ…રામ રાજ્ય ને પ્રજા સુખી…આવું પણ બોલાય છે. હવે રામ પણ ઈચ્છે છે કે, આ શબ્દ પ્રયોગને કોઈ નેગેટિવ ટોનમાં ન બોલવામાં આવે. કમાલ કહો કે કમનસીબી પણ વારંવાર એવું પણ બોલાય છે કે, રામાયણ થઈ ગઈ. વાત સાચી કે રામાયણમાં લડાઈ હતી પણ માત્ર લડાઈ જ ન હતી. હનુમાન જેવા રામભક્ત પાસેથી રામભક્તિ પણ શીખવા જેવી છે. બસ, આ પ્રાણ પ્રતિષ્ઠાથી એ પ્રણ લઈએ કે, કોઈ પણ લડાઈ વખતે રામાયણ થઈ ગઈ એવું નહીં બોલીએ. આસ્થાની અયોધ્યામાં રામ મંદિર બંધાયું એમ દરેકના દિલમાં એક રામ મંદિર છે એની મર્યાદા રાખીને કોઈ પાસેથી રીવેંજ લેવાના બદલે relinquish (રેલિંક્વિશ-જતુ કરવું) કરીએ. બદલો લેવાના તાલિબાની વિચારોનું અમલીકરણ થાય છે એટલે જ તર્કશક્તિનો વિનાશ થાય છે.
રામ એટલે સરળતા, સમાનતા અને સભ્યતાનો સંગમ. પ્રભુએ એક વ્યક્તિ તરીકે જન્મ લઈને પાવરફૂલ કામ કર્યા. સાલું અહીંયા બધાને વ્યક્તિત્વ ભૂલીને પાવરફૂલ થવું છે. એ પણ શોર્ટકટથી. રામાયણમાં હનુમાનને કદી રામે તુકારો નથી આપ્યો. હનુમાને કદી ખોટી હોશિયારી નથી દેખાડી. શક્તિ પ્રયોગ પહેલા પણ હનુમાન જય શ્રી રામ બોલતા. સમાજના કેટલાક ડાયરેક્ટ શક્તિ પ્રયોગ કરે છે ને પછી હાય રામ…બોલે છે. બસ આવું ન કરીએ એ જ રામની સાચી પ્રાણ પ્રતિષ્ઠા. રામાયણના દરેક કિસ્સામાં જીવનમાં ઊતારવા જેવા પાઠ છે. પણ રામ પાસેથી ઈન્ટિગ્રિટી (પ્રમાણિતકા) અને સિમ્પિસિટી (સરળતા) શીખવા જેવી છે. આ ઉપરાંત જે સૌથી વધારે ગળે નહીં પણ આચરણમાં ઊતારવા જેવું છે એ છે બી રીયલ. અમુક લોકો દરેક કામમાં ખોટા ફિલ્ટર મારીને ન હોવાનું દેખાડે છે અને પોતાને પુરવાર કરે છે. એટલે જ તકલીફ પડે છે. કુટનીતિ મંથરાએ અપનાવી, નિમિત બની કૈકેઈ અને પરિણામ ભોગવ્યું રામે. બસ આવું થાય ત્યારે રામને યાદ કરી લેવાના. ખુદને સાચા સાબિત કરવાના બદલે સમયને પુરાવા આપવા દીઓ. કૈકેઈ જેવી કેટલીય સુધરી જશે એવી ગેરેન્ટી રામની.
ચલો ત્યારે રામ રાષ્ટ્ર બનાવીએ એવા પ્રયાસ સાથે જય શ્રી રામ!
સંપાદન – નિરવ જોશી (M-7838880134)