ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
પ્રાઈવસીની પોસ્ટ ના બને, પોએટ્રી બને – રાજ ગોસ્વામી
રાજ ગોસ્વામી (લેખક, ચિંતનકાર) સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134)
આજકાલ ઘણા બધા લોકો અને ખાસ કરીને ટીનેજર્સ પેઢીને સોશિયલ મીડિયા અને સ્ટેટસ એટલે કે whatsapp સ્ટેટસ સમાજને પોતાના વિશે માહિતી આપવાનું એક અગત્યનું સાધન લાગે છે !પરંતુ એના ઉપયોગમાં શું શું ધ્યાન રાખવું -એ પ્રખ્યાત ચિંતનકાર રાજ ગોસ્વામી સમાજને જણાવે છે.
મોર્નિંગ મ્યુસિંગ્સ:
ઈન્સ્ટાગ્રામ મિત્ર મેહુલ ભટ્ટને “કૌન બનેગા કરોડપતિ”નો એક એપિસોડ જોઈને પ્રશ્ન થયો કે લોકો સોશિયલ મીડિયા સહિતનાં સાર્વજનિક માધ્યમોમાં સાવ અજાણ્યા લોકો સમક્ષ પોતાની અંગત વાતો જાહેર કરવા/મૂકવા કેમ પ્રેરાતા હશે?”
સૌથી મોટું કારણ છે વેલિડેશનનું- કોઈ આપણને જુવે અને આપણે વિશેષ છીએ તેવું સ્વીકારે તેવી ભાવના સાથે લોકો પોતાની અંગત બાબતોને સાર્વજનિક કરે છે, કારણ કે લોકો એમ માને છે કે તેમનું જે અંગત છે, એ જ તેમને બીજાથી અલગ પાડે છે, અને તેની સૌએ નોંધ લેવી જોઈએ. દરેક વ્યક્તિમાં ઊંડે ઊંડે પોતે નિરર્થક છે તેવી ભાવના હોય છે. એટલે એ અસુરક્ષામાંથી બહાર આવવા માટે તેને બીજાઓના વેલિડેશનની આવશ્યકતા મહેસૂસ થાય છે.
લોકોમાં હંમેશાં એવી વૃત્તિ હોય છે કે તેઓ તેમની પોઝિટિવ ઇમેજને લોકો સમક્ષ મૂકે. જેવી રીતે લોકો ફોટોશોપ અથવા ફિલ્ટરનો ઉપયોગ કરીને પોતાની “અમુક” રીતની સેલ્ફી પોસ્ટ કરે છે, તેવી જ રીતે લોકો તેમની અંગત બાબતોને જાહેર કરીને તેમના વ્યક્તિત્વ (એટલે કે જીવન)ને અમુક રીતે “આકાર” આપે છે, જેથી તેઓ શ્રેષ્ઠ નજર આવે.
અમેરિકન પોપ આર્ટિસ્ટ, એન્ડી વારહોલે, અમેરિકામાં ટીવી નવું નવું આવ્યું, ત્યારે કહ્યું હતું કે, “in the future, everyone will be famous for 15 minutes.” સોશિયલ મીડિયાના જમાનામાં તો લોકો 5 મિનીટમાં “ફેમસ” થઇ જાય છે. એક જમાનામાં આપણા રોલ મોડેલ સમાજ સેવકો, નેતાઓ, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને કલાકારો હતા.
આ એવા લોકો હતા, જેમની પ્રખ્યાતિ તેમની લાંબા ગાળાની નક્કર સિદ્ધિઓ અને સમાજમાં તેમની ઉપયોગિતામાંથી આવતી હતી. જ્યારે ટેલિવિઝન (અને હવે ઇન્ટરનેટ) આવ્યું, ત્યારે સેલિબ્રિટીઓનો એક એક એવો વર્ગ પેદા થયો, જે લોકોનું મનોરંજન કરીને પ્રખ્યાત થવા લાગ્યો છે.
સોશિયલ મીડિયાએ અંગત અને સાર્વજનિકની સીમારેખા ભૂંસી નાખી છે. ઉત્તરોત્તર એમાં નિજી જીવનને ખુલ્લું કરવાનું ચલણ વધી ગયું છે, એટલે દંભ અને શો-ઓફમાં વધારો થયો છે. આપણને એવો ભ્રમ છે કે લોકો માટે આપણે જેટલા ખુલ્લા થતા રહીએ, તેટલું જ આપણે કશું હાંસલ કરીએ છીએ. વધુ પડતા સોશ્યલાઇઝેશનથી સંપર્કો વધે છે અને દૈનિક જીવન આસાન થાય છે તે સાચું, પરંતુ એમાં તમે જે ‘તમે’ છો, તેનો ભોગ લેવાય છે અને તમે બીજા ‘કોઈક’ બની જાવ છો.
લોકો પોતાની ઇમેજ બનાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે, પણ છેવટે એ ‘પોતે’ ખોવાઇ જાય છે.
નિજી સ્તરે સીંચિત થતું જીવન વધુ સાર્થક અને સુખી હોય છે, અને તે નિજી રહે તો જ તેની પવિત્રતા જળવાય છે. પ્રાઈવસીની પોસ્ટ ના બને, પોએટ્રી બને.
Email- joshinirav1607@gmail.com