ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ
સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ / સંજય સ્વાતિ ભાવે
અર્થશાસ્ત્રના ચિંતક અને અધ્યાપક તેમ જ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બી. શાહનું 03 ફેબ્રુઆરીના શનિવારે તેમના અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 14 નવેમ્બરે 88મા વર્ષમાં પ્રવેશ્યા હતા.
અચૂક પ્રગતિશીલ મૂલ્યો,બહુધા ક્રિટિકલ અભિગમ,વૈચારિક સ્પષ્ટતા તેમ જ વાસ્તવદર્શી વિશ્લેષણ સાથે એકલપંડે સતત અભ્યાસ-સંશોધન કરીને સંઘેડાઉતાર શૈલીમાં ગુજરાતીમાં જ લેખન કરીને વિદ્યાજગતને સમૃદ્ધ બનાવ્યું છે.
અત્યારની પેઢી માટે કદાચ ઓછા જાણીતા રૅશનલ, ઓછાબોલા, અંતર્મુખ અને માનવીય અભિગમ ધરાવનાર આ ચિંતકના બે પુસ્તકો હમણાંના વર્ષોમાં જાણીતા થયા હતાં – ‘અર્થવાસ્તવ’ (2019)તેમ જ ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’(2004).‘અર્થશાસ્ત્રનો પારિભાષિક કોશ’ તેમણે વિદ્યાશાખાને આપેલી દેણ છે.
અમેરિકન અર્થશાસ્ત્રી W.C.Baumol ના Economics Theory and Operation Analysis નામના સાડા આઠસો જેટલાં પાનાંના ગ્રંથનો ‘અર્થશાસ્ત્રના સિદ્ધાન્તો અને કાર્યાત્મક પૃથ:કરણ’ નામે,બંને ભાષાની પરિભાષા સૂચિ સહિતનો,સુવાચ્ય અનુવાદ તેમનું આકર કાર્ય છે.
ઉપરોક્ત પુસ્તકો ઉપરાંત રમેશભાઈના નામે જે વીસેક પુસ્તકો છે તેમાં છ જેટલાં મૌલિક છે, અને પંદરેકમાં તેમનું સહલેખન છે. તેમના અન્ય પુસ્તકોમાં સંપાદનો અને તેમની વ્યાખ્યાન-પુસ્તિકાઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતી વિશ્વકોશમાં અધિકરણ લેખન સાથે તેમણે પરામર્શક તરીકેની જવાબદારી પણ નિભાવી છે. તેઓ ‘અભિદૃષ્ટિ’ અને ‘અર્થસંકલન’ સામયિકોના સંપાદક પણ રહી ચૂક્યા છે. ‘ નિરીક્ષક ‘, તેમ જ ‘ નયા માર્ગ ‘ માં, અને ક્યારેક ‘ પરબ ‘ કે ‘ પ્રત્યક્ષ ‘ માં આવતા તેમના લેખો, ઉપરાંત વર્ષો સુધી ‘ બુદ્ધિપ્રકાશ ‘ માં સાંપ્રત આર્થિક-રાજકીય- સામજિક પ્રવાહો પરની તેમની નોધો – આ બધું લેખન ખૂબ અભ્યાસપૂર્ણ અને વિચારપ્રેરક રહેતું.
તેમણે લેખનમાં અર્થશાસ્ત્રની સિદ્ધાન્તચર્ચાના પાસાં ઉપરાંત અર્થશાસ્ત્રનો ઇતિહાસ, ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ અર્થવ્યવસ્થા, ખેતીનું અર્થશાસ્ત્ર, આંતરાષ્ટ્રીય તેમ જ વિકાસશીલ દેશોનું અર્થશાસ્ત્ર જેવા વિષયોને આવરી લીધા છે.
રમેશભાઈ ઉત્તમ અધ્યાપન માટે જાણીતા હતા.વિદ્યાર્થીઓ જોડે તેમની નિકટતાના કિસ્સા જૂજ હશે; પણ વર્ગમાં તેઓ ખૂબ નિયમિતપણે, ચોકસાઈથી, કાળા પાટિયાના ઉપયોગથી, વિદ્યાર્થીઓના સ્તરની સમજ સાથે, વિદ્યાર્થીઓને તરત સમજાઈ જાય તે રીતે શીખવતા.
તેઓ બહુ ઝડપથી બોલતા નહીં,એટલે તેમનાં વ્યાખ્યાનો દરમિયાન વર્ગ-નોંધો સારી રીતે કરી શકાતી. આ નોંધો પરથી તૈયાર કરેલા જવાબો,વધારાનું કંઈ વાંચ્યાં-ઉમેર્યાં વિના પણ સારા ગુણ મેળવવા માટે પૂરતાં સાબિત થતા.
રમેશભાઈના જાહેર વ્યાખ્યાનો સાંભળવા એક લહાવો હતો.
વાગ્મિતા અને વાકપટુતા,અવાજમાં આરોહ-અવરોહ, સંકુલતા અને સંદર્ભપ્રચૂરતા, ટોણા અને ટૂચકા એ આકર્ષક જાહેર વ્યાખ્યાનના ગુણો ગણાતા હોય છે. આમાંથી કશું રમેશભાઈના વ્યાખ્યાનોમાં ન મળતું અને છતાં તે ખૂબ અસરકારક બનતાં.
તેઓ સ્થિર ઊભા રહીને વ્યાખ્યાન આપતા,હાથમાં કાગળ કે પુસ્તક રાખ્યા વિના,અવાજની એક જ પટ્ટીમાં,એક સરખી ગતિથી વહેતી નદીના પ્રવાહની જેમ વ્યાખ્યાન આપતા.વ્યાખ્યાનના વિષય અંગેની તેમની વૈચારિક સ્પષ્ટતા સ્ફટિક જેવી સ્વચ્છ અભિવ્યક્તિમાં પરિણમતી.
રમેશભાઈ રૅશનાલિસ્ટ હતા,પણ તેમનો બુદ્ધિપ્રામાણ્યતાવાદ જાહેરમાં વ્યક્ત કર્યો હોવાનું જાણમાં નથી. પણ વ્યક્તિગત ધોરણે તે કેટલા પાકા રૅશનલ હતા તે તેમણે 4 એપ્રિલ 2016 તારીખે લખેલી વ્યક્તિગત નોંધમાં વાંચવા મળે છે.
આખરી વર્ષોમાં રમેશભાઈની ખૂબ સંભાળ રાખનાર તેમના અમદાવાદ-સ્થિત ચિરંજીવી ગૌરાંગભાઈએ તે નોંધ આ લખનારને,અને રમેશભાઈને લખવા-વાંચવામાં પ્રાસંગિક સહાય કરનાર કેતન રૂપેરાને બતાવી.
ગૌરાંગભાઈની અનુમતિથી તે નોંધ કોઈ પણ ફેરફાર વિના અહીં શબ્દશ: મૂકી છે.
******
‘ આ સૂચનાઓ હું પુખ્ત વિચારણા પછી સ્વસ્થ ચિત્તે લખી રહ્યો છું. તેનું ચુસ્ત રીતે પાલન કરશો.
1. અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં અને અગ્નિ સંસ્કાર કરતી વખતે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરવી નહિ. મારા શબ-નનામી ઉપર ફૂલો મૂકવાં નહિ. મારા શબની પ્રદક્ષિણા કરીને પગે લાગવું નહિ.
2. મારા અસ્થિને કોઈ નદીમાં નાખવાનાં નથી,તેથી તે કાઢવાં નહિ.
3. મારી પાછળ બેસણું રાખવું નહિ.
4. દસમા-બારમા જેવો વિધિ કરવો નહિ. શ્રાદ્ધ કરવું નહિ.
5. મારા અવસાન પછી કોઈ શોક પાળવાનો નથી. કુટુંબમાં કોઈ લગ્નપ્રસંગ હોય કે ઉત્સવનો પ્રસંગ હોય તો તે મુલત્વી રાખવો નહિ.તેમાં આનંદ અને ઉત્સાહથી ભાગ લેવો.મારું જીવન હું સારી રીતે જીવ્યો છું.બધાનો ખૂબ પ્રેમ અને સદભાવ મળ્યો છે. આવું જીવન પૂરું થવાનો પ્રસંગ શોકનો નથી,પણ સંતોષ અને આનંદનો છે. 4 – 4-2016
‘ તા.ક. મારું અવસાન થાય ત્યારે કોઈ દીકરો ગામમાં ન હોય તો, અગ્નિ સંસ્કારનો કોઈ વિધિ કરવાનો ન હોવાથી એમના આવવાની રાહ જોયા વિના અંગ્નિ સંસ્કાર કરી નાખવો. – રમેશ બી. શાહ