જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી

 જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી

જય નારાયણ વ્યાસ, અમદાવાદ ( ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર)

આજે ૧૯ મે…

આજે અમારી લગ્ન તિથિ

પ્રિય સુહાસિની

આપણી જિંદગીમાં એક વિશિષ્ટ દિવસ, જ્યારે આપણે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા. ૧૯ મે એ શરૂ થયેલ લગ્ન ૨૦મીએ પૂર્ણ થયું. તને યાદ છે?

કન્યા વળામણી થઈ ત્યારે મારા બાપાના એક મિત્રની ફિયાટમાં આપણે ઘરે જવાનું હતું. નસીબની બલિહારી તે ફિયાટ ચાલુ જ ના થઈ! પણ કન્યા વિદાય તો થઈ. આકાશમાંથી સરસ મજાની ચાંદની વરસી રહી હતી. જાનૈયા અને તારા પિયર પક્ષના લોકો હજુ વિચાર કરતા હતા કે શું કરવું. મારા મગજમાં એક સ્ક્રુ ઊંધો બેસાડેલો છે એટલે તુક્કો આવ્યો અને મીંઢળબંધ છેડાછેડીના બંધનથી જોડાયેલા આપણે બે…

મેં તને કહ્યું, ‘ચાલ, ચાલી નાખીએ. બહુ અંતર તો છે નહીં.’

આકાશમાંથી આશીર્વાદ વરસતા હોય તે રીતે ચંદ્રની શીતળ ચાંદની વરસી રહી હતી. અને આપણે ત્યાં ઉપસ્થિત બધાને સામાન્ય રીતે કન્યા વિદાય વખતે થતી રોકકળનો મોકો આપ્યા વગર ચાલી નીકળ્યા. બીક તો આમેય નહોતી લાગતી. એટલે મા મને ‘વનેચર’ અને ‘જંગલી’ કહીને બોલાવે એવા પ્રસંગો મારા તોફાનમસ્તીને કારણે વારંવાર બનતા. આજે જ્યાં વર્ષો સુધી રમીજમીને મોટી થઈ તે આંગણું અને આપ્તજનોને મૂકીને તું એક હરફ પણ બોલ્યા વગર ચાલી નીકળી. હા, તારી આંખોના ખૂણે મોતીબિંદુ જેવા અશ્રુ દડદડ કરતા વહી રહ્યા હતા. હું માનું છું કે એમાંનાં અડધાં પોતાના આપ્તજનોને છોડવાના દુઃખના અને અડધાં આપણા નવજીવનની ખુશીનાં હશે. પતિપત્ની જીવનમાં સહજીવનના પગલાં ઈશ્વરની કૃપાથી સપ્તપદીના સિદ્ધાંતો મુજબ સાથે જ માંડે છે, આયખું પૂરું થાય અને એમાંથી એક વહેલું વિદાય થાય ત્યાં સુધી.

અમે નિશાળેથી છૂટતાં નાનાં બાળકોની માફક એકબીજાનો હાથ પકડીને ચાલી નીકળ્યાં. લાકડાં ફાડવાથી માંડી ઝાડનાં ડાળાં કાપવા સુધી અને ગિલ્લીદંડાથી ક્રિકેટ સુધીની રમતો મારા જીવનમાં ભણવા કરતાં વધારે સમય ખાઈ જતી. મા આ બધાથી કંટાળે ત્યારે જે કહેતી તે શબ્દો પણ એવા ને એવા યાદ છે. એ કહેતી: ‘ભણવા-લખવાનું નેવે મૂક પછી આખી જિંદગી ચપ્પણિયું લઈને માંગી ખાજે’. એને ખબર નહોતી કે ગુસ્સામાં કહેવાયેલા આ શબ્દો ખોટા પડવાના હતા. આ કારણથી મારા બરછટ હાથમાં તારો માખણ જેવો સુવાળો હાથ એ દિવસે હસ્તમેળાપ બાદ બીજીવાર પકડાયો ત્યારે મારો હાથ (અને શરીર પણ) કેટલાં જડ છે એનો મને પ્રત્યક્ષ ખ્યાલ આવ્યો. ત્યારે અણસાર પણ નહોતો કે અનેક સંઘર્ષો કરતા આજીવનમાં તેનો હાથ અને શબ્દો માખણ જેવી કુમાશ અને આકાશમાંથી વરસતી ચાંદની જેવી શીતળતા ફેલાવશે. મને એ પણ ખબર નહોતી કે સુદામાના ઘરમાં કંકુ પગલે રૂમઝૂમના મોહક અવાજે સાક્ષાત લક્ષ્મીજી પધારી રહ્યાં છે. એ દિવસ મારા જીવનમાં ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો અને મેં અથવા બીજા કોઈએ સ્વપ્નમાં પણ નહીં કલ્પી હોય એવી પ્રગતિ સતત માર્ચ ૨૦૨૧ના મધ્યમાં તે અંચાઇ કરીને હાથ છોડી દીધો ત્યાં સુધી મારા જીવનમાં થતી રહી. મારે તો તારી જીવનભર જરૂર હતી પણ ભગવાન બધું જ આપણને આપી દે એવું બને ખરું?

આ વરવધૂ, માત્ર બે જ જણની લગ્ન પછી સજોડે ગૃહયાત્રા મારા જીવનની જે કેટલીક વિશિષ્ટ યાદો છે તેમાની એક બની ગઈ. સાચા અર્થમાં આપણે એકલા હતા એટલે બેમાંથી એક બન્યા એવો આ પ્રસંગ. વરઘોડિયા એકલા ચાલતે ચાલતે વૈશાખ મહિનાની અમી વરસાવતી એક શીતળ રાતે તું તારા ભાવિ અને કાયમી ઘર તરફ ધીમે ધીમે ડગલા માંડી રહી હતી. એક સાથનો આ અણમોલ ખજાનો જલ્દી પૂરો થઈ જાય એવો આપણાં બેમાંથી કોઈનો ઈરાદો નહોતો.

રસ્તામાં મારી માની અને અમારા કુટુંબની અપ્રતિમ શ્રદ્ધા હતી એ મૃત્યુંજય મહાદેવની ધવલ ધજાનાં દર્શન કરી મનોમન માથું નમાવી આશીર્વાદ માંગ્યા. ત્યાર બાદ મા જગતજનની અંબાનુ મંદિર આવ્યું તેને પણ શ્રદ્ધાવંદના પાઠવી. આગળ ચાલ્યા એટલે મેં એને પૂછ્યું, ‘તે શું માંગ્યું?’ ખૂબ આનાકાની પછી શરમાતા શરમાતા એણે કહ્યું, ‘તારું દીર્ઘાયુષ્ય અને બધા જ ક્ષેત્રોમાં તું પરીક્ષાની જેમ પહેલે નંબરે આવે તે.’ એના માટે એણે માંગ્યું હતું, ‘તારા સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ’. આ આશીર્વાદ એણે સાક્ષાત દેવી સ્વરૂપે એવા શુભ ચોઘડીએ માંગ્યા હશે અને શિવ અને શક્તિએ એટલી ઉદારતાથી આપ્યા હશે કે જેનું ઘર અને તે પણ પોતાનું નહીં, પતરાના છાપરાવાળું અને કોઈ જ સવલત વગરનું હતું તે એકએકથી ચડિયાતા બંગલાઓમાં રહેવા માંડ્યો. આની સાથોસાથ આખી જિંદગી ગજા કરતાં પણ મોટા સાહસો કર્યા તો પણ ક્યારેય પૈસા એમાં અડચણરૂપ ન બન્યા.

તે આપણો વંશવેલો વધે તે માટે ત્રણ બાળકો આપ્યાં. આજે એ ત્રણેય મારા નામથી નથી ઓળખાતાં, પરંતુ પોતાના પરાક્રમ અને સિદ્ધિઓને નામે ઓળખાય છે. ભગવાન એમના પર સદૈવ મહેરબાન રહે. ‘પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય’ એ સૂત્રને આપણા બાળકોએ સાચું પાડ્યું છે. પોતપોતાના ક્ષેત્રોમાં એમણે સારુંએવું કાઠું કાઢ્યું છે. આ સૌને એમનો સંસાર છે અને ભગવાનની દયાથી એ બધા પોતપોતાના સંસારમાં રત છે. તારી ખોટ પડી પણ મારી તો નહીં જ પડે એવો મને વિશ્વાસ છે.

અને…

બાકી રહ્યો હું,

અશ્વત્થામાનો મણી હરાઈ જાય પછી એ ચિરંજીવ ખરો પણ એને કોઈ પૂછે છે ખરું? આ અશ્વત્થામા જેવી મારી સ્થિતિ છે અને છતાંય બહારની ખુમારીથી જીવવાના નાટકમાં આખરી અંક ભજવી રહ્યો છું. છેલ્લા પાંચ વર્ષમાં તારી પાસે દોડી અવાય એવા એક કરતાં વધારે મોકા મળ્યા છે પણ નસીબ બે ડગલાં આગળ છે. એકાંતની ક્ષણોમાં અને ક્યારેક પ્રવૃત્તિ વચ્ચે જાણે તું હાજર હોય એવો અહેસાસ કરું છું. હવે મોડાવહેલા રાતે ઘરે આવીએ તો ડાંટ નથી પડતી કારણ કે તું નથી. અને આમ છતાંય મારા સ્મરણોમાં હંમેશા તું જીવંત છે. એટલે જ હજુ સુધી તારા નામની આગળ હંમેશા ‘હૃદયસ્થ સુહાસીની’ લખ્યું છે. મને ખાતરી છે મારા વગર તને સ્વર્ગમાં પણ ફાવે ખરું? મીઠા ઝઘડા કોની સાથે કરવા? અને એટલે મેં તને હંમેશા માટે મારા હૃદયમાં સમાવી લીધી છે. જ્યાં સુધી હૃદયના ધબકાર ચાલુ હશે ત્યાં સુધી તારું નામ અને યાદ જાણે તું પ્રત્યક્ષ હોય તે રીતે સંભળાતી રહેશે, ટીક… ટીક… ટીક…

હા, તું કોઈ દિવસ મને યાદ કરે છે ખરી? મને તો જવાબ ખબર છે પણ તે તારા મોઢે સાંભળવો છે!!

આપણી લગ્ન તિથિ મુબારક

જન્મોજનમ આપણે મળતાં રહીએ ભગવાન પાસે આ એક જ માંગણી.

– જય

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच