અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા

 અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540)

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪: વિશેષ*

અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા

ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું

ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓ આ શક્તિપીઠમાં વિશેષ આસ્થા ધરાવે છે. દેવી ભાગવત પુરાણમાં પણ શક્તિપીઠ અંબાજીનો મહિમા વર્ણવાયેલો જોવા મળે છે. આગામી ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાશે ત્યારે આવો જાણીએ શક્તિપીઠ અંબાજીનો મહિમા..

યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં હૈયાથી હૈયુ દળાય એવો માનવ મહેરામણ ઉમટશે. દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપૂર મેળામાં ઉમટે છે. શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની પુરાણોમાં માન્યતાને લીધે જ શ્રધ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે.

મા અંબેના પ્રાગટ્યની મૂળ કથા પુરાણ ઉપર આધારીત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતાં. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની સમંતિ ન હોવા છતાં દેવી સતિ પિતાના ઘેર પહોંચી ગયાં. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતિએ યજ્ઞ કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો.

ભગવાન શિવજીએ દેવીસતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યુ અને દેવી સતિના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યાં. ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડીને દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇભક્તોમાં મા અંબેનું ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.

દેવી ભાગવતની દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં મહિષાસુર નામે સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો. તેથી ત્રિદેવ બ્રહ્મા- વિષ્ણુ- મહેશના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયે ગયાં. જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી. જેથી આદ્ય દેવીશક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં મહિસાસુર મર્દિની તરીકે પ્રખ્યાત થઇ ગયાં. રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી રૂષિના આશ્રમમાં આવ્યાં. જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિદેવી અંબાજીએ તેમને અજયબાણ નામનું ચમત્કારિક તીર આપ્યું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો.

*શ્રીકૃષ્ણની ચૌલક્રિયા*

એવી પણ એક દંતકથા છે કે દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર કાઢવાની ક્રિયા જેને ચૌલક્રિયા કહેવાય છે પણ કરવામાં આવ્યા હતાં. તેમના પાલક માતાપિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતાં. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતાં. તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.

દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોઈ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો કરોડોની સંખ્યામાં માઇભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે. મા અંબા ભાવિક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધાળુઓની માન્યતાને પગલે દર વર્ષે મેળામાં યાત્રિકો દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. રાજ્ય સરકાર, શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તથા સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી લાખો માઇભકતો માટે મેળામાં રહેવા, જમવા , સુવા અને દર્શનની વિશેષ સગવડો ઉપલબ્ધ કરવામાં આવે છે.


*ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ વિશેષ*

*ઇ.સ. ૧૮૪૧ માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત્*

*શિહોરીના રાજવી ભીમસિંહે અંબાજી જવાની માનતા લઇ પગપાળા સંઘની સ્થાપના કરી હતી*

*લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન*

*નાના-મોટા ૧૫૦૦ થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી આવે છે*

 

દેશના ૫૧ શક્તિપીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી કરોડો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શકિત, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો આ મેળો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. જેમાં ભાદરવી પૂનમના મહામેળાનું વિશેષ મહત્વ હોઇ કરોડો માઇભકતો આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. ભાદરવી પૂનમ ના મેળામાં પગપાળા આવવાનું અને આસો માસમાં શરૂ થતી નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવાની પરંપરા હોઈ લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં પગપાળા સંઘ લઈ આવે છે. ઇ.સ. ૧૮૪૧ માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત્ છે.

ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી પર્વ ઉજવાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્ત્વ એ છે કે, નવરાત્રિ નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. અનેક પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે. મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે.

*અંબાજી પદયાત્રાનો ઇતિહાસ*

એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો. ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને ૫૧ બ્રાહ્મણો સન ૧૮૪૧ ની ભાદરવા સુદ દસમના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી જે પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. આજે નાના-મોટા ૧૫૦૦ થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.

*લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન*

વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી કે, ‘જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ મા અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાંનિધ્યમાં આવશે.’- જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.

આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાનાં દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાનાં દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેને મા અંબા આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

સમગ્ર ગુજરાતના તેમજ વિદેશી ગુજરાતી માના ભક્તો પણ પદયાત્રા કરે છે. મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત ,વડોદરા, આણંદ અને તેના જિલ્લાઓના ઘણા બધા પદયાત્રીઓ છેલ્લા ત્રણેક દિવસ એટલે કે 9 તારીખથી પદયાત્રા કરીને મા અંબાના મંદિરે પહોંચવા લાગ્યા છે.

અમદાવાદના દસકોઈ તાલુકાના ગતરાળ ગામના મા અંબાના આવા જ એક ગ્રુપ ને મળવાનું રવિવારે થયું! ભક્તોને કહેવા પ્રમાણે આજથી ચાર પાંચ વર્ષ પહેલા તો 200 જેટલા ભક્તો આ ગામથી ચાલીને અંબાજી આવતા હતા પરંતુ હવે કોરોના પછી સંખ્યા ઘટી છે અને હવે 70 થી 80 જેટલા ભક્તો ચાલીને આજરોજ માં અંબાના દર્શન કર્યા હતા.

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच